ગુજરાતી સૉનેટકાવ્યો/વરસાદી રાતે

Revision as of 02:17, 10 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૯૮. વરસાદી રાતે

હરિકૃષ્ણ પાઠક

ખટક હૃદયે લાગી, જાગી ઊઠી કંઈ ઝંકૃતિ;
ઝટક દઈને જાણે સઘળી સગી ગઈ વિસ્મૃતિ.
અકળ ગતિએ આવી ઘેરી વળ્યાં સ્મરણો બધાં,
સકળ મનનાં દ્વારો ખુલ્લાં ફટાફટ સા-બધાં.

તરત કંઈકે ઝાંખું પાંખું કશું સમજાય જે
સરત મનમાં રાખું વાયુ સુગંધિત વાય એ;
ફરક ફરકે લીલી લીલી વળી તૃણતૃણપત્તીઓ,
મરક મરકે આઘે આઘે ઝળાંઝળ બત્તીઓ.

જરઠ વળગ્યાં જાળાં જાણે કદીય હતાં નહીં;
ગરથ ક્ષણમાં પામું : છૂપી હતી સદીઓ ક્યહીં.
રણક રણકે ઝીણી ઝીણી ઝમે જળ ઘૂઘરી,
ભણક કળતાં ચોમાસાની ભરે તૃણ સુધરી.

પરણ પરણે ઝીલ્યાં ટીપાં હવે હળવાં ઝરે,
ઝરણ દડતું છાનું ખીલ્યું અહીં બટમોગરે!