રાજેન્દ્ર પટેલની કવિતા/રાજેન્દ્ર પટેલની કવિતા વિશે...

Revision as of 12:42, 9 September 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રાજેન્દ્ર પટેલની કવિતા વિશે...

દક્ષા ભાવસાર

કવિ રાજેન્દ્ર પટેલ... સંવેદનશીલ, શાંત પ્રકૃતિના આ કવિ મૃદુભાષી. સુરેશ જોષી એમના મુખ્ય પ્રેરણાસ્રોત. પ્રશિષ્ટ અને પશ્ચિમના સાહિત્યનું વાચન. વિવેચક પણ ખરા તેથી સર્ગશક્તિ કેળવાયેલી. સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે ‘કવિતા’ (પદ્ય)થી પ્રારંભ કર્યો. નિબંધકાર અને વાર્તાકાર પણ ખરા. અનુવાદક તરીકે પણ સતત સર્જકતા સાથે ઘરોબો રહ્યો. કવિની સર્જનયાત્રા જોતાં જણાય છે કે તેઓ સતત સર્જનાત્મકતા સાથે પરોવાતા રહ્યા છે. રાજેન્દ્ર પટેલે ગુર્જરગિરાને દસ કાવ્યસંગ્રહો ભેટ ધર્યા છે. એમનો મૂળ રસનો વિષય વિજ્ઞાન છતાં સંવેદનશીલતા અને સર્જનાત્મકતા એમને કલા તરફ ખેંચી ગઈ. ગુજરાતીમાં અનુઆધુનિક ગુજરાતી કવિતાક્ષેત્રે શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર, શ્રી કમલ વોરા, શ્રી યજ્ઞેશ દવે, શ્રી હરીશ મીનાશ્રુ, બાબુ સુથાર, શ્રી મણિલાલ હ. પટેલ, શ્રી ભરત નાયક, શ્રી નીતિન મહેતા, મનીષા જોશી, શ્રી જયદેવ શુક્લ, શ્રી રાજેશ પંડ્યા, શ્રી કાનજી પટેલ, શ્રી રમણીક સોમેશ્વર, શ્રી રમણીક અગ્રાવત જેવાં નામો સાથે શ્રી રાજેન્દ્ર પટેલનું નામ મૂકવું પડે. આ સર્જકોએ તદ્દન તાજા વિષયોની મુખ્યત્વે અછાંદસ ને ક્યારેક છંદમાં ભાષાના નાવીન્યપૂર્ણ પ્રયોગો દ્વારા અભિવ્યક્તિ કરી ગુજરાતી કવિતાને ધબકતી રાખી છે. કવિ રાજેન્દ્ર પટેલની સર્જનયાત્રા-કાવ્યયાત્રા જોતાં જણાય છે કે વિવિધ વિષયો કે અભિવ્યક્તિની તરાહો પરત્વે તેઓ સતત shifting કરતા રહ્યા છે. અછાંદસ કે છાંદસ, દીર્ઘરચના કે લઘુકાવ્યોના ગુચ્છમાં વિહરતી એમની કલમ પુનરાવર્તન દોષથી પર છે. સાદી-સહજ સરળ ભાષા, બોલચાલની રોજિંદા વ્યવહારોમાં વિનિયોગ પામતી ભાષામાં કોમળ-ઋજુ ભાવો કે જીવનના તત્ત્વચિંતનના વિચારો એમની કવિતામાં વ્યક્ત થયા છે. વળી સરળતામાં સંકુલતા અને સંકુલતામાં સરળતાનો અનુભવ કરાવતી એમની આ રચનાઓ વિષયવસ્તુને લઈને પણ ખાસ્સી fresh છે. અત્યંત હાથવગા પદાર્થો-વસ્તુઓ ઉપરાંત સમય-કાળ, પ્રકૃતિ, સંબંધો, સ્વજનો, પુરાણ, રાજકારણ, ભ્રષ્ટાચાર, સાંપ્રત પ્રશ્નો, અંગત સંવેદનો, લોકો, ભાષા-વાણી, ઘર, કલમ-સર્જન-કવિતા વગેરે વિષયક એમની રચનાઓ રસપ્રદ છે. રોજેરોજના અનુભવ ને ખાસ તો ઘરવપરાશની વસ્તુઓ કે જીવન જરૂરી પદાર્થો જે આમ તો ઉપેક્ષિત હોઈ સૌ માટે, એના વિષે પોતાની કલમકલાથી તાજગીના ફુવારા ઉડાડી ભાવકને રસતરબોળ કરે છે. તેઓ સતત લખતા રહ્યા છે તેથી ‘શબ્દ’ ખાસ્સો પક્વ બનીને એમની રચનાઓમાં પ્રગટે છે જે એક ઠહેરાવનો, શાંતિનો અનુભવ કરાવે છે. કવિ રાજેન્દ્ર પટેલની રચનાઓ વાંચતાં મુખ્ય ત્રણ બાબતો તરી આવે છે. એક તે પૂર્વજો પ્રત્યેની સંવેદનશીલતા – સ્નેહ. પૂર્વજો-સ્વજનો-મા-બાપ પ્રત્યેની, પરંપરા પ્રત્યેની કૃતજ્ઞતા નિસબતપૂર્વક પ્રગટે છે એમની કલમમાંથી – જે એમના વિનમ્ર સ્વભાવનો પરિચય આપે છે. મૂળ સાથે જોડાયેલા રહીને તેઓ સાંપ્રતને જુએ-પામે છે. બીજું કે તેઓ વિજ્ઞાનના વિદ્યાર્થી હોઈ એક બૌદ્ધિક એલીમેન્ટ એમની રચનાઓમાં સતત વર્તાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુ પ્રત્યેનો એમનો એપ્રોચ analytical હોય એ સ્વાભાવિક ઘટના બને છે. આ એપ્રોચ શુષ્ક ન રહેતાં કલામાં/કવિતામાં કેવો રસાઈને આવ્યો છે એ જોવું રસપ્રદ બન્યું છે (દા.ત. ‘ડુંગળી’ રચના). ત્રીજું કે બહુ ભીતર-ઊંડે ઊતરતાં જણાય છે કે કવિનો ઝોક અધ્યાત્મ તરફ ઢળતો જઈ બધું જ શાંતિમય બને, શાંતિમાં પરિણમે એ તરફનો છે. ઉપેક્ષિત પદાર્થો, માનવમૂલ્યો, સાંપ્રત સમય, પૂર્વજ કે પ્રકૃતિ – આમ તેઓ સતત નિસબતપૂર્વક કલમને પળોટે છે. સ્વથી સમગ્ર સુધી – ખાસ કરીને બા-બાપુજીના સંદર્ભોવાળી રચનાઓ માત્ર કવિનાં જ નહીં, સૌનાં બા-બાપુજીની વાત બનીને વિસ્તાર પામે છે. અહીં અંગત લાગણીનું સાધારણીકરણ થતું હોઈ ભાવકને પણ પોતાની જાત જોડતાં અને પ્રત્યાયનમાં મુશ્કેલી વર્તાતી નથી. કવિના કાવ્યસંગ્રહોનાં શીર્ષકો પણ વિશિષ્ટતાનાં દ્યોતક છે. ‘કોષમાં સૂર્યોદય’, ‘શ્રી પુરાંત જણસે’, ‘કબૂતર, પતંગ અને દર્પણ’, ‘એક શોધપર્વ’, ‘બાપુજીની છત્રી’, ‘વસ્તુપર્વ’, ‘વસિયતનામું’, ‘છંદોત્સવ’, ‘કરાર’ ઇત્યાદિ. ‘કોષમાં સૂર્યોદય’ સંગ્રહની રચના ‘પોપડો’. પોપડો રચનાના અંતે એક પ્રતીક બનીને ઊપસે છે. આપણી આસપાસ બધી જ વસ્તુ હોવા છતાં વાસ્તવમાં એ નથી, પોપડાનું પણ એવું છે. શ્વાસ-કાળ-ક્ષણ સર્વત્ર વ્યાપી વળેલો ‘પોપડો’ કવિને ભીતરમાં કોરી ખાય છે. ‘પોપડો’ પોતે પણ ઊખડી ગયો છે! ‘શર્ટ’. શર્ટ એમની કવિતાનો વિષય બને છે! જે નાવીન્યપૂર્ણ લાગે છે. અનુઆધુનિક કવિતાની આ ખૂબી છે. રચનાનો ઉઘાડ વિશિષ્ટ છે. માણસ નહીં પણ ‘શર્ટ માણસને પહેરે’ એ કલ્પના જ કેવી રોમાંચક છે. ‘શર્ટનાં ગાજ અને બટન/ ખૂલ બંધ થતાં/ કશુંક ઉકેલવા મથે’ પંક્તિ દ્વારા કવિ માનવમનની આંટીઘૂંટી-મૂંઝવણો-સમસ્યાઓને ઉકેલવાની સંઘર્ષમય મથામણને અભિવ્યક્ત કરે છે. સંત કબીરનું સ્મરણ કરાવે એવી રચના છે ‘ચાદર’. જીવમાત્ર ‘નિરાંત’ શોધે છે. મન તો ચંચળ છે. નગરજીવનની વરવી વાસ્તવિકતાઓ/ કાવાદાવા/ થાક/ કંટાળો/ દોડધામ અને યાંત્રિકતા વચ્ચે પોતાના ‘મૂળ’ને શોધતો, તીવ્રતાથી એને ઝંખતો માનવી અહીં સર્વ સાધારણ રૂપ લઈને ચિત્રિત થયો છે. આ સૌની વાત છે. ‘અસલ’ જાતને ખોઈ બેઠેલા આપણે આપણાપણાને સ્થાપવા ઇચ્છીએ છીએ પણ એ લગભગ અશક્ય છે જેની ટીસ રચનામાં અનુભવાય છે, સંભળાય છે. ‘ખોવાઈ જવાની’ વેદના સાથે નિયતિની ક્રૂર મજાકને સ્વીકાર્યા સિવાય કોઈ જ આરો-ઓવારો નહીં હોવાથી કવિ કહે છે, ‘જેવી મળી તેવી ચાદરની અંદર/ સૂઈ જાઉં.’ અહીં માનવ તરીકે નિયતિદત્ત જે કંઈ છે એ વિષે કવિની આત્મસંતોષની ભાવના પ્રગટ થાય એવું અનુભવાય પણ વાસ્તવમાં કવિ માણસ તરીકેની નિઃસહાયતા ને લાચારી વ્યક્ત કરતા જણાય છે. ‘ડુંગળી’ રચના. ઑર્ગેનિક કેમેસ્ટ્રી ભણેલા આ કવિ ડુંગળીનો ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવ – જે પોતે પામ્યા છે એ ભાવકને પણ કરાવે છે. ડુંગળીના પડ, રંગ, ગંધ, સ્વાદ વગેરેનું આહ્‌લાદક વર્ણન છે. ‘ડુંગળી’ રચના અનુઆધુનિક કવિ ભરત નાયકે પણ રચી છે. બંને રચનાઓનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે. એમ ‘સફરજન’ રચના વાંચતાં કવિ સિતાંશુ યશશ્ચંદ્રની એ જ વિષયક રચનાનું સ્મરણ થઈ આવે. કવિ રાજેન્દ્ર પટેલ સફરજનને ‘મગરની લાલઘૂમ આંખ જેવું’ કહે છે. પ્રશિષ્ટ ન લાગે એવી ઉપમા અનુઆધુનિક કવિતાની વિશેષતા પણ બની રહે છે. કવિને કોઈ છોછ કે રુગ્ણતા નથી. વરવી વાસ્તવિકતાને સહજતાથી રજૂ કરે છે. ‘ખુરશી’ રચના. ‘ખુરશી બની મૂળ વૃક્ષમાંથી/ એને બનવું’તું ખુરશી?’ ના. આ જ લાચારી કવિ અનુભવે છે. કવિ ‘સાચી’ ખુરશી ખોળવા પાયા સુધી પહોંચે છે. પરંતુ પાયા તો સુકાઈ ગયેલા છે, પોતાનાં સુકાઈ કે ઊખડી ગયેલાં ‘મૂળ’ની જેમ. છતાં આશા જીવંત છે તેથી કવિ કહે છે, ‘ખુરશી મને વૃક્ષ બનવા લલચાવે.’ ખુરશી જેવા જડ પદાર્થમાં સળવળતું, જીવતું વૃક્ષ કવિને દેખાય છે એ એમની આગવી દૃષ્ટિની દ્યોતક છે. ‘ધૂળ’. સર્વત્ર ધૂળ ચડી ગઈ છે, છવાઈ ગઈ છે. જીવન સમસ્તમાં, સ્મૃતિમાં ય ધૂળ ચડી ગઈ છે, ભૂતકાળથી આ ધૂળ સાથે પનારો પડ્યો છે. ધૂળ સાથેનો ઘરોબો એવો થઈ ગયો છે કે વર્તમાન અને ભવિષ્યમાંય છુટકારો થવાનો નથી ધૂળથી. વળગેલી રહે છે આ ધૂળ ‘અસ્તિત્વ’ને, ‘સમય’ને, ‘પદાર્થો’ને. ‘ધૂળ છે સમયનાં પદચિહ્ન’. ‘ધૂળ’ કેવી લાગે/ ભાસે છે એનું એક તાદૃશ ચિત્ર :

