ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/વિવેચન

Revision as of 14:40, 23 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિવેચન

આ દાયકાનો વિવેચનફાલ આગલા દાયકાની અપેક્ષાએ વિશેષ સત્ત્વપૂર્ણ છે. ગુજરાતમાં વિવેચનનું સાહિત્ય છેલ્લાં પચીસ વરસોમાં ઠીક ઠીક ફાલ્યું ગણાય. ગ્રંથપ્રકાશનની દૃષ્ટિએ જોઈએ તો આપણા ઉચ્ચ કોટિના ઘણાખરા વિવેચનગ્રંથો આ ગાળામાં જ પ્રકાશન પામ્યા છે. એમાંના કેટલાકની બે બે ને ત્રણ ત્રણ આવૃત્તિઓ થવા પામી છે એ બિના જ્યાં કાવ્ય, નાટક કે ચરિત્રની જ માંડ માંડ એટલી આવૃત્તિઓ થવા જાય છે એવા ગુજરાતમાં ઓછી આનંદદાયક નથી. —જો કે તેનો ઘણોખરો યશ બી. એ. અને એમ. એ.માં ગુજરાતી મુખ્ય વિષય લેનાર વિદ્યાર્થીઆલમને જવો ઘટે. આ દાયકે આનંદશંકરથી ઉમાશંકર સુધીના વિદ્વાનોનો આ વિભાગમાં ફાળો નોંધાયો છે. તેમાં માત્ર ગ્રંથાવલોકનનું જ સાહિત્ય નથી. ઊંચી શિષ્ટ કૃતિઓ અને ગ્રંથકારો વિશે અભ્યાસલેખો, સાહિત્ય અને વિવેચનના તાત્ત્વિક સિદ્ધાંતોની વિચારણા તથા તેના ફૂટ પ્રશ્નોની છણાવટ, સાહિત્યનાં ઘડતરબળો ને તેની શાખાઓના વિકાસની સમીક્ષા—એ સર્વેનો પણ એમાં સમાવેશ થાય છે. વિવેચનનું અગત્યનું કાર્ય સહૃદયોને સાહિત્યમાં રહેલાં સૌન્દર્યતત્ત્વો પ્રત્યક્ષ કરી આપી તેનું આસ્વાદન કરાવવાનું છે અને તે કર્તવ્ય આ દાયકાના આપણા ઘણાખરા વિવેચકોએ નિષ્ઠાથી અને કુશળતાથી બજાવ્યું છે. વિવેચનદૃષ્ટિ અને શૈલી પરત્વે પંડિતયુગના વિવેચકોથી નવીન યુગના વિવેચકો જુદા તરી આવે છે. પંડિતયુગના વિવેચકોની દૃષ્ટિ તેમના બદ્ધમતોથી મર્યાદિત છતાં શાસ્ત્રીયતાને જાળવવામાં રાચતી. તેમની આલોચનાની પદ્ધતિ ઘણે અંશે પૃથક્કરણાત્મક હતી અને ઘણુંખરું વિષયાંતરમાં સરી જતી. સાહિત્યનાં પરંપરાપ્રાપ્ત અને રૂઢ બની ચૂકેલાં સ્વરૂપો, અંગો, તેમજ શૈલી, સાહિત્યિક ભાવનાઓ આદિમાં તેમને વિશેષ રસ હતો. તેમની વિવેચનશક્તિ પાંડિત્યપ્રેરિત અને દીર્ઘસૂત્રી હતી. પરંતુ નવીન વિવેચકોની દૃષ્ટિ શાસ્ત્રીયતાને તોડવામાં નહિ, છતાં અરૂઢ સૌન્દર્યરીતિઓને સમભાવથી અપનાવવામાં કૃતકૃત્ય થાય છે. કેટલાક બદ્ધમતો તો તેમને પણ નડતા હશે, પણ તે તેમના દર્શન આડે બહુ આવતા જણાતા નથી. તેમની વિવેચનપદ્ધતિ પૃથક્કરણાત્મક તેટલી જ સંયોજનાત્મક (synthetic), સારગ્રાહી, મુખ્ય