નાટક વિશે/કોઈદાન કારેલાંની ગળથૂથી?

કોઈદાન કારેલાંની ગળથૂથી?*[1]

શેનો સંધિકાળ? જેને બિનગુજરાતી અને લગભગ નાવારસી માલ સદી ગયો છે એવા ગુજરાતી તખતાને સોજ્જું, મઝાનું, પૂરજોશ, પૂરદર્દ, પૂરબહાર ગુજરાતી નાટક મળી જાય એનો સંધિકાળ? કે યુગયુગથી ચાલી રહેલી શાશ્વતી અને છતાં હરપળે નવું રૂપ ધારતી સોરાબ–રુસ્તમીનો સાંધકાળ? કે પ્રસ્તાવના મુજબ પહેલી વાત અને નાટક મુજબ બીજી વાત. પણ પ્રસ્તાવનામાં કરી છે એ જ ફરિયાદ શ્રી શિવકુમારે પોતે જ એટલાં વરસ કરી છે – કેટલાં વરસ એમ પૂછો છો? તો જવાબ એ કે શ્રી શિવકુમાર જોષીએ લખેલાં લાંબાં નાટકની સંખ્યા હોય એટલાં વરસ તો ખરાં કારણ કે એ ફરિયાદ દૂર કરવા શ્રી શિવકુમાર જોષી વરસે એક લાંબું નાટક તો લખે જ છે – કે હવે એ ફરિયાદ પણ પાકું ઝાડ બની ગઈ છે. એટલે કે એવી વાસ્તવિકતાની કડવી વાત અને એને ટાળવાનો યત્ન પણ સંધિકાળની સંજ્ઞાને યોગ્ય નથી રહ્યો. નાટક પૂરતું તો શ્રી શિવકુમારને પણ પેલો બીજો સોરાબ–રુસ્તમી સંકેત જ અભિપ્રેત હોય એમ લાગે છે. અને અહીં ખરો સંધિકાળ એ છે કે ભૂમિકા માત્ર આદર્શોની અથડામણની નથી. કદાચ વડીલોના મનમાં રહેલી શુભભાવના અને કલ્યાણકામના સિવાય બીજે ક્યાંય આદર્શની વાત પણ આ નાટકમાં નથી. જીવનરીતના ભેદની વાત જરૂર છે. પણ એના કરતાં પણ વધુ કર્કશ વાત – અને મધુરતાનો અવાસ્તવિક અંચળો ઓઢાડ્યા વિના કરવામાં આવેલી વાત – તો પૈસા સંબંધીની છે. અને એ રીતે આ નાટક શ્રી શિવકુમાર જોષીના નાટ્ય–લેખનમાં જ નહીં પણ સમગ્ર લેખનમાં પણ એક નવા સંધિકાળનું સૂચન કરી જાય છે. સમગ્ર રીતે નહીં પણ પ્રભાવક એવા અંશે શ્રી શિવકુમાર જોષી સામાન્ય કામવૃત્તિ અને સ્ત્રીપુરુષના સંબંધોનો મોટિવેશન માટે – કાર્ય માટેના હેતુપૂરક બળ તરીકે – ઉપયોગ કરતા. અહીં આ નાટકમાં પેલી કામવૃત્તિનું ક્યાંક અછરતા ઉલ્લેખ – એને ઉલ્લેખ કરતાં ઇશારો કહેવો એ લાજિમ ગણાય – સિવાય નામનિશાન નથી. પણ ધનપ્રાપ્તિ એ હેતુપૂરક તરીકે અહીં ઠીકઠીક પ્રમાણમાં વ્યાપક છે. આ સંક્રમણે એક રીતે આ નાટકને એ બનવું જોઈએ એ કરતાં વિશેષ કર્કશ – જારિંગ – બનાવ્યું છે. નમ્ર મત એવો છે કે એથી નાટ્યાત્મકતાને ધાર નથી નીકળી. અભિપ્રેત હોય એવું તો નથી માનતો, પણ ગળથૂથી કોઈદાન અને કારેલાંની થઈ ગઈ છે. હશે, કોક બાળકનું એવું તગદીર! પણ આટલા પરથી કોઈ એમ ન માને કે પૈસાની વાત જ સંઘર્ષનું મૂળ કે પ્રભાવક બિન્દુ છે. અહીં પણ જરા ખોજીએ તો બુનિયાદ તો લવ-હેઈટની, લગભગ સર્વાંશે હેઈટની – ધિક્કારની છે. સર્વ સંબંધોના મૂળમાં આ ધિક્કાર – પછી એ નિર્ભેળ રહ્યો હોય કે જાત-જાતની અસર હેઠળ જુદા ગુણધર્મ પામ્યો હોય – એ છે. નાટકનું વસ્તુ ટૂંકમાં આટલું છે. વલસાડમાં વાડીવાજીફો ધરાવતા ધનસુખલાલે બહુ નાનપણથી જ પોતાના દીકરા-દીકરીને મુંબઈ ભણવા મોકલેલા. દીકરીએ ઉમ્મરલાયક થતાં નાસીને સ્નેહલગ્ન કર્યું. શરૂઆતના વિરોધ પછી માબાપે દીકરીને બોલાવી મેળ કરવાનો ખૂબ યત્ન કર્યો. પણ દીકરીને હંમેશ માટે મનમાં રહી ગયું કે બાપુજી એને દીકરા સરખી નથી ગણતા – ખાસ તો મિલકતની અને નાણાંની સહાય કે સુપરદની બાબતમાં. દીકરા પણ મુંબઈમાં – માબાપની અસરથી દૂર – ઊછર્યો છે અને માબાપે દીકરા સાથે કેવી રીતે વર્તવું જોઈએ એનો બહુ આક્રમક ખ્યાલ ધરાવતો થયો છે. વલસાડમાં વાડી પર આવતીજતી એક છોકરી સાથે એનું લગ્ન, એ છોકરી પરદેશ જઈને ડૉક્ટરેટ લઈને આવ્યા પછી કર્યું છે. દીકરાને સારો ફ્લેટ બાપે અપાવ્યો છે. ખેતીવાડીની બધી આવક દીકરાને ધંધામાં સહાય કરવામાં ખર્ચી છે. દીકરીને અદેખાઈ થઈ છે એટલે એને પણ લાખેક રૂપિયાનો ફ્લૅટ કરાવી આપવાની ઇચ્છા રાખે છે. આમ તો ધનસુખલાલ–રતનબેનનું દામ્પત્યજીવન સુખી છે. પણ માનો જીવ છોકરાંમાં અને દીકરીના દીકરીઓમાં છે. દીકરાને ઘેર દીકરો રમતો જોવાના એમને સ્વાભાવિક કોડ છે. પણ એમને ખબર નથી કે કશી જ આળપંપાળ ન રાખવી એવો મત ધરાવતા પીયૂષે, પ્રોફેસરી કરતી પત્ની અમીશી પાસે ગર્ભપાત કરાવ્યો છે અને અમીશીને ભવિષ્યમાં આવું કશું ન થાય એ માટેની પણ જોગવાઈ કરાવી લીધી છે. સંતાનો સાથે સમય ગાળવા માટે તબિયત બતાવવાનું બહાનું કાઢીને રતનબહેન ધનસુખલાલને મુંબઈ આવવા મજબૂર કરે છે. ધનસુખલાલ દીકરાના નવા સાહસમાં રોકાણ કરવા રાજી છે અને દીકરીને મનાવવા માટે ફ્લૅટ અપાવવા પણ રાજી છે. વૃદ્ધ દંપતીને પોતે અહીં આવીને દીકરાની જીવન–ઢબમાં કેવા હરકતરૂપ બને છે એનો ખ્યાલ નથી. સાથે એમને દીકરી કેટલી હદે અદેખી બની છે એનો પણ ખ્યાલ નથી. આટલી પૂર્વે બનતી બીના સાથે નાટક શરૂ થાય છે. બાપને દીકરા–દીકરીને રાજી કરવાની ઇચ્છા છે. માને પુત્રવધૂ– જેને એ ભગવાનના દક્ષિણ કરનું દાન હોય એમ સાચી રીતે માને છે – અને દીકરીના દીકરાવને રમાડવાની ઇચ્છા છે. દીકરાને આ ઘરડેરાંએ બધી વાતે સમજવું જોઈએ, અમારી જિંદગીમાં કોઈ પણ રીતે હરકત ન કરવી અને નવા સાહસમાં સગાંને (બહેન અને ખાસ તો બનેવીને) ન નાખવા જોઈએ એટલું સમજવું જોઈએ એટલી ઇચ્છા છે. પુત્રવધૂને સાસુસસરાના જિંદગીના ખ્યાલને આઘાત લાગે એવું કશું ન કરવાની ઇચ્છા છે. પારમિતા – દીકરી – ને તો બધાને જ આઘાત પહોંચાડવાની જ ઇચ્છા