નારીસંપદા : ટૂંકી વાર્તા/મનગમતી કેદ
વર્ષા દાસ
બસની રાહ જોતી નિશા ઊભી છે. શિયાળાની સાંજ છે. સામેની ફૂટપાથ પર દીવાલને અઢેલીને એક માણસ બેઠો છે. બાજુમાં એક કપડું પાથરેલું છે. તેના પર લાઇનબંધ પરબીડિયાં મૂકેલાં છે. પાસે એક પિંજરું છે. એમાં પોપટ છે. એક જિજ્ઞાસુ રાહદારીએ પેલા માણસના હાથમાં બે રૂપિયા પકડાવ્યા. એણે પિંજરું ખોલ્યું. પોપટ બહાર આવ્યો. લાઇનબંધ પડેલાં પરબીડિયાંમાંથી એકને ચાંચમાં પકડી લીધું અને એના માલિકના હાથમાં મૂક્યું. માલિકે પરબીડિયું ખોલ્યું. એમાંથી જે ચબરખી નીકળી તેના પર બે રૂપિયા આપનાર માણસનું ભવિષ્ય હતું. એણે વાંચી સંભળાવ્યું. રાહદારી ખુશ હતો. પોપટનો માલિક પણ ખુશ હતો. પોપટ એની મેળે પિંજરામાં પાછો ચાલ્યો ગયો. પિંજરું બંધ થઈ ગયું. નિશાને થયું કે આ પોપટ દિવસમાં કેટલીયવાર આમ બહાર નીકળતો હશે ને એની મેળે અંદર ચાલ્યો જતો હશે. આજુબાજુનાં વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ તરફ એનું ધ્યાન જ નહીં ગયું હોય? ઉપર ખુલ્લું આકાશ છે. વાદળો છે. કિલકિલાટ કરતાં પંખીઓ છે. તે એણે જોયાં જ નહીં હોય? પિંજરામાં બેઠો બેઠો એ ક્યાં જોતો હશે? શું વિચારતો હશે? એને મન હશે? સુખદુઃખની લાગણીઓ હશે? નિશાના મનમાં આટલા બધા પ્રશ્નો જાગવાનું કારણ એ કે પોપટને પિંજરામાં પાછો જતો જોઈને એને થયું કે જાણે એ પોતે જ માનવદેહધારી પોપટ છે. તફાવત છે માત્ર સ્થાનનો, ને શરીરનો. સંયોગો કે મનઃસ્થિતિનો નહીં. આ જાતે સ્વીકારેલી કેદની વાત છે. આજુબાજુની દુનિયા પ્રત્યે કેળવેલી નિઃસ્પૃહાની વાત છે. એ પોપટે વૃક્ષો, વાદળો, પંખી, આકાશ બધું જ જોયું હશે. પંખીઓનો કલરવ પણ રોજ સાંભળતો હશે, પણ એ ઊડવાની ચેષ્ટા જ નથી કરતો. એને ઊડવાની ઇચ્છા જ નહીં હોય એમ ધારી લેવું બરાબર નથી. એના માલિકે એની પાંખો કાપી નાખી છે. પાંખો વિના એ ક્યાં જાય? પણ એને પાંખો હતી ત્યારે એ ખૂબ ઊડ્યો હશે. પાસેના વૃક્ષ કરતાં યે ઊંચી ડાળે બેઠો હશે. વાદળોની સાથે સંતાકૂકડી રમ્યો હશે. નિશા પોપટને એકીટશે જોઈ રહેલી. નિશાનું જેવું નામ તેવો વાન. રાતના અંધકારમાં જેમ દીવા ટમટમે તેમ એની બે આંખો ટમટમે. એ આંખોમાં અમાસની કેટલીયે રાતોનાં અંધારાં ને કેટલીય પૂનમનાં અજવાળાં સમાયેલાં છે. અંધારાં-અજવાળાંની પાછળ છે પેલો પરબીડિયાં ઊંચકીને પિંજરામાં બેસી જતો પોપટ. ...હા, ...