તત્ત્વને લક્ષનારી અને સુશ્લિષ્ટ નિબંધનું સ્વરૂપ જાળવનારી છે. નવીનોની નિરૂપણરીતિ રસળતી, આવેશવિહોણી ને પ્રસાદ અને વિવેકના ગુણોથી યુક્ત છે. આમ છતાં પંડિતોનું વિવેચન વિષયની સર્વાંગી છણાવટ કરી તેના હાર્દમાં ઊંડું ખૂંચી જતું; નવીનોમાં એટલું તલગામી બળ કવચિત જ જોવા મળે છે. આ ગાળામાં પ્રકાશન પામેલા વિવેચનસંગ્રહોમાંના ઘણાખરા લેખો આગલા દાયકામાં કે કદાચ એથીય વહેલા લખાયા હશે. પણ સુવિધાને ખાતર અહીં જે દાયકામાં પુસ્તક પ્રકાશન પામ્યું એ દાયકાની સંપત્તિ તરીકે તેને આવકારવામાં આવેલ છે. એ દૃષ્ટિએ જોતાં આચાર્ય આનંદશંકર ધ્રુવ ('સાહિત્યવિચાર', ‘દિગ્દર્શન'), દી. બ. કેશવલાલ ધ્રુવ ('સાહિત્ય અને વિવેચન' ભા. ૨'), પ્રા. બળવંતરાય ઠાકોર ('નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ‘વિવિધ વ્યાખ્યાનો-ગુચ્છ ૧-૨), શ્રી. કનૈયાલાલ મુનશી (‘આદિવચનો'), પ્રૉ. મોહનલાલ દવે (‘વિવેચન', 'રસપાન’), પ્રૉ. અતિસુખશંકર ત્રિવેદી (‘આત્મવિનોદ’), પ્રૉ. રામનારાયણ પાઠક ('આલોચના'), શ્રી. વિશ્વનાથ ભટ્ટ ('નિકષરેખા') પ્રૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ('પરિશીલન', 'અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'), સ્વ. નવલરામ ત્રિવેદી (‘નવાં વિવેચનો’, 'શેષ વિવેચનો', 'શામળનું વાર્તાસાહિત્ય'), પ્રૉ. ડોલરરાય માંકડ ('કાવ્યવિવેચન), સ્વ. ઝવેરચંદ મેઘાણી ('પરિભ્રમણ' ભા. ૧-૨-૩, 'લોકસાહિત્યનું સમાલોચન', ‘ધરતીનું ધાવણ'), પ્રૉ અનંતરાય રાવળ (‘સાહિત્યવિહાર’, ‘ગંધાક્ષત’), પ્રૉ. મનસુખલાલ ઝવેરી (‘થોડા વિવેચનલેખો’) શ્રી. ઉમાશંકર જોષી ('સમસંવેદન', 'અખો-એક અધ્યયન'), શ્રી. ધનસુખલાલ મહેતા ('આરામખુરશીએથી') સ્વ. શંકરલાલ શાસ્ત્રી (‘સાહિત્યદૃષ્ટાને’) પ્રૉ. પ્રેમશંકર ભટ્ટ ('મધુપર્ક’) વગેરેનાં અઢાર પુસ્તકો આ દાયકે પ્રસિદ્ધ થયાં છે. એ ઉપરાંત ગુજરાત સાહિત્યસભા તરફથી ઈ.સ. ૧૯૪૧થી ‘૪૮ સુધીના ગાળાની વાર્ષિક સમાલોચનાઓનાં આઠ પુસ્તકો પ્રગટ થયાં છે તથા 'સાહિત્યપરામર્શ’ (વિલેપાર્લે સાહિત્યસભા, મુંબઈ), ‘ગ્રંથકાર સંમેલન વ્યાખ્યાનમાળા’ (પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા), ‘વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા' (ગુજ. વિદ્યાસભા, અમદાવાદ), તેમજ 