ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કવિતા

Revision as of 04:19, 23 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. કવિતા

ગઈ પેઢીના કવિઓમાંથી કવિ ન્હાનાલાલ, પ્રૉ. ઠાકોર અને રા. ખબરદારની સર્જનપ્રવૃત્તિ ચાલુ રહી છે. નવીન કવિઓની પ્રથમ પેઢીમાંથી ચંદ્રવદન, મેઘાણી, સ્નેહરશ્મિ, ઉમાશંકર, પૂજાલાલ, મનસુખલાલ, માણેક, કેશવ શેઠ, જ્યોત્સ્નાબહેન શુકલ અને જુગતરામ દવેના નૂતન કાવ્યસંગ્રહો, બાદરાયણનો પ્રથમ કાવ્યસંગ્રહ અને ડોલરરાય માંક્ડનું એક લાંબું કથાકાવ્ય આ સમયમાં પ્રગટ થયેલ છે. કોલક, મોહનીચંદ્ર, હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રબોધ, પારાશર્ય, નાથાલાલ દવે, પ્રહ્લાદ પારેખ, પ્રજારામ રાવળ, સ્વપ્નસ્થ, અરાલવાળા, ગોવિંદ સ્વામી, અનામી, ગોવિંદ પટેલ, દુર્ગેશ શુકલ, સ્વ. પ્રભુભાઈ પટેલ, પુષ્પા વકીલ, દેવશંકર જોષી, મિનુ દેસાઈ, નિરંજન ભગત, નંદકુમાર પાઠક, પ્રશાંત, જહાંગીર દેસાઈ, જશભાઈ પટેલ, આનંદ કવિ, અમીન આઝાદ, વગેરે ઉદય પામતા નવીન કવિઓમાંથી કેટલાકના પહેલા તો કેટલાકના બીજા કે ત્રીજા કાવ્યસંગ્રહો આ ગાળામાં પ્રકાશન પામ્યા છે. આપણી બુઝર્ગ પેઢીના ભુલાઈ ગયેલા એક સારા કવિ હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનો એક કાવ્યસંગ્રહ ઉમાશંકર અને નાથાલાલ દવેની સંયુક્ત મહેનતથી સંપાદિત થયો છે. આ ઉપરાંત રાજેન્દ્ર શાહ, રતિલાલ છાયા, ઉશનસ, બાલમુકુંદ દવે, જયંત પાઠક, વેણીભાઈ પુરોહિત, હસિત બૂચ, ઉપેન્દ્ર પંડ્યા, પિનાકિન ઠાકોર, શેખાદમ આબુવાલા આદિ તરુણ કવિઓ પણ અવારનવાર માસિકોમાં પોતાની રચનાઓ ચમકાવતા રહે છે. આમ સંખ્યાદૃષ્ટિએ આપણા કવિઓ અને આપણા કાવ્યોનો ફાલ આ દાયકે થોડો ઊતર્યો નથી. આગલા દાયકાની કવિતામાં વિશેષે જોવા મળતું દલિતો, અકિંચનો ને ઉપેક્ષિતનું ગાન આજની કવિતામાં ઘટવા લાગ્યું છે. ગાંધીજીએ છણેલા વિષયો અને બતાવેલી નીતિએ અગાઉની કવિતાને જે પ્રેરણાજળ પાયું હતું તે અત્યારની કવિતામાં જણાતું નથી. તેને બદલે હાલનાં કાવ્યોમાં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનો વિષય વધારે આવિષ્કાર પામ્યો છે. આ દાયકાના પ્રત્યેક કાવ્યસંગ્રહનો