છે. શ્રી શિવકુમાર જોષીના પોતાના જ ગામના અંદાવાડી ચંદુલાલને ફ્લેટ્સ વેચવાની અને પૈસા બનાવવાની ઇચ્છા છે. બધી રીતે ફાસ્ટ લાઈફ ગાળનાર રસિકાબહેનને આ વૃદ્ધ દંપતીને સુખી દામ્પત્યની ફોર્મ્યુલા પૂછવાની ઇચ્છા છે. અને કોઈની ઇચ્છા પાર પડતી નથી. દીકરો અને દીકરાની વહુ બંને બહાર તેમ જ ઘરમાં પણ દારૂ પીએ છે એની, સત્યનારાયણની પૂજા અને એના પ્રસાદમાં શ્રદ્ધા ધરાવતા માબાપને ખબર પડે છે અને સાથે એ પણ ખબર પડે છે કે દીકરાના આગ્રહથી પુત્રવધૂએ ગર્ભપાત કરાવેલો અને ગર્ભ રહી શકે એવી સ્થિતિ પણ દીકરાએ રહેવા નથી દીધી. વસ્તુ અને વાત અત્યંત કર્કશ છે. કદાચ વાસ્તવિક હશે, આવું બનતું હશે, તોય એ વાત કરુણ નથી. કરુણા પ્રેરે એવી પણ નથી. નાટકકારને જો એવું અભિપ્રેત હોય કે વૃદ્ધજનો માટે કશી સહાનુભૂતિ પ્રગટે તો એવું પણ ઓછું બને છે. આમ થવાનાં થોડાંક કારણ છે. એક તો નાટકનું ફોકસ – એને લક્ષ્યબિંદુ કહીશું? – એકકેન્દ્રીય નથી. નાટકકારે સંવાદમાં પ્રયોજેલી ભાષાનો આશરો લઈને કહીએ તો ઘણું બધું ડીફ્યુઝડ છે. આભ નવલખ ધારે નથી રોતું એ ખરું પણ નાટકનો પ્રભાવ પાડવા માટે જરૂરી એવી એક ધાર પણ નથી. જો એક એક પાત્ર અને નિરૂપાયેલો અને ઉલ્લેખાયેલો એક એક પ્રસંગ એ સંધિકાળમાં છે એમ કહેવું હોય તો એવી છાપ પણ કમનસીબે પડતી નથી. એક એક પાત્ર શિકાર છે એ સાચું પણ બધાં ભેગાં થાય છે ત્યાં પણ એક સીધી ચોટ મારે એવું કશું નથી નીપજતું. તેનું કારણ આ ડીફ્યુઝન, વિકેન્દ્રીકરણ લાગે છે. હા, એક એક પાત્ર ક્યાંક ને ક્યાંક દ્વંદ્વ રચે છે – પ્રતિસ્પર્ધાનું. અને આમાં ખેંચ જુદી જુદી દિશામાં હોય છે. જો બે પેઢી વચ્ચેની ખેંચની જ વાત પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો પેલી લવ-હેઈટની કામગીરી અને એ સ્તર પર રહેવા દેતી નથી. આ ડીફ્યુઝનનું બીજું કારણ તે હરેક પાત્ર પૂર્ણ માનવીયરૂપે પ્રગટવાને બદલે આંશિકરૂપે પ્રગટ થાય છે. પાત્રો બે પરિમાણનાં જ બની જાય છે. આ ડીફ્યુઝનનું ત્રીજું કારણ એ નાટકનું નાટકીપણું, એની થીએટ્રકેલિટી છે. નાટકનું મંચન થાય એવા કોક ખ્યાલને બદલે, મંચ પર ભજવવાનું નાટક લખવું એવો ખ્યાલ નાટકકારનાં મનમાં હોય એ કારણે થોડી સસ્તી તરકીબો લખાવટમાં આવી ગઈ લાગે છે. ત્રણ વાત પર ખાસ ધ્યાન દોરું? ટેલિફોનનો જે ઉપયોગ કર્યો છે એ, પાત્રોની એન્ટ્રી અને એક્સિટ જે જે વખતે કરાવી છે તે, અને એક પાત્રના અડધા વાક્યે, એ જ વખતે દાખલ થતું પાત્ર વાતને અડધે રસ્તે મચડે મોડે, તોડે, જોડે છે એ. આ ત્રણે રીતે મર્યાદામાં