'સાહિત્ય અને સંસ્કાર' (ભારતી સાહિત્ય સંઘ, મુંબઈ-અમદાવાદ.) જેવાં પુસ્તકોમાં વિવિધ વિવેચકોના લેખો સંઘરાયા આમ આ દસકાનું' વિવેચનસાહિત્ય વિપુલ છે. આ બધા વિવેચનસંગ્રહોમાં 'સાહિત્યવિચાર' અને 'દિગ્દર્શન' તેના કર્તાની સ્વસ્થ તત્વાન્વેષી અને સમતોલ વિચારસરણી તથા સત્ત્વગ્રાહી, રસદર્શી અને મધુર વિવેચનશૈલી વડે વિશેષે દીપે છે. તેમના લાક્ષણિક વ્યક્તિત્વથી અનોખા બનેલા પ્રૉ. ઠાકોરના ત્રણે વ્યાખ્યાન- સંગ્રહો નર્મદ, ગોવર્ધનરામ, મણિલાલ, અને રમણભાઈ જેવા સાહિત્યકારો તેમજ નવીન કવિતાના પ્રવાહો તથા લક્ષણો વિશેના તેમના તુલનાત્મક, તલસ્પર્શી, નીડર અને રહસ્યોદ્દઘાટક વિવેચનથી મનનીય બન્યા છે. પ્રૉ. ઠાકોરનું વિવેચન નરસિંહરાવની જેમ ‘સમર્થ’ વિશેષણનું અધિકારી સહેજે બની જાય છે. દી. બ. ધ્રુવના લેખો મુખ્યત્વે પ્રાચીન -મધ્યકાલીન ભાષા, સાહિત્ય અને છંદો વિશેના છે. એ લેખો વ્યુત્પન્ન પંડિત, પ્રતિભાશાળી સંશોધક, ભાષાના વિવિધ થરોના સૂક્ષ્મ નિરીક્ષક તથા ઝરણાં જેવી સ્વચ્છ પ્રવાહીને મધુર છતાં ગૌરવાન્વિત શૈલીના સ્ત્રષ્ટાની સરજત છે. ‘વાગ્વ્યાપાર' જેવો લેખ તો ગુજરાતી ભાષા અને ઉચ્ચારશાસ્ત્રનું ઉત્તમ ઘરેણું છે. શ્રી. મુનશી સાહિત્યના તાત્ત્વિક સિદ્ધાંતો ચર્ચાતાં સાહિત્યની ચોક્કસ એકલક્ષિતા અને પરિભાષામાં ગૂંચવાડો ઊભો કરે છે. તેમની રજૂઆતમાં અવિશદતાને ઉત્કટતાનું પ્રમાણ વિશેષ છે. તેમની રસદૃષ્ટિ પાશ્ચાત્ય સાહિત્યથી ઘડાયેલી છે. આમ છતાં ગુજરાતભક્તિ અને સાહિત્ય- સર્જન પાછળનો સ્વાનુભવવ્યાપાર તેમની પાસે અભ્યાસક્ષમ લેખો લખાવે છે. પ્રૉ. પાઠકનાં ગ્રંથાવલોકનો સમગ્ર પુસ્તકની સમીક્ષા કરવા કરતાં તેમાંના થોડાક ચર્ચાસ્પદ મુદ્દાઓની વિશદતા અને ઝીણવટથી છણાવટ કરવા તરફ ઝોક વધુ રાખે છે. તર્કશાસ્ત્રી અને તત્ત્વચિંતક પાઠકનો વિવેચક પાઠકને ઉત્તમ લાભ મળેલો છે. ‘નિકષરેખા'માંના ‘સર્જનાત્મક આત્મકથા' 'પંડિતયુગનું મહાકાવ્ય' અને મેઘાણી વિશેના લેખો ઉત્તમ કક્ષાના છે. શ્રી. વિશ્વનાથની વિવેચનપદ્ધતિ અશેષ નિરૂપણવાળી, પૃથક્કરણશીલ અને દીર્ઘસૂત્રી છે પણ તેથી તેમનું વિવેચન સ્વયંપૂર્ણ અને સર્વગ્રાહી નીવડે છે. એમની શૈલીમાં ગૌરવ અને પ્રૌઢિની સાથે સરળતાની માત્રા પણ એટલી જ રહેલી છે. પ્રૉ. વિષ્ણુપ્રસાદની વિવેચનશૈલી