‘બાપુજીની ચિતામાં
રાખ જોડે ભળી ગઈ ત્યારથી
તે બાપુજી જેવી લાગે છે.’

આ ધૂળ સતત જાગતા રહેવાનું શીખવે છે એ કવિ કહે છે તેથી આ ધૂળ એ કોઈ ક્ષુલ્લક પદાર્થ નથી પણ કિંમતી છે, અમૂલ્ય છે કવિને મન. ‘શ્રી પુરાંત જણસે’ સંગ્રહની દીર્ઘરચના. ‘વસ્તુઓનું તૂટવું’ નોંધપાત્ર છે. આરંભે કવિ કહે છે, ‘વસ્તુઓ તૂટતી હોય છે/ તૂટ્યા વગર.’ આ આપણાથી તૂટતી વસ્તુઓનો આગળ જતાં રચનામાં સંકુલ અર્થવિસ્તાર પમાય છે. વસ્તુઓ સાથે કવિ માનવસંબંધોને પણ તાકે છે. સંબંધો પણ વસ્તુની જેમ તૂટે એ વાત પીડાપૂર્વક કવિ અભિવ્યક્ત કરે છે. ‘વૃદ્ધ’ ‘મા’ના ‘મોં’ની જે કરચલીઓ છે એમાં વડીલોની ઉપેક્ષાનો ભાવ પણ પ્રગટ્યો છે. ‘વસ્તુઓ આમ સમજતાં સમજતાં/ તૂટી જતી હોય છે/ કશું જ કર્યા વગર.’ અહીં સંકુલ માનવ સંબંધોની બરડતા અભિવ્યક્તિ પામી છે . વસ્તુઓ તૂટે છે, તરડાય છે, નાશ પામે છે છતાં વસ્તુઓ કવિને ‘અવાજ’માં અકબંધ રહેતી જણાય છે! વસ્તુઓ અને એના દ્વારા સધાતા અર્થસંકેતો વિશિષ્ટ પરિમાણો રચે છે. વસ્તુઓ વિસ્તરે છે પ્રતીક બનીને અને સંકુલ અર્થ પરિમાણોમાં રૂપાંતર પામે છે. ‘ટેબલ અને હું’ રચનામાં જડનું ચેતન સાથે અનુસંધાન રચાય છે. ટેબલ સાથે સતત સહવાસ હોઈ ટેબલ કાવ્યનાયકના સુખદુઃખનું સાક્ષી છે તેથી આ ટેબલ સ્થૂળ વસ્તુ ન રહેતાં સ્વજન સમું ભાસે છે. ‘હા... આ ટેબલ છે મારી જેમ/ બસ, હું સાંભળી શકતો નથી.’ આ પંક્તિ દ્વારા કવિ કહે છે, ટેબલ જીવંત છે જાણે અને એની ચેતના અકબંધ છે, એ મનુષ્યનું સર્વ કંઈ જાણે છે; જે મનુષ્ય એનો ઉપયોગ કરે છે એનો સાથ આપે છે સતત મૌન સાક્ષી બનીને. પરંતુ માનવી ચેતન હોવા છતાં એની ચીસ-પીડા સાંભળી શકતો નથી. કવિ અહીં કેટલા ઋજુ-કોમળ ભાવો અભિવ્યક્ત કરે છે! મનુષ્યએ પ્રકૃતિનો સોથ વાળી દીધો છે પોતાના સ્વાર્થ ખાતર. પ્રકૃતિ-પર્યાવરણને સતત નુકસાન પહોંચાડતો રહ્યો છે માનવી. વળી એની મૌન વાણી સાંભળી શકવાની ક્ષમતા પણ ધરાવતો નથી માનવી. આ કેવી કરુણ અને આઘાતજનક બાબત છે! મનુષ્ય કેમ આટલો, સંવેદનહીન બની ગયો છે એની વેદના પણ કવિ અનુભવતા જણાય છે. ‘બાપુજીનું પહેરણ’ રચનામાં અંગત સંવેદના વ્યક્ત કરે છે કવિ. એકદા જીવન મૂલ્યની બહુ મોંઘેરી સલાહ આપેલી બાપુજીએ તે આ પહેરણ પહેરતાં કવિને સ્મરણે ઊપસી આવે છે. બાપુજીએ કહ્યું હતું, ‘દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય, પણ ચોખ્ખું રાખજે.’ અહીં વડીલની આ સલાહ કોઈ પણ સંતાન માટે કેવી મોંઘેરી જણસ બની જાય છે. પહેરણ તો નિશાની છે બાપુજીની પણ તેઓ (બાપુજી) તો કવિની સાથે ને સાથે જ છે સતત. ‘હાડમાં હાજરાહજૂર’ છે બાપુજી. ‘શ્રી પુરાંત જણસે’ દીર્ઘ કાવ્ય છે, રચના અલગ લેખ માંગી લે એવી માતબર છે.

