હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/જરા ખુશ્બુ

Revision as of 00:08, 22 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જરા ખુશ્બુ

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટાહાસ લાવ્યો છું.

દોસ્ત, ૯૫