શ્રી. વિશ્વનાથથી તદ્દન જુદી પડી આવે છે. વિશ્વનાથ જો સ્વાભિપ્રાયોને અનેક પ્રમાણોથી સમર્થિત કરીને લંબાણથી રજૂ કરે છે તો વિષ્ણુપ્રસાદ વેધક દૃષ્ટિથી વિવેચ્ય પદાર્થના સત્ત્વને ઝડપથી ગ્રહી લઈને સુઘટિત લાઘવથી મતદર્શન કરાવે છે. એમ કરતી વેળા તેઓ કૈંક રમતિયાળ અને સૌંદર્યરસિક બને છે; તેથી તેમને શૈલીમાં સર્જનાત્મક અંશો પ્રગટે છે. પણ એથી, સાહિત્યનો તેમનો અભ્યાસ તાત્ત્વિક અને ઊંડો હોવા છતાં, ભ્રમરની જેમ વિવિધ પુષ્પોમાંથી થોડાંક રસબિંદુઓનું આસ્વાદન લેતા મધુકરની રસ-ચાખણી જેટલો જ લાભ આપે છે. તેમણે 'અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં આપણાં ધાર્મિક, સાંસારિક અને સાહિત્યિક આંદોલનોની ઐતિહાસિક દિગ્દર્શન સહિત તાત્ત્વિક આલોચના કરેલી છે. નવલરામ ત્રિવેદીનું વિવેચન સપાટીની સહેલમાં રાચે છે. આછો વિનોદ, કુતૂહલવર્ધક વિગતોની રજૂઆત અને સમાજસુધારાનું વલણ તેમનાં વિવેચનોને આસ્વાદ્ય બનાવે છે સ્વ. મેઘાણીના વિવેચનલેખો જનતા અને સાહિત્યની સંયોગી કડી બની રહે છે. એમનું વિવેચન કવિ ન્હાનાલાલની જેમ રસદર્શી તેમ સારગ્રાહી છે. સૌન્દર્યઝંખું કવિની વેદનશીલતાથી વિષયની તપાસ અને તેના નિરૂપણમાં આત્મલક્ષી દૃષ્ટિકોણ એ સ્વ. મેઘાણીના વિવેચનની વિશિષ્ટતા તથા મર્યાદા છે. લોકસાહિત્યમાં રહેલા બલવત્તર સૌન્દર્ય-અંશોને છતા કરી કંઠસ્થ સાહિત્યની સુપ્રતિષ્ઠા સ્થાપતું. લોકવાણીના પ્રવાહની જીવંતતાનાં અનેક પ્રમાણો દર્શાવતું અને ફાર્બસ-દલપતથી માંડી આજ સુધીનો આપણા લોકસાહિત્યના સંશોધન-પ્રકાશનનો કડીબદ્ધ ઇતિહાસ આલેખતું તેમનું ‘લોકસાહિત્યનું સમાલેચન' આપણા સાહિત્યમાં એ વિષયનું અપૂર્વ પુસ્તક છે 'કાવ્યવિવેચન’ના કર્તા પ્રૉ. માંકડનો સંસ્કૃત રસ અને અલંકારશાસ્ત્રનો અભિનિવેશ ખૂબ ઊંડો છે. કાવ્યોના વિવેચનમાં રસ, તાત્પર્ય, કાવ્યસ્વરૂપ, અલંકાર, છંદ વગેરેની તાવિક ચર્ચા શાસ્ત્રીયતાથી કરીને તેઓ કાવ્યનું રસદર્શન કરાવે છે. સ્વતંત્ર મતદર્શન, વિવેચનની ચોક્કસ પરિભાષા તથા વિશદતા માટેની તેમની ચીવટ તેમના વિવેચનના ખાસ તરી આવતાં લક્ષણો છે. પ્રૉ. રાવળની વિવેચનપદ્ધતિ ખરેખરા અધ્યાપકની છે. વિષયનું અશેષ નિરૂપણ, એકે એક મુદ્દાની વ્યવસ્થિત રજૂઆત અને તેમાંની ચર્ચાપાત્રબાબતોનું ક્રમિક પૃથક્કરણ તેમના વિવેચનનું એક