રમણીક સોમેશ્વરની કવિતા/શાહીનું ટીપું

Revision as of 15:52, 9 September 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧ . શાહીનું ટીપું

ટપાક્‌.
શાહીનું ટીપું.
તગતગતું નીકળે બહાર.
પરથમ તો
આળસ મરડી ખાય બગાસું.
પછી સૂંઘે પવનને.
થોડું અડી લે આકાશને.
મૂછમાં હસતું જોઈ લે
ઝાડ-પાન-ફૂલને.
થોડા ટહુકા વીણી
મૂકી દે કાનમાં.
પછી ચડી જાય વિચારે.
વિચારમાં ને વિચારમાં
દદડવા લાગે રેલો,
તે રેલો ક્યાં લગ પૂગ્યો
તેનું ય ભાન ન રહે.
પણ રેલો ઈ તો રેલો.
ભીનાશ બધી શોષાઈ જાય રેતીમાં
ત્યારે જ એની ખબર પડે.
પછી હાળું ટીપું,
રેતીના કણ થઈને ઊડે
ને ભરાય મારી આંખમાં.
આંખ ચોળતો,
ઝાંખ વચ્ચે
હું લખવા માંડું કવિતા.
વાત તો આટલી જ કે
શાહીનું ટીપું
ટપાક્‌ દઈને નીકળે બહાર.
દરિયો માની પોતાને
માળું ઉછાળે મોજાં ક્યારેક,
ને ક્યારેક
સૂરજનું સંતરું લઈને
રમતે ચડે સાંજે
તે કાળું ટપકું થઈને
થીજી જાય પાછું.
ઊંઘમાં ને ઊંઘમાં લવારે ચડે
તો ગજવે વનનાં વન
હૂ ડૂ ડૂ ડૂ પવન થઈને.
હેં!
ગવન થઈને ઊડવું ગમે પાછું એને.
ને ચાળે ચડે તો –
‘રાસ રમંતાં મારી નથણી ખોવાણી...’
ના, ના,
વાત તો અમથી આટલી જ કે
ટપાક્‌ દઈને ટીપું શાહીનું
ધસી આવે બહાર – ટોચે.
ટોચે ઝગમગતું ટીપું –
આદમનો અવતાર, ઈવનો વિસ્તાર.
હાળું જીવ લઈને જન્મ્યું
તે ભરી દીધી પરથમી આખીને;
અને હવે તાકે
આકાશ સામે ટગરટગર.
ગ્રહો-નક્ષત્રોને લે ઊંડળમાં
ને ખેંચે સમદરને તળિયેથી
બધો ભેજ.
તેજ-ભેજના તાંતણાં વણી
સજાવે સેજ.
એ જ... એ જ...
એ જ તો કહેવું છે મારે...
ટીપું શાહીનું ટપાક્‌...