નારીસંપદા : ટૂંકી વાર્તા/કથા નલિનભાઈની

Revision as of 02:51, 18 September 2024 by Meghdhanu (talk | contribs)
કથા નલીનભાઈની

પન્ના નાયક

શનિવારની મધરાતે નલિનભાઈ વીસીઆર પર 'કમ ઍન્ડ ગેટ ઈટ' ફિલ્મ પૂરી કરી ઝોકાં ખાવા લાગ્યા. પૂજાના ઓરડામાં વિજયાબહેને ગીતાપાઠ પૂરો કર્યો. વિજયાબહેન બાથરૂમ જઈ, પાણી પીને બેડરૂમમાં આવ્યાં. પથારીમાં પડ્યાં. નલિનભાઈએ હાથ લંબાવી લાઈટ બંધ કરી. એમની અને વિજયાબહેન વચ્ચે ખાસ્સી જગ્યા હતી. નલિનભાઈ સહેજ વિજયાબહેન તરફ ખસ્યા. વિજયા- બહેનનો હાથ દબાવ્યો. એમને પોતાની તરફ ખેંચ્યાં. વિજયાબહેન ખેંચાયા નહીં. 'કાર્યક્રમ કરવો છે?' ‘ના’ ‘કેમ?’ 'મારું માથું દુઃખે છે.' વિજયાબહેને કહ્યું. 'બહાનાં, બહાનાં, બહાનાં. જયારે પૂછું ત્યારે તારું માથું જ દુઃખતું હોય છે.’ 'તમને ગંદી ફિલ્મો અને અશ્લીલ મૅગેઝીનોએ બહેકાવ્યા છે. લોકો પંચાવનમે વાનપ્રસ્થ થતા હોય છે. તમે ભૂલી જાવ છો કે તમારા દીકરાને ત્યાં દીકરો છે. આવી ફિલ્મો જોવાની બંધ કરો ને માળા જપો.’ ‘તું ગીતાપાઠ બંધ કર ને પ્રેમ કર.' 'સૂઈ જાવ હવે છાનામાના. પ્રેમના વિચાર બંધ કરો.' 'શું કામ બંધ કરું? તું દર રવિવારે 'સ્વાધ્યાય'માં જાય છે – એ બંધ કરે છે? ત્યાં બેસીને તું શું કરતી હોઈશ એની મને ખબર છે.' 'બોલો, બોલો, શું કરતી હોઈશ? ત્રેવડ હોય તો કહો.' ‘તે તને એમ કે મારામાં કહેવાની ત્રેવડ નથી? મેં બંગડી પહેરી છે? ‘પહેરો તો કંઈ ખોટું નથી. તમારા કર્કશ અવાજને બદલે મંજુલ રણકાર તો સાંભળવા મળશે.' 'એક તો નજીક આવવું નથી ને ઉપરથી બંગડી પહેરવાનું કહે છે? કોઈવાર તો એવું થાય છે ને કે–' ‘બોલો, કેવું થાય છે? કોઈ ધોળીને ઘરમાં ઘાલું, એમ જ ને?' ‘એવું કાંઈ કરીશને તો મારા જેવો ભૂંડો કોઈ નહીં.' 'રહેવા દોને તમારી વાત. પાંત્રીસ પાંત્રીસ વરસ સુધી જે બોલ બોલ કરે એનું કાંઈ ઊપજે નહીં. ભગવાનનું નામ લઈ છાનામાન પડી રહો જાવ.' વિજયાબહેન રજાઈ ઓઢીને પડખું ફરી ગયાં. નલિનભાઈનું લોહી ઊકળતું હતું. એ બેઠા થયા. માથા નીચેનું ઓશીકું હાથમાં લીધું. વિજયાબહેન તરફ ખસ્યા અને એમના મોઢા પર દબાવી દીધું. વિજયાબહેન બૂમ પાડવા ગયાં પણ પાડી ન શક્યાં. શ્વાસ રૂંધાતા હાથ-પગ તરફડવા લાગ્યા. નલિનભાઈએ મિત્ર ડૉક્ટર સચીન ભટ્ટને બોલાવ્યા. વિજયાબહેનને તપાસી ડૉકટર ભટ્ટે જાહેર કર્યું કે વિજયાબહેન હૃદયરોગના હુમલાને કારણે ગુજરી ગયાં. સવાર થતામાં તો વિજયાબહેનના મરણના સમાચાર સૌ ઓળખીતાપાળખીતાને પહોંચી ગયા. મિત્રોને જે સૂઝ્યું તે એકબીજાને કહ્યું : ‘બિચારા નલિનભાઈ, આ ઉંમરે રંડાયા.' 'ખાવાપીવાની કેટલી અગવડ પડશે!' બીજું બોલ્યું. 'એકલા પુરુષને ઘર ચલાવવાની સૂઝેય ના હોય’, ત્રીજાએ સૂર પુરાવ્યો. 