અડધો અડધ ભાગ પ્રકૃતિ અને પ્રણયનાં ભાવચિત્રોથી ભરપૂર જણાય છે. પ્રકૃતિનિરૂપણમાં કવિઓનું વલણ સૌન્દર્યલક્ષી તેમજ વાસ્તવદર્શી રહ્યું છે. સાદા અલંકારો, બુટ્ટાદાર તરંગો, કવિતોચિત પદાવલિઓ અને પ્રાદેશિક સૌન્દર્યશ્રી વડે પ્રકૃતિનાં સરલરમ્ય વિગતપ્રચુર વર્ણનો કાવ્યોમાં સભર ભર્યાં છે. સાથે સાથે ચિંતન, સ્વાનુભવકથન અને વૃત્તિમય-ભાવાભાસનું આલંબન પણ પ્રકૃતિ બની છે. કુદરત પ્રત્યે પિયુભાવ, બાલભાવ, સખ્યભાવ ભક્તિભાવ-એમ જુદા જુદા કવિઓએ પોતપોતાની નિરાળી દૃષ્ટિ વડે પ્રકૃતિને નિરખી અને પીધી છે. પ્રણય-આલેખનમાં સ્વચ્છ દામ્પત્યની પ્રસન્નગંભીર પ્રૌઢિ કરતાં યૌવનની નિરકુંશ મસ્તી, ચાંચલ્ય, અશાંતિ, પ્રેમનું વૈફલ્ય, દર્દ અને તેમાંથી ઉદ્દભવતા સ્વૈરવિહારી ચિંતનનું નિરૂપણ વિશેષે જોવા મળે છે. આ દાયકાનાં કાવ્યોનો કેટલોક ભાગ વિસરાઈ ગયેલ ભક્તિ અને ઈશ્વર-તત્વ તરફ પુનઃ જાગતું વલણ બતાવે છે. કવિ પૂજાલાલ ભક્તિ, સ્તુતિ અને પ્રાર્થનાને જ ત્રણ-ચાર કાવ્યસંગ્રહોના વિષય બનાવે છે. કોઈ અજ્ઞાત કવિની ‘શ્રી ગંગાચરણે’ ‘તુજ ચરણે’ 'હૃદયપોકાર’ ‘મનને’ ‘જીવનપગલે' આદિ પુસ્તિકાઓમાંની ભક્તિપોષક કવિતા તેનું બીજું નિદર્શક દૃષ્ટાંત છે. શ્રી. સુંદરમસંપાદિત 'દક્ષિણા' ત્રૈમાસિકમાં રજૂ થતાં મૌલિક અને અનુવાદિત કાવ્યો તેમજ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહેતાં સુંદરમ્ થી માંડીને શ્રીકાન્ત માહુલીકર સુધીના કવિઓનાં કાવ્યો આ દાયકાની કવિતાને આધ્યાત્મિક ઝોક પણ આપે છે. ‘યાત્રા' ‘અભિસાર’, ‘મંજૂષા', ‘ગોપીહૃદય', (અનુવાદ) ‘ભગવાનની લીલા’ વગેરે કૃતિઓમાં પ્રતીત થતી પ્રભુશ્રદ્ધા અને અગમ્ય તત્ત્વની ઝંખના પણ આ વાતનું સમર્થન કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના અનેક અનુવાદો અને ‘વેદાંતવિલાસ’ કે ‘શંકરવિલાસ' જેવા જૂની પદ્ધતિના પદસંગ્રહોની બે ત્રણ વર્ષમાં જ થતી ચાર-ચાર આવૃત્તિઓ બતાવે છે કે આમજનતાનો બહોળો વર્ગ પારંપરિક ધર્મપુસ્તકો માટે ઠીક રૂચિ બતાવે છે.