ગુજરાતી સૉનેટકાવ્યો/તમને

Revision as of 02:41, 10 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧૪. તમને

કિશોરસિંહ સોલંકી

અહીં આ વાસંતી ઉપવન તણા પંથ પર જ્યાં
ભરીને આંખોમાં મઘમઘ થતી સોડમ – વળી
ઉનાળો ભાલેથી તરબતરતો લૂછી સઘળો –
જતાં’ તાં ધીમેથી તરસ લઈ કંઠે ઊકળતી.

નમેલાં વૃક્ષોની (પરબડી કને) છાંય મળતાં
વિસામો લેવાને ઘડીક લલચાયાં, પણ તહીં
તમારા કંઠેથી અરવ તડકો એક પળમાં
ઊડ્યો એવો જાણે પરબ જ પીતો – પંખી તરતું.

અહીં આ રસ્તામાં
અમોને આપેલી તરસ સઘળી પાનખરનાં
ખરેલાં પર્ણો શી ખરખરી રહી આ જનમ; ને
તમારી છાયા તો પમરતી હશે ક્યાંક હળવે
બીડેલાં દ્વારોમાં, ગગન ઊગતી પૂનમ બની.

શક્યાં ના ચાહી-નો નથી વસવસો કાંઈ જ મને
હવે તો શબ્દોના વન ઉપવને શોધું તમને.
૧૯૮૧