બરફનાં પંખી/સવાર
સવાર
ઝાકળભીનાં ઝાડ કનેથી વળાંક લઈને
સવારનો નીકળતો તડકો કૂદે પ્હાડના પ્હાડ!
મકાઈના ખેતર શેઢેથી જાગી ઊઠતું મન, જેમ કોઈ
સુક્કા ખડની સળી પવનને ટેકે ઊભી થાય.
પ્હાડ ઉપરથી ગણગણતી કેડીનો પડતો ધોધ
દૂરની ખોબા સરખી ઝૂંપડીમાં બંધાય.
પાન-પાનની વચ્ચે નભના વેરણછેરણ ટુકડાઓ
વીંઝાતા લાગે આ તે કેવું ઝાડ!
ઝાકળભીનાં ઝાડ કનેથી વળાંક લઈને
સવારનો નીકળતો તડકો કૂદે પ્હાડના પ્હાડ!
***