સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંપાદકનું નિવેદન

Revision as of 14:17, 11 May 2021 by Atulraval (talk | contribs) (Created page with "=== (ભાગ-૧) === આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

(ભાગ-૧)

આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે. વાચનના સમૂળગા અભાવમાંથી, અને ઘણી વાર યોગ્ય વાચનના અભાવમાંથી, આવી વિચારશૂન્યતા પેદા થાય છે.

ઉત્તમ સાહિત્ય લાગણીઓને સૂક્ષ્મ બનાવે છે, ધર્મબુદ્ધિને જાગૃત કરે છે, હૃદયની વેદનાને તેજસ્વી કરે છે, સમભાવ કેળવે છે. બારણાની તિરાડોમાંથી ફૂલની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે, રોમાંચિત કરે છે, તેમ ઉત્તમ વાચન ચિત્તમાં પ્રવેશી આનંદલહરીથી વાચકને ડોલાવી દે છે.

અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકન્સની ‘પિક્વિક પેપર્સ’ નામની નવલકથાએ પ્રજાનું એટલું કલ્યાણ કર્યું છે, જેટલું ધર્મગ્રંથ ‘બાઇબલે’ પણ નથી કર્યું.

છેલ્લી એક સદી દરમિયાન મનુષ્યના જ્ઞાનમાં જબરદસ્ત ક્રાંતિ થઈ ગઈ છે. આ બધાં પરિવર્તનો ઉપર જેમનાં જીવન અને સુખચેનનો આધાર છે, તે નરનારીઓને તેની સમજણ કોણ આપશે? પોતાનાં કર્તવ્યો ઇમાનદારીથી બજાવવા માટે જેમને જીવનભર કાંઈક ને કાંઈક શિક્ષણ લેતા રહેવું પડે છે, એવા દરેક વયના વિદ્યાર્થીઓ માટે, જિંદગીના અંત લગી વિદ્યાર્થી રહેનારાઓ માટે ભેરુ, ભોમિયા અને ગુરુની કામગીરી બજાવે તેવું વાચન તેમને કોણ પૂરું પાડશે?

લોકોનું જીવન સંતોષમય, આશામય અને સંસ્કારમય બને, પોતાના જીવન પરની રાખ ખંખેરીને તેને પ્રદીપ્ત કરવાની પ્રેરણા તેમને મળે, એવું વાચન તેમને માટે સુલભ બનાવવું જોઈએ. જીવનને દોરવાની, પુરુષાર્થને પ્રેરવાની, વિચારોને શુદ્ધ કરવાની, ભાવનાને પવિત્રા રાખવાની અને પ્રજાનો વિશ્વાસ મેળવવાની શક્તિ જેમાં હોય તેવું વાચન પ્રજાને પહોંચાડવાનું છે. લોકોને ઉત્સાહ આપે, લોકોની શુભ વૃત્તિ જાગૃત કરે, સરસ્વતીના પ્રસાદથી લોકોનું ધર્મતેજ પ્રજ્વલિત કરે તેવું વાચન તેમને પૂરું પાડવાનું છે. છાપવાની સુગમતા ઘણી વધી ગઈ છે તેને પરિણામે છાપાં— સામયિકો-પુસ્તકોના ઢગલા ખડકાય છે. તેમાંથી આવું કેટલુંક ખંતપૂર્વક શોધીશોધીને જનસમુદાય પાસે સંક્ષેપમાં સતત મૂકતા રહેવું એ ખૂબ જરૂરી છે.