‘કબૂતર, પતંગ અને દર્પણ’ કાવ્યસંગ્રહની ‘કબૂતર’ શીર્ષક હેઠળની બે રચનાઓ પણ કવિના કોમળ સ્વભાવનો પરિચય આપે છે. પ્રકૃતિ, પુરાણ, સ્વજન, પૂર્વજ, જડ પદાર્થો – વસ્તુઓ-વિષય કોઈ પણ હોય પણ એમાં કવિના હૃદયનો ધબકાર સંભળાય છે. કંઈક જુદી જ રીતે જોવા-અનુભવાતી એમની દૃષ્ટિનો પણ વિશિષ્ટ પરિચય સતત થતો આવે છે. કબૂતર આકાશ જેવું ભૂરું લાગે છે કવિને કેમ કે એ આખેઆખું ઝાડ લઈને ઊડતું કવિને જણાય છે. આ શાંત પક્ષી કબૂતર વિષેની કવિની કલ્પના કેવી તાજગીપૂર્ણ છે. કવિ કહે છે,

‘કબૂતર
ગમે તેટલાં વાવાઝોડાંનેય વખોડતું નથી.
એ સરતાં પીંછાંથી
વાવાઝોડાના ઘા લૂછતું હોય છે
અને અસ્તવ્યસ્ત વ્યવસ્થાને પણ
એક સોનેરી સપનું સમજી
જીવતું હોય છે.’

કબૂતરને જોવા-સંવેદવાની આ દૃષ્ટિ પણ કેવી વિશાળ છે! ‘પતંગ’ રચના. પતંગ હોય કે ટેબલ કે કબૂતર. આ બધા વિષયને-વસ્તુને લઈને એકાધિક કવિઓ પાસેથી કાવ્યો મળી આવે ગુજરાતીમાં. પતંગ માનવજીવનની ફિલસૂફીને પ્રત્યક્ષ કરવા માટે ઘણી વાર વિષય-વસ્તુ તરીકે પસંદગી પામ્યા કરે છે. અહીં પણ જીવનનું તત્ત્વચિંતન અભિવ્યક્તિ પામ્યું છે. અલબત્ત ક્યારેક સીધાં વિધાનો રચનાને/ભાવને મુખર પણ બનાવે છે. ‘દર્પણ’ રચના સુંદર બની છે એના સુંદર કલ્પનથી. બાળપણની સ્મૃતિની વાત મૂળે તો કવિની કરવી છે. દર્પણે એનામાં પ્રતિબિંબાતા કબાટને ખોલ્યું તો દાગીના, ફોટા, આલબમ, પૈસા, જન્મપત્રિકા, ફાઈલો, દસ્તાવેજો, બાપુજીનું ડેથ સર્ટિફિકેટ જેવું કંઈ કેટલું નીકળ્યું એમાંથી પણ અંતે જે નીકળ્યું તે? તે હતો એક ‘પીળો પડી ગયેલો કાગળ’. કાગળ કાઢતાં જ, વાંચતાં જ દર્પણ થઈ ગયું શાંત! અહીં દર્પણ પર કવિ સજીવારોપણ અલંકારનો વિનિયોગ કરે છે પણ મૂળ તો દર્પણમાં ઝિલાતું પોતાનું પ્રતિબિંબ/ કાવ્યનાયક પોતે જ શાંત થઈ જાય છે આ કાગળ વાંચીને – કેમ શાંત થઈ જાય છે કવિ? તો કવિ કહે છે,

‘એ, બાળપણમાં લખેલી અને ભુલાઈ ગયેલી
એક કવિતા હતી.’

