◼
૬૦. હાંફતાં સરઘસો (રાધેશ્યામ શર્મા) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
દીકરો ગૂમ થઈ જાય અને એની શોધમાં બાપની રખડપટ્ટી શરૂ થાય એને ભવના ફેરામાં પલટી નાખતી ‘ફેરો' જેવી લઘુનવલ કે કિશોરની આંખે ડાકોરયાત્રાની નોંધમાંથી જુદું જગત ઊભું કરતી ‘સ્વપ્નતીર્થ’ જેવી લઘુનવલથી ગુજરાતભરમાં જાણીતા રાધેશ્યામ શર્માની મહત્ત્વની ખાસિયત એ છે કે કોઈપણ નવા બહાર પડતા ગુજરાતી પુસ્તકને તેઓ ચીલઝડપે અવલોકનમાં ઝડપી લે છે, એમની વાંકીચૂકી ચાંચની છાપ સાથેનું વિવેચન એમનો મુદ્રાલેખ છે પણ અમદાવાદ શહેરને, શહેરનાં વરવાં દશ્યોને શહેરની ગંદી અને ગોબરી છબીઓને ઝડપતા રાધેશ્યામને જોવા એ એક લ્હાવો છે. રાધેશ્યામ શર્મા અમદાવાદ શહેરને હાંફતાં સરઘસોમાં બરાબર ઝીલે છે. એ એમનું જાણીતું દીર્ઘકાવ્ય છે. નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક તરીકે ખૂબ જાણીતા રાધેશ્યામ વર્ષો પહેલાં ‘આંસુ અને ચાંદરણા' કાવ્યસંગ્રહ બહાર પાડેલો એમાં એ કાવ્ય ગોઠવાયેલું છે. ‘હાંફતાં સરઘસ' ની વિશેષતા એ છે કે એમાં અમદાવાદ શહેરનાં દૃશ્યો ઝડપવા સાથે એના અવાજો પણ ઝાલી બતાવ્યા છે, સિનેરસિયા રાધેશ્યામ માટે કહી શકાય કે ‘હાંફતાં સરઘસ'માં એમણે જુદાં જુદાં દેશ્યોની પટ્ટીને અવાજની પટ્ટી સાથે કુશળતાથી જોડી છે. એમ કહેવાય કે કવિ દૃશ્યો બતાવવા કરતાં અવાજ સંભળાવવામાં વધુ રસ ધરાવે છે; અવાજ સંભળાવવા કરતાં ઘોંઘાટ સંભળાવવામાં વધુ રસ ધરાવે છે, ઘોંઘાટ સંભળાવવા કરતાં ઘોંઘાટના પ્રદૂષણ તરફ ધ્યાન ખેંચવામાં વધુ રસ ધરાવે છે અને ઘોંઘાટના પ્રદૂષણ કરતાં ય ઉદ્યોગોને કારણે બેફામ વિસ્તાર પામેલા મહામસમોટા શહેરના નર્કજીવનને બતાવવામાં વધુ રસ ધરાવે છે. આધુનિક વિકાસના વરદાનની સાથે સાથે મનુષ્યજાતિની શાંતિ સદંતર છિનવાઈ ગઈ છે – આ છિનવાઈ ગયેલી શાંતિની યાદ કવિએ કોલાહલ અને ઘોંઘાટની ભીડથી ઊભી કરી છે. કોલાહલ અને ઘોંઘાટની ભીડ બતાવવા કવિએ ‘સરઘસ’ ને યાદ કર્યાં છે. સરઘસ એક નથી, અનેક અને એ ય પાછાં હાંફતાં સરઘસ છે. ‘હાંફતાં સરઘસ'માં ‘હાંફતાં'ના થાકેલાં, મરણતોલ કે દમિયલ એમ અનેક અર્થ થઈ શકે. અને બધા જ અર્થ અહીં કામમાં લાગે તેવા છે. અમદાવાદ મહાનગરનાં રાતનાં દશ્યો છે. આ દૃશ્યો લગભગ બિમાર દૃશ્યો છે. દિવસને અંતે કાળી મજૂરી પછીના અવાજો છે. અને ક્યાંક ક્યાંક મરણની નજીકના અવાજો છે. તેથી હાંફતા'ના ત્રણ અર્થ અહીં બંધ બેસે છે. વળી ‘હાંફતાં સરઘસ’માં અમદાવાદનું જે દશ્ય ઝડપાયું છે તે આજના કોઈપણ મોટા શહેરનું દૃશ્ય હોઈ શકે. આગળ વધીને કહીએ તો આજના જગતનું એ દૃશ્ય હોઈ શકે. કદાચ માનવજાતના ઇતિહાસમાં મનુષ્યજાતિએ આ તબક્કે આવડો મોટો શોરબકોર ઘોંઘાટ અને કોલાહલ એક જગ્યાએ પહેલીવાર સાંભળ્યો છે. ‘હાંફતાં સરઘસ’ આમ જોઈએ તો દીર્ઘકાવ્ય છે. અને બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં જેમ કોલાયડોસ્કોપમાં