બાંધણી/સર્જક-પરિચય

Revision as of 16:56, 27 August 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સર્જક-પરિચય
Bindu Bhatt.jpg


બિંદુ ભટ્ટનો જન્મ ૧૮ સપ્ટેમ્બર, ૧૯૫૪ માં જોધપુર (રાજસ્થાન) ખાતે થયો. આપણા પ્રથિતયશ સર્જક-અધ્યાપક ભોળાભાઈ પટેલ અને રઘુવીર ચૌધરી પાસે હિન્દી સાહિત્ય ભણ્યાં. પીએચ.ડી. પણ કર્યું. ગાંધીનગરની ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ કૉલેજમાં હિન્દી સાહિત્યનું અધ્યાપન કર્યું અને હાલ નિવૃત્ત છે. અધ્યાપનની સમાંતરે જ તેમનું સર્જન અને અનુવાદનું કામ ચાલતું રહ્યું. ૧૯૯૨માં તેમની પ્રથમ લઘુનવલ ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’એ સૌનું ધ્યાન ખેંચ્યું. તે હિન્દી અને સિંધી ભાષામાં અનૂદિત થઈ અને તેને ગોવર્ધનરામ સ્મૃતિ પુરસ્કાર મળ્યો. વરિષ્ઠ બાળસાહિત્યકાર હુંદરાજ બલવાણીને આ લઘુનવલના સિંધી અનુવાદ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. ૧૯૯૯માં તેમની નવલકથા ‘અખેપાતર’ એવી યશોદાયી નીવડી કે તેને ૨૦૦૩નું દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રિયકાન્ત પરીખ પારિતોષિક પણ તેને મળ્યું અને તેનો હિન્દી, મરાઠી, ઉડિયા, કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો. આ પછી પંચોતેર જેટલી સંસ્થાઓએ બિંદુ ભટ્ટ માટે સર્જક-સન્માનના કાર્યક્રમો કર્યા. ૨૦૦૯માં તેમનો વાર્તાસંગ્રહ ‘બાંધણી’ પ્રકાશિત થયો જેને ધૂમકેતુ પારિતોષિક મળ્યું અને તેનો હિન્દીમાં અનુવાદ થયો. બિંદુ ભટ્ટનાં બે વિવેચનનાં પુસ્તકો હિન્દીમાં છે, ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ’ અને ‘આજ કે રંગનાટક’. તેમણે ધીરુબહેન પટેલની લઘુનવલ ‘આંધળી ગલી’ તથા જયંત ગાડીતની બૃહદ્ નવલકથા ‘સત્ય’ના ચાર ભાગનો હિન્દી અનુવાદ કર્યો છે. ભાષાશાસ્ત્રી હરિવલ્લભ ભાયાણીનાં પુસ્તક ‘અપભ્રંશ વ્યાકરણ’નો પણ હિન્દી અનુવાદ કર્યો છે. હિન્દી સર્જક ફણીશ્વરનાથ રેણુના હિન્દી મોનોગ્રાફને તેમણે ગુજરાતીમાં ઉતાર્યો છે. તેમણે સંપાદનનું કામ પણ કર્યું છે અને વિવિધ સ્તરોએ સાહિત્યનાં અનેક કામો કર્યા છે. –સંધ્યા ભટ્ટ