અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુણવંત શાહ/અગિયારથી પાંચ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અગિયારથી પાંચ

ગુણવંત શાહ

કાગળોના કબરસ્તાન જેવી
મારી ઑફિસમાં
સ્ટાફના માણસો રોજ
એપિટાફ લખ્યા કરે અને વાંચ્યા કરે.
ગોળ-પાપડીની જેમ
સમયને ઠારીને
માણસ એનાં ચોસલાં પાડતો રહે છે;
અગિયારથી પાંચનું એક ચકતું!
ઘણાં વર્ષોથી અંધારું
સૂર્યની પાછળ પડ્યું છે.
તાપથી બળીજળીને એ કજળાયા કરે છે
ને
પૃથ્વી પર કાળી રાખોડી
વેરાતી રહે છે.
ઑફિસનું ટાઈપરાઈટર મૌન તોડે
ત્યારે
ટાઈપિસ્ટ ગર્લના જુલફાં ફફડી ઊઠે છે
અને
ખૂણામાં બેઠેલો એકાઉન્ટન્ટ
ચોપડામાં સ્મિત જમા કરતો રહે છે!
ખુરશીમાં બેઠેલી જડતા
ને
ટેબલ પર પથરાયેલો વિલંબ
આખો દિવસ ખૂબ busy રહે છે.
મારી લાપરવાહી
ચાના કપમાં ઊભરાતી રહે છે.
ઘડિયાળનો કાંટો
આળસ મરડે ત્યારે
પાંચ વાગ્યા હોય છે.
શબપેટીમાં ધડાધડ બંધ થાય છે.
ઑફિસે ઘણા માણસો આવે છે.
એક વાર
કોચમીન અલી ડોસો પણ આવલો–
મરિયમનાં દસ્તાવેજી કાગળિયાં લેવા.આસ્વાદ: પૃથ્વી પર કાળી રાખોડી – રાધેશ્યામ શર્મા

કૃષ્ણમૂર્તિ ‘ક્રૉનોલૉજિકલ ટાઇમ’, ક્રમબદ્ધ કાળનો નહિ, પણ સાઇકૉલૉજિકલ સમયની ઘટનાનો મહિમા વિશેષ કરે છે. મનોવૈજ્ઞાનિક સમય, એ વ્યક્તિની ચેતનાસાપેક્ષ અક્રમિક ઘટના છે, જે ઘડિયાળ–કાંટાના ઘુમાવને ગાંઠતી નથી. પરંતુ આધુનિક જીવનચક્રના આંટામાં, ‘મૉડર્ન ટાઇમ્સ’ ફિલ્મમાં ચેપ્લિન ફસાયેલો તેમ, આધુનિક મનુષ્ય પણ સંકડાયો–જકડાયો છે એને કૃષ્ણમૂર્તિના બોધ સાથે શું સ્નાનસૂતક!

અગિયારથી પાંચ – નકરા નરવા ગદ્યકાવ્યનું શીર્ષક કહેવાનું બંધ જ સ્પષ્ટ કરી જાય છે. ૧૧–૦૦થી પ–૦૦ કેવળ કૉર્ટકચેરી-ઑફિસનો જ સમય નહીં, પણ નિશાળે જવા છૂટવાના ઘંટનો રણકાર પણ કાનમાં ઈંડાં મૂકી નાસી નીકળે…

શીર્ષક બાદ કાવ્યનાયકની સ્વગતોક્તિ કે એકોક્તિ એના તટ–સ્થ વસ્તુલક્ષી નિરીક્ષણને પ્રસ્તુત કરે છે.