અહીં જોઈ શકાય છે કે ‘કવિતા’ કેટલી મૂલ્યવાન છે કવિ માટે. આ ભુલાઈ ગયેલી કવિતા જે વર્તમાને હાથ જડી છે ને એક પ્રલંબ ભૂતકાળમાં સમેટાઈને પડેલી સ્મૃતિઓનો કબજો જમાવે છે કવિના મન પર તેથી કંઈ કેટલુંય ચિત્તને ઘેરી વળ્યું છે! અહીં કશુંક ‘અમૂલ્ય’ ભુલાઈ ગયાની/ ખોયાની ટીસ સંભળાય છે. ‘એક શોધપર્વ’ કાવ્યસંગ્રહ. પર્વ કેટલાંય હોય પણ એ તો ‘શોધ’નું પર્વ છે. આ જે કોઈ કંઈ શોધમાં રહે છે સતત/ જે જાગે છે સતત એ અજંપાનો ઑથાર વેઠે છે ને એમાંથી શરૂ થાય એક પીડાદાયક ‘યાત્રા’. એ યાત્રામાં વ્યક્તિ એકાકી જ છે. આ એકાકીપણું જ્યારે કવિતામાં રસાઈને આવે છે ત્યારે રચાય છે ‘શોધપર્વ’. સંગ્રહની ‘પૂર’ રચના જોઈએ.

‘અંદર છે પાર વગરના કાંઠા,
કાંઠે કાંઠે ઊમટ્યાં અકળ કાળાં પૂર.’
... ... ....
‘જે બચાવે છે એ જ બચે છે આ પૂરમાં,
અને આદરે એક નવા કાંઠાની શોધ.’

પૂર પાણીનાં તો ખરાં જે કેટકેટલુંય તાણી જાય છે પોતાની સાથે પણ એ સાથે બીજાં નિજ પીડાનાં કેટકેટલાંય પૂરને કવિ તાકે છે. ઝેરનાંય પૂર છે જેનો સંદર્ભ કાલીય નાગ સાથે જોડી આપી કવિ કહે છે, જમનાનાં એ પૂર હજી શમ્યાં છે ખરાં? આજે માનવમૂલ્યના અધઃપતનનાં ઝેર ફરી વળ્યાં છે સર્વત્ર એવો સૂર અહીં પ્રગટ કરે છે. ‘બાપુજીની છત્રી’ કાવ્યસંગ્રહની એ જ શીર્ષકવાળી રચના નોંધપાત્ર છે. કવિનો બાપુજી સાથેનો પ્રગાઢ સંબંધ અહીં પ્રગટ થતો પમાય છે. પહેરણ હોય કે બાપુજીની છત્રી – કવિ બાપુજીને ભૂલ્યા નથી. એ વસ્તુઓ સાથે જોડાયેલી બાપુજીની ગાઢ સ્મૃતિ સતત કવિની સંવેદનામાં ધબકે છે. બાપુજીનું તાદૃશ ચિત્ર અહીં ખડું થયું છે. જીવનનો ધબકાર અને બાપુજીની છત્રી એકબીજાના પર્યાય બની ગયા છે. આ છત્રી માત્ર જડ વસ્તુ નથી, છત્રી છત્રી નથી પણ બાપુજી પોતે જ છે. હજુ બાપુજીની હૂંફ, પ્રેમ, સલાહ અને એમની સતત અનુભવાતી છત્રછાયાને કવિ લાગણીસભર ભાષામાં અભિવ્યક્ત કરે છે. ‘માટલું’ શીર્ષક અંતર્ગત ૧૩ લઘુ રચનાઓ અદ્‌ભુત છે. કવિ ‘માટી’ સાથે જોડાયેલા છે. પોતાના ‘મૂળ’ સાથેનો સંબંધ જલદી છૂટતો નથી... આધુનિક યુગમાં પાણિયારામાં ‘માટલાં’ની જગ્યા હવે રહી નથી અથવા તો છે તો યે ઉપેક્ષિત છે. ૧૩ રચનાઓમાં જુદા જુદા ભાવો/ ચિત્રો કવિ તાદૃશ કરે છે. બા-બાપુજીનાં સ્મરણો માટલાંનો માનવમૃત્યુ સમયે થતો ઉપયોગ, જીવનનું જ્ઞાન, તત્ત્વચિંતન, ગરીબી, અભાવ, મૌન, જીવનના ઉતાર-ચડાવ, સુખદુઃખ, સંઘર્ષ, પીડા, તરસ, શાતા વગેરેનાં વર્ણનો ‘માટલાં’ નિમિત્તે મળે છે. માટલાંનો મહિમા, એની મહત્તા અને છતાં હવે એની થતી ઉપેક્ષાને કવિ વેદનાપૂર્વક રજૂ કરે છે. આધુનિક ઉપકરણો એક્વાગાર્ડ, પ્લાસ્ટિક બોટલ વગેરેએ માટલાંનું સ્થાન પચાવી પાડ્યું છે. પોતાનાં જળ કોઈ પીવે, પોતાની નોંધ લેવાય એ માટે કરીને ‘બા’ની જેમ મીટ માંડીને બેઠેલું માટલું! વળી, બાપુજીની ચિતા પ્રત્યે ફોડેલી માટલીનું પાણી ‘એમને’ પહોંચ્યું હશે? કે પછી બાના મૃત્યુ પછી બાની પાછળ પાણી ભરેલી માટલી મંદિરે મૂકેલી તે વર્ષો વીત્યાં છતાં જાણે ખાલી જ થઈ નથી! સંવેદનાની સભરતા તો જુઓ! ને બાએ ટકોરા મારી લાવેલા માટલામાં ભરેલાં પાણીને પીને આખેઆખો વરસાદ પીધાનો અનુભવ કે માટલા સાથેના અન્ય ભાવો આબેહૂબ વ્યક્ત થયા છે પણ,

‘હવે ન ટકોરો રહ્યો ન એ સ્વાદ રહ્યો
પણ એ ઝુરાપામાં ઝમતી
રહી છે એક માટલી.’

