લઘુ સિદ્ધાન્તવહી/રચનાઓની પૃષ્ઠકથા
રચનાઓની પૃષ્ઠકથા
ટી.વી.ની કેટલીક ચેનલો ફિલ્મને રજૂ કરતી વેળાએ પહેલાં અને વચ્ચે વચ્ચે ‘એકસ્ટ્રા શોટ્સ’ બતાવે છે - આપે છે. ફિલ્મનિર્માણ સમયની અને કેટલાંક દૃશ્યો પાછળની વીગતો પ્રકાશમાં લાવી ફિલ્મ અંગે પ્રેક્ષકોને વધુ પ્રોત્સાહિત કરે છે. એ જ રીતે ફિલ્મસંગીતક્ષેત્રે પણ ઘણી વાર બન્યું છે. રેડિયો પરથી કેટલીક ફિલ્મહસ્તીઓ ફિલ્મસંગીત રજૂ કરતી વખતે વિશેષ વીગતો આપી નવો રસ જગાવે છે. ‘સાહેબ, બીબી, ગુલામ’માં ‘ન જાઓ સૈંય્યા’ ગીતના શૂટિંગ દરમ્યાન દિગ્દર્શક ગુરુદત્તનો આગ્રહ હતો કે અતિશય પીધેલી નાયિકાને ઊભી ન કરી શકાય, તેથી પથારીની આસપાસના સીમિતક્ષેત્રમાં કૅમેરાને ફેરવવાનો હતો. ફોટોગ્રાફરે આ અંગે શંકા વ્યક્ત કરતાં ગુરુદત્તે જાતે કૅમેરો હાથમાં લઈ દૃશ્ય ચિત્રાંકિત કર્યું છે. આ જાણ્યા પછી કેમેરાની ગતિ અને એની હલચલની સીમિતતામાંથી ઊભો થયેલો દૃશ્યપ્રભાવ નવેસરથી તપાસવાને પ્રેક્ષક જરૂર ઉત્સુક બને છે, એ જ રીતે ‘તાજમહાલ’ના જાણીતા ગીત ‘વાદા કિયા તો નિભાના પડેગા’માં લતાનો અવાજ શરદીવાળો હતો, તો સંગીત-દિગ્દર્શકે એ દિવસે ગાવાનો ખાસ આગ્રહ કર્યો, એ વીગત ગીતની ગુણવત્તામાં જુદો સ્વાદ મેળવે છે, તો આશા ભોંસલે જે સૂરથી ગાય છે એના કરતાં નીચા સૂરથી આગ્રહપૂર્વક ગવડાવેલું ‘ઉમરાવજાન અદા’નું ‘દિલ ચીજ ક્યા હૈ’ ગીત નવો અનુભવ કરાવે છે. ખરેખર તો રચનાઓની આ પૃષ્ઠકથા (Back Story) છે. વિલ્યમ સેફાયરે ‘ધી એશિયન એજ’ (૧૪-૮-૨૦૦૫)ની રવિવાર પૂર્તિમાં ‘પૃષ્ઠકથા’ની શબ્દકોશોને આધારે ચર્ચા કરી છે. વીસમી સદીના નવમા-દશમા દાયકા દરમ્યાન, કહેવાય છે કે ટેલિવિઝન શ્રેણીઓના લેખકોએ અને કેટલાક પટકથા-લેખકોએ કાલ્પનિક પાત્રો અને કાલ્પનિક પ્રસંગો માટેની કેટલીક વિગતોનો ઇતિહાસ તૈયાર રાખવો શરૂ કર્યો છે. કાલ્પનિક પાત્રો અને કાલ્પનિક પરિસ્થિતિની સાથે કામ પાડતી વખતે અભિનેતાઓ અને અભિનેત્રીઓને આ વીગતો સમજાવી લેખકો અને દિગ્દર્શકો અભિનયને સહાય કરે છે. પાત્ર સમાજના કયા વર્ગમાંથી આવે છે. પાત્રની કયા પ્રકારની કેળવણી છે, પાત્રના પૂર્વપ્રેમની જો કોઈ ભૂમિકા હોય તો તે શું છે – વગેરે વગેરે વીગતો અભિનયની સમજણમાં કશોક ઉમેરો કરે છે. આવી વિગતોના ઇતિહાસ માટે પૃષ્ઠકથા જેવી નવી સંજ્ઞા પ્રચલિત થઈ. આ સંજ્ઞાનું પછી પ્રેક્ષકો અને વાચકો સુધી વિસ્તરણ થયું. કથાઈતર સાહિત્યલેખકોએ સંજ્ઞાનો રૂપકાત્મક વિકાસ કરી, પાત્રોને સ્થાને જીવંત વ્યક્તિઓના ભૂતકાળ બાબતે વિનિયોગ કરવો શરૂ કર્યો. આ સંજ્ઞા ચલણી બની છેક ‘ટાઈમ્સ’ સામયિકના પાન પર પહોંચી છે. ત્યાં એનો અર્થ લેખકની ‘પૃષ્ઠકથા’ તરીકે પ્રગટ થાય છે. લેખકે અમુક્તમુક રચના શા માટે કરી, કયા સંજોગોમાં કરી એની પૃષ્ઠકથા એમાં હાજર હોય છે. આ સંજ્ઞા બે અર્થચ્છાયાઓ ધરે છે. રચનાની પાછળ જઈ સંદર્ભ-સંકેતોની પૃષ્ઠકથા (Back) આપે છે, તો સંદર્ભસંકેતો દ્વારા એ પાત્રો અને પ્રસંગોનાં પ્રચ્છન્ન-પ્રેરક કારણોમાં ઊતરી એને આધાર (Backing) આપે છે, એનું સમર્થન કરે છે. રચનાને આ દ્વારા મળતી પુષ્ટિ, એમાં ઉમેરાતાં વિશેષ સ્વાદ અને ગંધ, ઉમેરાતો એક નવો રંગ - આ બધું આવકાર્ય છે. ટૂંકમાં રચના પાછળ કેટલુંક શું બનેલું - એ અંગેની ઐતિહાસિક કે ભૂતકાલીન સામગ્રી કલાભાવનને વધુ દ્યોતક બનાવે છે. કદાચ આ સ્થળ અને ઈતિહાસની સામગ્રી ઉદ્ગમમૂલક વિવેચન (Genetic Criticism)ને અંતર્ભૂમિ પૂરી પાડે છે. લેખકની અંગત નોંધોમાં લેખકચેતનાને સમજવાનો કીમતી દસ્તાવેજ શોધતો જ્યૉર્જ પૂલેનો ઉદ્ગમમૂલક વિવેચનસિદ્ધાંત ‘પૃષ્ઠકથા’ની સમાન્તર વિચારણા જ ગણી શકાય. ઉદાહરણ તરીકે ન્હાનાલાલે ‘મણિમહોત્સવના સાહિત્યબોલ’ ભાગ-૧ (પૃ.૧૫૬)માં નોંધેલી કવિ ટેનિસનના જાણીતા કાવ્ય ‘ધ ચાર્જ ઑવ્ ધ લાઈટ બ્રિગેડ’ની વિગતો આ પ્રમાણે છે : ‘૮૦ વર્ષો ઉપર કાળા સમુદ્રને કાંઠે ક્રીમિયાનો સંગ્રામ ખેલાતો હતો. સબાસ્તાપોલને ઘેરો ઘાલીને બ્રિટિશ પલટનો પડી હતી. ફરતી પર્વતમાળાને કોઠે કોઠે ને કાંકરેથી કાળમુખાળુ રૂસતોપખાનું ડોકિયું કરતું હતું. ત્યહાં કોઈક બ્રિટિશ સેનાનાયકે ભૂલ ખાધી ને કૂચકદમની રણભેરી વગાડી. ૬૦૦ બહાદુરિયાઓની Light Brigadeની ઘોડેસવાર પલટને મૃત્યુમુખમાં ઝુકાવ્યું. મ્હોટા કરા પડે એમ ચોમેરથી તોપગોળા પડવા માંડ્યા. પલટને ઝીલવા માંડ્યા. માંડ થોડાક એ મૃત્યુકથા કહેવાને પાછા આવ્યા. એ સંહારવાર્તા ઇંગ્લાંડ પહોંચી. ઇંગ્રેજ પ્રજાને આઘાત થયો કે આવી ભૂલ! આવો નાહકનો સંહાર! શોક, ક્રોધ, આશાભંગ, નિરુત્સાહના વાયરા વાવા માંડ્યા. પણ પછી કવિવર ટેનિસનનું કાવ્ય છપાયું. Charge of the Light Brigade વાદળી વરસે ને વાતાવરણ ધોવાય એવું દેશવાતાવરણ જોતજોતામાં ધોવાઈ ગયું. નિરુત્સાહને સ્થાને ઉત્સાહ, આશાભંગને સ્થાને પ્રોત્સાહન, ક્રોધને સ્થાને પ્રેરણા, શોકને સ્થાને શૂરાતનના નવવાયુ વાઈ રહ્યા, પ્રજા પુરે ચ્હડી. સબાસ્તાપોલનો મહાદુર્ગ પડ્યો. જયવાજાં વાયાં. એક ન્હાનકડું કાવ્ય, એ કરે છે પ્રજાનો ભાવપલટો.’ આ અને આવા પૃષ્ઠકથાઓનાં રચનાતિરિક્ત (Extrashots) ઉદાહરણોનું કલાભાવનમાં વિશેષ સ્થાન હોઈ શકે.
●