[1] હાસ્યરસનાં કાવ્યો પણ વીતેલા દાયકામાં ઠીક સંખ્યામાં મળેલાં છે. આગલા દાયકામાં શેષ, સુંદરમ્ આદિના સંગ્રહોમાં જોવાતાં તેમ આ દાયકાના સંગ્રહોમાં ય ક્યાંક ક્યાંક કટાક્ષપ્રધાન વિનોદપ્રધાન કાવ્યો મળી રહે છે. ઉપરાંત આ ગાળામાં 'કટાક્ષકાવ્યો' 'વૈશંપાયનની વાણી’ અને ‘નારદવાણી' એ ત્રણ સંગ્રહો કેવળ હાસ્યરસનાં પ્રગટ થયેલાં છે એ નોંધપાત્ર બિના છે. તેમાંથી પહેલા બે સંગ્રહોના કર્તા અનુક્રમે દેવકૃષ્ણ જોશી અને કરસનદાસ માણેકમાં હાસ્યની સ્વાભાવિક દૃષ્ટિ, છંદો અને ઢાળોની સારી હથોટી, શિષ્ટ તેમજ તળપદા શબ્દો પરનું એકસરખું પ્રભુત્વ, વાણીની રમૂજ, ચાતુર્ય અને દૃષ્ટિની વેધકતા વરતાય છે. ત્રણે સંગ્રહો મુખ્યતઃ એમાંના તીક્ષ્ણ કટાક્ષથી અને અંશત: તેમાંનાં ઠઠ્ઠાચિત્રોથી (caricatures) રોચક બન્યા છે. એમાંનાં ઘણાંખરાં કાવ્યો દૈનિકો દ્વારા લોકપ્રિય બન્યાં છે, જોકે તેમાં સાહિત્યિક ગુણવત્તાની માત્રા એકધારી સચવાઈ નથી. જૂના વિષયો ઉપરાંત પ્રત્યેક કાવ્યસંગ્રહમાં તેમના કવિઓના નિજી મનોભાવો ને વિચારતરંગોને વિષય બનાવવામાં આવ્યા છે. માનવ મનની, સમાજની અને રાષ્ટ્રના કે વિશ્વના ઘડાતા ઇતિહાસની પરિસ્થિતિઓ પર કવિઓએ યથાશક્તિ ચિંતન ચલાવ્યું છે. સૌ ચિંતનકાવ્યોમાં વિશ્વનાં દુ:ખોનો ઉકેલ શોધવાનો પ્રયત્ન થયો છે, પરંતુ ચિંતનમાં નવીનતા અને ઊંડાણની ઊણપ ઘણુંખરું વરતાય છે. એવાં કાવ્યોમાં કવિતા કરતાં બુદ્ધિયુક્ત વિચારની નિબંધિયા રજૂઆત અને ગદ્યાળુતાની છાપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉમાશંકર, સ્નેહરશ્મિ અને મનસુખલાલ જેવા આગલા દાયકાના સફળ ચિંતનશીલ કવિઓ પણ તેમનાં વિચારપ્રધાન કાવ્યોની આ ઊણપ ભાગ્યે જ સુધારી શક્યા છે. પદ્યપ્રભુત્વ અને વાણીની છટાઓ આ દાયકાની કવિતામાં વિશેષે સધાયાં જણાય છે. સુદીર્ઘ કાવ્યો આ દાયકે ઠીક ઠીક ઊતર્યાં છે. ઉમાશંકરનાં 'પ્રાચીના'માં પ્રગટ થયેલ કથાકાવ્યો તો સુવિદિત છે. તેમાં ઉપજાતિનો, વૈદિક અનુષ્ટુપનો અને આર્ષ છંદોભંગીઓવાળી વાણીના સરલ છતાં ગૌરવયુક્ત પ્રવાહનો મધુર નિનાદ ગુજરાતી પદ્ય અને વાણીના રૂપને અપૂર્વતાથી ભરી દે છે. પૃથ્વી છંદની ૧૦૩૮ પંક્તિઓમાં ‘ધરતીને સંબોધતા ચિંતનપ્રધાન કાવ્યમાં સ્વપ્નસ્થે પદ્યરચનાની સારી હથોટી બતાવી છે. મહાકાવ્ય લખવાની આકાંક્ષામાં ગેવિંદભાઈ પટેલે ૧૭ સર્ગ અને ૩૪૫ પાનામાં ‘ગુરુ ગોવિંદસિંહ’નું એક