તડકેશ્વર – ભરત નાયક
◼
ગુજરાતી અંગત નિબંધો • તડકેશ્વર – ભરત નાયક • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા
◼
મેળે ગયો હતો, ભંજાતે, સરાવણના ચોથા સોમવારે, સપરમા દા’ડે. મેળો માનીતો, ભરાય તડકેશ્વર મહાદેવના મંદિર સામેના ચોગાનથી ઠેઠ વાંકી નદીને કાંઠેકાંઠે. ગામથી ગાઉએક આઘેના એ મેળામાં સાવ અડવાણે પગે ગયેલો. બલિયાની કરકરી કાંધ ફરકે ને એના પરની માખ લસરે એમ પગની પાની ભીની ખરબચડી ડામરની સડક પર સરકતી હતી. સડકની બંને પા વાંઝરાંનાં ઝાડવાંની હાર સામેથી માથું ધુણાવી આંખોની કોરથી પાછળ ગરકી જતી હતી. મોસમ આવે ત્યારે આ વાંઝરાં પર હૂપાહૂપ ચઢી જાઉં. ઉપરથી વાંઝરાં ઝંઝોડી પાડું. લાગ ફાવે તોડીતોડીને મોઢામાં ઓરતો જાઉં. હેઠે ઊતરું ત્યારે ચડ્ડીનાં ડાબા-જમણા ફેફસાં જેવાં ખિસ્સાં ભરચક જાંબુડિયાં થઈ જાય – બસ વાંઝરાંથી જ ડોંઝરો ભરવાનો. ગામના દોસ્તાર સંગાથમાં હોય એ મેં ખેરવેલાં વાંઝરાં માંહોમાંહ ઝાપટી આંચકીને લહકલહક ખાતા જાય, ઊંડે કૂવામાંથી જાણે હાક મારતા જાય : ટિહલાણીએ કાં જાય? ડાળી ટહરી ઓ’ય જો વાંઝરાંની – બેનની આબદા મારે, ભોજલાની જેમ નીચે હેરવાઈ ની પડતો. એમ કાંઈ હેરવાઈ પડું કે? પગ ડાળીનો ભાગ થઈ જાય, એની પાંદડીઓ જેટલો હલકો ફૂલ, ડાળીએ અલ્લકતલ્લક ચાલુ હો – બે હાથની પાંખ કરીને – એય તારે દોરી પર નટ મેલાયવા કરે એમ. ભૂરાંભૂરાં રસથી લથબથ માખણિયા ગીલવાળાં વાંઝરાં ને લીલીછમ પાંદડીઓ ને ઉપર ખોબેખોબા ઊછળતું અજવાળુ ને એમાંથી સૂસવાતું ભૂરું આભલું – માથેથી સૂડા ઊડી જાય એ તો નફામાં, આ વાંઝરાંના એકોએક થડને બાથમાં ભરીને ખિસકોલાની માફક ઉપર સડસડાટ ઘણી વાર ચઢી જતો. આજે ચાલતો હતો ત્યાં એક થડ પર મંકોડો – થડની સુકાઈને ફાટી ગયેલી છાલમાંથી જગા કરતો, થડને સૂંઘતો ઉપર ચઢતો જોયો. સૂનમૂન એ મંકોડો એવારો જ મારે ડાબેથી છએક ગાઉ છેટેના પારનેરા ડુંગરના ઘાસિયા મેદાનને છેડેથી દરિયાનું મોજું ઊંચકાઈ આવે એમ મારી આંખોથી ઓરો થઈ જતો – એના પરનું સીતાફળીવાળું જંગલ છાતીમાં ભર્યા કરતો હતો. ડાબી કોર ગઢેરમાં વળ્યો તો ગઢેર ચિક્કાર – ભાઠલા, ધોળિયા – દૂબળાથી, એમનાં ફૂલેલાં ધોતિયાં-સાડલાં-ટોપી – લાલપીળા રૂમાલથી, ઊડાઊડ ધૂળથી, શોરબકોરથી. એક તો જીવને ટાઢક થાય એવી પો’ર, ઉપરથી ફૂંકાયેલી હવા – ફણસી પરના વજનદાર ફણસને