આ પ્રકારના વિચારોમાંથી પ્રેરણા મેળવીને ૧૯૫૦ના મંગલ પ્રજાસત્તાક-દિને ‘મિલાપ’ માસિક શરૂ કરેલું. સામે નમૂનો રાખેલો અમેરિકન માસિક ‘રીડર્સ ડાઇજેસ્ટ’નો. અનેક છાપાં-સામયિકો-પુસ્તકોમાંથી પરિશ્રમપૂર્વક વીણેલાં, બને તેટલાં ટૂંકાવેલાં, બે-ત્રાણ ભાષામાંથી અનુવાદિત કરેલાં લખાણો સરેરાશ ૫૦ પાનાંના અંકમાં વાચકો પાસે દર મહિને ‘મિલાપ’ મૂકતું રહ્યું. તંત્રીની શક્તિ ઓસરવા લાગતાં ૧૯૭૮ના અંતે તેનું પ્રકાશન બંધ થયું. પણ છાપવાની કામગીરી અટક્યા પછી, ઉત્તમ લખાણો નાનામોટા સમૂહો પાસે વાંચી સંભળાવવાનો નાદ લાગ્યો. એ રીતે ૧૯૫૦માં શરૂ થયેલી આ વાચનયાત્રા દરમિયાન જે લખાણો અનેક વાર વાંચ્યાં ને વાંચી સંભળાવ્યાં છતાં જેનું સ્મરણ ચિત્તમાંથી ખસતું નથી, તેનો સંચય એકવીસમી સદીના વાચકો માટે મૂકતા જવાની તીવ્ર ઇચ્છામાંથી આ પુસ્તકનો ઉદ્ભવ થયો છે. ‘મિલાપ’ના પહેલાં દસ વરસના અંકોમાંથી એ રીતે ચૂંટેલાં લખાણો ‘દાયકાનું યાદગાર વાચન’ પુસ્તકરૂપે પ્રગટ થયેલાં. પણ પછીના દાયકાઓ માટે એવા સંગ્રહો કરી શકાયા નહીં. ‘મિલાપ’નાં કેટલાંક લખાણો ‘યાદગાર જીવનપ્રસંગો’ અને ‘ભવનું ભાતું’ નામની ચોપડીઓરૂપે પણ પાછળથી આપેલાં. હવે જીવનયાત્રાનો અંત દૂર નથી ત્યારે, આટલાં વરસોની સંચિત સામગ્રીમાંથી આજે પણ પ્રજા પાસે અચૂક મૂકવા જેવાં લાગે છે તેવાં લખાણો તારવીને પુસ્તકરૂપે રજૂ કરતાં જવાની હોંશ રહે છે. તેને પરિણામે અત્યારે ૬૫૦થી વધુ પાનાંની સામગ્રી અહીં રજૂ કરી છે. બીજી આથી લગભગ બમણી સામગ્રી તૈયાર પડેલી છે. ‘મિલાપ’માં લગભગ બધાં લખાણો ટૂંકાવીને આપવામાં આવતાં. તેને પણ શક્ય તેટલાં વિશેષ અહીં ટૂંકાવેલાં છે. હિંદી લખાણો ગુજરાતી વાચકો માટે ઘણાં સુગમ હોવાથી મોટે ભાગે તેના અનુવાદ કરવાને બદલે મૂળ સ્વરૂપે પણ નાગરીને બદલે ગુજરાતી લિપિમાં ‘મિલાપ’માં રજૂ થતાં, તે રીતે અહીં આપ્યાં છે. આ ૬૫૦ જેટલાં પાનાંમાં નાનાંમોટાં મળીને લગભગ ૬૦૦ લખાણોનો સમાવેશ થયો છે. કેટલાંક ૨-૩ પાનાંનાં છે, તો ઘણાંખરાં એક પાનાનાં કે તેથીય નાનાં છે. પુસ્તક હાથમાં લઈને ઉઘાડીએ, ત્યારે જે પાનું આવે ત્યાંથી રસપૂર્વક વાંચી શકાય તેવું બન્યું છે. પોતાનાં લખાણોના સંક્ષેપ કરવાની છૂટ આપવા બદલ સહુ લેખકોનો વિનમ્રભાવે ખૂબ આભાર માનું છું. એ લેખકો પૈકી કેટલાકે ‘મિલાપ’ વિશે વરસો પહેલાં જે માયાળુ શબ્દો ઉચ્ચારેલા તેમાં શ્રી દિલીપ કોઠારીએ ‘મિલાપ’ની કલ્પના લોકશિક્ષણની એક ‘ટેક્સ્ટબુક’ તરીકે કરી હતી. અત્યંત નમ્રતાપૂર્વક હું એવું ઇચ્છું કે આ પુસ્તક આપણી પ્રજાના ચારિત્રય-ઘડતર માટે, વ્યાપક સમાજશિક્ષણ માટે ઉપયોગી નીવડે. તેવું બને તો તેનો સંપૂર્ણ યશ સહુ લેખકોને જ હશે, જેમના વિચારો અને ભાવનાઓના ભંડારનો એક અંશ આ પાનાંમાં સુલભ બન્યો છે. રવીન્દ્ર જયંતી : ૭ મે, ૨૦૦૩ મહેન્દ્ર મેઘાણી [બીજી આવૃત્તિ] આમ તો આ પુનર્મુદ્રણ જ ગણાય. પણ પહેલી આવૃત્તિમાં એકંદરે ચાર પાનાં જેટલાં નાનાં નાનાં લખાણો ભૂલથી બે વાર છપાઈ ગયેલાં, તે ધ્યાનમાં આવતાં આ વખતે એને બદલે બીજાં મૂક્યાં છે. એ ભૂલ બદલ ક્ષમાયાચના. પહેલી આવૃત્તિમાં સંપૂર્ણ ક્રમ નહોતો આપ્યો એ આ આવૃત્તિમાં આપ્યો છે. ઉપરાંત, લેખક-સૂચિ પણ આપી છે. લોકમિલાપ ટ્રસ્ટે આ પુસ્તક પડતરથી પણ ઓછી કિંમતે સુલભ બનાવ્યું છે. પ્રથમ ત્રાણ હજાર નકલો પખવાડિયામાં જ ખલાસ થઈ જતાં વધુ ત્રાણ હજાર નકલોની આ બીજી આવૃત્તિ છે. [ત્રીજી આવૃત્તિ] વાચકોએ સદ્ભાવપૂર્વક જેની તરફ ધ્યાન દોરેલ છે, તેવી કેટલીક ભૂલો સુધારી લીધી છે. એ સહુ મિત્રોનો આભાર. સવિશેષ આભાર ગાંધીનગરના શ્રી ત્રાકમજી જોશીનો માનવાનો છે. ફૂલ્સકેપ કદનાં ૧૮ પાનાં ભરીને એમણે છાપભૂલોની એક સૂચિ સપ્ટેમ્બર માસમાં મોકલી હતી. સાથેના પત્રામાં જણાવેલું કે — “આપના પિતાશ્રી ઝવેરચંદભાઈને છ-એક દાયકા પહેલાં પોરબંદર હાઈસ્કૂલમાં સાંભળેલા. અમે પોરબંદરના. મારા પિતાશ્રી વકીલ હતા. તેઓ રાણપુરનાં ‘રોશની’, ‘ફૂલછાબ’ વ. સાથે વૃત્તાંત-નિવેદકના નાતે સંકળાયેલા રહેલા. એ યુગ તો પૂરો થયો. સંભારણાં રહ્યાં. એ સંભારણાંએ, આત્મીય ભાવે, પ્રેરણા કરી અને સૂચિ તૈયાર થઈ ગઈ.” શ્રી ત્રાકમજીભાઈને વિનંતી કરેલી કે બીજું પણ જે લખવા ઇચ્છો તે કૃપા કરીને જરૂર લખશો. તેના પ્રત્યુત્તરમાં વિશેષ ભૂલોની સૂચિ તેમણે મોકલી તેમ જ સંપાદન અંગેનાં મૂલ્યવાન સૂચનો પણ કર્યાં. સાથેના પત્રામાં તેઓ લખે છે કે — “શ્રી દિલીપભાઈ કોઠારીએ ‘મિલાપ’ના પ્રકાશન વખતે ‘મિલાપ’ની કલ્પના ‘લોકશિક્ષણ માટેની ટેક્સ્ટબુક” તરીકે કરી હતી. આ પુસ્તક તો ‘મિલાપ’ અને અન્ય પ્રકાશનોની ઉત્તમ સામગ્રીનો સંચય છે. આથી આ બધું આ રીતે જોઈને સૂચિઓ તૈયાર કરવામાં પ્રેરક બન્યું છે.... “આ બધું લખું છું ત્યારે કવિ લોંગફેલોનું કથન યાદ આવે છે : Labour with what zeal we will, Something still remains undone. “ગમે તેટલું કાળજીથી કામ કરો, પણ ક્યાંક, કશુંક તો બાકી રહી જવાનું જ. એટલે કેટલુંક તો ક્ષમ્ય ગણવું રહ્યું.” શ્રી ત્રાકમજી જોશી જેવા વાચકે ખંતપૂર્વક છાપભૂલોની સૂચિ બનાવી મોકલવાની જહેમત ઉઠાવી તે ઉપરાંત એક દૃષ્ટિવંત સાહિત્યપ્રેમીને શોભે તેવાં વિવિધ સૂચનો કર્યાં, તે આ પુસ્તકનું સદ્ભાગ્ય સમજું છું. વચમાં થોડા મહિના મારે પરદેશ જવાનું થયેલું. ત્યાંથી આવીને ‘વાચનયાત્રા’ના બીજા વધુ ભાગો તૈયાર કરવા લાગ્યો છું. આ પુસ્તક ૨૦૦૩ના મે માસમાં પ્રગટ થયું તેમ બીજો ભાગ ૨૦૦૪ના મેમાં પ્રકાશિત કરવાની ઉમેદ છે. ખલિલ જિબ્રાન જયંતી : ૬ જાન્યુઆરી, ૨૦૦૪ મ. મે.