'દીકરાની વહુ અમેરિકન છે એટલે એ ઘરનાં બારણાં તો એમને માટે હંમેશનાં બંધ જ સમજો.' ચોથાએ ભવિષ્ય ભાખ્યું. નલિનભાઈના મિત્રોએ વેસ્ટ હિલ સેમેટરીના સ્મશાનગૃહમાં વિજયાબહેનના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કર્યું. અમેરિકન રિવાજ પ્રમાણે શબને ઘરમાંથી ફ્યુનરલ હોમમાં ખસેડયું. અગ્નિસંસ્કાર પહેલાં શોકસભા કરવી એવું પણ ઠરાવ્યું. શોકસભામાં થોડાં સગાં-વહાલાં, થોડા મિત્રો, સહેજસાજ ઓળખાણવાળા અને વધુ તો કુતૂહલવાળા આવ્યા. ભારતીય સ્ત્રીઓ સફેદ સાલ્લામાં હતી. પુરુષોમાં કોઈએ સૂટ પહેરેલો હતો, કોઈએ લેંઘો-ઝભ્ભો, કોઈ ટી-શર્ટ અને જીન્સમાં હતું. વિજયાબહેનનું શબ શબપેટીમાં રાખ્યું હતું. પરણવા જવાનાં હોય એવા એમના શણગાર કરેલા. મોઢું ખુલ્લું હતું અને બાકીના ભાગ પર ચાદર ઢાંકી હતી. હૉલમાં ગોઠવેલી ખુરશીઓમાં નલિનભાઈ પહેલી હરોળમાં બેઠા હતા. અવાર-નવાર રૂમાલ કાઢી ભીની આંખો લૂછતા હતા. થોડી બહેનોએ ભજન શરૂ કર્યાં. ભજન થોડીવાર ચાલ્યા પછી મનસુખભાઈએ સભાનું સંચાલન હાથમાં લીધું. બહેનોને ભજન બંધ કરવા સૂચવ્યું. શોકસભા શરૂ થઈ : 'આજે આપણી કમ્યુનિટીની એક આદર્શ અને પ્રસન્ન દંપતીની જોડી તૂટી છે એનો મને અત્યંત ખેદ છે. વિજયાબહેનના મિલનસાર અને મીઠા સ્વભાવથી આપણે સૌ પરિચિત હતાં. એમને કારણે જ એમને ઘેર સૌ કોઈ ફોન કે નિમંત્રણ વિના જઈ શકતું. એમનું ઘર એટલે આપણા સૌ માટે હોમ અવે ફ્રોમ હોમ. દર રવિવારે થતા સ્વાધ્યાયમાં એમની હાજરી અચૂક રહેતી. 'સ્વાધ્યાય'ના આદેશને અનુસરીને એમણે કેટલાંય સમાજકાર્યો હાથ ધર્યાં હતાં. હું આશા રાખું છું કે એમણે શરૂ કરેલાં કાર્યો ચાલુ રહે અને એમની સુવાસ ફેલાતી રહે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપો.’ આટલું બોલી મનસુખભાઈ બેસી ગયા. મનસુખભાઈ બોલતા હતા ત્યારે નલિનભાઈ થોડીવાર ટગરટગર મનસુખભાઈને અને થોડીવાર એમનાં પત્ની હીરાબહેનને જોતા હતા. હવે જયવતીબહેન ઊભાં થયાં. ‘મારે નલિનભાઈને કહેવું છે કે વિજયાબહેનનો ભલે દેહાંત થયો પણ અમે હજી મરી નથી ગયાં. હું અને બીજી બહેનો એમને પડખે ઊભાં રહીશું. કોઈ કહેતું હતું કે બિચારા નલિનભાઈ ખાવાપીવાનું શું કરશે? નલિનભાઈને એની ચિંતા કરવાનો વારો જ નહીં આવે. અમે વારાફરતી સોમ, બુધ અને શુક્ર એમને ઘરે જમવાનું આપી આવશું. બાકીના દિવસોએ એ અમારે ત્યાં જમશે. નલિનભાઈના આવા કપરા દિવસોમાં હું એમને એકલા નહીં મૂકું.’ ઘેર આવીને જમવાનું આપી જવાની વ્યવસ્થા નલિનભાઈને ખૂબ ભાવી ગઈ. નલિનભાઈ વિચારતા હતા કે વારાફરતી કોણ કોણ આવશે? કેટલા વાગે આવશે? કેટલો વખત રોકાશે? જમવાનું પૂછીને બનાવશે? સ્વાદિષ્ટ રસોઈ બનાવવામાં કોનો હાથ સરસ હશે? આભાર માનવા એ માથું ધુણાવશે, હાથ મિલાવશે, કે ઔપચારિક આલિંગન આપશે? નલિનભાઈ હજુ આગળ વિચારે ત્યાં તો દલસુખભાઈ બોલવા ઊભા થયા : 'મારી ઘરવાળી ચન્દ્રકાન્તા કહે છે કે આપણે પુરુષોને ઘર સારું રાખતાં, સાફ કરતાં આવડતું નથી. અમેરિકામાં રહીને પણ અહીંના જેવી ચોખ્ખાઈની આપણામાં કચાશ છે. મારો જ દાખલો લો. હું કપડાં બદલીને બાથરૂમના હેમ્પરમાં નાંખતો નથી પણ બેડરૂમ વચ્ચોવચ્ચ ઢગલો કરું છું. એ કપડાં બેડરૂમની વચ્ચોવચ્ચ પડયાં છે એ મને દેખાતું જ નથી. જમી રહ્યા પછી ટેબલ પરની મારી ડિશ સીન્ક સુધી પણ લઈ જતો નથી. ટોઈલેટ સીટ ઊંચી કરવાનું હજુ ભૂલી જાઉં છું.’ 