હો ફેરવી કાઢે, બાવળિયાની વાડમાં ચણોઠીનાં ઝૂમખાં રણકી ઊઠે, અંદર વાડામાં છાપરા પરનું પરાળ ઊંચું થઈ જાય, બોકડાં બાવળના થડ પર આગલા બે પગ ટેકવી ડોક ખેંચી પાલી ચાવતા હોય તે ઉપરથી કાંટિયુું તૂટી પડતા ચમકીને ભાગવા માંડે, આઠદશ પીલાં લઈને માટીનાં જીવડાં ચણતી મરઘીનાં પીછાં પૂદથી પંખો થઈ જાય – એકાદું પીલું એ હવાના હડદોલાથી ગબડી પડે. પણ ગઢેરમાં તો કાંઈ ધૂળ ઊડે! મારા અડવાણા પગના પંજા ગઢેરની ધૂળમાં ચિમાઈ ચિમાઈ જાય, મૂંડી ખોસીને જાણે આગળ ચાલે. રહી રહીને ધપતા પગનાં આંગળાં ભોંયને બાઝી પડે – એમ થાય કે પગમાં ચંપલ કેમ નથી? અંબુકાકાના મનહરે ટાયરના સોલની ગિલોલી રબ્બરવાળી ચંપલ પહેરેલી મેળામાં. અંબુકાકા તો ઘંટી ચલાવે, જુવાર-ચોખા દળવાની. એમની કમાણી ચપટીક લોટ જેટલી ઝીણી, ઉપરથી એમને સાત પોયરા. મનહર ઠેઠ ચોથો. તો બી એના પગમાં ચંપલ. અંબુકાકાએ એને મેળામાં વાપરવાના ચાર આના હો આપેલા. મારી પીરા, ચાલતાંચાલતાં છાતી વલોવાય જાય, આંખમાં નાનમ પાણી થઈને તરી આવે. ખીજમાં ને ખીજમાં ઓછી તે પગ વીંઝીને વરી ધૂળ ઉડાડું. મારા ગજવામાં એક આનો પડ્યો હતો. એના પર હાથ ફરતો રહેતો હતો – છે કે નહીં એની ખાતરી કરી લેતો. દુઝાણું કરે ને એના આવે એટલા જ પૈસા બા પાસે. ચાર આના એ ક્યાંથી લાવે? એટલે માથું પટકો તો બી ની મળે. જોઈતા હોય ત્યારે ડોહા પાહે જવું પડે – ત્યાં માથું પટકવાની જરૂર નહીં, એ કામ ડોહો પતાવી આપે. ફરીફરીને ગજવામાં હાથ જાય. બાનો એક આનો અંદરથી ગોળ ફેરવતો હું મેળામાં પહોંચ્યો હતો. મેળો એટલે? બન્ને પા હારબંધ લટકતાં ફાનસ. વચલા મારગે ફાનસના અજવાળાંમાં ખૂંચી ગયેલા રેંકડીઓનાં પૈડાં ને રાતા – પીળા – જાંબલી – કાબરા રંગબેરંગી ફુગ્ગા ઊડતા જાણે એ લીંપાયેલા અજવાળાંમાં માણસોનાં માથાં. માથે પાછું ધૂધરું થઈ જાય એટલી ધૂળ બધેબધ. એની રજેરજ આગિયાની જેમ ઝબૂક ઝબૂક થયા કરે. આખો મેળો ધૂળમાં અધ્ધર ઊંચકાઈને તરતો થઈ ગયેલો. એમાં વરી કાગળની હોડી તરતી મૂકી દીધી હોય એવી ધોળી ટોપીઓ અલપઝલપ હાલકડોલક થાય ને ઠેલમઠેલા લઠ્ઠ આગળ મેલાય્વા કરે. ત્રિકોણિયા મેદાનના ઉપલાણમાં એક ખાંચો. ત્યાં ધૂળ ભેગા દાળિયા ફાકતો ઊભો હતો. પીઠમાં પાછળની વાંકી નદી સળવળતી હતી. સામેની રેંકડીએ ઈત્તીકિત્તી રમતી આઠ-આઠ દસ-દસ ઘારીની થપ્પી, કોલી કોલી, ખૂમચામાં