ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ભૂમિકા

Revision as of 02:46, 27 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભૂમિકા

સને ૧૯૩૭ સુધીમાં ‘ગ્રંથ અને ગ્રંથકાર'ના આઠ ભાગ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા એ પછી એના વિશેષ ભાગ પ્રસિદ્ધ કરવાનું હાથ ધરી શકાયું નહોતું. સને ૧૯૪૨માં નવમો ભાગ પ્રસિદ્ધ કરી તેમાં સને ૧૯૩૭થી ૧૯૪૧ સુધીનાં પાંચ વર્ષના ગ્રંથોની સમીક્ષા અને આઠ ભાગમાં રહી ગયેલા ગ્રંથકારોના ચરિત્ર આપવાની યોજના કરવામાં આવી અને તે કામ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ અને શ્રી બચુભાઈ પો. રાવતને સોંપવામાં આવ્યું હતું. પૂર્વના ભાગોમાં ગ્રંથ અને ગ્રંથકારો ઉપરાંત કોઈ ઉપયોગી વિષય ઉપર નિબંધ અથવા તો મહત્ત્વના કોઈ નિબંધના પ્રકાશનની વ્યવસ્થા કરવામાં આવતી હતી તે રીતે આ નવમા ભાગમાં ગ્રંથસ્વામિત્વના કાયદાનો સાર અને જોડણીના નિયમોનું વિવરણ આપવાનો નિર્ધાર કરી તે કાર્ય અનુક્રમે શ્રી પ્રભુદાસ બા. પટવારી અને પં. કેશવરામ કા. શાસ્ત્રીનો સોંપવામાં આવ્યું હતું. અનુકૂળ સંજોગોને અભાવે શ્રી પટવારીનો નિબંધ તૈયાર થઇ શક્યો નથી; એટલે અહીં પં. કેશવરામ શાસ્ત્રીનો, ગુજરાત વિદ્યાપીઠના જોડણીના નિયમોનું વિવરણ આપતો 'ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી' એ નામનો શ્રમપૂર્વક લખાયેલો લેખ, નમૂનાના આશરે ૧૦,૦૦૦ શબ્દો સાથે આપવામાં આવ્યો છે. કોઈકોઈ શબ્દની પં. શાસ્ત્રીને ઠીક ન લાગતી જોડણી સુધારવામાં આવી છે, પણ આવા શબ્દો જૂજ છે. આ આખો નિબંધ એક દિશાસૂચન પૂરતો જ લેખકે તૈયાર કર્યો છે એનાથી સંસ્થાની નીતિ બદલાઈ છે એમ કોઈ ન માને. 'ગ્રંથ અને ગ્રંથકાર'ની ઉપયોગિતા વિશે વિશેષ કહેવાનુ નથી એનું પ્રકાશ દર વર્ષે થવાને બદલે દર પાંચ વર્ષે થતું રહે એ સગવડભરેલું પણ છે દર વર્ષે છાપવાથી ‘ગ્રંથકાર’ વિભાગ ટૂંકો થતો જાય. ગ્રંથોની સમીક્ષાનો તો પ્રશ્ન બહુ નથી, કેમકે અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા દર વર્ષે રીતસર સમીક્ષા કરાબી છપાવે છે. એનું પાંચ વર્ષે દોહન, અને વિદેહ તેમજ વિદ્યમાન ગ્રંથકારોનાં ચરિત્ર, એટલાથી ગ્રંથપૂર બરોબર થઇ રહે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્વ. આસિસ્ટંન્ટ સેક્રેટરી સદ્ગત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે શુભ ઉદ્દેશથી આ પુસ્તકમાળાનો આરંભ કરેલો. અનિવાર્ય સંજોગોને લીધે તે પ્રબંધ અટકી પડ્યો હતો; પરન્તુ કારોબારી સમિતિએ તેની ઉપયોગિતા લક્ષ્યમાં લઈને તે ફરી ચાલુ કરવાની વ્યાસ્થા કરી છે એ ખરેખર યોગ્ય થયું છે.

અમદાવાદ
તા. ૧-૮-‘૪૪

વિદ્યાબહેન ૨. નીલકંઠ
ઑન સેક્રેટરી,
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી