ગુજરાતી સૉનેટકાવ્યો/તારી થાળે

Revision as of 16:07, 8 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૭. તારી થાળે

સુન્દરમ્‌

નથી જાણ્યું તારું વતન, કુલ, ના નામ, ગુણ ના
સુણ્યા કિંવા જાણ્યા, તદપિ તુજમાં એવું જ કશું
વસ્યું કે જે દેખી મુજ મન અહા તુર્ત જ હસ્યું,
અને મૂંગીમૂંગી કંઈ રચી રહ્યું પ્રીતિગણના?

અહો, એવું તે શું વસ્યું મનુજમાં જે અવરને
શકે છાનુંછાનું પરસી, નહિ કો આડશ નડે,
અજાણ્યું તે જાણે પરિચિત યુગોનું થઈ પડે,
જગાડે આત્માને, સુનમુન થિજેલા રુધિરને?

તને દેખું જાતી નિત તવ મહા પૂજનસ્થળે,
કરે થાળી દીવો કુસુમ, દૃઢ પાદે દૃઢ દૃગે;
છતાં ક્યારેક્યારે ચરણ દૃગ તારાં ડગમગે,
અને તારું હૈયાવસન ઉછળે કોઈ વમળે.

દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ,
બને તારી યાત્રા સુદૃઢ, મન મારું ય કુસુમ.
(‘યાત્રા’)