એક બીજા પર ચઢી બેઠી હતી. ભૂખ કકડીને લાગે ને પેટમાં ગૂંચળાં વળે એવાં જલેબીનાં પીલ્લાં સિંદૂરી, બાજુની રેકડીમાં હતાં, એની સોડમ લેવા જ જાણે પાંચ-સાત ભૂલકાં લારીને ઘેરીને ઊભાં હતાં. તેલિયો ડગલાવાળો તગડો ભૈયાજી – વચમાં એ એની મંકોડા જેવી મૂછને ઘી ભીની આંગળીથી વળ ચઢાવ્યા કરતો – એની હથેળીમાંથી જાદુમંતર છૂમંતર જલેબીનાં પીલ્લાં વેરતો હતો. ભૂલકાંઓની આંખો પહોળી થયેલી હતી, મોઢા પર પેટ્રોમેક્ષનું અજવાળું લીંપાયેલું હતું. વચ્ચે અંધારાં-અજવાળાંમાં લોક ભૂતડાં જેવાં આઘાંપાછાં થયાં કરે, લોઠાં ગાલ્લીએક ટવરે, ઉપરથી પાવા-પીપૂડાનો કંકાસ. મારો હાથ ગજવામાં, ગજવાના એક આના પર. એક જ આનો – શું લઉં? ચવાતા દાળિયાના લોટનો ગળે ડચૂરો ભરાઈ ગયો. ડૂમો પેટમાં ઉતારતા બી કીકીઓ પર પરસેવાનાં ટીપાં ફૂટી આવ્યાં. મારી જમણી બાજુએ તડકેહર ભમભોલો લાંબોસટાક થઈને સૂનમૂન પડ્યો હતો. તમને હું કહું, મા’દેવ તડકેહર કેમ? ગામલોકમાં કહેતી હતીઃ આ મહાદેવનું એવું સત – મંદિર ઉપર છત ચણાવો કે એ બળીને ભસમ થઈ જાય. મહાદેવને ખાલી તડકો પસંદ. ગુંબજ હોય તો તડકો લાગે? એટલે જેટલાએ ગુંબજ ઊભો કરાવ્યો એટલા લાકડાં ભેગા થઈ ગયા, ગુંબજ સળગીને ભડથું. મહાદેવની ગામમાં ધાક પેસી ગઈ. ત્યારથી ગુંબજ બંધાવવાનું બંધ. પછી મહાદેવ તડકેશ્વર બન્યા. તડકો ને ઉપરથી ગળતીનું પાણી પી પીને મહાદેવનું ગળા ભેગું આખું ડિલ કાળું થઈ ગયેલું. ઉપરની લીલમાં નાગને બદલે અળસિયાં ફરે. કાળા ડિબાંગ અંધારાં હોય ને ઉપરથી દેમાર વરસાદ તૂટી પડતો હોય, એમાં આગિયા લપકતા હોય ત્યારે આ મહાદેવ તાંડવ કરતા લાગે. જો ડમરું જેવા શિયાળવા લાળી ફૂંકતા હોય ત્યારે ઉપરનો ચંપો હો આખેઆખો ફફડવા લાગે. આ તડકેહર મહાદેવની ખાસ ખૂબી એ કે એનું લિંગ આડું, નવેક વાંભ લાંબું, ચત્તુપાટ સૂતેલું. હવે તું પૂછ પીર, આ લિંગ આડું કેમ? એની હો વારતા છે : સાંઈઠેક મુલ્લા લિંગને ભાંગવા આય્વા એવા એટલા જ સાંઈઠેક ડંગોરા જેવા લઠ્ઠ ભમરા લિંગની નીચેથી છૂટ્યા, તીરની જેમ. બધા ભમરાએ એક એક મુલ્લાને ભાગમાં વહેંચી લીધા, મચ્યા કરડવા. મેળામાં આ ઊભેલા લારીવાળાની કાળીભમ મૂછ ખરી કની? એવું ભમરા ડંખ્યા. એ ભેગા બધા મુલ્લા ત્યાં ને ત્યાં ટણકી ગયા. પછી સાંઈઠ સિવાયના નવા આયવા ને મહાદેવથી અડધો ફરલાંગ આઘે એ બધાંને દફનાવી