'દલસુખભાઈ, શોકસભામાં આત્મકથા કરો મા.' મનસુખભાઈ બોલનારની નજીક સરકી કાનમાં કહી આવ્યા. 'હા, હા, નલિનભાઈની વાત પર જ આવું છું. હું માનું છું કે નલિનભાઈ મારાથી બહુ જુદા નહીં હોય. મારું કહેવાનું છે તે આ : મારા 'ડન્કીન ડોનટસ' સ્ટોરમાં મેરી વિલ્સન સાફસૂફી માટે આવે છે. એને પૈસા આપીને નલિનભાઈને ઘેર સાફસૂફી માટે મોકલવાની જવાબદારી હું માથે લઉં છું. નલિનભાઈને થયું આ મેરી વિલ્સન કોણ હશે? નાની ઉંમરની હશે કે આધેડ? બાંધો કેવો હશે? ભણેલી હશે કે અભણ? નલિનભાઈ સોફા પર બેઠા હશે ત્યાં સામે જ વૅક્યુમ કરશે કે એમને બીજા રૂમમાં જવાનું કહેશે? એને ઈન્ડિયન ખાવાનું ભાવતું હશે? વેજિટેરિયન હોય તો સારું. લોકોએ તાળી પાડી. નલિનભાઈએ મેરી વિલ્સનના વિચારો વચ્ચે જોરથી એક ધ્રુસકું ભર્યું. મનસુખભાઈ પાછા ઊભા થયા : 'હવે શિવશંકર જટાશંકર ત્રિવેદી વિજયાબહેનના આત્માની શાંતિ માટે ભગવદ᳭ગીતાના થોડા શ્લોક બોલશે અને શાંતિપાઠ કરશે. મારી તમને વિનંતી છે કે તમને આવડતા હોય તો પણ ગીતાના શ્લોક બોલાય ત્યારે માત્ર હોઠ ફફડાવજો. પૂજારી સાથે ગાવા નહીં માંડતા. પૂજારીજીના પાઠ પછી શબપેટીની આજુબાજુ જેને પ્રદક્ષિણા ફરવી હશે તે ફરી શકશે. પ્રદક્ષિણા ફરતી વખતે સૌ શાંતિ રાખશો.' શિવશંકર જટાશંકર ત્રિવેદીએ સૂરીલા અવાજમાં ગીતાના બારમા અધ્યાય અને શાંતિમંત્રનું પઠન કર્યું. પછી મનસુખભાઈ નલિનભાઈ પાસે ગયા. વિજયાબહેનની શબપેટીની પ્રદક્ષિણાની શરૂઆત નલિનભાઈએ કરવી જોઈએ એ સૂચવ્યું. નલિનભાઈ ઊભા થયા. શબપેટી પાસે ગયા. વિજયાબહેનના મોઢા સામે જોઈ રહ્યા. 'અરેરે, તું ચૂડીચાંલ્લો પહેરીને જાય છે. મને અહીં સાવ નોંધારો છોડી દીધો. મારી વાડી સાવ ઉજ્જડ થઈ ગઈ. તારા વના મારું શું થશે? હવે કેમ કરીને જીવવું? કોઈનીય છાતીમાં ચીરા પડે એમ નલિનભાઈ આક્રંદ કરતા હતા. હૉલમાં હાજર સૌની આંખોમાંથી પાણી વહી જતાં હતાં. 'બસ નલિન બસ, ઈશ્વરને જે ગમ્યું તે ખરું.' મનસુખભાઈ સાંત્વન આપતા હતા. થોડીવાર લોકો બેસી રહ્યા. કેટલાક મૂંગા બેઠા. કેટલાક ગુસપુસ કરતા હતા. ફ્યુનરલ હોમનો અન્ડરટેકર આવ્યો. શબપેટી બંધ કરી સ્મશાનગૃહમાં લઈ ગયો. શબપેટી ભઠ્ઠીમાં મૂકી. લોકો વિખેરાવા લાગ્યા. 'નલિન, મારે ઘેર આવવું છે?' 'મનસુખ, મારા પગ ભારે થઈ ગયા છે, પણ હું ઘેર જ જઈશ.' નલિનભાઈએ કહ્યું. નલિનભાઈ ઘેર આવ્યા. વિજયાબહેનની કચકચ વિનાનું ઘર એમને ગમ્યું. હાશકારા સાથે નલિનભાઈએ કપડાં બદલી પથારીમાં લંબાવ્યું. ટીવી ચાલુ કર્યું. એમની આંખો કયારે મળી ગઈ ખબર પણ ના પડી.

નક્કી કર્યા પ્રમાણે સોમ બુધ શુક્ર જમવાનું ઘેર આવવા માંડ્યું. બાકીના દિવસોએ જમવાનાં નિમંત્રણ હતાં. ઘરસફાઈ માટે 'ડન્કીન ડોનટ્સ'ની મેરી વિલ્સન આવવા માંડી. દલસુખભાઈએ ચોખવટ નહોતી કરી કે મેરી વિલ્સન બ્લૅક છે. નલિનભાઈને એમ કે કોઈ ધોળી છોકરી કે બાઈ આવશે. એ કરતી હશે ત્યારે નલિનભાઈ સોફા પર બેઠા બેઠા એની સાથે ઈન્ડિયાની વાતો કરશે. છોકરીને કુતૂહલ હશે તો ઈન્ડિયાની કાસ્ટ સિસ્ટમ, સ્ટુપિડ મૅરેજ સિસ્ટમ, સંયુક્ત કુટુંબના ફાયદા અને ગેરફાયદા, હિંદુ રીતરિવાજો વગેરે વિશે સમજાવશે. છોકરી ગમી જાય એવી હશે તો ટીવી પર ફિલ્મ સાથે જોશે. સિક્રેટલી ડેટીંગ કરશે. એને બદલે - છટ્, કાળા સાથે તે વાતો કે પ્રેમ થતા હશે? નલિનભાઈ મનેમાં બબડયા.