માટલું તૂટે પછી એની જે ગતિ થાય... એ કલાડી બને ને પાછી તૂટે તે છોકરાઓની રમતની વસ્તુ બને ને પછી બને મેલ કાઢવાની ઠીકરી અને અંતે એનાથી દીવાલ પર કોઈ બાળક લીટી દોરે ને એ ય અદૃશ્ય થતી જાય ‘બાપા’ની જેમ અંતે... માટી, પાણી, પવન, આકાશ સાથેનો માટલાનો અવિનાભાવી સંબંધ છે, વળી જળ ને માટી જાણે કવિને માટલાની બે આંખો હોય એવું લાગે છે. આ કલ્પન રોમાંચક છે. માટલાની યાત્રા, આરંભ, અંત, ફરી આરંભ... જાણે જીવમાત્રની જેમ માટીમાંથી ઘડાય, માટીમાં ભળી જાય, ફરી ઘડાય... ‘પોટકું’ રચના. ‘કોઈ ગાંઠ ખોલે એની રાહ જોતું પોટલું’ એમ કહી કવિ વાસ્તવમાં પોતે જ ખોલવાની હોય છે ‘પોતાની ગાંઠ’ એવું નિર્દેશે છે. ‘પોટકું’ તો એવું કે ‘બા’ની જેમ ગમે ત્યાં ગમે ત્યારે ગોઠવાય ને વળી આ ‘પોટકું’ વસ્તુઓનું નહીં પણ છે એ ‘કાળ પોટકું’. પોટકું પોતે જ પોતાનો વિસામો છે એવું માને છે ને પછી કવિ કહે છે,

‘પોટકું માને છે
કદી પોતાને પોટકું બનવા દેવું નહિ.
ગાંઠ કદાચ ખૂલે પણ ખરી.

