મંગલમ્/કેસૂડાનાં ફૂલ વીણવા
કેસૂડાનાં ફૂલ વીણવા
હાલો હાલો કેસૂડાનાં ફૂલ વીણવા
ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા
હે…હે…ડુંગરે ડુંગરે કેસરિયો રંગ
ઊંચેરો શીમળે લાલ લાલ રંગ
કુંજે કુંજે (૨) કોકિલના કંઠ સૂણવા…ઓલ્યા૦
હે…હે…આવળે પાથર્યો પીળો તે રંગ
આખા તે વગડે કેવો ઉમંગ
હાલ ખેતરને (૨) શેઢે પીંછાં વીણવા…ઓલ્યા૦
હે…હે…ઊડે પતંગિયાં ફૂલે-ફૂલે
ગુંજતા ભમરા કેળ ઝૂલે
ડાળે મંજરીઓ (૨) માંડી છે ફરફરવા…ઓલ્યા૦
હે…હે…વાયુએ વલ્લરી ડોલતી જાય
નવા અંકુરો ઝગમગ થાય
હાલો શુક (૨) મેનાનું સંગીત સૂણવા…ઓલ્યા૦
હાલો…હાલો…કેસૂડાનાં ફૂલ વીણવા