બાંધણી/કૃતિ-પરિચય

Revision as of 13:37, 18 September 2024 by Shnehrashmi (talk | contribs)


કૃતિ-પરિચય

કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન અને નિબંધ. હર્ષદ ત્રિવેદીની સર્જકતાનો વધુ એક મુકામ. ‘માંડવીની પોળના મોર’ એમનો પ્રથમ નિબંધસંગ્રહ. અહીં ઉપસતા હર્ષદ ત્રિવેદી એમનાં અંતરંગ વ્યક્તિત્વ સાથે આપણને પ્રવાસ કરાવવા હાજર છે. એમનાં સ્મરણોનું શૈશવ, એમની આસપાસનો વર્તમાન, આસપાસના અરૂઢ ચરિત્રો, એમની સર્જનપ્રક્રિયા, એમનું ચિંતન, પ્રકૃતિ સાથેનો એમનો અનુબંધ રસાત્મક અને આકર્ષક ગદ્યમાં આપણી સામે આવે છે. ગુજરીબજાર, શાકપીઠ, ઘરનું ફળિયું, બચપણનું ગામ અનુક્રમે ‘માંડવીની પોળના મોર’, ‘શાકપીઠ’, ‘સુરતા' કે ‘મધુવન’ જેવા નિબંધોમાં એક આકર્ષક અનુભવ લઈને આવે છે. સ્વાદરસને ગદ્યરસમાં ઘોળીને ‘પાનપુરાણ’ થયું છે. ‘મારા જીવનની ભૂલ’ કે ‘મારું સત્ય: મૃત્યુ’ જેવા વિચારપ્રવણ નિબંધો પણ અહીં છે. આ નિબંધ સૃષ્ટિ આપણને ‘એમનો’ અને ‘આપણો’ પરિચય કરાવશે.

–મહેન્દ્રસિંહ પરમાર