દશ્યો એક પછી એક બદલાય તેમ આપણી આગળ અહીં દશ્યો બદલાયાં કરે છે. પણ દૃશ્યોમાંથી તરાપ મારીને બહાર તો અવાજો આવે છે. કાવ્યની શરૂઆતનું ચિત્ર જુઓઃ ‘ભાગતી જતી રીક્ષાઓ અને મોટરોના બેક પાઈપમાંથી/ છૂટેલો ઝેરી ધુમાડો, પાછળ પડી ગયેલી, થવાયેલા એક મરણને અદ્ધર ઉઠાવી ત્રણ પગે ચાલતી ગાયના નાકમાં ગૂંગળામણ પેદા કરે છે ને તેથી ભૂલથી ચોથો પગ હેઠે મૂકી દેવાતાં ગાયથી નંખાઈ ગયેલો ભાંભરડો' અહીં ગાયથી થયેલી કાવ્યની શરૂઆત વિચારો. તપોવનમાં વૃક્ષો અને ઘાસ વચ્ચે તંદુરસ્ત ફરતી ગાયની શહેરમાં સ્વાર્થી મનુષ્ય જાતિ વચ્ચે થયેલી દુર્દશાથી કવિ ગાયની દુર્દશા તો વર્ણવે છે પણ આડકતરી રીતે મનુષ્યજાતિની દુર્દશાનું ચિત્ર છે. ગાય અપંગ નથી, સમસ્ત માનવજાત ઘવાયેલી અને અપંગ છે. ‘ભાંભરડો' લેતી નથી, સમસ્ત માનવજાત ભાંભરડો લઈ રહી છે. આ પછી કવિ મિલમજૂરોનાં વાક્યો, કાળી ચીમટી ઉપરથી ઠેઠ નીચે પડી આપઘાત કરતા ચન્દ્રની ખાંસીનો ચિત્કાર, ડબ્બા વગર ડબ્બા વગરના એકલા એન્જિનોની તીણી વ્હીસલો સંભળાવે છે. ‘એકલાં’ એન્જિનો દ્વારા ઘણા એકલા માણસોની તીણી વ્હીસલ કવિએ યાદ કરી છે. આ પછી ‘ભચરદાટ’, ‘ટકોરા’, ‘અસ્પષ્ટ પ્રલાપો’ ‘બેસમજ રુદન’ઘુ ઘુ ગીત’, ‘કાળી રાડ’, ‘છેલ્લાં ડચકાં’ જેવી અનેકાનેક અવાજસામગ્રી કવિએ ખપમાં લીધી છે. પણ એમ કરતાં કવિ ભગવાનને પણ અડફેટમાં લે છે : મંદિરના ઊંડા ગર્ભગૃહમાં સોનાના પારણે પોઢેલા ભગવાન બાલમુકુન્દના નસકોરાંની વાગતી/ વેણુ.' પોઢેલા ભગવાન’ અને ‘નસકોરાંની વાગતી વેણુ' દ્વારા કવિએ જગતનાં અંધેર તંત્રને સૂચવીને ખાસ્સો કટાક્ષ કરી લીધો છે. જગત આખામાં ક્યાંય શાંતિ નથી. જગતની ચિંતા કરતાં તારાઓના શિખરમંત્રણાના વાર્તાલાપમાં કવિએ રાજકારણ અને રાજકારણીઓને તેમજ ધર્મના બંદાઓને પણ છોડ્યા નથી. કહે છેઃ ‘ખખડી ગયેલી એક મસ્જિદના ફૂલેલા પેટ શા/ એક માત્ર સાબૂત ગુંબજ ઉપર કેટલાક તારાઓની કોઈ પયગંબર પેદા થશે કે કેમ તેની ચિંતામાં રાતભર ચાલતી શિખરમંત્રણાના વિશ્રંભ વાર્તાલાપ' કાવ્યના બીજા ભાગમાં કવિએ આ અવાજોને ઠેક ઠેકાણેથી અને ખાસ તો ‘ચાંદરણાં’ ઊતરે એવા છાપરાના ચૂવામાંથી ઘરના અસબાબ ઉપર ઊતરતા બતાવ્યા છે. ‘ચાંદરણાં’ દ્વારા કવિએ ફરીને અવાજોની સામે શાંતિને યાદ કરી લીધી છે. પણ રાતે ધાબળો ઓઢીને સૂતેલા પર પણ અવાજો ઊતરી આવે છે. આખી રાત રહે છે અને સવારે સૂરજ એને ક્યાંક, હાજર કરી દે છે. પણ સૂરજ અહીં ‘સૂર્ય નારાયણ’ નથી. સૂરજ તો ‘કોર્ટના પટાવાળાની જેમ છાતી ઉપર ઝગારા મારતો પિત્તળનો બિલ્લો લગાવી’ને ઊભો છે. સૂરજ ઝાકળને ઉડાડે તેમ અવાજોને અન્ય ક્યાંક હાજર કરી દે છે. દિવસ અમદાવાદમાં ઊગ્યો તો પછી પૃથ્વી પર ક્યાંક રાત તો પડવાની જ છે! સૂર્ય ‘કોર્ટના પટાવાળા'ની દશામાં મુકાયો છે એના જેવો જગતનો વિકાસ બીજો કયો હોઈ શકે? નગરકાવ્યોમાં લાંબા ગાળા સુધી યાદ રહે એવું રાધેશ્યામ શર્માનું આ કાવ્ય છે.