પોતાની ઑફિસને ‘કાગળોના કબરસ્તાન’ની ઉપમા તો એવો માણસ જ આપી શકે જે ‘ગ્લેમરથી અંજાયો ના હોય, ઓઝપાઈ ઓલવાયો ના હોય; વત્તા અસંઘ શસ્ત્રથી દૃઢપણે પ્રસક્તિછેદન કરીને ફિનૉમિનનને ‘જેમ છે તેમ’ જોઈ શક્યો હોય. આ વ્યાપક ઘટના કઈ? દૈનંદિન ક્રમ સ્તો. ઘાંચીની ઘાણીના ચીલા! જેમ ચાલો તેમ કાલક્ષેત્રમાં ઊંડા ચાસ પડતા જ જાય! તીવ્ર નિર્વેદ, કંટાળો કંટાળો ભોંકાઈ જાય તોયે ચીલાના ગહન કૂવામાંથી છલાંગ લગાવી કૂપમંડૂકો બહાર આવી શકતા નથી એ ઘરેડ. ઘરેડ કદી ઘરડી થતી નથી, ક્યારેક તો સહવાસથી ઘરેણા જેવી વહાલી લાગે છે!

કવિએ ઑફિસને કબ્રસ્તાન રૂપે મૂર્ત કરી છે ને! એમને માલૂમ હશે કે કેનેડાના કેળવણીકાર લૉરેન્સ પીટરે ઘરેડ – ચાલ વિશે કેવું (એમના જેવું જ થોડું) કહ્યું છે?

‘A rut is a grave with the ends knocked out.’

૧૧ થી ૫ કચેરીના કબ્રસ્તાનમાં સ્ટાફર્સ રોજ કબર–આલેખ (એપિટાફ) લખ્યા કરે છે ને વાંચ્યા કરે છે. કર્તાએ અહીં કોના કોના એપિટાફ લખાય છે ને વંચાય છે તે ચોખ્ખું કહ્યું હોત તો કૃતિ સાવ અભિધાની કક્ષાએ નીચે ઊતરી, પડતે. માત્ર એપિટાફ લખાય છે, વંચાય છે એટલું જ કહ્યું છે. તાત્પર્ય કે કબરસ્તાનનો વ્યાપ ઑફિસ જેટલો નથી. કાગળોની કબરો કચેરી બહાર પણ ફેલાઈ છે ને કબરલેખ લખવામાં યમરાજનો સ્ટાફ માહિર, મશહૂર, મશગૂલ છે.

કાવ્યારંભે કબરસ્તાનના મૃત્યુસંદર્ભ પછી તરત જ અગિયારથી પાંચના સમયને ગોળ–પાપડીના ઠારેલા ચોસલાના મિષ્ટાન્નનો ઉલ્લેખ સૂચક છે. મનુષ્ય બહુવિધ મૃત્યુ જોઈને પણ બહુ બહુ તો સ્મશાનવૈરાગ્ય કે કબરસ્તાનના ઝાંપે હાથ દઈ પાછો ફરે છે. મૃત્યુ બાદ, માટે તો મિષ્ટાન્ન આરોગવાનો (બારમા તેરમા પર) વ્યવહારક્રમ છે!

સરકતી જતી રેતી શી પ્રવાહમાન ક્ષણને ઠાર્યા સિવાય વ્યક્તિ જીવી નથી શકતી. એની નિયતિ જ એવી છે – ક્રમબદ્ધ કાળની ઘાણી મધ્યે.

અહીં સુધી રચનાનું લોકાલ સ્થાનિક ને સીમાબદ્ધ રહ્યું, નાયકની નૈરાશ્યભૂમિ સાથે ચીપકેલું રહ્યું, પણ હવે તે કર્તાની ઇષત્ વક્રોક્તિનો આધાર લઈ ‘ટેક ઑફ’ કરે છે:

ઘણાં વર્ષોથી અંધારું સૂર્યની પાછળ પડ્યું છે.

આ તાપથી બળીજળીને એ કજળાયા કરે છે ને પૃથ્વી પર કાળી રાખોડી વેરાતી રહે છે.

કર્તાએ હળવેક રહી ‘ઇકૉલૉજિકલ બૅલેન્સ’ ખતમ થઈ ગયું છે, પર્યાવરણના પર્યવસાનથી પૃથ્વી પોતે જ મહાકબરસ્તાનમાં પલટાતી જવાની વાતને વર્તમાનમાં વણી લીધી છે. કારણ? ભઈ! અન્ધારું જ સૂર્યની પાછળ પડ્યું હોય ત્યાં અન્યથાની વ્યર્થ કલ્પનાને અવકાશ ક્યાં!