દીધા, ઉપર દરગાહ બનાવી – સાંઠ પીરની બંગલી એનું નામ, આ પણે દેખાય. મારા ધીરુકાકા એમ કહેતા કે અસલ આપણા ઘૈડાવૈડા અક્કલવારા. મિયા-મહાદેવ એક કરવા તડકેહરનું લિંગ આડું, પીરની દરગાહમાં હોય એવું બનાવેલું, હં કે. દાળિયા ડોજરામાં ઉતારતો હતો ત્યાં થયુંઃ મહાદેવ આખા પૈસાથી ઢંકાઈ ગયા હશે. એ તો આમેય બાવો. થોડા પૈસા ગજવામાં હેરવી લેવા જોઈએ. પણ પેલો મંદિરનો ખોડિયો ગોર, જાડિયો, થોડી થોડી વારે લચકાતો આવીને – હારો એક બાજુ નમી પડે ત્યારે ગબડી હો ની જાય – હાવ નાગા પેટે એકઠા થયા હોય એટલા કાવડિયા લણી લણીને એની જરમનની લોટીમાં હેરવ્યે જતો. માણસોનું કીડિયારું ઊભરાય મંદિર બહાર એટલાં જ ખાસડાં, ચંપલ. મંદિરમાં જાય એ મહાદેવ પર લટકતા ઘંટા વગાડે, ભોંય પર લાંબાસટાક ઊબડા થઈને – એના લાંબા પગને કોઈ ભેરવાઈ પડે તો એ બી ભોંયભેગો થઈ જાય – નાક ઘસે, કોગળા કરતો હોય એમ ઊભા થતા થતા ભમભોલે બોલે, ચંપાના ફૂલ ચઢાવે. એ સાથે સામટા કાવડિયા ફેંકાય – ખડિંગ ખડિંગ. બરોબર ફૉમ છે : એક આનાને બૉ બધા કરવા મેં એના છૂટા કરાવ્યા. એકમાંથી ચાર પૈસા બનાવ્યા. પૈસા એટલે ઢબ્બુ – તાંબાનો, વચમાંથી કાણો. એક ઢબ્બુ ઊંચકી આંખ સામે ધર્યો. કાણામાંથી ઉપરનીચે ગોળગોળ ચક્કર ફરતો આખો મેળો જોયોઃ પેલો મદારિ કાંડે બાંધેલું લીલું ફાળિયું ઝુલાવતો ડમરુ વગાડે, બીજા હાથની આંગળીઓ નચાવી પિત્તળની વાંસળી વગાડે, ડમરુના થડકાથી ખૂંટે બંધાયેલો નોળિયો ઝટકા સાથે અડધો ઊભો થઈ જાય, મારી સામે તાકે. પેલો એક હાથે પેટી પર મંજીરા ઠોકી, બીજા હાથે બાજુની દાંડી ગોળ ગોળ ફેરવી, એકઠાં થયેલાં પોયરાંઓને દેખાય, દેખો દેખો, અંદર કાચમાંથી નટી ને નદી ને તાજમહેલ ને ગામા પહેલવાન દેખાય, દેખો દેખો ભૂપત બહારવટિયો – કાંઈ કાંઈ કેળ પાડે પેલો મદારીનો ભાઈ, બજાણિયાનો, નટનો જાદુગર ભાઈ. એની સામેના બધાં એકઠાં લોઠાંની પૂદ મારા ભણી હતી. એ ઢબ્બુ પછી બરફની લાતીમાં ખૂંતાવ્યો, પછી એનાથી બરફના ગોળા પરનું શેતૂરી શરબત ચૂસવા લીધું – કોઠામાં દાળિયા પલળીને ફૂલી ગયા હતા. છેલ્લે એટલું સિક્કે ફૉમ : ઘરે પાછો ફરેલો મોડા મોડો, અંધારે અંધારે, એકલો એકલો, પણ હું ગેલમાં હતો – ચડ્ડીના ખિસ્સામાં મારો હાથ, હાથની ટચલી આંગળીએ પરોવાયેલો ઢબ્બુ ચારમાંનો એકલો રહી ગયેલો, મારી સંગાથે હતો.
[‘મને ફૉમ છે’, ૨૦૦૭]