તો બસની રાહ જોતી નિશા ઊભી છે. શિયાળાની સાંજ છે. દિવસ સાવ ટૂંકો. સાંજના સાડા પાંચ વાગ્યે ત્યાં અંધારું થવા માંડે. નિશા એની ઑફિસેથી ઘરે જાય છે. બસસ્ટોપ પર ઊભી છે. અચાનક એક મોટી સફેદ ગાડી સામે ઊભી રહી ગઈ. એમાંથી ઊતર્યા મિ. આહુજા. નિશાના પાડોશી. બોલ્યા : ‘ચાલો, ઘરે જ જાઓ છો ને?’ નિશા : ‘હા, થેન્ક યુ સો મચ !’ કહીને ગાડીમાં બેસી ગઈ. આહુજા : ‘તમારો આવો સારો હોદ્દો છે. તમે બસમાં શા માટે ધક્કા ખાઓ છો? એક સ્કૂટર લઈ લો. પોઝિશનનો પણ જરા વિચાર કરવો જોઈએ.’ નિશા : ‘પોઝિશન અને પૈસાનો કંઈ ભરોસો છે? આજે હોય તો કાલે ન હોય !’ આહુજા : ‘એમ કંઈ ચાલે? એક મોપેડ લઈ લો. બહુ સસ્તામાં મળી જશે.’ નિશા : ‘ના રે, આપણે તો આ બસ જ સારી. દિલ્હીના ટ્રાફિકમાં મને તો બે પૈડાંના વાહન પર બેસતાં જ બહુ બીક લાગે !’ આહુજા ખડખડાટ હસ્યા. થોડુંક ખોટું, થોડુંક સાચું. દિલ્હીની કોઈ વિદેશી એમ્બસીમાં એ કામ કરે છે. વિદેશીઓની ગાડી પર ‘સી.ડી.’ વાળી નંબર પ્લેટ હોય એવી જ આહુજાની ગાડી પર છે, એટલે એ પોતાને દિલ્હીની ‘આમ જનતા’ કરતાં જરા ઊંચા માને છે. સાંભળ્યું છે કે મહિને રૂપિયા દસ હજારનો પગાર મળે છે ! એક દિવસ મિસિસ આહુજા એમના પાડોશીને કહેતાં હતાં કે અમારે ત્યાં તો રોજ પચીસ રૂપિયાનું ફ્રૂટ ખવાઈ જાય અને મુખવાસમાં તો બધાને કાજુ જ જોઈએ ! નિશા જરાક ‘પોઝિશન’વાળી નોકરી કરે એટલે એની સાથે મિસ્ટર અને મિસિસ આહુજા વાત કરે. બીજાઓને ખાસ ગણકારે નહીં ! નિશા પોતાના કામમાં મસ્ત હોય. કેટલોક સમય ઘરકામ અને લખવા-વાંચવામાં વીતી જાય, એટલે રવિવારની બપોરે પાડોશીઓ સાથે તડકે બેસીને ગપ્પાં મારવાની ફુરસદ તો એને હોય જ નહીં. નિશાનું ઘર આવ્યું એટલે ગાડી ઊભી રહી. નિશાએ ફરીથી આહુજાનો આભાર માન્યો. આહુજાએ વિદેશી અદાથી નિશાના થેન્ક યુના જવાબમાં કહ્યું : ‘માય પ્લેઝર મે’મ !’ અને વિના કારણે થોડું સાચું અને થોડું ખોટું, એવું હસ્યા. નિશાએ ગાડીનો દરવાજો બંધ કર્યો. ગાડી આગળ ચાલી. નિશા દાદરા તરફ વળી ત્યાં પાછળથી બૂમ સંભળાઈ : ‘નિ...શા...’ સૂર્યનો અવાજ હતો. નિશા અટકી ગઈ. ચહેરા પર નારાજી દર્શાવતી રેખાઓ હતી. નિશાને નારાજીનું કંઈ કારણ સમજાયું નહીં. સૂર્યે જ કારણ જણાવી દીધું. ‘વાહ ભાઈ વાહ. મોટી મોટી ગાડીઓમાં ઘરે આવો છો. જલસા છે !’ નિશાએ કહ્યું : ‘હું બસસ્ટોપ પર ઊભેલી, ત્યાં મિ. આહુજા આવી પહોંચ્યા. ઘર સુધીની લિફ્ટ મળી ગઈ.’ ‘આહુજાની ઑફિસ તો ઊંધી દિશામાં છે. એ તારી ઑફિસ બાજુ ક્યાંથી આવી પહોંચ્યો?’, સૂર્યે પીછો ન છોડ્યો. નિશા સૂર્યના મનમાં સળવળતા શંકાના કીડાને જોઈ ગઈ, પણ એની પરવા કર્યા વિના ખૂબ સરળ ભાવે બોલી : ‘એટલું બધું પૂછવાની મારે શી જરૂર? હું તો બસની ધક્કામુક્કીથી બચી ગઈ, એટલે ખુશ છું. ચાલો ઉપર કૉફી પીએ.’ બંને ઉપર આવ્યાં. દરવાજા પર તાળા પાસે એક વિઝિટિંગ કાર્ડ હતું. એના પર કાળી શાહીથી લખેલું : ‘આજે ડિનર સાથે લઈશું. સાડા સાતે લેવા આવીશ.’ પ્રમોદ ગુલાટીનું કાર્ડ હતું. એ ભાઈ ગયે વર્ષે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. નિશાને મિત્ર ગણે છે. બંને વચ્ચે નિર્દોષ મૈત્રી છે. સૂર્યને જાણે બીજો કાંટો વાગ્યો ! તાળું ખોલીને બંને અંદર આવ્યાં. નિશાએ ગૅસ પર કૉફીનું પાણી મૂક્યું. સૂર્ય રસોડામાં પહોંચી ગયો. નિશાને છાતી સરસી ચાંપીને બોલ્યો : ‘નિશા, તારા વિના એક પળ પણ ગમતું નથી. તું ક્યાંય ન જા. બસ મારી પાસે, મારા હાથમાં હાથ રાખીને, મારી આંખોમાં આંખો પરોવીને બેસી રહે.’ એક સમય એવો હતો કે નિશા સૂર્યના આવા શબ્દો સાંભળીને ગદ̖ગદ થઈ જતી. પોતાનો વર્તમાન અને ભવિષ્ય એ સૂર્યને સોંપી દેતી. સૂર્યની ચારે તરફ ફરતી પૃથ્વીની જેમ એનું સમગ્ર અસ્તિત્વ સૂર્યની આજુબાજુ ફરતું હતું. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એના કૂણા હૃદય પર અનુભવનાં પડ પથરાતાં ગયાં. સૂર્યે આપેલા આઘાતોમાંથી પડ મજબૂત બનતાં ગયાં. એનું હૃદય પડની દીવાલો નીચે સુરક્ષિત રહી ગયું. એટલે જ એ હજીય ધબકે છે. ક્યારેક નિશાને લાગતું કે જાણે ઘોડાની આગળ ગાજર લટકાવી રાખ્યું હોય એમ સૂર્ય એને અપનાવવાની વાત કર્યા કરે છે. જેમ ઘોડાને ગાજર મળે નહીં એમ નિશાને પણ સૂર્ય મળે નહીં. ગાજર માટે એ ઘોડો કેટલાય મહિના, કેટલાંય વર્ષોથી દોડ્યા જ કરે છે. એના પગની ખરીઓ ઘસાઈ ગઈ, પછી નાળ મૂકાવી. નાળ પણ ઘસાઈ ગઈ એટલે ઘોડો તબેલામાં આવીને ઊભો રહી ગયો. ગાજર હજીયે સામે લટકેલું હતું, પણ ઘોડો એને જોવા છતાં ન જોયાનું કરે છે. પેલા પોપટની જેમ આ ઘોડો રોજ તબેલામાંથી નીકળે છે ઘાસ ચરવા. ને પાછો તબેલામાં આવીને ઊભો રહી જાય છે. ગાજર હજીયે લટકે છે. સૂર્ય હજીય એવા જ ગળગળા સાદે પોતાના પ્રેમનું બયાન કરે છે. સૂર્યને જરા અળગો કરીને નિશા બોલી : ‘તમે ડ્રોઇંગરૂમમાં બેસો. હું હમણાં કૉફી લઈને આવું છું.’ નિશા કૉફીની ટ્રે સાથે રૂમમાં આવી ત્યારે સૂર્ય સિગારેટ પી રહ્યો હતો. ધુમાડાથી આખો ઓરડો ભરાઈ ગયેલો. સૂર્યે કહ્યું : ‘નિશા, આજે સવારે જ સમાચાર આવ્યા છે કે પંદર દિવસ માટે પુનિતા દિલ્હી આવે છે. હું શું કરું? મેં એને કેટલીયે વાર આવવાની ના પાડી છે, પણ એ તો કામનું બહાનું કાઢીને આવી જ પહોંચે છે.’ ‘તમે પુનિતાને છૂટાછેડા લેવાની વાત કરી?’ નિશાએ સ્વાભાવિક સ્વરે, જાણે આ પ્રશ્ન સાથે એને કંઈ સંબંધ ન હોય તે રીતે પૂછ્યું. સૂર્યે માથું હલાવીને ના પાડી. નિશા એવી જ સ્વાભાવિકતાથી બોલી : ‘તો તો એ આવે જ ને? અહીં એનું ઘર છે. એમાં એનો પતિ રહે છે. પતિ એને પત્નીપદેથી હટાવવા નથી માગતો. એમાં પુનિતાને શા માટે દોષ દો છો?’ સૂર્ય અધીરાઈથી બોલ્યો : ‘પણ એ દિલ્હી ન આવે તો એને ન ચાલે?’ ‘શા માટે ન આવે? એ એના પતિને ખૂબ ચાહે છે. એ જરૂર આવશે. વારંવાર આવશે. તમારા દરવાજા જ્યાં સુધી એને માટે ખુલ્લા છે ત્યાં સુધી તો આવવાની જ.’ નિશા હવે સૂર્યની પ્રિયા તરીકે નહીં, પરંતુ નારી હૃદયના પ્રવક્તા તરીકે બોલી રહી હતી. સૂર્યને એ પસંદ નહોતું. એને તો પેલી જ નિશા જોઈએ જે એની આજુબાજુ પૃથ્વીની જેમ ફર્યા કરે. સૂર્ય પુનિતાથી દૂર ખસવા માગે છે, કારણ કે પુનિતા એવાં પરિભ્રમણ કરે એવી નથી. એ પોતે પણ એક પ્રખર સૂર્ય જેવી છે. તે છતાં એ સૂર્યને ચાહે છે કારણ સૂર્ય એની આજુબાજુ ફર્યા કરતો હતો, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે તેમ. પછી અચાનક એક દિવસ સૂર્યને ભાન થયું કે એ ચંદ્ર બની ગયો છે ! પોતાનું તેજ ગુમાવીને એ બીજાના તેજે પ્રકાશિત થવા લાગ્યો છે ! આ ભાન એને માટે આઘાતજનક હતું. એ જ વખતે એની નજર નિશા ઉપર પડી અને ત્યારથી આ નવું ચક્ર ચાલવા માંડ્યું. નિશાના પ્રવક્તા જેવા શબ્દો પણ સૂર્યને કાંટાની જેમ ભોંકાયા. સિગારેટને એશ-ટ્રેમાં મસળીને એ એકીસાથે કૉફી ગટગટાવી ગયો. પછી ઊભો થઈ ગયો. નિશાની ચિબુક પકડીને બોલ્યો : ‘નિશા, મારે વિશેષ કંઈ નથી કહેવું. તું મારું અભિન્ન અંગ છે. મારો શ્વાસ છે.’ ને સૂર્ય ચાલ્યો ગયો. નિશાએ દરવાજો બંધ કર્યો, પરંતુ એને ખબર છે ને સૂર્યને પણ ખબર છે કે નિશાના દરવાજા સૂર્ય માટે હંમેશાં ખુલ્લા છે. બંધ કરેલો દરવાજો તો પેલા પોપટના પિંજરાનો દરવાજો છે. માલિકને મન થાય ત્યારે એ દરવાજો ખોલે. પોપટ એનું કામ કરીને પાછો પિંજરાની અંદર પુરાઈ જાય ! આ તો ‘મનગમતી કેદ’ની વાત છે.
વાર્તા અને વાર્તાકાર :
- વર્ષા દાસ (૦૯-૧૧-૧૯૪૨)
એક વાર્તાસંગ્રહ :
- 1. કનુપ્રિયા : 24 વાર્તા