એક દિવસ સાંજે જયવતીબહેન એકલાં જમવાનું લઈને આવ્યાં. ‘કેમ હરિવદન નહીં આવ્યો?' 'એનું માથું દુઃખે છે.' કહી જયવતીબહેને જમવાનું પીરસ્યું. 'તમને રોજ રોજ દાળ-ભાત-શાક રોટલી ખાઈને કંટાળો નથી આવતો?’ 'આવે છે ને,' નલિનભાઈએ કહ્યું. 'તો.' 'તો શું?' ‘તમને પીઝ્ઝા ભાવે?' 'અરે, બહુ ભાવે. કાંદા અને મરચાંવાળો.' 'પરમ દિવસે હરિવદન બહાર જવાનો છે. આપણે 'પીઝા હટ'માં જવું છે?' જયવતીબહેને સૂચવ્યું. 'તું કહે છે તો વ્હાય નોટ? ઈટ વીલ બી માઈ ટ્રીટ. ઓ.કે.?’ જયવતીબહેને બીજી રોટલી પીરસી. 'મારે બીજી પણ વાત કરવી' તી.' 'શી વાત? બોલ ને.' નલિનભાઈએ કહ્યું. 'કહું કે નહીં?' 'મારા સમ. કહી દે જે મનમાં હોય તે.’ ‘તમે કોઈની સાથે બહેનપણા કરોને. તમે કાંઈ ઘરડા નથી થયા.' જયવતીબહેન બોલ્યાં. 'તારા ધ્યાનમાં કોઈ છે?’ 'અમારા સ્વાધ્યાયમાં કેટલીય એકલી આવે છે.' 'મને 'સ્વાધ્યાય'વાળી સ્ત્રી નહીં જોઈએ. કોઈ રસિક એટલે કે—' ‘તે તમે એમ માનો છો કે 'સ્વાધ્યાય'વાળીને બીજો રસ જ નહીં હોય?' જયવતી બહેન ત્રીજી રોટલી પીરસતાં બોલ્યાં. 'સાચે જ? મને તો મીઠી મીઠી વાતો કરે, મારી સાથે ફરવા આવે, મારી સાથે બેસીને ફિલ્મ જુએ એવી સ્ત્રી ગમે. તને એવું ગમે?' નલિનભાઈએ જયવતીબહેનનો ચોથી રોટલી પીરસતો હાથ પકડીને પૂછ્યું. 'અત્યારે જમી લો.' જયવતીબહેન નલિનભાઈનો હાથ છોડાવતાં બોલ્યાં. જયવતીબહેન ગયા પછી નલિનભાઈ વિચારે ચડ્યા. જયવતીને હરિવદન બહુ ગમતો નહીં હોય. કેવો જાડોપાડો થઈ ગયો છે. જ્યારે જુઓ ત્યારે ટર્ટલ નેક, સ્વેટરમાંથી એની ફાંદ ડોકાતી હોય છે. પાછો મારો બેટો, એકસો વીસ તમાકુમાં ચૂનો ચોળીને ખાય છે. એનું મોં કેવું ગંધાતું હશે? જયવતી એવાને થોડી ચૂમવાની છે? 'સ્વાધ્યાય'માં ન જાય તો શું કરે? નલિનભાઈ બુધવારની રાહ જોવા માંડયા. જયવતી આવશે એટલે સાથે 'પીઝ્ઝા હટ'માં જશે. થીન ક્રસ્ટ પીઝ્ઝા વિથ અનિયન્સ ઍન્ડ હોટ પેપર્સ ઓર્ડર કરશે. પીઝ્ઝા ખાતાં ખાતાં અલકમલકની વાતો કરશે ને હિલોળા લેશે. છેવટે બુધવાર આવ્યો. સાંજે પાંચ વાગ્યા. જયવતી સાત વાગે આવે છે. નલિનભાઈ બાથરૂમમાં ગયા. ઘસી ઘસીને મોઢું ધોયું. કોલોન સ્પ્રે કર્યું. અરીસામાં જોઈને વાળ ઓળ્યા. પછી પલંગ પર લંબાવી ટીવી પર ઇવનિંગ ન્યૂઝ શરૂ કર્યા. ન્યૂઝ જોતાં જોતાં ઝોકું આવી ગયું. બારણું થપથપાવવાના અવાજે જાગી ગયા. જયવતી હશે, બારણું હજી જોરથી ખટખટતું હતું. -આવું છું, આવું છું, કહી નલિનભાઈએ બારણું ખોલ્યું.

