`એક ઉંદર અને જદુનાથ’ નામના નાટકના ચતુર પ્રયોજકો શ્રી લાભશંકર ઠાકર, અને શ્રી સુભાષ શાહે હેતુપૂર્વક જ પાંત્રીસ પાનાંના નાટકના છેક છેલ્લે પાને જ્યાં સાધારણ રીતે જુનવાણી જમાનામાં સમાપ્ત એમ છપાતું અને આધુનિક જમાનામાં પછી-પછી-પછી-પછી–પછી કે અને-અને-અને-અને-અને છપાય છે ત્યાં, અંગ્રેજીમાં છાપ્યું છે. Preface This play is not for all – Authors. હેતુ ન હોય તો લખ્યું ન હોય, અને છપાવ્યું પણ ન હોય. નબળા પુરોગામીઓ કે શબ્દના લોહીનો વેપાર કરનારાઓની જંતુસુલભ કીર્તિલાલસાને સમર્થ પુરુષો શા સારુ અપનાવે? એટલે હેતુ હશે જ – માત્ર આટલા અંગ્રેજી લખાણનો નહીં પણ સમગ્ર લખાણનો–એમ માનીને જ ચાલવું સારું. કદાચ એમ હોય કે મીરાંબાઈથી આગળ વધીને એમને ભગત (નિરંજન નહીં, પણ અક્ષર માંડનારા બધા) અને જગત (વાંચનારા, ક્યારેય ન વાંચનારા બધા) બંનેથી નિરાશા થઈ હોય અને હામ ધારીને એમણે લખ્યું હોય તે હર્ષ અને હિમ્મન લેવા અને જરૂર પડ્યે દેવાના હેતુથી. જો આ નર્યું આરોપણ નીકળે કે હીંચકે બેઠાં હોઈએ એવું લાગે તો તો મઝા આવી જાય. સહુ અનૃણી બની જાય. ચિકિત્સા-નિદાન કે આંકડા ગણવાની મુસીબત જ ન રહે. પણ એ બાબત ચીતરવા કરતાં કૃતિને જ જોવી એ વધારે લાભદાયી – ઉભય પક્ષે. કૃતિને જોવાની બાબતમાં, આ નાટકની અમદાવાદ મુકામની બીજી રજૂઆત વેળાએ તો ગોગલ્સ પણ ક્યાંક રાખવામાં આવેલાં. (ક્ષિતિજ-૭: ૨-૩ જાનેવારી ફેબ્રુઆરી ૧૯૬૭ પા. ૧૩૫: રાધેશ્યામ શર્મા) તે ગોગલ્સનો લાભ લઈ શકાય એવી કશી હાલત નહીં હોવાથી, મારી નજરે જ આ લખું છું. ગુજરાતીમાં આજ લગી લખાતાં અને ક્યાંક ક્યારેક ભજવાતાં નાટકમાં આ નાટકે નવી દિશામાં પગલાં માંડ્યા છે. કદાચ હવે પછી થોડા સમય માટે આવી રીતે પણ ચલણી સિક્કો બને તોય નવાઈ નહીં. પણ એ ફેશનપરસ્તીને કારણે, જૂના ખડ્ડુસો કરતાં નવી રીતે હિમ્મતભેર, લખીએ છીએ એમ બતાવવા. એથી વિશેષ આમાંથી ઝાઝું મળતું નથી. નાટકની કરુણ વાત એ છે કે કહેવાતી `એબ્સર્ડ’ રીતનું આ નાટક પણ, નાટક કહેવાય એવી હાલતમાં નથી મુકાયું. હા, દેખાડનો સંઘર્ષ છે. દેખાડની અસારતા છે. દેખાડ માટે દુનિયાભરનાં કહેવાતાં પ્રતીકો છે. ઉંદર છે, બારી છે જે ખુલતી નથી, સડેલા નિતંબની ગંધ છે, ખોપરી છે, દૂધની શીશી છે જેમાંથી સનાતન બાળક પ્રેક્ષક શ્રોતાની સાક્ષીએ દૂધ પીએ છે, આવું તો ઘણું છે. એનો સમાવેશ સમજી શકાય એવો છે. મુશ્કેલી એ છે કે એ પ્રતીકો જે રીતે ઠલવાયાં છે – અને એની સંખ્યાની વિપુલતા એની નવીનતાને પણ ઢાંકી દે છે–તેમાંથી નાટકના પ્રયોજકોને કયો અર્થ અભિપ્રેત છે એ તારવવાનું પેલા `ઑલ’ માટે દુષ્કર છે. એમાં અભિપ્રેત થોડાને એ સમજાયું હોય તો પણ ખૂબ જ રાજી થવા જેવું. બૌદ્ધિક પરાજય કબૂલ કરવા જેવી રસશુદ્ધ તો બીજી કશી જ વાત ન હોઈ શકે. એબ્સર્ડ ગુજરાતીમાં અવતારવું હોય એવી અભીપ્સા ખોટી કે અવાસ્તવિક છે એમ તો કોઈ નહીં કહે, પણ અહીં એબ્સર્ડમાં અર્થ વિષે જ થોડી મુશ્કેલી લાગે છે. નાટક પરથી તો એબ્સર્ડનો ડીક્શનેરી અર્થ જ બહાર આવે છે. – બેકેટ અને આયોનેસ્કો કે અરાબલ જેવાને અભિપ્રેત છે અને એમણે પોતાની કૃતિઓથી એબ્સર્ડને જે અર્થ અને પ્રતિષ્ઠા આપ્યાં છે, એના અનુકરણની પ્રશંસા પણ અહીં આત્માસાત્ થતી નથી. એ સાચું છે કે આ લેખકોને – ખાસ બેકેટ અને આયોનેસ્કોને – જે અનુભવ થયો છે એ ઉંદર જદુનાથને નથી. અને છત પર ભેરવેલાં ઉંદરના પાંજરામાંના બે ત્રણ જીવતાં ઉંદર, કે પ્રગટ પ્રચ્છન્ન જદુનાથનું એવું કોઈ ગજું પણ વરતાતું નથી. એબ્સર્ડ નાટક જ નહીં, નાટક માત્રનો હેતુ તો, ક્ષોભ પમાડવાનો હોય છે. પણ ક્ષોભ કઈ રીતે પમાડી શકાય? બેકેટની પદ્ધતિ તો એક રીતે વર્ણવીએ તો ઉજ્જડતાની bareness ની desolationની છે. આયોનેસ્કો સડકો પર ચાલતા સેંકડો માણસો વચ્ચે વ્યક્તિ સાવ એકલી છે, એમ પ્રથમ અક્ષરથી – કદાચ પડદો, ઉપડે એ પહેલાંથી – પુરવાર કરતો, હસાવી કલાવીને પુરવાર કરતો, ધમધમ ચાલે છે. બેકેટની રીત કરપીણ ઉદાસીનતાની રીત છે. આયોનેસ્કોની રીતે એટલી રૂક્ષ નથી, પણ એ મરકલા પાછળ અતલ ખાઈ છે. એ વાત એ કદી છુપાવતા નથી. ઉંદર જદુનાથમાં આ બંને રીતનું માંદલું અનુકરણ છે. પરાજિતતાનો, હાર્યાનો, ડંખ સાવ નિર્મૂળ નથી થયો. અને કદાચ એ જ કારણસર આશાનો અંકુર અલ્પાંશે પણ મહોરશે એવી આશા રાખી છે. શેની આશા? આશા તો અહીં `ડેથ–વિશ’ જ છે. મૃત્યુની ઇચ્છા, અને એ પણ પાર પડતી નથી. માંગ્યા મુક્તાફળ નહીં, મૃત્યુ પણ નથી મળતું. Death does not oblige. અને આ હતાશા એક નવા રૂપે પ્રગટ થાય છે. ઉંદર જદુનાથમાં એ પ્રગટ થાય છે અસંબદ્ધ અનાદરના રૂપે. રણછોડજીની છબી અને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખના ઉલ્લેખો આદરરહિત કરવામાં આવ્યા છે. એ સામે કશો જ વાંધો કોઈને પણ હોઈ ન શકે. પણ પાયાની વાત તો ભુલાઈ ગઈ છે કે `એબ્સર્ડ’નું તર્કશાસ્ત્ર અત્યંત ચુસ્ત છે. નિર્હેતુક અને અસંબદ્ધ એ એબ્સર્ડમાં ખંટાઈ નથી