મહત્ત્વનું અંગ બની ગયેલ છે. પદ્ધતિ પરત્વે વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદના મધ્યાન્તરે તેમનું સ્થાન છે. દીર્ઘ પીંજણ કર્યા વિના વિષયનું સંપૂર્ણ નિરૂપણ તેઓ આપે છે. શૈલીનો એમને શોખ નથી છતાં વિશદ, પ્રવાહી, સંમાર્જિત શૈલી તેમના નિબંધોને લાક્ષણિક છટા આપે છે. સ્પષ્ટતાથી છતાં નમ્રતા અને મીઠાશથી સ્વમત રજૂ કરવાની તેમની ફાવટ પ્રશસ્ય છે. પ્રૉ. મનસુખલાલ અને શ્રી. ઉમાશંકરના વિવેચનો કવિ અભ્યાસીની સરજતરૂપ ગણાય. વક્તવ્યનું સામંજસ્ય, શૈલીની મધુરરસિકતા અને અભિપ્રાયદર્શનમાં સ્પષ્ટતા એ બંને કવિ વિવેચકોનો સમાન ગુણ છે. પણ સર્જક અને ભાવકના તાત્ત્વિક સંબંધો અને વ્યાવર્તક લક્ષણોની ચર્ચામાં મનસુખલાલના કરતાં ઉમાશંકરનો અભિનિવેશ વધુ મૂલગામી છે. વ્યવસ્થિત વિચારધારા અને વિવેચનશક્તિનો સળંગ આવિર્ભાવ ઉભયના સાહિત્ય-નિબંધોને શોભાવે છે, પણ ઉમાશંકરમાં દૃષ્ટિની વેધકતા, ચિકિત્સકની ચકોરતા અને રહસ્યોદ્દ્ઘાટનની સૂક્ષ્મતા વિશેષ જોવા મળે છે. ‘અખો-એક અધ્યયન' સત્તરમી સદીની પ્રશ્વાદ્ભૂ સમેત વેદાન્તી કવિ અખાના સમગ્ર જીવન અને કવન ઉપરના ઊંડા અને તુલનાત્મક સંશોધન- વિવેચનના પરિપાકરૂપ ઉત્તમ પ્રબંધ (Thesis) છે. શ્રી. ધનસુખલાલ મહેતાનાં ગ્રંથાવલોકનો અને ચર્ચાલેખો પરદેશી સાહિત્યના સારા જાણકાર, કલાભક્ત અને સારા વાર્તાકારનાં મતદર્શનો છે. બાકીના વિવેચકોમાંથી પ્રૉ.મોહનલાલ દવે, પ્રૉ. શાસ્ત્રી અને પ્રૉ. અતિસુખશંકરના વિવેચનલેખો સાહિત્યનો અભ્યાસ આરંભનાર વિદ્યાર્થીઓ અને પૃથક્જનોને સારું માર્ગદર્શન અને માહિતી આપે તેવા છે. વિવેચનની કેડી આમ રાજમાર્ગ બનતી જતી હોવાથી જ એક બે વિનંતી કરવી ધૃષ્ટતા નહિ ગણાય. વિવેચકોએ સાહિત્યની વિવિધ કૃતિઓ કે કર્તાઓ ઉપર છૂટક નિબંધો લખવાની સાથે મહત્ત્વના સાહિત્યસ્વામી કે તેની અગત્યની કૃતિઓ વિશે સંપૂર્ણ સ્વાધ્યાય પણ તૈયાર કરવો જોઈએ. પ્રેમાનંદ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ અને મુનશી વર્ષોથી અધિકારી વિવેચકોની રાહ જુએ છે. એમ જ વિવિધ સાહિત્યપ્રકારોના સ્વરૂપ અને વિકાસ ઉપર પણ તેમની પાસેથી નિદાન એક એક પુસ્તક મળવું ઘટે. ગુજરાતી ભાષાના ઉત્તમ શિષ્ટ ગ્રંથો ઉપર પણ સર્વગ્રાહી અધ્યયન-વિવેચનની અપેક્ષા રહે છે. હવેના દાયકામાં એ સંતોષાશે?