ગુજરાતી સૉનેટકાવ્યો/કોલાબા પર સૂર્યાસ્ત
૩૯. કોલાબા પર સૂર્યાસ્ત
નિરંજન ભગત
કાફેરૉયલના હજૂય ખખડે પ્યાલા રકાબી છરી
કાંટા કાન મહીં, હજૂય રણકે મ્યુઝિયમ તણી ટ્રામના
ઘેરા ઘર્ધર નાદ (ચક્ર ગતિમાં), આ શ્હેરની કામના
આમંત્રે ફૂટપાથ પે અરવ ર્હૈ જે મંદ નારી સરી
એને અંગ અસહ્ય વાસ વહતી (ચિત્તે અસંતોષની)
કેવી નાક મહીં હજૂય ચચરે, ત્યારે વળી સંપથી
એપોલો ફરતાં અનેક યુગલો જોતાં થયાં કંપથી
ધ્રૂજે અંગ હજૂ, દૃગે રિગલની આંજી હજુ રોશની;
ત્યાં તો રોષિત સૂર્ય અસ્ત ક્ષિતિજે શો દ્વાર વાસી જતો,
જાણે સ્તબ્ધ થતો થીજે પવન શું, ને અબ્ધિ તો કાચનો,
શૂન્યત્વે સઘળું ડૂબે તિમિરમાં સંસાર આ સાચનો,
રૂંધાતા શ્વસને મીંચ્યાં નયનથી શો જીવ ત્રાસી જતો,
આખાયે નભવીસ્તર્યા તિમિરનાં ર્હું દ્વારને ઠેલતો,
રે ત્યાં કોણ મને ‘હું’માં, મુજ જગે પાછો જ હડ્સેલતો?
(‘છંદોલય’)