અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/તલાશ

Revision as of 09:56, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
તલાશ

ભાનુપ્રસાદ પંડ્યા

છોગાં ફરકાવતા
અવસરના અસવારોએ,
ઉડાડેલી ખેપટ,
ભરચક કોઠાર પર ભમતા
ધનેરુંની વૈભવ ગતિમાં
રહેલું સ્વામિત્વ
સાપની કાચળીમાં
થીજેલા ફુત્કારી રોમાંચ,
મિત્ર મિલનવેળા
બે હથેળીઓ વચ્ચે રહી ગયેલું
પોલાણ,
સ્નેહી બની જવાનો
ક્યાંક શિષ્ટાચાર કરેલો
મરણિયો ઉચ્ચારણિયો પ્રયાસ,
શ્વાસોની સળીઓ વચ્ચે
સેવાતાં આકાંક્ષાઓના ઇંડા
અને કોઈ મિષ્ટ ફળમાં
સળવળતી કોતરતી
ઇયળપણાની સલામતીની
આસપાસ રઝળે છે ક્યાંક
મારા સુખની તલાશ.