ફળ
પાણીનું ફળ ઝીણી માછલી રે માછલી ઢોળાઈ ગઈ રેતમાં હોજી
આભનું તે ફળ દેવચકલી રે ચકલીબાઈ એકલાં સમેતમાં હોજી
ટાવરનું ફળ બાર ડંકાજી રે ડંકાનાં બોર પડ્યાં ચોકમાં હોજી
જીવતરને ફળ બેઠાં મોતનાં રે મોતની લીંબોળી પડી શોકમાં હોજી
ગોંદરાનું ફળ ગાય કાબરી રે ગાય આખી વેરાતી વાંભમાં હોજી
અંધારનું ફળ ગરબોજી રે ગરબાનાં ચાદરણાં આભમાં હોજી
આંસુ તો ફળ મારી આંખનું રે આંખની ભીનાશ હજી છળમાં હોજી
ફળનું તે ફળ વિફળતા રે હાલરડું વાંઝણીના ફળમાં હોજી.
***