[ચોથી આવૃત્તિ] વાચકો સદ્ભાવપૂર્વક જેના તરફ ધ્યાન દોરતા રહે છે તેવી ભૂલો સુધારવાની તક આ મુદ્રણ વખતે પણ મળી છે. ખાસ તો બેએક લખાણો પહેલા અને બીજા બંને ભાગમાં આવી ગયાં હતાં, તે બે પૈકી એકમાંથી રદ કરીને તેના સ્થાને નવાં મૂક્યાં છે. બે-ચાર લખાણોનો સ્થાનફેર પણ કર્યો છે. બીજા ભાગની પણ નવી આવૃત્તિ આની સાથે જ બહાર પડે છે. અને જેના પ્રકાશનમાં થોડોક વિલંબ થયો છે તે ત્રીજો ભાગ પણ ઑગસ્ટ મહિનામાં પ્રગટ થાય છે. હવે, ઇન્શાલ્લાહ, ચોથો ભાગ ૨૦૦૬માં. રવિશંકર મ. રાવળ જયંતી : ૧ ઑગસ્ટ, ૨૦૦૫ મ. મે. (ભાગ-૨) સંપાદકનું નિવેદન આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે. વાચનના સમૂળગા અભાવમાંથી, અને ઘણી વાર યોગ્ય વાચનના અભાવમાંથી, આવી વિચારશૂન્યતા પેદા થાય છે.