વિસ્તારવાળું ચરિતકાવ્ય વિવિધ વૃત્તિમાં સંવાદપ્રધાન બોધક આખ્યાનકાવ્યની શૈલીના ઢાળમાં ઉતાર્યું છે. પ્રાચીન અનુષ્ટુપની લાંબાં કથાકાવ્યો માટેની વાહનક્ષમતા સિદ્ધ કરતું ૧૨૩૭ પંક્તિઓ સુધી લંબાતું 'ભગવાનની લીલા' જાણીતા વિવેચક ડોલરરાય માંકડે પ્રગટ કર્યું છે. સ્નેહરશ્મિના 'વર્ષાગમને' કે 'પૂર્ણિમા' જેવાં છંદોબદ્ધ કાવ્યોમાં અવનવીન વાક્છટાઓ અને મધુર લયકલ્લોલ જોવા મળે છે. વૈદિક રચનાઓથી માંડીને દોહરા-સોરઠા સુધીના છંદો ભાવપ્રાકટ્ય માટે આ દાયકે વપરાયા છે; તેમાં ઘણી ભાંગફોડ થઈ છે, પણ કેટલીક વાર તો એમાં નવીન લય અને અસુલભ સંવાદિતા નવીનતર કવિઓને હાથે પણ જળવાયાં છે, એ તેની સિદ્ધિ તરફનું શુભ પ્રયાણ ગણાય. ઉમાશંકર, મનસુખલાલ, સ્નેહરશ્મિ આદિ અને કોલક, પારાશર્ય, સ્વપ્નસ્થ આદિ કવિઓએ તેમની જુદી જુદી વાગ્વિદગ્ધતાનો અનેક પ્રયોગો દ્વારા વિકાસ સાધી બતાવ્યો છે. એથી કાવ્યમાં રમતિયાળપણું, પ્રવાહિતા અને સ્વાભાવિકતા આવ્યાં છે. ’૩૦-'૪૦ના ગાળાની કવિતા મુખ્યત્વે અગેય, વિચારપ્રધાન, મૂર્તભાવી, અર્થૈકલક્ષી અને સૉનેટના કાવ્યસ્વરૂપમાં લોભાતી ઠાકોરશૈલીની છાપવાળી હતી. હાલની કવિતા વાસ્તવલક્ષી, બુદ્ધિપ્રધાન અને પ્રવાહી પદ્યરચનાની હિમાયત કરતી મટી તો નથી ગઈ, પણ ઇતિહાસનું પુનરાવર્તન સાચું ઠરાવતી હોય તેમ, સ્વ. કવિ ન્હાનાલાલની કવિતાની ઉપેક્ષા પામેલી સિદ્ધિઓ-શબ્દતેજ, સુગેયતા, ભાવલાલિત્ય અને ધ્વનિમાધુર્ય-નું પ્રતિબિંબ ઝીલવાની કારીગરીમાં ઉત્સાહ બતાવતી થઈ છે. એને લીધે એમાં રંગવિલાસી લોલવિલોલ ભાવોની સાથે જૂના ગુજરાતી તથા બંગાળી ઢાળોની લઢણ વધતી દેખાય છે. ‘આતિથ્ય', 'પનઘટ', 'અભિસાર' જેવા અગ્રણી કવિઓના કાવ્યસંગ્રહોમાં ગીતોનું વધેલું પ્રમાણ તેમજ 'છંદોલય', 'પથિક' ‘કાલિંદી' આદિ નવીનતર કવિઓનાં પુસ્તકોમાં ગીતોએ રોકેલો મોટો ભાગ અને એ ગીતોમાંની શૈલી ને રંગરૂપરચના આ હકીકતનું સમર્થન કરવા બસ છે. એકંદરે કવિઓ ઠાકોરશૈલીની ઋક્ષતા કે અતિપરિચિતતાથી થાક્યા હો કે ન્હાનાલાલ-દયારામે સાધેલું તત્ત્વ અવગણાયું છે એ કાવ્યસૌન્દર્ય માટે ઠીક નથી થયું એમ સમજ્યા હો, ગમે તેમ, પણ શૈલી પરત્વે ન્હાનાલાલ, બોટાદકર, મેઘાણીથી અટકી ગયેલો રંગપ્રધાન