શકતું. માટીગારાની દીવાલમાં ખીલી ઠોકવી સહેલી છે પણ આ તો નિર્દય સીમેન્ટ કોન્ક્રીટની દીવાલ છે. એબ્સર્ડ અને તેમાં પણ બેકેટના એબ્સર્ડનું પાંગળું અનુકરણ એક બીજી રીતે પણ બહાર આવે છે. બેકેટે `વેઈટીંગ ફોર ગોદો’માં જેને રંગમંચ અને ચલચિત્રની દુનિયામાં `સ્લેપસ્ટીક’ કહેવામાં આવે છે એનો સારા પ્રમાણમાં આશ્રય લીધો છે. ઉંદર જદુનાથમાં પણ એવું આણવાનો પ્રયત્ન થયો છે. ક્ષિતિજના એ જ અંકમાના એક બીજા લેખમાં શ્રી. પ્રબોધે કલાકેક લગી `શુદ્ધ હાસ્યરસ’ માહ્યાનું – ઉંદર જદુનાથના વાંચન દરમ્યાન – નોંધ્યું છે. આ બે વાત વચ્ચે ઉંદર જદુનાથ જેટલો જ સંબંધ હશે? એક બીજી વાત પણ અહીં નોંધવા યોગ્ય છે. આ કે પેલા નાટક માત્રમાં ઉક્તિનું પુનરાવર્તન અને પુનઃ પુન: ઉચ્ચારણ એ ઘણી અસરકારક કરામત, ડીવાઈસ છે. એબ્સર્ડના બેકેટ અને આયોનેસ્કો જેવા બે મહાસમર્થકોએ આ પુનરુક્તિની જુક્તિમાંથી નવા અર્થ તારવ્યા છે એ સંપૂર્ણપણે લાક્ષણિક છે. બેકેટ એક વાત બીજી વાર કહે છે, ત્યારે મરુભૂમિનું નવું ખોદેલું સ્તર પણ મૂળ સ્તર જેટલું જ કાંકરા વગેરેવાળું ભેજ વગરનું છે. કોઈ કાંટા ઝાંખારાનીય ઊગવા ફૂટવાની શક્યતા વગરનું છે. એ બતાવે છે. આયોનેસ્કો એ જ પુનરુક્તિની કરામતનો ઉપયોગ નવું સ્તર ખોલી બતાવવા કરે છે. એ એવી તો ખૂબીભેર રજૂઆત કરે છે કે એના એ જ શબ્દો કોક નવો અર્થ, કોક નવી છાયા, ધારીને આવે છે. ધરતીનો તે ક્ષણે વરતાતો ભેજ પણ કરપીણ છે એ વાત બહાર આવે છે. ઉંદર જદુનાથમાં આવતી પુનરુક્તિઓ મોટે ભાગે ખાડા પૂરવાની પૂરણી જેટલી જડ અને અનાકર્ષક છે. આટલું છતાં એ કહેવું જોઈએ કે ઉંદર જદુનાથે ચોકઠું તોડવાની ચેષ્ટા જરૂર કરી છે. ક્યારેક પેલા છત પરથી લટકતા પાંજરામાંના બે ત્રણ ઉંદરોમાંથી કોક તો જરૂર પાંજરું તોડીને બહાર આવશે. એ આશાએ જ એ પાંજરું નીચે પર મૂકવાને બદલે છતે લટકાવેલું છે. અને ક્યારેક જદુનાથ આવશે – છેવટે નૃત્યતો, રૌદ્ર-સુંદર, કરાલ-કોમલ. ચકોર અને સાવધ, અને દેશપરદેશનું બધું વાંચતા નાટકકારોના ધ્યાન પર એક વાત તો આવી જ હશે. બ્રિટિશ નાટકમાં તો બે સજાતીય પાત્રોનો એક બીજો અર્થ પણ થવા લાગ્યો છે. ઉંદરોની હાજરી નથી બાધા, નથી આશીર્વાદ. ઉંદર-જદુનાથનું સ્વાગત-વધારે સારાની અપેક્ષા સાથે.
- ↑ * એક ઉંદર અને જદુનાથ. લે. લાભશંકર ઠાકર, સુભાષ શાહ (રે. મઠ, અમદાવાદ, ૧૯૬૭, પા. ૩૫, રૂા. ૪)
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.