હોય તો ઘણી સગવડભરી, સહાયભૂત થાય એવી યુક્તિઓ છે. લેજિટિમેટ છે. રંગધર્મની આદરણીય કરામતો છે. અતિરેકને કારણે એ ઘણી લપટી પડી ગઈ છે. પેલા જૂનાં નાટકોમાં જરાક થાય અને દેવ ઊતરી આવે (એક્સ મશીના) કે એટલાં જૂનાં નહીં પણ સાવ તાજાં પણ નહીં એવાં ગુજરાતી નાટકમાં જેમ પિસ્તોલ વહારે ધાતી, એવું જ કાંક આ બાબતમાં થતું લાગે છે. હા, આ વખતે ચાર અંકને બદલે ત્રણ અંક અને એક વત્તા બે વત્તા ત્રણ એમ છ પ્રવેશો છે. સંવાદમાં ભાષણનું તત્ત્વ ઓછું છે. પણ પાત્રોની ભાષામાં એક પ્રકારની એકવિધતા છે. એમાં પણ, નાટકકારે એક ઠેકાણે અત્યંત ઉચિત રીતે કહ્યું છે એમ સામાને દુ:ખી કરવાની આપણામાં આટલી બધી ત્રેવડ છે. (પા. ૬૨, ધનસુખલાલ) આખા નાટકમાં નાટકકારે આ ત્રેવડનો દોઢ પટે ઉપયોગ કર્યો છે. બનવાજોગ છે કે શ્રી શિવકુમાર જોષીના ધ્યાન બહાર આ વાત ગઈ હોય. પણ બીજા અંકના પહેલા પ્રવેશમાં પાર્ટીમાં જવા તૈયાર થઈને દાખલ થતી અમીશી જ પારમિતાને ઉશ્કેરે એવું બોલે? નણંદને પૂરી રીતે ઓળખનારી ભોજાઈ આમ બોલે ખરી? કે પછી એને પણ પેલી દુ:ખી કરવાની ત્રેવડની લપેટ લાગી છે? એના પાત્રાંકન સાથે એ સુસંગત નથી. મુદ્રણ સામે ફરિયાદ કરવા નહીં પણ માત્ર નાટક જ નહીં સર્વ ગદ્ય લખાણની છપામણીમાં વિરામ ચિહ્નોની વિશેષ કાળજી લેવાય તો છપાયેલા નાટકને આપોઆપ અડધો વિજય મળી જાય, વંચાય અને ભજવાયાં એના સંધિકાળમાં પણ. એક મુદ્રણદોષની શ્રી શિવકુમારે જે અપેક્ષા રાખી હોય તો દૂરઅંદેશી બદલ પીઠ થાબડવાનું થાત. પા. ૧૬ પર પારમિતાની ઉક્તિ છે : `હાય સોસાયટીમાં તો બધું જ ચાલે.’ પા. ૯૭ પર રસિકાની ઉક્તિ છે : `આપણે હાઈ સોસાયટીની બધી મેમસાહેબો…’ ફરીથી લખાવટ પરથી વસ્તુપર આવીએ તો પેલી કર્કશતા હવે વધારે કઠે છે. પણ સાથે એમ પણ થાય છે કે જિંદગીની ખેડમાં નાટકકારને આ અભદ્ર દર્શન પહેલી વાર થતાં એનો સમજી શકાય એવો આઘાત લાગ્યો છે અને એ આઘાત પ્રત્યેનો પહેલો પ્રત્યાઘાત આ રીતે વ્યક્ત થાય છે. પ્રસન્નતાની પડાપડી પછી આવું નજરે ચઢે અને ખટકે એ સૃષ્ટિનો ક્રમ છે. પણ એ પણ જશે એ શ્રદ્ધા રાખી શકાય. છેલ્લે છેલ્લે એક શંકા પણ પ્રગટ કરવી જોઈએ. જે ડ્રિંકિંગ-દારૂ પીવાને નાટકકારે સંઘર્ષના મુદ્દાનું બહુમાન આપ્યું છે તેને વિષે, જે પ્રદેશમાંથી આ પાત્રો આવે છે, અને જે સ્તરનાં એ છે ત્યાં આવો કશો છોછ છે ખરો? હતો નહીં એવી મારી જાણકારી ખોટી પણ હોય.


  1. * સંધિકાળ. લે. શિવકુમાર જે. (સ્વાતિ, ૧૯૬૭. પા. ૧૧૬, રૂ. ૩)

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.