બરફનાં પંખી/કન્યાવિદાય

Revision as of 13:10, 13 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કન્યાવિદાય

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત

પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

***