આ ‘ગાંઠ’ માત્ર પોટકાંની ગાંઠ ન રહેતાં માનવમનમાં પડતી ગાંઠો, સંબંધોમાં પડતી ગાંઠોનેય તાકે છે. ‘મારી કવિતા’ કાવ્યમાં કવિ સર્જક કેફિયત રજૂ કરે છે. કઈ ક્ષણોએ આવી ચડે છે ચિત્તમાં કવિતા એનું અહીં બયાન છે. ‘ભરબપોરે’ કામ કરતા મજૂરોનો પરસેવો એસી કારમાં અનુભવાય ત્યારે કે ભુલાઈ ગયેલો મિત્ર આવે યાદ ત્યારે કે આવી ચડેલા ને ઘરમાં પ્રવેશવા મથતા બિલાડીના બચ્ચાંને પગલે આવે છે. કવિતા, ‘મારી’ કવિતા. આ કવિતા જીવન ધબકાર, જીવનમાત્ર પ્રત્યે કરુણા-અનુકંપાથી જોડાઈ છે, પ્રેરિત છે. બા હોય કે મિત્ર – કાળજી લેનાર પ્રત્યે પ્રેમને લીધે નહીં પણ એમના પોતાના પ્રત્યેના પ્રેમને લીધે કવિતા આવે છે. સેવા, દયા, કાળજી, સંબંધ, હૂંફ, પ્રેમ, કરુણા, માનવમૂલ્યમાંથી, એની નિસબતમાંથી આવે છે આ ‘મારી’ કવિતા. આ રચના ગૌરવપૂર્ણ રચના છે, કિંમતી છે. ‘વસ્તુપર્વ’ સંગ્રહની રચના ‘સોફા’. આ રચનામાં સોફા માત્ર સગવડદાયક ફર્નિચર નથી પણ સોફામાં, સોફા ઉપર, સોફા સાથે જોડાયેલું જીવન, પોતે ને પોતાનો પરિવાર, સ્મૃતિઓ કેટલું ય રોજેરોજનું સોફા સાથે વણાયેલું આયખું આખેઆખું અહીં ધસમસતું રજૂ થયું છે. ‘સોફા’નું મૂલ્ય કવિને મન બહુ મોટું છે. કેમ કે એ કેવળ જડ પદાર્થ નથી એમના માટે ને માટે એ ‘વસ્તુપર્વ’ બને છે. વળી ‘સોફા’ ઉપર સજીવારોપણ અલંકારનો વિનિયોગ કરી સોફો કઈ રીતે જુએ છે, અનુભવે ઘરના સભ્યોને એ વર્ણનો અદ્‌ભુત છે. આ કવિની આ જ વિશિષ્ટતા છે કે સ્થૂળ, જડ પદાર્થોને કેવી આગવી કલ્પના અને સંવેદનાથી જુએ છે, અનુભવે છે! એથી એમનું ‘માણસ’ હોવું એ કેટલું ‘જીવંત’ છે એ પણ દર્શાવે છે. જ્યારે બાપુજી મૃત્યુ પામ્યાં ત્યારે રૂમમાંથી તેને/ બાપુજીનો ચોકો કરવા/ બહાર કાઢેલો/ તે ‘હીબકે ચઢેલો’ – આ સોફો. કોઈપણ રાચરચીલું હોય, કવિની સંવેદનશીલતા આ જડ પદાર્થોને પણ કેવી આગવી રીતે સંવેદે છે! વસ્તુઓ સાથેનો લગાવ અહીં જીવંત ચેતના એટલે કે સંવેદના બનીને અભિવ્યક્તિ પામે છે. પરિવેશ પોતે જ સાંકેતિક બનીને અર્થાન્તરન્યાસો રચી અને ખોલી આપે છે. ‘તીડ’. આ રચનામાં સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝિલાયું છે. ભ્રષ્ટાચાર, ચોરી, લૂંટફાટ, દગાબાજી, સોદાબાજી, અસત્ય, દંભના આ ‘તીડ’ને એનાં ‘ટોળેટોળાં’ જેણે સૂરજ-ચંદ્ર (સત્ય અને માનવતા)ને ઢાંકી દીધા ને ભરદિવસે અંધારું કરી મૂકીને છવાઈ ગયાં છે સર્વત્ર એમ વર્ણવી કવિ તત્કાલીન સમયની વાસ્તવિકતાને કેવી સભર ઉપમાથી અભિવ્યક્તિ આપે છે. ‘શિકારીઓ જ શિકારીઓ’ રચનામાં પણ આ જ વાતને કવિ રજૂ કરે છે. ભ્રષ્ટ સમય, ભ્રષ્ટ લોક, ભ્રષ્ટ વૃત્તિને કવિ આબેહૂબપણે અભિવ્યક્ત કરે છે. ‘વસિયતનામું’ની ‘આંગણું’ રચના માણીએ. આધુનિક જીવનશૈલીમાં ‘આંગણું’ ઝૂંટવાઈ ગયું છે કે રહ્યું નથી કે વિસરાયું છે. એ વાસ્તવિકતા છે. સ્થૂળ સ્થળ રચના વ્યાપક પરિમાણમાં રૂપાંતર કઈ રીતે પામે છે એ પ્રક્રિયા જોવી રસપ્રદ બને છે. ‘આંગણું’માં કવિનો ચેતોવિસ્તાર થતો પમાય છે. શબરી/સીતાનાં પુરાકલ્પનોને પણ અહીં ટાંકીને કવિ નવા સંદર્ભ રચે છે. આ ‘આંગણું’ વાળવાનું હજુ બાકી છે... એમાં એક ‘ટીસ’ છે. રચના સ્થળવિષયક જણાય પણ એને ઠેકીને કવિ આખાયે બ્રહ્માંડને આવરી લે છે. ‘આંગણું’ અંતે આપણને સૌને ઊભા રાખે છે પોતપોતાના ‘આંગણા’માં. કવિ આહ્‌વાન કરે છે જે બાકી છે વાળવાનું એને વાળી દેવા માટે... ‘જાગી જવાની વેળા’ રચનામાં કોઈ ઉઠાડશે નહિ, જાતે જ ‘ઊઠવું’ પડશે, બાકી તો ‘જાગવાની વેળા આવે છે અને ચાલી જાય છે...’ અન્ય એક રચના ‘શાલ.’ બાએ થીગડાં મારેલાં એ શાલ, જેને કવિએ ચામડી કરતાં ય અધિક ચાહી છે એટલે કે કવિ કહે છે કે,

‘હું જ્યારે નિઃશેષ થતો હોઈશ ત્યારે
આ થીગડાંવાળી શાલના
એકાદ છેડાને પકડી
અહીં જ રહીશ,
કાયમ.’

‘વસિયતનામું’ રચના દીર્ઘ રચના છે. કવિએ અહીં છ નોંધ મૂકી છે. એક સ્વતંત્ર લેખ માંગી લે એવી અન્ય કેટલીક રચનાઓ જેવી આ રચના કવિના માનવીયપણાને હૂબહૂ પ્રગટ કરે છે. ગામથી વિખૂટા પડ્યાની પીડા અને શૈશવની સ્મૃતિઓ સાથે પોતાના કોઈ વારસદાર છે જ નહીં તોય કવિ પોતે કેમ રચે છે એ વસિયતનામું? – એ જોવું રસપ્રદ બને છે ભાવક માટે. વળી આ વસિયતનામું કોઈનેય ખપ લાગવાનું નથી છતાં રચ્યું છે કવિએ. માતાપિતા સાથે વિતાવેલી સભર ક્ષણો, થોડી ધૂળ ને ઊધઈથી ખવાઈ ગયેલા વૃક્ષનું પાંદડું આ બધું જ કવિને મન મૂલ્યવાન છે. કેટલીક પંક્તિઓ :

‘પંડ જ્યારે પવન થઈ જશે
અને મારી ગેરહાજરી કાયમી હાજરી બની જશે
ત્યારે મારા વસિયતનામામાં
એ સઘળું હશે
જેમની પાસેથી મેં માગી માગીને ભેગું કર્યું છે જીવનભર,
... ... ...
આમ જુઓ તો આ વસિયતનામું કોરું છે, મારા અંતિમ વસ્ત્ર જેવું.’

