ગુજરાતી સૉનેટકાવ્યો/પરિરંભન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૫. પરિરંભન

વિનોદ જોશી

નખશિખ અઘોરી વંઠેલી સરાસર, રાત આ
સડકની વચાળે ચત્તીપાટ માંસલ ઘોરતી.
રગ રગ મહીં તાજી ત્રોફેલ સોડમ, નાભિમાં
મઘમઘ થતો લીંપ્યો ચાંદો, નિતંબ ઝળાંહળાં.

અટકળ સમું ધીમે ધીમે સર્યું કશું ભીતરે,
પડખું પસવારું હું – ખાલી અડીખમ ઢોલિયો!
નજર પ્રસરે ચારે પા, માત્ર ફાનસ ગોખલે
ટગરટગ જાગે, ડૂબ્યાં ભીંતડાં ભરનીંદરે.

ઇજન દઉં કે જાગી, ઊભી થઈ અભિસારિકા
અરવ પગલે આવે, આવે પરિચિત ઘેનમાં.
ધૂસરિત બધું, લીલું લીલું, બધિર ત્વચા તહીં
નજર મીંચકારે એકાએક ફાનસ જાગતું!

શગ કરું ધીમી, સંકેલાતું બધું ઘર ગોખલે.
બથ ભરું, ભુજા બેઉ ભોંઠી પડે પરિરંભને!