ઉત્તમ સાહિત્ય લાગણીઓને સૂક્ષ્મ બનાવે છે, ધર્મબુદ્ધિને જાગૃત કરે છે, હૃદયની વેદનાને તેજસ્વી કરે છે, સમભાવ કેળવે છે. બારણાની તિરાડોમાંથી ફૂલની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે, રોમાંચિત કરે છે, તેમ ઉત્તમ વાચન ચિત્તમાં પ્રવેશી આનંદલહરીથી વાચકને ડોલાવી દે છે.

અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકિન્સની ‘પિક્વિક પેપર્સ’ નામની નવલકથાએ પ્રજાનું એટલું કલ્યાણ કર્યું છે, જેટલું ધર્મગ્રંથ ‘બાઇબલે’ પણ નથી કર્યું.

છેલ્લી એક સદી દરમિયાન મનુષ્યના જ્ઞાનમાં જબરદસ્ત ક્રાંતિ થઈ ગઈ છે. આ બધાં પરિવર્તનો ઉપર જેમનાં જીવન અને સુખચેનનો આધાર છે, તે નરનારીઓને તેની સમજણ કોણ આપશે? પોતાનાં કર્તવ્યો ઇમાનદારીથી બજાવવા માટે જેમને જીવનભર કાંઈક ને કાંઈક શિક્ષણ લેતા રહેવું પડે છે, એવા દરેક વયના વિદ્યાર્થીઓ માટે, જિંદગીના અંત લગી વિદ્યાર્થી રહેનારાઓ માટે ભેરુ, ભોમિયા અને ગુરુની કામગીરી બજાવે તેવું વાચન તેમને કોણ પૂરું પાડશે?

ગરીબ લોકોનું જીવન સંતોષમય, આશામય અને સંસ્કારમય બને, પોતાના જીવન પરની રાખ ખંખેરીને તેને પ્રદીપ્ત કરવાની પ્રેરણા તેમને મળે, એવું વાચન તેમને માટે સુલભ બનાવવું જોઈએ. જીવનને દોરવાની, પુરુષાર્થને પ્રેરવાની, વિચારોને શુદ્ધ કરવાની, ભાવનાને પવિત્ર રાખવાની અને પ્રજાનો વિશ્વાસ મેળવવાની શક્તિ જેમાં હોય તેવું વાચન પ્રજાને પહોંચાડવાનું છે. લોકોને ઉત્સાહ આપે, લોકોની શુભ વૃત્તિ જાગૃત કરે, સરસ્વતીના પ્રસાદથી લોકોનું ધર્મતેજ પ્રજ્વલિત કરે તેવું વાચન તેમને પૂરું પાડવાનું છે. છાપવાની સુગમતા ઘણી વધી ગઈ છે તેને પરિણામે છાપાં— સામયિકો-પુસ્તકોના ઢગલા ખડકાય છે. તેમાંથી આવું કેટલુંક ખંતપૂર્વક શોધીશોધીને જનસમુદાય પાસે સંક્ષેપમાં સતત મૂકતા રહેવું એ ખૂબ જરૂરી છે.

