અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/જીવન બની જશે

Revision as of 11:44, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


જીવન બની જશે

મરીઝ

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે.
મારું કવન જગતનું નિવેદન બની જશે.

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફક્ત સ્વતંત્રતા!
મારું છે એવું કોણ જે બંધન બની જશે!

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

(આગમન, પૃ. ૧૯)