શબ્દલોકના યાત્રીઓ – ૧/મનસુખલાલ ઝવેરી
પડછંદ દેહ, સહેજ કાળો વાન, ઉષ્માથી સભર અવાજ અને હૃદયનો સઘળો સ્નેહ ‘હસ્તધૂનન’ દ્વારા સામી વ્યક્તિમાં સંક્રાન્ત કરતા મનસુખભાઈની છબિ અનેક માણસોના હૃદયમાં કોતરાયેલી છે. મનસુખભાઈનું સમગ્ર વ્યક્તિત્વ એમના અવાજમાં બરાબર પ્રગટ થતું. એ અવાજમાં મીઠાશ અને બલિષ્ઠતાનું રસાયણ થયેલું. ગોવર્ધનરામ સવા શતાબ્દી સમારોહમાં વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ મનસુખભાઈએ પ્રેમપૂર્વક સ્વીકારેલું. ૯મી માર્ચનો કાર્યક્રમ યોજ્યો ત્યારે તે આવવાના જ હતા; પણ અમદાવાદની અશાંતિને કારણે એ મોકૂફ રાખવો પડેલો. પછી ૧૬મી ઑગસ્ટના કાર્યક્રમ માટે તેમણે સંકોચપૂર્વક ના લખી. કારણ તબિયતનું. એ જ અરસામાં તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની સ્પર્ધામાંથી પણ ખસી જવાનું પસંદ કર્યું, મારા પરના તા. ૨૨-૭-૧૯૮૧ના પત્રમાં તેમણે લખેલું :
- “અત્યાર સુધી મારી તબિયત ઘણી સારી રહેતી. પણ બે-એક માસથી ગઢ ઘેરાવો શરૂ થઈ ગયો છે. બી.પી.માં એકાએક ને અણધારી અને ક્યારેક તે ઘણી વધારે – વધઘટ થવી શરૂ થઈ છે. શરીરના નિમ્નાર્ધમાં લોહી બરાબર ફરતું નથી. એટલે ચાલતાં ઘણી તકલીફ પડે છે. સવારે ફરવા જવાનું લગભગ બંધ થઈ ગયું છે એટલે નથી દોડાદોડ થઈ શકતી : નથી મન પર કંઈ ટેન્શન રહે તેવું કંઈ થઈ શકતું. એટલે પરિષદના મંત્રીનો તા. ૬–૭-૮૧નો પત્ર મને તા. ૧૬–૭-૮૧એ મળ્યો કે તરત તે જ દિવસે પ્રમુખપદ માટેની સ્પર્ધામાં ઊતરવાની મારી અશક્તિ મેં જાહેર કરી દીધી છે. પરમેશ્વર પાસેથી અનાયાસે ને આપમેળે જે મળ્યું છે તે પણ ઓછું નથી...”
છેલ્લી લીટી તેમના મનોભાવને બરાબર પ્રગટ કરે છે. આપણે ત્યાં માન આપવાના જે તરીકા છે તે હવે બદલાવા જોઈએ. વિવિધ પારિતોષિકો, પરિષદનું પ્રમુખપદ, રણજિતરામ સુવર્ણચંદ્રક વગેરે માનદંડો સાહિત્યિક શક્તિના નિદર્શક શી રીતે ગણાય? મનસુખભાઈને રણજિતરામ સુવર્ણચંદ્રક નહોતો મળ્યો એ મેં ગઈ કાલે જ જાણ્યું! પણ મનસુખભાઈને તો એ મળ્યો જ હોય ને, એમ હું માનતો હતો. એથી શો ફરક પડવાનો? મુખ્ય બાબત સર્જકતાની અને વિદ્યોપાસનાની છે. અને એ દૃષ્ટિએ મનસુખભાઈનું કાર્ય ગુણવત્તા અને પ્રમાણ બંને દૃષ્ટિએ માતબર કહી શકાય એવું છે. આપણે ત્યાં કવિ-વિવેચકોની ઉજ્જવલ પરંપરા છે. એ પરંપરા બાંધવામાં મનસુખલાલ ઝવેરીનો પણ ફાળો છે. આમ તો તે ગાંધીયુગનો પ્રબલ પ્રભાવ ઝીલનારા કવિ-વિવેચક છે; પણ ગાંધીયુગે સાક્ષરયુગનું અનુસંધાન જાળવ્યાનાં ગણતર ઉદાહરણોમાં એમનો સમાવેશ થાય. એમના સર્જન અને વિવેચન બંનેમાં આ વસ્તુ દેખાય છે. કાલિદાસના ‘મેઘદૂત’ની જેમ જુદી જ શૈલીએ તેમણે ‘ચન્દ્રદૂત’ છેક ૧૯૨૯માં આપ્યું. ૧૯૩૩માં ‘ફૂલદોલ’ અને ૧૯૩૯માં ‘આરાધના’ પ્રગટ થયા. સુન્દરમ્-ઉમાશંકરના સંગ્રહો પણ આ જ સમયના; છતાં