આ પ્રકારના વિચારોમાંથી પ્રેરણા મેળવીને ૧૯૫૦ના મંગલ પ્રજાસત્તાક-દિને ‘મિલાપ’ માસિક શરૂ કરેલું. સામે નમૂનો રાખેલો અમેરિકન માસિક ‘રીડર્સ ડાઇજેસ્ટ’નો. અનેક છાપાં-સામયિકો-પુસ્તકોમાંથી પરિશ્રમપૂર્વક વીણેલાં, બને તેટલાં ટૂંકાવેલાં, બે-ત્રણ ભાષામાંથી અનુવાદિત કરેલાં લખાણો સરેરાશ ૫૦ પાનાંના અંકમાં વાચકો પાસે દર મહિને ‘મિલાપ’ મૂકતું રહ્યું. તંત્રીની શક્તિ ઓસરવા લાગતાં ૧૯૭૮ના અંતે તેનું પ્રકાશન બંધ થયું. પણ છાપવાની કામગીરી અટક્યા પછી, ઉત્તમ લખાણો નાનામોટા સમૂહો પાસે વાંચી સંભળાવવાનો નાદ લાગ્યો. એ રીતે ૧૯૫૦માં શરૂ થયેલી આ વાચનયાત્રા દરમિયાન જે લખાણો અનેક વાર વાંચ્યાં ને વાંચી સંભળાવ્યાં છતાં જેનું સ્મરણ ચિત્તમાંથી ખસતું નથી, તેનો સંચય એકવીસમી સદીના વાચકો માટે મૂકતા જવાની તીવ્ર ઇચ્છામાંથી આ પુસ્તકનો ઉદ્ભવ થયો છે. ‘મિલાપ’ના પહેલાં દસ વરસના અંકોમાંથી એ રીતે ચૂંટેલાં લખાણો ‘દાયકાનું યાદગાર વાચન’ પુસ્તકરૂપે પ્રગટ થયેલાં. પણ પછીના દાયકાઓ માટે એવા સંગ્રહો કરી શકાયા નહીં. ‘મિલાપ’નાં કેટલાંક લખાણો ‘યાદગાર જીવનપ્રસંગો’ અને ‘ભવનું ભાતું’ નામની ચોપડીઓરૂપે પણ પાછળથી આપેલાં. હવે જીવનયાત્રાનો અંત દૂર નથી ત્યારે, આટલાં વરસોની સંચિત સામગ્રીમાંથી આજે પણ પ્રજા પાસે અચૂક મૂકવા જેવાં લાગે છે તેવાં લખાણો તારવીને પુસ્તકરૂપે રજૂ કરતાં જવાની હોંશ રહે છે. તેને પરિણામે અત્યારે ૬૫૦થી વધુ પાનાંની સામગ્રી અહીં રજૂ કરી છે. બીજી આથી લગભગ બમણી સામગ્રી તૈયાર પડેલી છે. ‘મિલાપ’માં લગભગ બધાં લખાણો ટૂંકાવીને આપવામાં આવતાં. તેને પણ શક્ય તેટલાં વિશેષ અહીં ટૂંકાવેલાં છે. હિંદી લખાણો ગુજરાતી વાચકો માટે ઘણાં સુગમ હોવાથી મોટે ભાગે તેના અનુવાદ કરવાને બદલે મૂળ સ્વરૂપે, પણ નાગરીને બદલે ગુજરાતી લિપિમાં, ‘મિલાપ’માં રજૂ થતાં, તે રીતે અહીં આપ્યાં છે. આ ૬૫૦ જેટલાં પાનાંમાં નાનાંમોટાં મળીને લગભગ ૬૦૦ લખાણોનો સમાવેશ થયો છે. કેટલાંક ૨-૩ પાનાંનાં છે, તો ઘણાંખરાં એક પાનાનાં કે તેથીય નાનાં છે. પુસ્તક હાથમાં લઈને ઉઘાડીએ, ત્યારે જે પાનું આવે ત્યાંથી રસપૂર્વક વાંચી શકાય તેવું બન્યું છે. પોતાનાં લખાણોના સંક્ષેપ કરવાની છૂટ આપવા બદલ સહુ લેખકોનો વિનમ્રભાવે ખૂબ આભાર માનું છું. એ લેખકો પૈકી કેટલાકે ‘મિલાપ’ વિશે વરસો પહેલાં જે માયાળુ શબ્દો ઉચ્ચારેલા તેમાં શ્રી દિલીપ કોઠારીએ ‘મિલાપ’ની કલ્પના લોકશિક્ષણની એક ‘ટેક્સ્ટબુક’ તરીકે કરી હતી. અત્યંત નમ્રતાપૂર્વક હું એવું ઇચ્છું કે આ પુસ્તક આપણી પ્રજાના ચારિત્રય-ઘડતર માટે, વ્યાપક સમાજશિક્ષણ માટે ઉપયોગી નીવડે. તેવું બને તો તેનો સંપૂર્ણ યશ સહુ લેખકોને જ હશે, જેમના વિચારો અને ભાવનાઓના ભંડારનો એક અંશ આ પાનાંમાં સુલભ બન્યો છે. રવીન્દ્ર જયંતી : ૭ મે, ૨૦૦૩ મહેન્દ્ર મેઘાણી [ભાગ પહેલામાંથી]

“વીંધો અમને આરંપાર!” કબીર વિશેના એક લેખના આરંભે શ્રી હરીશ મીનાશ્રુએ ટાંકેલા ઓસ્ટ્રિયાના લેખક ફ્રાંઝ કાફકા(૧૮૮૩-૧૯૨૪)ના એક અવતરણનો અનુવાદ ‘અરધી સદીની વાચનયાત્રા’ના વાચકો પાસે રજૂ કરવા જેવો છે. વીસમી સદીની પશ્ચિમની દુનિયાની ભયભરી ચિંતાઓ ને વિસંવાદિતાઓની અભિવ્યક્તિ પોતાની સ્વપ્નશીલ, માનસશાસ્ત્રીય ને અસ્તિત્વવાદી નવલકથાઓ મારફત કરાવનાર કાફકાનાં લખાણોમાં ચંચૂપાત કરી શકે નહીં તેવા મારા જેવા વાચકોને પણ સ્પર્શી જાય ને સમજાય તેવું કશુંક મળી આવ્યું : મને લાગે છે કે આપણે એવાં જ પુસ્તકો વાંચવાં જોઈએ જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાખે. આપણે વાંચતા હોઈએ તે પુસ્તક મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દેતું ન હોય, તો પછી આપણે તે વાંચીએ જ છીએ શીદને, ભલા? આપણને તો એવાં પુસ્તકોની જરૂર છે, જે કોઈ મોટી હોનારતના જેવી અસર આપણી ઉપર કરે, ઊંડી વેદનામાં આપણને ડુબાડી દે, જેને આપણી જાત કરતાં વધારે ચાહ્યું હતું તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવીમાત્રથી દૂર દૂરનાં જંગલોમાં આપણને દેશનિકાલ કરી દે. પુસ્તક તો આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કાપનારો કુહાડો હોવું જોઈએ.