***

કેમ આટલી વાર લાગી? રવિવારની મોડી સવારેય પેલી ફિલ્મ જોતા'તા કે શું? હું સવારે ઉતાવળમાં સ્વાધ્યાયમાં જવા નીકળી. ચાવી અંદર રહી ગઈ ને બારણું લૉક થઈ ગયું. આટલી ઘંટડી મારી એય સાંભળતા નથી? છેવટે બારણું થપથપાવવું પડયું. કેવા ધણી સાથે પનારો પડયો છે, મારો? સ્વાધ્યાય માટે ઘર બહાર પગ મૂક્યો નથી ને અહીં ફિલ્મ શરૂ થઈ નથી...

વાર્તા અને વાર્તાકાર :

પન્ના નાયક (૨૮-૧૨-૧૯૩૩)

એક વાર્તાસંગ્રહ :

1. ફ્લેમિન્ગો 27 વાર્તા

‘કથા નલીનભાઈની’ વાર્તા વિશે :

અહીં લીધેલી વાર્તા ‘કથા નલિનભાઈની’માં સ્વાધ્યાયના રવાડે ચડેલી પત્ની પતિને જાતીય સંબંધમાં સાથ જ નથી આપતી ત્યારે પતિ મનોમન, કલ્પના જગતમાં પત્નીનું મૃત્યુ અને કેટલી બધી સ્ત્રીઓ સાથે ફાગ ખેલવાની ઈચ્છા પ્રગટ કરે છે. ‘કથા નલીનભાઈની’ વાર્તા સ્ત્રી-પુરુષની Sex Psychology ને સ્પર્શે છે. વાર્તા અમેરિકન પરિવેશમાં ઊઘડે છે. જો કે, વર્ષો સુધી અમેરિકામાં રહ્યા પછી પણ અહીં નજરે ચડતા તમામની વિચારસરણીમાં, રીતરિવા2જોમાં ભારતીયતા એવી ને એવી જળવાઈ રહી છે. ‘શનિવારની મધરાતે નલીનભાઈ વીસીઆર પર ‘કમ ઍન્ડ ગેટ ઈટ’ ફિલ્મ પૂરી કરી ઝોકા ખાવા લાગ્યા.’ વાર્તા આ પ્રથમ વાક્યથી જ સ્વપ્નપ્રદેશમાં સરી ગઈ છે. જો કે, આ રહસ્ય તો અંતે જતા ઊઘડે છે. અંતે પહોંચીને આ વાર્તાને ફરીવાર વાંચવાની જરૂર નહીં પડે. કારણ કે અહીં શુદ્ધ ઓ. હેન્રી પ્રકારની ચમત્કૃતિ છે. વિજયાબહેનના મતે, નલીનભાઈ ગંદી ફિલ્મો જોવા અને અશ્લીલ મૅગેઝીન વાંચવા સિવાય કશું કરતા નથી તો વિજયાબહેનને સ્વાધ્યાય અને ગીતાપાઠ સિવાય કશું સૂઝતું નથી. પથારીમાં બેઉ વચ્ચેની ખાસ્સી જગ્યા નલીનભાઈની અકળામણનું કારણ છે. નલીનભાઈની માગણીના જવાબમાં વિજયાબહેન હંમેશા બહાના ધરે છે, શિખામણો આપે છે... ‘દીકરાને ત્યાં દીકરો છે. ગંદી ફિલ્મો જોવાની બંધ કરી માળા જપો...’ વગેરે વગેરે. આ કથા રોજની છે એટલે ઉશ્કારાયેલા નલીનભાઈએ વિજયાબહેન તરફ ધસી મોઢા પર ઓશિકું દબાવી દીધું. આ અજાગ્રત મનમાં પડેલી એમની ઝંખના છે જે સ્વપ્નમાં સાકાર થતી દેખાઈ રહી છે. વિજયાબહેનના મરણના સમાચારે ભેળા થયેલા સંબંધીઓ નલિનભાઈ વિશે જે પ્રકારની ચિંતા વ્યક્ત કરે છે એમાં એક વાત સ્પષ્ટ થાય છે. સાથીદારની જવાથી