‘છંદોત્સવ’ કાવ્યસંગ્રહમાં છાંદસ રચનાઓ સંગ્રહિત છે. ‘સાદરાનો નદી કાંઠો’ વસંતતિલકા છંદમાં રચાઈ છે. છંદ પરનો કવિનો કાબૂ અને હથોટી જોતાં જણાય છે કે કવિ અછાંદસ રચનાઓમાં પણ લય જાળવી શક્યા છે તે આ છંદસૂઝને પણ આભારી છે. પાણી વગર આ નદી ‘રિક્ત’ છે. પંખી, બાળા, પનિહારી, પ્રિયતમા, શિશુઓનાં ચિત્રો દ્વારા કવિ આ કાંઠાનો ભવ્ય, જીવંત, ધબકતો ભૂતકાળ આલેખે છે. પણ આ જીવંત કાંઠો આજે સૂમસામ છે. છે ફક્ત રેતી. નદી અને નગરની રમણી જે ભિક્ષુક બની ગઈ છે કાળની થપાટે – આ બંનેના સમાંતર વર્ણન દ્વારા કવિ કહે છે, બંનેનો અકાળે અચલ અંત આવ્યો છે! ‘ઘર’ રચનામાં કવિ વર્ણન કરે છે કે વતનનું ઘર ઉજ્જડ અને નિર્જન બની ગયું છે. એકદા લીલાછમ વૃક્ષ જેવું ભર્યુંભાદર્યું આ ઘર અને એનાં સ્મરણો મનમસ્તિષ્કમાં તરી આવ્યાં છે. છતાં ઘર ઊભું છે હજુ ‘કાળને કાંઠે’. સ્મૃતિમાં પણ હયાત અને અકબંધ છે હજુ ‘ઘર.’ ‘કરાર’ કાવ્યસંગ્રહની ‘કરાર’ રચનામાં કવિ પોતાની જાતને આ પૃથ્વી ઉપર પોતે ભાડુઆત હોવાનું અનુભવે છે. પોતાનું શરીર/અસ્તિત્વ, આ બધું જ ઉછીનું છે, પ્રકૃતિ ને માતા પાસેથી મળેલું છે – નામ, શબ્દો, ભાષા, સરનામું, શ્વાસ, જળ, અજવાળું – બધું જ માતા, વાદળ, પૃથ્વી, પવન, પૂર્વજ, અવકાશ જેવાં તત્ત્વો પાસેથી ભાડે લીધેલું છે. કવિ કહે છે પોતે કરાર વગરના ભાડુઆત છે. મૂળ વાત છે ‘કોઈને કશું પાછું આપવાનું જ નહીં.’ અને એ વાત માનવજાતને ‘કોઠે પડી ગઈ છે.’ એ દ્વારા કવિ વ્યંગ કરે છે. મનુષ્ય કૃતઘ્ન પ્રાણી છે. પૂર્વજ કે પ્રકૃતિ – સૌની પાસેથી બધું લઈ પછી એનું કેટલું વળતું ઋણ ચૂકવીએ છીએ આપણે? એવો વેધક સવાલ પોતાના નિમિત્તે સૌને પૂછે છે કવિ. ‘વાવાઝોડાં’ એ વિશિષ્ટ રચના છે. કવિ અહીં કહે છે કે બહારનાં વાવાઝોડાંને પહોંચી વળાય પણ અંદરના ‘અંધકાર’નાં વાવાઝોડાંને કેમ કરી ખાળવાં? અહીં સર્જક ચિત્તનો અજંપો અભિવ્યક્ત થયો છે. સંઘર્ષ અને ખાલીપાનાં વાવાઝોડાં ઝંપવા દેતાં નથી ને તેથી ‘કલમ’ ઉપાડવા કવિ પ્રેરાયા છે. એટલે જ કદાચ ‘ઊંડે ઊંડેય’ કવિને આ ‘વાવાઝોડાં’ ગમે છે. કવિ વિધાન કરે છે –

‘જે મૂળને પકડીને રાખે છે મજબૂત,
એ જ કાયમ ટકે છે.’

વિષયવસ્તુ અને અભિવ્યક્તિની તરાહોની દૃષ્ટિએ રાજેન્દ્ર પટેલનાં કાવ્યોમાં જીવન અને જગતને જોવાનો નાવીન્યપૂર્ણ અભિગમ પામી શકાય છે. સાવ સાદગીભરી ભાષા, ક્યારેક તો સીધાં વિધાનો દ્વારા અસરકારક રીતે સરળ કે સંકુલ ભાવોને પણ તેઓ સહજતાથી અભિવ્યક્ત કરે છે. ગુજરાતીમાં અનુઆધુનિક કવિઓમાં રાજેન્દ્ર પટેલ કોઈનાય પ્રભાવમાં આવ્યા વગર પોતીકી ચાલથી આગવી કેડી કંડારીને નવ કવિઓને પથદર્શક બને છે ને ભાવકને હૃદયસભર કરે છે. ગુજરાતીમાં ગીત-ગઝલના મોટા પ્રવાહ વચ્ચે અછાંદસમાં રચાતી, નિસ્બતપૂર્વક રચાતી કવિતા ઘણા નવા વિષયો અને આગવા દૃષ્ટિકોણ સાથે ભાવકને જુદા જ પ્રકારનો કલાકીય આનંદ પમાડતી રહી છે. આ પ્રવાહમાં અંગત જીવનનાં સંવેદનોથી લઈ સમાજજીવનના વાસ્તવને અને સાંપ્રત કાળને કવિ રાજેન્દ્ર પટેલ બુદ્ધિપૂર્વક પોતાની આગવી દૃષ્ટિસૂઝથી અસરકારક રીતે કવિતાને ઉપાસતા રહી, સાતત્યપૂર્વક લખતા રહી પોતાની અનુઆધુનિક કવિતામાં આગવી ઓળખ પામીને ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી રહ્યા છે.