કાવ્યપ્રવાહ આ દાયકે ઠાકોરશૈલીની સાથે સમાન્તર વહેતો સ્પષ્ટ પ્રતીત થાય છે. સંકુલતા અને અલોકપ્રિયતા અદ્યતન કવિતાનાં ગવાઈ ગયેલાં અપલક્ષણો છે. આ દાયકાની કવિતાએ તેમાંથી મુક્ત થવાના ઠીક પ્રયત્નો કર્યા જણાય છે. અર્થઘનતા અંગે શૈલીમાં આવતી દુર્બોધતા, કર્કશતા અને ટાઢાશને તજીને ગેયતાને અનુષંગે મધુરતા, લાલિત્ય અને વાગ્મિતાના શૈલીગુણો ખિલવવાનું વલણ તેણે બતાવ્યું છે. અલોકપ્રિયતાને નિવારવા તો એથી યે વધુ સક્રિય પ્રયત્નો થયા દેખાય છે. ઉત્તર હિંદમાં થતા મુશાયરાઓ અને કવિસંમેલનોની દેખાદેખીથી તેમજ સામાન્ય જનતાને કાવ્યાભિમુખ કરી તેમાં રસ લેતી કરાવવાના હેતુથી આપણે ત્યાં વારતહેવારે જાહેર ચોગાનમાં અને રેડિયો ઉપર કાવ્યગાનની પ્રવૃત્તિ આ દાયકામાં શરૂ થઈ છે. એમાં સ્થાનિક ગઝલમંડળો, લેખકમિલનો અને રેડિયોએ તેમજ ઉમાશંકર, મનસુખલાલ, જ્યોતીન્દ્ર, બાદરાયણ, કોલક, જ્યોત્સના શુકલ, જયમનગૌરી આદિ કવિ-કવયિત્રીઓએ સક્રિય રસ દાખવ્યો છે. જો કે પ્રૉ. વિષ્ણુપ્રસાદ, શ્રી. વિશ્વનાથ- આદિ વિવેચકોએ એમાંની કવિતાઓને કરામતી, કઢંગી, સભારંજની, કૃત્રિમ જોડકણાં કહી એ ઉપરનો એમનો સ્પષ્ટ અણગમો જાહેર કર્યો છે, તો પણ દલપતરામથી અટકી ગયેલો સભા સમક્ષ કાવ્યપઠનનો કે લલકારનો રિવાજ ફરીને ગુજરાતમાં શરૂ થયો છે. વંચાતી કવિતા ઉપર આની એ અસર થઈ કે 'ક્લાન્ત' અને 'કલાપી'ની ગઝલશૈલી પહેલાં મુસ્લિમ કવિઓ કે પતીલની ગઝલમાં જ અટવાતી તેને બદલે હવે મુક્ત બની સુંદરમ, ઉમાશંકર, મનસુખલાલ, બાદરાયણ, બેટાઈ આદિ કવિઓનાં નવાં કાવ્યોમાં વિશિષ્ટ લઢણો તરીકે વિહરવા લાગી. છતાં આ શૈલીના સૌથી વધુ પુરસ્કર્તા કવિએ તો શયદા, અમીન આઝાદ, નસીમ, શૂન્ય, આબુવાલા આદિ મુસ્લિમ કવિઓ અને પતીલ, માણેક, વેણીભાઈ, બાલમુકુંદ, નિરંજન ભગત આદિ હિંદુ કવિઓને ગણાવી શકાય. એમની કોઈ કોઈ ગઝલોમાં બુદ્ધિચાતુર્યના ચમકારા ઉપરાંત કાવ્યનાં સાચાં તત્ત્વો પણ મળી રહે છે. અલબત્ત, ગુજરાતી મુશાયરાઓથી કે રેડિયો ઉપર થતાં કાવ્યગાનોથી ગુજરાતી આમવર્ગે ઊંચી કાવ્યરુચિ કેળવી હોય એવી સ્થિતિ ઉદ્દભવી નથી અને એમાં રજૂ થતાં કાવ્યોનો મોટો ભાગ તો જોડકણાંની જ પ્રતીતિ કરાવે છે. તે પણ શાળા-કૉલેજોના વર્ગો