મનસુખલાલ ટકી શક્યા – એમના સત્ત્વને કારણે. આ કવિઓ ગાંધીયુગની ભાવનાઓ અને આદર્શોને કાવ્યરૂપ આપવા પ્રયત્ન કરતા હતા. જીવનની વાસ્તવિક્તાને કવિતાના વાસ્તવ રૂપે પલટવા મથતા હતા. મનસુખલાલની કવિતા સુન્દરમ્ ઉમાશંકરની કવિતાની સગોત્ર હોવા છતાં બંને વચ્ચે ફેર પણ હતો. મનસુખલાલમાં વિશેષે બૌદ્ધિક અભિગમ હતો. સુન્દરમ– ઉમાશંકરે અસહકારની લડતમાં પ્રત્યક્ષ ભાગ લીધેલો, નીચલા થરના મનુષ્યોનો અને એમના જીવનનો પ્રત્યક્ષ અનુભવ કરેલો. એમની કવિતા-વાર્તા અને નાટકમાં અનુભવેલ વાસ્તવનું નિરૂપણ હતું. મનસુખલાલનું વધુ અનુસંધાન સાક્ષરની પરંપરા સાથે હતું. એમની કવિતામાં એમનો બહોળો વિદ્યાવ્યાસંગ અને કાલિદાસની કવિતાની પ્રાસાદિકતા પ્રગટ થતાં હતાં; છતાં ગાંધીયુગની મુખ્ય ભાવનાઓ સાથે તેમનું અંતરનું અનુસંધાન હતું. મનસુખલાલની કવિતામાં ચિંતન અને ઊર્મિનું રસાયણ આકર્ષક નીવડે છે. નાનાં ઊર્મિકો કરતાં લાંબા ફલક પર કામ કરવું એમની પ્રતિભાને આસાન છે. ગુજરાતી કવિતામાં લાંબાં ચિંતનોર્મિ કાવ્યોના સર્જક તરીકે મનસુખલાલ હમેશાં આસ્વાદ્ય રહેશે. ‘મહાભારત’ના વસ્તુવાળાં કાવ્યોમાં વ્યાપ, ચિંતન, જીવનદર્શન અને ભાવની સરળ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. આમ તો તેમણે લગભગ બધા જ પ્રકારોમાં કામ કર્યું છે. ગીતો લખ્યાં, સૉનેટો લખ્યાં, કથાકાવ્યો આપ્યાં અને અંજલિ કાવ્યો અને મુક્તકો પણ લખ્યાં. દેશ અને સમાજની ઘટનાઓ ઉપર તેમણે પ્રાસંગિક કહી શકાય એવી રચનાઓ પણ કરી છે. તેમના છેલ્લે પ્રગટ સંગ્રહ ‘ડૂમો ઓગળ્યો’માં રમતિયાળ છટકણા ભાવોને નજાક્તથી વ્યક્ત કર્યા છે. એમાં એમની અભીષ્ટ પ્રયોગશીલતા દેખાય છે. મનસુખલાલ પરંપરાનો પુરસ્કાર કરનારા છે, પણ સાચી પ્રયોગશીલતાના વિરોધી નથી. પ્રયોગશીલતા રસસમર્પક નીવડે એમાં એની ચરિતાર્થતા જોનારા છે. વિવેચક તરીકે પોતાના લેખોમાં અને કવિ તરીકે પોતાની કૃતિઓમાં આ વસ્તુનો તેઓ પુરસ્કાર કરે છે. કૃતક પ્રયોગશીલતા અને કેવળ શબ્દરમતને તેમણે કાંઈક આક્રોશપૂર્વક અપ્રતિષ્ઠિત કરી છે. ‘આરાધના’ પછી ૧૯૪૬માં તેમનો કાવ્યસંગ્રહ ‘અભિસાર’ પ્રગટ થયો. ઉમાશંકરે એમાં કવિત્વશક્તિની ઓટનાં દર્શન કર્યાં, પણ એ ઓટ એ દસકાની સમગ્ર સર્જકશક્તિની છે અને એમાંથી સૌ સર્જકોએ ચેતવણી લેવા જેવી છે એમ કહેલું. એ પછી ‘અનુભૂતિ’ સંગ્રહ પ્રગટ થયો અને ષષ્ટિપૂર્તિ પ્રસંગે ‘કાવ્યસુષમા’ પ્રગટ થયો. ‘સ્વપ્ન સરોવર,’ ‘અમો મનુજ’, ‘દાદાજી’, ‘ભભૂતને’, ‘વિષણ્ણ વયવૃદ્ધ’, અને મહાભારતવિષયક કાવ્યોમાં એમની સર્જકતાનો સદ્ય ઉન્મેષ જોઈ શકાય છે. બળવંરાયે એમના અભિમન્યુ વિષયક કાવ્યની પ્રશંસા કરેલી. ઉપર ઉલ્લેખેલા ‘ડૂમો ઓગળ્યો’ સંગ્રહમાં પાછી તાજગીનાં દર્શન થાય છે. મનસુખલાલની સમગ્ર કારકિર્દી અધ્યાપકની છે. ‘પ્રોફેસર’ શબ્દ મનસુખલાલ ઝવેરીના