કાફકા કહે છે તેવા કોઈક પુસ્તકથી વીંધાઈને જખમી બનવાનું સદ્ભાગ્ય આપણામાંથી કેટલાંકને સાંપડ્યું હશે. જેના જખમની પૂરી રૂઝ હજી કલેજામાં નહીં વળી હોય, એવાં બે પુસ્તકો મેં દાયકાઓ પહેલાં વાંચેલાં તે કેમેય ભુલાતાં નથી : તોલ્સતોયનો નરહરિ પરીખે કરેલો અનુવાદ ‘ત્યારે કરીશું શું?’ અને પ્રભુદાસ ગાંધીનું ‘જીવનનું પરોઢ’. આખાં ને આખાં પુસ્તકોથી નહીં, તો તેના કેટલાક અંશોથી અથવા સામયિકો— વર્તમાનપત્રોમાંના કોઈક લખાણથી પણ આપણે ક્યારેક વીંધાતાં રહીએ છીએ. એવાં જે વેરવિખેર લખાણો જીવનવાટે ભેટી ગયાં, તેમાંથી કેટલાંક એકત્રિત કરીને ગુજરાતી વાચકો સમક્ષ નમ્રભાવે રજૂ કરવાનો પ્રયત્ન ‘અરધી સદીની વાચનયાત્રા’ (ભાગ ૧)માં કર્યો છે. એ જાતનાં લખાણોનો આ બીજો ભાગ હવે પ્રગટ થાય છે. પહેલા ભાગને આવકારનારા વાચકોને બીજો ભાગ પણ સંતોષ આપશે, એવી ઉમેદ છે. આ બંને ભાગમાં મળીને લગભગ ૫૦૦ લેખકોનાં ટૂંકાવેલાં લખાણો રજૂ થયાં છે. આટલાં જ પાનાંના બીજા બે-ત્રણ સંગ્રહો આપી શકાય તેટલાં લખાણો વીતેલી અરધી સદી દરમિયાન ભેગાં થયેલાં છે. એ રીતે જો પાંચ ભાગ તૈયાર થઈ શકે, તો એક હજાર જેટલા લેખકોનાં સંક્ષિપ્ત લખાણોનો — કાવ્યો, નિબંધો ને વાર્તાઓનો સંચય રચાય. મકરન્દ દવેએ પોતાના ‘જીવણ’ને ઉદ્દેશીને જે તલસાટ વ્યક્ત કર્યો છે, તે વધુ ને વધુ વાચકો પુસ્તકો માટે પણ અનુભવશે એવી આશા રાખીએ : અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર… ઉમાશંકર જયંતી : ૨૧ જુલાઈ, ૨૦૦૪ મહેન્દ્ર મેઘાણી