કે પુસ્તકાલયો અને વિદ્વાનોના કબાટમાં ભરાઈ રહેતી કવિતાને જો આપણે જનતાના હૈયામાં ધૂમતી કરવી હોય તો આ પ્રથાને પોષવી પડશે. ગઝલો કે કાવ્યો વિષયોનું વૈવિધ્ય બતાવી ભાવનિરૂપણમાં ઊંચી સુરુચિ ને કલાસંયમ સાધે, લાગણીનો સાચો વૈભવ લાવી તેના સર્જકના વ્યક્તિત્વની ખરી ખુમારી દાખવે, શબ્દોનો વિવેક તેમજ ભાષા-છંદની શુદ્ધિ માટે દરકાર રાખીને બુદ્ધિચાતુર્યને તેજસ્વી ચમકાર ઝીલે અને લોકરુચિને વશ થવાના નહિ. પણ તેને કવિતા માટે કેળવવવાના નિમિત્તરૂપ મુશાયરાને ગણીને કાવ્યની રજૂઆત કરવાની પદ્ધતિ જો અખત્યાર કરવામાં આવે તો આ પ્રવૃત્તિ સાહિત્યનું અહિત સાધનારી ન નીવડે, કાવ્યપ્રવાહની દિશા અને તેમાં થયેલા ફેરફારો તપાસ્યા બાદ હવે આપણે કાવ્યત્વની દૃષ્ટિએ આ દાયકાની કવિતાને કસી જોઈએ. આગલા દાયકાના નૂતન કવિઓએ કવિતાના ક્ષેત્ર પરત્વે જે આશાઓ ઉગાડી હતી તે હજી આશાઓ જ રહી છે. માણેક, પ્રહ્લાદ પારેખ, સ્વ. હરિશ્ચંદ્ર ભટ્ટ, નાથાલાલ દવે, નિરંજન ભગત જેવા નવીનતર પેઢીના આશાસ્પદ કવિઓ એમની કેટલીક નોંધપાત્ર લાક્ષણિક્તાઓ સાથે સર્જ કબળ ખિલવતા માલૂમ પડ્યા છે એ શુભચિહ્ન છે, તો પણ એકંદરે કાવ્યના ક્ષેત્રમાં આ દાયકો જૂના પીઢ કે નવીન ઊછરતા કવિઓ દ્વારા કશું ક્રાન્તિકારક, ઉત્સાહી આંદોલન જન્માવી શક્યો નથી. સંખ્યાદૃષ્ટિએ દોઢસોંથી ય વધુ નાનાં મોટાં મૌલિક કાવ્યપુસ્તક આ દાયકાને સાહિત્યચોપડે જમા થયા હોવા છતાં પૂરા દસને પણ કાવ્યભોગી વર્ગ ઉમળકાભેર વધાવશે કે કેમ એ શંકા છે. હાલ તો કવિઓની સર્જન-પ્રતિભા થાક ખાતી હોય એમ જણાય છે. અર્વાચીન કવિતાનાં ઉત્તમ પુસ્તકની હરોળમાં બેસી શકે તેવાં નાનાં મોટાં થઈને માત્ર ચાર જ કાવ્યપુસ્તકો આ દાયકામાં ગણાવી શકાય તેમ છે. એક છે તેમના 'અધ્ય' કરતાં વધુ ઊંચી સર્જકતા, વૈવિધ્ય અને ચિંતનશીલતા બતાવતું સ્નેહરશ્મિનું ‘પનઘટ'; બીજું છે પુરાણ-પ્રસિદ્ધ પાત્રોને તથા પ્રસંગોને અર્વાચીન ભાવનાની દીપ્તિ વડે અપૂર્વ કૌશલથી આલેખતું ઉમાશંકરનું 'પ્રાચીના'; ત્રીજું છે ફારસી શાયરોની મસ્તીના પડઘા પાડતું માણેકનું રમણીય 'મહોબતને માંડવે’ અને ચોથું છે તેમની રંગદર્શી રીતિની સર્વ ઉત્તમતા સહિત દામ્પત્યભાવને તાજગીપૂર્વક આલેખતું ન્હાનાલાલનું નાનકડું ‘પાનેતર’.