લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્યના વર્ગશિક્ષણ ઉપરાંતના વિકલ્પો
સાહિત્યના વર્ગશિક્ષણ ઉપરાંતના વિકલ્પો
ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે ઈન્ટરવ્યૂ આપવા આવેલો ઉમેદવાર ઉચ્ચારોમાં ગોથાં ખાતો હોય કે યુનિવર્સિટીના ઊંચા હોદા પર પહોંચેલો ગુજરાતી સાહિત્યનો અધ્યાપક ઉચ્ચારોમાં લથડાતો હોય કે પછી વર્ગોમાં આડેધડ સોરઠી, સુરતી કે ચરોતરી લહેકાઓ સાથે ગુજરાતી સાહિત્ય શીખવવાનું ચાલતું હોય - તો આ ગુજરાતી સાહિત્યના શિક્ષણ માટે ચિંતાનો વિષય છે અને આ ચિંતા અભ્યાસક્રમ ઘડનારાં માળખાંઓએ ક્યારેય કરી નથી, એનું એ પરિણામ છે. ઉચ્ચ કેળવણીના સ્તરે વાચિક તાલીમ કે વાચિક વ્યવહારનો કોઈ અવકાશ હજી સુધી રચાયો નથી. અને તેથી ગુજરાતી સાહિત્યની અનુસ્નાતક ઉપાધિ સાથે બહાર આવનાર પણ એના પ્રત્યાયનમાં પૂરી સફાઈ ભાગ્યે જ દાખવી શકે છે. વળી, વર્ગોમાં કોઈ પણ વાતાવરણ રચ્યા વગર અપાતું સમયપત્રક પ્રમાણેનું સાહિત્યશિક્ષણ સાહિત્યની કાચીપાકી સમજ આપી શકે, સાહિત્ય અંગે રસ કેટલો કેળવી શકે એ એક પ્રશ્ન છે. ભાષાની જેમ સાહિત્ય પણ અભિગ્રહણ (aquisition) માગે છે. જેમ બાળક કોઈ પણ ભાષા વચ્ચે ઊછરતું, એની મેળે વાતાવરણમાં ભાષાની સંરચના પકડી એનાથી સંપૃક્ત (charged) થઈ ભાષાને અંકે કરે છે, તેમ વર્ગમાં સાહિત્યને કેવળ સમજાવવાનું નથી, પણ એના અભ્યાસીઓને સાહિત્ય સંપડાવવાનું છે. જો સાહિત્ય સંપડાવવાનું હોય તો અભ્યાસીઓ માટે સાહિત્યનું એક વાતાવરણ, એક પરિવેશ રચાવાં જોઈએ, જેનાથી તેઓ સંપૃક્ત થઈ શકે. વર્ગ બહાર આ પ્રકારે વાતાવરણ રચી અભ્યાસીઓને સંપૃક્ત કરવાના રડ્યાખડ્યા ઉદ્યમો થયા કર્યા છે. ‘સંનિધાન’ દ્વારા કે ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ દ્વારા આંશિક રીતે આ કાર્યની દિશા પણ ખૂલેલી. પણ આવો ઉદ્યમ છેલ્લાં ચારપાંચ વર્ષથી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા થઈ રહ્યો છે તે ધ્યાન પર લેવા જેવો છે. ભાવનગર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજોના ગુજરાતી વિભાગોમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓનો દર વર્ષે કોઈ એક સ્થળે સાંઘિક ઉપક્રમ રચાય છે, જેમાં વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓનું સંચાલન ભાગ ભજવે છે અને ગુજરાતી અભ્યાક્રમમાં આવતા વિષયો અંગે એક સંવિવાદ રચાય છે. એમના માર્ગદર્શક અધ્યાપકોની દોરવણી તો નેપથ્યમાં રહે છે. આ વિદ્યાર્થીઓ જ વક્તાઓનો - સાહિત્યકારોનો - પરિચય આપે છે. આ વિદ્યાર્થીઓ જ વક્તવ્ય પર પ્રતિભાવ આપે છે. આ વિદ્યાર્થીઓ જ સાહિત્યિક પ્રશ્નોત્તરી યોજે છે. બોલાવેલા સાહિત્યકાર વક્તાઓનાં પુસ્તકોમાંથી એકાદ પસંદગીના પુસ્તકના મુખપૃષ્ઠની ઝેરૉક્સ કઢાવવી, વક્તાઓના સ્થળ પર જ સ્કેચ કરવા, વક્તાઓ વિશેની માહિતી કે કૃતિઓ અંગેની માહિતી એકઠી કરવી, જૂથમાં રહી, મુખપત્રો તૈયાર કરવાં વગેરે પ્રવૃત્તિઓ એમને સંચાલનમાં તો એકજૂથ રાખે છે, પણ સાથે સાથે સાહિત્ય પામવામાં એમને તત્પર થવા પ્રેરે છે. આ વિદ્યાર્થીઓમાંથી જ કેટલાક એકાદ વિષય પર નોંધ વાંચે છે અથવા સીધું વક્તવ્ય આપે છે. અલબત્ત, હજી અહીં ગદ્યપઠન, છંદપઠન અને નાટ્યપઠનની તાલીમ પર, જ્ઞાનકોશની તેમજ સૂચીકરણ અને સૂચિવપરાશની ઉપયોગિતા પર અને વર્તમાન સંદર્ભમાં સાહિત્ય-ઉપકરણ તરીકે કમ્પ્યૂટરની પરિચાલનરીતિ પર વધુ ભાર મુકાવો બાકી છે. આ પ્રયોગ હજી વધુ મહત્ત્વાકાંક્ષી બનાવી શકાશે. એક રીતે જોઈએ તો આ પ્રયોગ સાહિત્યની સમજ વિકસાવવા માટેની કોઢ (workshop)ની ગરજ સારે છે. વર્ગમાં કેવળ નિષ્ક્રિય એકમાર્ગી વ્યાયામપ્રક્રિયા દ્વારા સાહિત્ય સાથેની સંડોવણી વગરનું શિક્ષણ આવા પ્રયોગ મારફતે અને આ પ્રકારની કોઢ (workshop) મારફતે વ્યવહાર (practice)ના પરિમાણમાં દાખલ થાય છે, અને વિદ્યાર્થી અભ્યાસીઓને સાહિત્યની મુખોમુખ કરે છે. સાહિત્યના શિક્ષણ અંગે વર્ગશિક્ષણ ઉપરાંતના વિકલ્પો મહાશાળા અને મહાવિદ્યાલયોના વિભાગોમાં એવી રીતે વિચારવાના તેમજ આચરવાના રહે છે કે બહુ નહીં તો થોડાક વિદ્યાર્થીઓને સાહિત્યકાર તરીકે ભલે નહીં, પણ એક સારા સહૃદય જાણકાર તરીકે જરૂર બહાર લાવી શકે.
●