અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુણવંત શાહ/અગિયારથી પાંચ

Revision as of 11:28, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અગિયારથી પાંચ|ગુણવંત શાહ}} <poem> કાગળોના કબરસ્તાન જેવી મારી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અગિયારથી પાંચ

ગુણવંત શાહ

કાગળોના કબરસ્તાન જેવી
મારી ઑફિસમાં
સ્ટાફના માણસો રોજ
એપિટાફ લખ્યા કરે અને વાંચ્યા કરે.
ગોળ-પાપડીની જેમ
સમયને ઠારીને
માણસ એનાં ચોસલાં પાડતો રહે છે;
અગિયારથી પાંચનું એક ચકતું!
ઘણાં વર્ષોથી અંધારું
સૂર્યની પાછળ પડ્યું છે.
તાપથી બળીજળીને એ કજળાયા કરે છે
ને
પૃથ્વી પર કાળી રાખોડી
વેરાતી રહે છે.
ઑફિસનું ટાઈપરાઈટર મૌન તોડે
ત્યારે
ટાઈપિસ્ટ ગર્લના જુલફાં ફફડી ઊઠે છે
અને
ખૂણામાં બેઠેલો એકાઉન્ટન્ટ
ચોપડામાં સ્મિત જમા કરતો રહે છે!
ખુરશીમાં બેઠેલી જડતા
ને
ટેબલ પર પથરાયેલો વિલંબ
આખો દિવસ ખૂબ busy રહે છે.
મારી લાપરવાહી
ચાના કપમાં ઊભરાતી રહે છે.
ઘડિયાળનો કાંટો
આળસ મરડે ત્યારે
પાંચ વાગ્યા હોય છે.
શબપેટીમાં ધડાધડ બંધ થાય છે.
ઑફિસે ઘણા માણસો આવે છે.
એક વાર
કોચમીન અલી ડોસો પણ આવલો–
મરિયમનાં દસ્તાવેજી કાગળિયાં લેવા.