[2] બાકીનાં કાવ્યપુસ્તકોમાં તેમના કવિઓની કેટલીક વિશેષતાઓ હોવા છતાં એકંદરે સર્જનશક્તિ નિર્બળ જણાય છે. ભાષાની ચારુતા, પદ્યપ્રભુત્વ, વિવિધ વાક્છટાઓ, નિરૂપણરીતિનું કૌશલ, રસિકતા, મનોભાવોનું વૈવિધ્ય વગેરે કાવ્યનાં અન્યથા અનુપેક્ષણીય અંગો પરત્વે તેમણે સારી સિદ્ધિઓ બતાવી છે, પરંતુ કાવ્યના સમગ્ર કલ્પનાવ્યાપાર અને રસચમત્કૃતિ પરત્વે મોટા ભાગના કાવ્યસંગ્રહો નિરાશા ઉપજાવે છે. એમાં સ્વાનુભૂત જીવનદર્શનની ગહનતાની, તીવ્ર ભાવકથનની મર્મસ્પર્શી ચોટની અને વ્યંજનાવ્યાપારથી થતી રસનિષ્પત્તિની મોટી ઊણપો રહેલી છે. તેમનાં કાવ્યોમાં રૂપ, રંગ અને રીતિનો રૂઆબ છે, પણ તેમના વ્યક્તિત્વની-આત્માની-ખુશબો નહિ જેવી જ છે. ઉમાશંકરના ‘ગંગોત્રી' અને 'નિશીથ'ની તુલનામાં તેમનું જ ‘આતિથ્ય' કેવું આયાસજન્ય અને ગદ્યાળુ લાગે છે! મનસુખલાલના વ્યક્તિત્વની જે સૌરભ 'આરાધના'માં મળતી તે 'અભિસાર'માં જણાય છે? ક્યાં 'પરિજાત'માંનાં પૂજાલાલનાં ભક્તિકાવ્યો અને ક્યાં ‘ઊર્મિમાળા’, ‘જપમાળા', આદિમાંના તેમના સ્તોત્રો! ગયે દાયકે 'દર્શનિકા', 'કુરુક્ષેત્ર', ‘મહારાં સૉનેટો', 'કલ્યાણિકા', આદિ બુઝર્ગ કવિઓના અને 'કાવ્યમંગલા', 'વસુધા', 'નિશીથ', 'યુગવંદના', 'ઈન્દ્રધનુ', 'કોડિયાં', આદિ નવીન કવિઓના ડઝનબંધ પ્રથમ પંક્તિના કાવ્યસંગ્રહો સાંપડ્યા હતા, જ્યારે આ દાયકે એવાં પકવ શૈલીવાળાં, નૂતન વિચારનું પ્રસ્થાન બનાવતાં, ભર્યાં કાવ્યજળની છાલકો મારતાં પુસ્તકો કેટલાં વારુ? આગલા દાયકાની સરખામણીમાં આ દસકાના 'આતિથ્ય', 'અભિસાર', 'જપમાળા', ‘પ્રતીક્ષા’, ‘સ્વાતિ’, ‘સંસ્કૃતિ', 'કાલિંદી’, 'ધરતીને’, ‘આકાશનાં ફૂલ', 'મંજૂષા’ ‘કેસૂડો અને સોનેરુ', 'પ્રતિપદા', 'ચક્રવાક્'. ‘છંદોલય', 'પ્રત્યુષ', 'સંવેદના' આદિ સંગ્રહો સામાન્ય કૉટિના નથી જણાતા?


  1. ૧. બીજી તરફ આ હકીકત ઉપરથી એમ કહી શકાય કે ભક્તિ અને તત્વજ્ઞાનની ભૂમિકા ઉપર પણ આધુનિક કવિતાપ્રવાહને લોકરુચિ ભાગ્યે જ અપનાવી શકી છે.
  2. ૧. સ્વ. મેઘાણીએ 'રવીન્દ્રવીણા'માં તેમની સર્જકતા અને રૂપાંતરકલાનો ઉત્કૃષ્ટ પરિચય કરાવ્યો છે; પણ ‘રવીન્દ્રવીણા' આખરે તો રવિબાબુની જ ને?