[ચોથી આવૃત્તિ] વાચકો સદ્ભાવપૂર્વક જેના તરફ ધ્યાન દોરતા રહે છે તેવી ભૂલો સુધારવાની તક આ મુદ્રણ વખતે પણ મળી છે. ખાસ તો બેએક લખાણો પહેલા અને બીજા બંને ભાગમાં આવી ગયાં હતાં, તે બે પૈકી એકમાંથી રદ કરીને તેના સ્થાને નવાં મૂક્યાં છે. બે-ચાર લખાણોનો સ્થાનફેર પણ કર્યો છે. પહેલા ભાગની પણ નવી આવૃત્તિ આની સાથે જ બહાર પડે છે. અને જેના પ્રકાશનમાં થોડોક વિલંબ થયો છે તે ત્રીજો ભાગ પણ ઑગસ્ટ મહિનામાં પ્રગટ થાય છે. હવે, ઇન્શાલ્લાહ, ચોથો ભાગ ૨૦૦૬માં. રવિશંકર મ. રાવળ જયંતી : ૧ ઑગસ્ટ, ૨૦૦૫ મ. મે. (ભાગ-૩) સંપાદકનું નિવેદન ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ને બીજા ભાગની મળીને પોણો લાખ નકલો બેએક વરસ દરમિયાન છપાઈ છે. આ ત્રીજો ભાગ ઉમેરાતાં લગભગ ૨,૦૦૦ પાનાંનું વાચન ‘અરધી સદીની વાચનયાત્રા’માં સમાવેશ પામ્યું છે. પહેલા ભાગમાં મોટા ભાગનાં લખાણો એક પાનાનાં કે તેથીય નાનાં હતાં. બીજા ભાગમાં બે કે વધુ પાનાંવાળાં લખાણોનું પ્રમાણ થોડું વધ્યું હતું. ત્રીજા ભાગમાં કેટલાંક લખાણો વધુ લાંબાં પણ આપ્યાં છે. પાંચ પાનાંનાં કે તેથી મોટાં લખાણો પંદરેક થાય છે. ત્રણેય ભાગનાં લગભગ તમામ લખાણો ટૂંકાવેલાં છે. તેમાં એક અપવાદ આ વખતે આવે છે. સેંકડો લખાણોના સંક્ષેપ કર્યા છતાં શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના ‘વખાર’(પાનું ૭૧)માં કશો સંક્ષેપ હું કરી શક્યો નથી. સિતાંશુભાઈને સલામ! એવાં લખાણો આપણને વધુ ને વધુ મળતાં રહો. સૌથી લાંબો, ૧૩ પાનાંનો લેખ થયો છે શ્રી અમૃતલાલ વેગડનો. એમના પુસ્તક ‘સ્મૃતિઓનું શાંતિનિકેતન’માંથી વિવિધ પ્રકરણો જુદા જુદા લેખરૂપે આપી શકાય, પણ અહીં તે સામટાં લીધાં છે. એ પુસ્તક મને બહુ ગમી ગયું છે. શ્રી વેગડને પણ સલામ! હમણાં ગણતરી કરતાં ખ્યાલ આવ્યો કે ‘અરધી સદીની વાચનયાત્રા’ના ત્રણ ભાગમાં લગભગ ૩૦૦ પુસ્તકોના અંશો રજૂ થઈ શક્યા છે. તેનો સ્વાદ ચાખ્યા પછી કેટલાંક મૂળ પુસ્તકો વાંચવાની હોંશ વાચકોને થશે, એવી આશા છે. તેના અનુસંધાનમાં શ્રી રામનારાયણ વિ. પાઠકના એક લેખનો અંશ અહીં પાના ૫૬૧ પર છે, તે ધ્યાનમાં લેવાની વિનંતી વાચકોને કરું? સાથે સાથે કેદારનાથજીનાં આ વચનો પણ મૂકી શકાય: “વાચનથી માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને વિલીન થઈ જતી હોય, તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃદ્ધિ થતી ન હોય, અને તે પ્રમાણે આચરણ ન થતું હોય, તો એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.” હવે, ઇન્શાલ્લાહ, ચોથો ભાગ ૨૦૦૬માં. મેઘાણી જયંતી : ૧૭ ઓગસ્ટ, ૨૦૦૫ મહેન્દ્ર મેઘાણી (ભાગ-૪) સંપાદકનું નિવેદન ‘અરધી સદીની વાચનયાત્રા’માં આ ચોથા ભાગ સહિત લગભગ ૨,૫૦૦ પાનાંનું વાચન રજૂ થયું છે. ૭૫૦ જેટલા લેખકોની કલમનો એ ફાલ છે. પુસ્તકનો પહેલો ભાગ ૨૦૦૩માં પ્રગટ થયો, પછી નવી આવૃત્તિઓ અને પુનર્મુદ્રણોની મળીને તેની ૫૮,૫૦૦ નકલ (એપ્રિલ ૨૦૦૬ સુધીમાં) છપાઈ. બીજો ભાગ ૨૦૦૪માં બહાર પડ્યો, તેની કુલ ૨૭,૦૦૦ નકલ (જુલાઈ ૨૦૦૬ સુધીમાં) છપાઈ. ત્રીજા ભાગની કુલ ૨૦,૦૦૦ નકલ (ઓક્ટોબર ૨૦૦૬ સુધીમાં) છપાઈ. એ રીતે ચાર વરસમાં ત્રણ ભાગની મળીને ૧,૦૫,૫૦૦ નકલ વાચકોની વચ્ચે વહેતી થઈ. જેમનાં મૂલ્યવાન લખાણોએ ગુજરાતી પ્રજાની આટલી પ્રીતિ પ્રાપ્ત કરી તે સહુ ધન્ય છે. ૭૫૦ લેખકો પૈકી ઓગણત્રીશ એવા છે કે જેમનાં એક યા વધુ લખાણ ચારેય ભાગમાં રજૂ થયાં છે. તેમનાં નામ આ રહ્યાં: ‘ઉશનસ્’, ‘કલાપી’, ‘ન્હાનાલાલ કવિ’, કાકા કાલેલકર, મો ક ગાંધી, ઉમાશંકર જોશી, રવીન્દ્રનાથ ઠાકુર, જુગતરામ દવે, મકરન્દ દવે, મહાદેવ દેસાઈ, જવાહરલાલ નેહરુ, મનુભાઈ પંચોળી, જયન્ત પાઠક, નગીનદાસ પારેખ, ગિજુભાઈ બધેકા, હસિત બૂચ, નિરંજન ભગત, વિનોબા ભાવે, ‘આદિલ’ મન્સૂરી, કરસનદાસ માણેક, ઝવેરચંદ મેઘાણી, મહેન્દ્ર મેઘાણી, અનંતરાય મ રાવળ, રવિશંકર (મહારાજ) વ્યાસ, ભગવતીકુમાર શર્મા, કાંતિ શાહ, ગુણવંત શાહ, સુન્દરમ્, રમણલાલ સોની.