પણ કર્તા અવકાશમાંથી અનવકાશના સેટિંગમાં એન્ટ્રી લઈ શકે. વળી પાછી ઑફિસ, ટાઇપરાઇટરનું ટકટકટક, ટાઇપિસ્ટ ગર્લનાં ફફડી ઊઠતાં જુલ્ફાં જોઈ એકાઉન્ટન્ટ – મુનીમ કદાચ ‘ઉડેં જબ જબ જુલ્ફેં તેરી’ જેવું ગુંજી ચોપડે સ્મિત જમા કરતો જોવા મળે છે. ખૂણામાં બેઠેલા એકાઉન્ટન્ટને અનેક ઍંગલ–ખૂણેથી ગર્લને નિહાળવાની સુવિધા છે! અહીં ઑફિસની રૂટીની જડતા અને પથરાયેલા વિલંબના સ્થાણુવત્ ‘busy’–nessમાં સંકજાયેલા નાયકનું નિષ્કાળજીભર્યું વર્તન જાતસ્વીકૃતિની નિખાલસતાપૂર્વક ઝમ્યું છે: ‘મારી લાપરવાહી ચાના કપમાં ઊભરાતી રહે છે.’ (લાપરવાહીના રાષ્ટ્રીય રોગની જિકર ચાપ્યાલામાં તોફાન નથી સર્જતી!)

આલસ્યધુરીણ શો ઘડિયાળકાંટો પાંચના આંકડે આવતાં શબપેટીઓ ધડાધડ બંધ થાય છે. કબરસ્તાનનો સંદર્ભ કફન–શબ–પેટીઓથી ફરી ચૂંટાઈ આવ્યો છે. ગર્લનાં જુલફાં સાથે ‘ફફડી’ ઊઠતું ભયદ્યોતક ક્રિયાપદ અને શબપેટીઓ સાથે ‘ધડાધડ’ ધ્વનિ સાભિપ્રાય છે.

ઑફિસોની શબપેટીઓ ધડાધડ બંધ જાહેર કર્યા પછી પણ કૃતિ ક્લાઇમેક્સ વળાંક લે છે – શાથી? એમ કોઈ પૂછી શકે. આશ્ચર્યનો એક પ્રઘાતક આંચકો અર્પવાની, વાર્તા જેમ કવિતામાં પણ પૂંછડીએ ડંખ લાવવાની સંરચનાત્મક પ્રયુક્તિ કાબિલે દાદ છે:

એક વાર કોચમીન અલી ડોસો પણ આવેલો— મરિયમનાં દસ્તાવેજી કાગળિયાં લેવા.

ઑફિસે તો ઘણા માણસો આવે છે, કબરસ્તાનની મુલાકાતે તો ઘણાં જીવતાંમરેલાં મુર્દાં આવતાં રહે, પણ એમાં મરિયમનાં દસ્તાવેજી કાગળિયાં લેવા આવનાર કોચમીન અલી ડોસાનું આગમન નિર્દેશીને કવિશ્રી ગુણવંતે કૃતિને નિરૂપણસામર્થ્યથી કરુણ અને કરુણાસૂચક પરિમાણ બક્ષ્યું છે. (અહીં ભાવક પાસે એક અપેક્ષા છે. ધૂમકેતુ, એમની વાર્તા, મરિયમ અને અલી ડોસાના રૂટીન ક્રમથી તે વાકેફ હોવો ઘટે. નહીંતર ‘ભેંસ સમક્ષ ભાગવત’ જેવો ઘાટ થાય…) ‘ધૂમકેતુ’ને આવી વિરલ ગુણવંતી કાવ્ય–અંજલિ અર્પવા માટે શાહ કવિને સાધુવાદ. (રચનાને રસ્તે)