◼
૬૯. બૂટ કાવ્યો (ભૂપેશ અધ્વર્યુ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
નદીમાં ઠલવાતો ટનબંધ કચરો, રસ્તાઓ જામ કરી ધુમાડો ઓકતાં વાહનો, કાળી કોયલી વેરતી ચીમનીઓ, ઝેરી રસાયણ છોડતાં કારખાનાંઓ, ઘોંઘાટ કરતા લાઉડ સ્પીકરો,ચિક્કાર ઉમટેલા લોકો, સભા-સરઘસને ભાષણો, ઘમસાણ રુંધામણ, પ્રદૂષણ – આ બધાંથી બેબાકળા કરી દેતો મહાનગરોનો માહોલ – આની વચ્ચે ઊભા હોઈએ ને તમારા મનના વંટોળમાં ઊતરી કોઈ કવિ ઉચ્ચારે કે કુપિત રાક્ષસીના શબમાં હું કેદ પુરાયેલો કોળિયો છું, ત્યારે થાય કે હાશ આપણી લાગણીને ખરેખર ભાષા મળી છે. આપણી આવી જ દશા છે. આવી દશાને ઝીલનારો અને ઝાલનારો કોઈ મામૂલી કવિ ન હોઈ શકે. ગુજરાતે આધુનિક સાહિત્યમાં ત્રણ પ્રાણવાન કવિઓને ઊગતા જ ખોયા છે એમાંનો આ એક છે : ભૂપેશ અધ્વર્યુ. ઊંબરે ઊભી વહાલમના બોલ સાંભળતી – ને વાટ જોતી મૂકી મણિલાલ દેસાઈ અકાળે ગયો; રાવજી પટેલનો સૂરજ, કંકુનો સૂરજ, હણહણતા શ્વાસ લઈને અકાળે આથમી ગયો. ભૂપેશ અધ્વર્યુને શિક્ષણમાંથી, જગતમાંથી, જીવનમાંથી રસ ઊડતો ગયો અને ગામ નજીકની નદીમાં અકાળે છેલ્લું સ્નાન કર્યું. આ ત્રણ યુવામૃત્યુને ભેટેલા કવિઓથી ગુજરાતી આધુનિક કવિતા ઊજળી છે. ભૂપેશ અધ્વર્યુએ તો નદીમાં ડૂબીને જેમ મૃત્યુ સાથે બાથ ભીડી તેમ એ કવિતા લખવી એને પણ ‘બાથ ભીડવી’ સમજતો હતો. એ માનતો કે જીવન એક ટુકડા જેવું છે. અને કવિતાઓ જે લખાય છે તે તો વળી ટુકડાના ટુકડાઓ છે. પોતાની ભાગ્યે જ કોઈ કવિતાથી આ કવિને સંતોષ હતો. કવિતા લખવી અશક્ય છે એવું માનીને એણે કવિતા સાથે શક્ય એટલી બાથ ભીડવા કરી. એના અવસાન પછી એના મોટાભાઈ ધીરેશ અધ્વર્યુ અને એના મિત્રોએ મળીને કાવ્યસંગ્રહ સંપાદિત કર્યો, એને ‘પ્રથમ સ્નાન’ નામ આપ્યું, આજે પણ આ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈએ છીએ તો એક પ્રકારની તાજગી અનુભવાય છે. ભૂપેશ અધ્વર્યુની કવિ તરીકેની વિશિષ્ટતા, એની અળવીતરાઈ, એનું ધૂનીપણું અને તરંગીપણું, એનો જુદો અવાજ — આ બધું એક સાથે જોવું હોય તો ‘પ્રથમ સ્નાન’ કાવ્યસંગ્રહનાં ‘બૂટ કાવ્યો’ એનાં ઉદાહરણ છે. વિશ્વમાં ચિત્રકલા ક્ષેત્રે જે અજોડ ગણાય છે એવા ચિત્રકાર વાનગોગે ‘બૂટ્સ વિથ લેસિસ’ નામના એના ચિત્રમાં ખેડૂતનાં જોડાંને અમર કર્યા છે. વાનગોગની પીંછી અને એના લસરકાએ જોડાંને બોલતાં કર્યાં છે, એમ કહો કે જોડાં દ્વારા ખેડૂતને ન બતાવીને ખેડૂતને આપણી આગળ પ્રત્યક્ષ કર્યો છે. આ ચિત્ર દ્વારા વાનગોગે ખરબચડી સપાટીના આભાસથી એક પ્રાણવાન અનુભવ પહોંચાડ્યો છે. વાનગોગના આ બૂટ પરના ચિત્ર સાથે બેસી શકે એટલું સશક્ત બૂટનું શબ્દચિત્ર ભૂપેશ અધ્વર્યુએ એનાં ‘બૂટ કાવ્યો’માં આપ્યું છે. એના કાવ્યોમાં બૂટ કોઈ નિર્જીવ વસ્તુ નથી પણ જુદી જુદી ભાવદશામાં બૂટને પણ એનું આગવું વ્યક્તિત્વ હોઈ શકે એ રીતે જીવતા કર્યો છે. ક્યારેક ટેલબ નીચે કાઢેલા બૂટને કવિ આમ જુએ છે : ‘ટેબલ નીચે મોં ચડાવી બેઠા બે ય | ઓલ્યો આમ તાકે, ઓલ્યો તેમ’ વહાલથી બૂટને કવિ ‘રાતુડિયા’ કહે છે ને પછી ટેબલ નીચે રાતુડિયાં કેવાં સૂનમૂન છે એ દર્શાવ્યું છે : ‘ના છાપ્યું એક્કે પગલું/ ના ચમચમ ઝાંઝર બોલ્યાં ના ખડદૂક ઘોડા દોડ્યા.’ અને પછી બૂટનો એક રોજિંદો ગુણધર્મ (વ્યક્ત કર્યો છે) ‘અર્ધ સંભોગેલી સિગારેટના / લાલ ઝગારતા ઠૂંઠાને એક્કી ધસારે કચડી નાંખવાનો’ બીજા કાવ્યમાં બૂટને ‘વિભૂતિ’ બનાવી ગીતાની ભાષામાં ઉપહાસ કર્યો છે. પણ એ ઉપહાસ પડઘાઈને લાગુ પડે છે, સ્ત્રી-પુરુષના એકબીજાને શોષતા યુગ્મને, યુગલને. બૂટના યુગ્મ-યુગલ દ્વારા કવિએ લગ્નજીવનના શોષણને આબાદ પકડયું છે : ‘આમ તેમ એકબીજા સાથે ખૂણો રચતા, ખૂણો તોડતા ચપ્પટ / એકબીજાની પાસે એકમેકના અર્ધાંગને ચૂસતા યુગ્મો’ પછી કવિ ધીમે રહીને ઉમેરે છેઃ ‘ઊંઘા તવરના મૂળને ટેટા બાઝ્યા’ આ જ કાવ્યમાં કવિએ એક આકર્ષક પંક્તિ ઉતારી છે : ‘ગુજરાતીમાં હું દ્વિવચન નહીં, યુગ્મ વચન શોધું છું.’ બે જોડા જેમ યુગ્મવચન બને છે તેમ સ્ત્રીપુરુષ ભાગ્યે યુગ્મવચન બને છે, માત્ર છૂટા છૂટા રહીને દ્વિવચન જ રહે છે. અન્ય કાવ્યમાં ભૂપેશે ફેશનનું, ક્યારેક સમાજને ઝોડ વળગે છે એની અંદરખાનેથી ઠેકડી ઉડાવી છે : ‘બૂટાળાઓનો આ દેશ વિશ્વ / બૂટ મારા પરમપ્રિય મારી આશાની પરમ ટોચ... સૌના બૂટમાં નિવાસ, બૂટમાં વાસ, બૂટમાં પ્રકાશ, બૂટમાં શ્વાસ’ સમાજમાં ચીજવસ્તુની કૃત્રિમ અછત સર્જાઈને જે હોનારત સર્જાય છે અને પ્રજા વેપારીઓ તેમજ નઘરોળ તંત્ર દ્વારા જે પિસાય છે તેનું ચિત્ર પણ બૂટને બહાને જોવા જેવું છે : ‘ગૂમ બજારમાંથી બૂટ ચૂમ.’ ફેરિયાઓ કોથળાના કોથળા ભરીને ક્યાંક ગાયબ કરી દે છે પણ રાતોરાત અદૃશ્ય થયેલા બૂટને લઈને કવિએ કરુણ રાડ પાડી છે : ‘ડામરના રેલાની પીગળતી સડક પર હરિજન બાળ ચિત્કાર કરતો દોડી રહ્યો છે એને ઊંચકી લો મહારાજ.’ બૂટનું ‘ચામડું’ એકવાર જીવતા ઢોરની ચામડી હતું એની દુઃખદ સંવેદના પણ કવિએ જગાડી છે : ચમકે ચામડી માખી બેસે નૈ બેસે તો નિશ્ચે થથરે ચામડી ખાસડાની’ પછી એક દ્રાવક ચિત્ર દોર્યું છે. ‘ચમારિયો શીંગડે દોરડા બાંધી ડોબું ઘસડી લાયો' હવે ‘ચામડી’નું ચામડું થઈ ગયું અને તેથી માખી બેસે નૈ, દૂધડાજી બહારો મેંહરે નૈ માખી ચા પીએ નૈં’ ક્યારેક આ કવિએ જડ અને સંવેદનહીન ગણિતથી ચાલતા વિજ્ઞાનની પણ ખબર લીધી છે : ‘બૂટને કસનળીમાં રાખો / યોગ્ય અંતરે ઢગ કાચ | સમય નોંધો / એના ઘન હાલતમાં રહેલા પૂઠાના ટુકડા ભરવી લો/એ જ અશુદ્ધિ સમજો’ છેલ્લા કાવ્યમાં ‘બૂટ’માંથી ‘એક નવી ઓલાદ’ જન્મવાની વાત કવિએ કહી છે. પણ એ વરતારો જગતના વિનાશકારી ભવિષ્ય વિશેનો હોય એવો છે. ‘કલ્કી’નો અવતાર તો આવતા આવશે પણ મનુષ્ય જે જીવલેણ પ્રકૃતિ સાથે અને પાંતાની સાથે તથા એકબીજા સાથે રમત આદરી છે.’ એનું પરિણામ કેવું આવશે? કવિ કહે છે : તો બૂટને પગ ફૂટે / પગને આંગળા / આંગળીને નખ ફૂટે નખના પોલાણમાં સદ્યસ્નાતા / ધરતી મૈલ બનીને પ્રસરે / નખથી માણસ ૫૨ હૂમલો કરે...' એક વિષયની આસપાસ સંવેદનોનાં ઝૂમખાં બાઝતાં આવે અને વિષય આખે આખો જુદી જ રીતે પમાતો આવે એવું થયું આ ‘બૂટકાવ્યો’માંથી પસાર થતા લાગે છે. જેમ વાનગોગનું ચિત્ર તેમ ભૂપેશ અધ્વર્યુંનું બૂટ અંગેનું શબ્દસંવેદન આપણને બૂટને જુદી રીતે જોતા કરી મૂકે છે. સાહિત્યનું કામ જ તો આપણી જડતા દૂર કરવાનું છે. હવે પગમાં બૂટ ધારણ કરતી વખતે મનમાં આ કવિતા ધારણ કર્યા વગર નહીં રહેવાય એવો એનો પ્રભાવ છે.