આ પુસ્તકનો પહેલો ભાગ છપાયો ત્યારે મારી પાસે જે સામગ્રી અરધી સદીમાં ભેગી થયેલી તેમાંથી પાંચેક ભાગ તૈયાર થશે, એવી કલ્પના હતી. પણ પછી તો એકવીસમી સદીનાં લખાણોનો સમાવેશ દરેક ભાગમાં થતો ગયો. હવે એમ લાગે છે કે બીજા ત્રણ ભાગ થઈ શકે તેટલી સામગ્રી બાકી રહી હશે. પણ ચોથા ભાગ સાથે આ વાચનયાત્રા પૂરી કરવાનું મન થાય છે. કારણ કે ૮૪મા વરસે શરીર થાક અનુભવે છે, આંખો—અને સ્મૃતિ પણ—સ્વાભાવિક રીતે ઝાંખી પડતી જાય છે. કામ કરવાની શક્તિ ઓસરી રહી છે. ખલિલ જિબ્રાનની વાણીના પડઘા જાણે સંભળાય છે: પવન ફૂંકાય છે, સઢ ચંચળ થયા છે; હવે વધારે ખોટી થવું નહીં પડે. સલામ!

‘અરધી સદીની વાચનયાત્રા’ મને એક નાનીશી ખાણ જેવી લાગે છે. તેમાં કેટલાક હીરા અને બીજા કીમતી પથરા પડેલા હશે. તેમને આકાર, રંગ વગેરે ધોરણે નોખા પાડીને લોકો સમક્ષ રજૂ કરી શકાય. જેમકે એક લેખકનો પ્રાથમિક પરિચય કરાવતાં પચાસેક પાનાં જેટલાં લખાણો તેમાંથી ભેગાં કરીને દરેકની પુસ્તિકા બનાવી શકાય. તેવી સાત પુસ્તિકા પ્રગટ પણ થઈ છે. એ સંખ્યા ખુશીથી પચાસ સુધી લઈ જઈ શકાય. ઉપરાંત આ ચાર ભાગમાંથી વિષયવાર લખાણો વીણીને તેની પુસ્તિકાઓ બનાવીએ તો તે પણ વાચકોને આકર્ષે. જેમકે બાળકો, બહેનો, કેળવણી, ધર્મ, દેશપ્રેમ, કોમી એકતા, ગામડાં વગેરે અંગેની નાની નાની પુસ્તિકાઓની સામગ્રી આ ચાર ભાગમાં તૈયાર પડેલી છે. નાની પુસ્તિકામાં સમાય તે રીતે તેને ગોઠવવાની જ જરૂર છે. એ બધી વ્યાપક સમાજશિક્ષણની બાળપોથીઓ બની શકે. આ ‘વાચન—ખાણ’ના ચાર ભાગમાં ગાંધીજી વિશેનાં વિવિધ લેખકોનાં સવાસો જેટલાં લખાણો તૈયાર પડેલાં છે. તેમાંનાં કેટલાંક ‘મિલાપ’ માસિક (૧૯૫૦—૧૯૭૮)ના અંકોમાંથી વીણેલાં છે. પણ ‘મિલાપ’ની ફાઈલોમાંથી હજી એવાં વધુ લખાણો શોધી, એ બધાંનું ‘ગાંધી—ગંગા’ નામનું ૨૦૦ પાનાંનું પુસ્તક આપવાની હોંશ થાય છે—અને પેલો થાક બધો ઘડીભર ભુલાઈ જાય છે.

‘બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં’ ઘોળેલા… ‘દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં’ ભભકેલા… ‘ભક્તોના તંબૂરથી ટપકેલા’… ‘વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમેલા’… અને ‘નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયેલા’ ‘કસુંબીના રંગ’ની એક નાનકડી પ્યાલી આ ‘વાચનયાત્રા’ નિમિત્તે રંગીલાં વાચકો સમક્ષ ધરવાની કોશિશ કરતાં હું ધન્ય બન્યો છું. બબલભાઈ મહેતા જયંતી: ૧૦ ઓક્ટોબર, ૨૦૦૬ મહેન્દ્ર મેઘાણી

પ્રકાશકની નોંધ કાગળ—છપાઈના ભાવમાં ઘણો વધારો છેલ્લાં ચાર વરસમાં થયો છે, તેથી ‘અરધી સદીની વાચનયાત્રા’ના આ ભાગની કિંમત નાછૂટકે વધારવી પડે તેમ છે. પરંતુ બધા ભાગની કિંમત એકસરખી રહે તે માટે પાનાં ઘટાડીને કિંમત રૂ. ૭૫ જ રાખી છે.