ઊભી થતી ચિંતાઓ માત્ર સામાજિક જ હોઈ શકે. એકલા પડેલા સાથીને ખાવાપીવા સિવાયની સમસ્યા હોઈ શકે એવું સ્વીકારવા આપણે જાણે તૈયાર જ નથી. ભેળી થયેલી બહેનોએ નલિનભાઈને જમવાની મુશ્કેલી નહીં પડે એવી ખાતરી આપી. (સપનું નલિનભાઈનું છે એટલે એમને ગમતી દિશામાં જ જાય એ સહજ, સ્વાભાવિક છે.) બહેનોની ઑફર સાથે જ નલિનભાઈ મનગમતા ખ્યાલો ચગળવા માંડે છે. વારાફરતી કોણ કોણ આવશે? કેટલા વાગે આવશે?... આભાર માનવા એ માથું ધુણાવશે, હાથ મિલાવશે કે ઔપચારિક આલિંગન આપશે? જોઈ શકાય છે કે વ્યવહારુ પ્રશ્નો ઉકેલાઈ રહ્યા છે ત્યારે પણ નલીનભાઈનું મન તો એમની પોતીકી સમસ્યામાં જ રમમાણ છે ને એટલે જ આ કથા છે. આ કંઈ એક નલિનભાઈની વાત થોડી જ છે? આવા કેટલાય નલિનભાઈઓની સહિયારી કથા છે આ. શોકસભામાંથી ઘરે આવતા નલિનભાઈને વિજયાબહેનની કચકચ સિવાયનું ઘર ગમે છે. નલિનભાઈની જિંદગી બહેનોને સહારે શાંતિથી ચાલવા માંડી ત્યાં એક સાંજે ખાવાનું લઈને આવેલાં જયવતીબહેન પૂછે છે : ‘તમને રોજ રોજ દાળ-ભાત-રોટલી ખાઈને કંટાળો નથી આવતો?’ આ પ્રશ્ન ક્યારેક હોટલમાં ખાવા જેવો ઈશારો છે. જયવતી બહેન કહે છે : ‘તમે કોઈની સાથે બહેનપણાં કરોને, તમે કાંઈ ઘરડા નતી થયા.’ પુરુષ માટેનું આબાદ સત્ય છે આ, Sex બાબતે એ કદી ઘરડો થતો જ નથી ને સ્ત્રી વહેલી પરવારી જાય છે. એમાંથી આરંભાય છે કથા નલિનભાઈઓની... જયવતીબહેનના ગયા પછી નલિનભાઈ ચગળવી ગમે એવી કલ્પનાઓ પર ચડી જાય છે. ને જયવતીની રાહ જોતા, રૂપાળા થઈને બેઠેલા નલીનભાઈને ટી.વી. જોતાં જોતાં ઝોકું આવી જાય છે. બારણું ખટખટાવવાના અવાજથી જાગીને બારણું ઉઘાડે છે ત્યાં ‘કેમ આટલી વાર લાગી? રવિવારની મોડી સવારેય પેલી ફિલમ જોતા’તા કે શું? કેવા ધણી સાથે પનારો પડ્યો છે મારો? સ્વાધ્યાય માટે ઘર બહાર પગ મૂક્યો નથી ને અહીં ફિલમ શરૂ થઈ નથી...’ પત્નીના એવા કકળાટ સાથે વાર્તા પૂરી થાય છે. આ કકળાટ જ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. એક ઝોકાથી બીજા ઝોકા સુધીની સફરમાં નલિનભાઈ કેવી સરસ ફિલ્મ જોતા હતા એની પત્નીને ખબર પડે તો? પત્નીનો પ્રવેશ નલિનભાઈના સુંદર સપનાનો ભાંગીને ભૂક્કો કરી નાખે છે.

અન્ય મહત્ત્વની વાર્તાઓ :

લેડી વીથ અ ડૉટ, નિત્યક્રમ, નૉટ ગિલ્ટી, વળાંક