હયાતી/૧૧. થાક લાગે

Revision as of 18:40, 8 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| | }} {{center|<poem> ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે ન હવે ગાવું મેળાનો મને થાક લાગે. ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી? ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું
મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું
મેળાનો મને થાક લાગે;
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે,
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

૧૯૬૨