નામની આગળ જેવો શોભી ઊઠે છે તેવો બહુ ઓછા અધ્યાપક-સાહિત્યકારોનાં નામની આગળ શોભી ઊઠે! જામનગરમાં ત્રીજી ઑક્ટોબર ૧૯૦૭માં જન્મ. એમ. એ થયા પછી ૧૯૩૭થી ૧૯૭૨ સુધી તેમણે ગુજરાતી શીખવ્યું. આ ગાળામાં ૧૯૪૩થી ૧૯૪૫ સુધી ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટના વાઈસ પ્રિન્સિપાલ પદે રહ્યા. ૧૯૫૯થી ૧૯૬૩ સુધી પોરબંદર નવયુગ કૉલેજમાં આચાર્ય હતા. ૧૯૬૬માં એકાદ વર્ષ બી. ઈ. એસ. કૉલેજ કલકત્તામાં આચાર્ય તરીકે રહેલા. વિદ્યાર્થીઓના તે પ્રીતિપાત્ર હતા. ઠેરઠેર વેરાયેલા તેમના વિદ્યાર્થીઓ પોતાના પ્રિય ‘ઝવેરી સાહેબ’ને શી રીતે ભૂલે? અમારાં એસ્તરબહેન પણ તેમનાં વિદ્યાર્થિની. અનેક સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે તે ગાઢપણે સંકળાયેલા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ, ઇન્ડિયન પી. ઈ. એન., સાહિત્ય અકાદમી વગેરે સંસ્થાઓને તેમની સેવા મળેલી છે. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં ભરાયેલ આંતરરાષ્ટ્રીય પી. ઈ. એન. કૉન્ફરન્સમાં તેમણે ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ કરેલું. અનેક વ્યાખ્યાનશ્રેણીઓ આપી છે: ૧૯૭૪માં ઠક્કર વ્યાખ્યાનો, ૧૯૭૨માં કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળા, ૧૯૭૭માં સૌરાષ્ટ્ર યુનિ.માં ન્હાનાલાલ વિષયક વ્યાખ્યાનો, ૧૯૭૮માં વડોદરા યુનિ.માં સાંડેસરા-વ્યાખ્યાનો, ઘણું ગણાવી શકાય. છેલ્લી માંદગી વખતે ઉમાશંકર મુંબઈ નાણાવટી હૉસ્પિટલમાં તેમને મળવા ગયા ત્યારે ઉચ્ચારેલું વાક્યઃ ‘મનસુખભાઈ, સરસ જીવ્યા છો, સાર્થક છે, અનેકોનો પ્રતિભાવ પ્રગટ કરનારું છે.’ કવિતા ઉપરાંત વિવેચનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ‘થોડા વિવેચન લેખો’, ‘પર્યેષણા’, ‘અભિગમ’ અને ‘દૃષ્ટિકોણ’માં તેમના વિવેચન લેખો સંગ્રહાયા છે, ‘કાવ્યવિમર્શ’ સ્વકીય કાવ્યવિભાવના રજૂ કરે છે. તેમનાં ઠક્કર વ્યાખ્યાનોમાં તેમણે ગાંધીયુગના ગદ્યને તપાસ્યું હતું. ગોવર્ધનરામ, બળવંતરાય, મુનશી, ન્હાનાલાલ, ઉમાશંકર, વગેરે વિશે લખાયેલા પોતાના લેખોનાં નાનાં પુસ્તકો પણ તેમણે પ્રગટ કર્યાં હતાં. ભાષા અને વ્યાકરણમાં પણ તેમને રસ હતો. ‘ભાષાપરિચય’ના ચાર ભાગ, ગુજરાતી ભાષા-વ્યાકરણ અને લેખન, વાક્ય-પૃથક્કરણ અને લેખન પર પણ તેમણે કામ કર્યું હતું. ઉપર ઉલ્લેખેલા લેખકો ઉપર તેમણે ચાલુ કાંઈને કાંઈ લખ્યું છે. કાકાસાહેબના કલાવિચારની અને આનંદશંકરના કલાદર્શનની પર્યેષણા મનસુખભાઈ કરે તો ‘સ્નેહમુદ્રા’વિશે પણ લખે, મુનશી વિશે તો ચાલુ લખ્યાં કર્યું છે. મુનશી અને ન્હાનાલાલના સાહિત્યની કાંઈક કડક ગણાય એવી સમીક્ષા તેમણે કરી છે. ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં મુનશી વિશે લઘુગ્રંથ તેમણે તૈયાર કરી આપેલો. એની બીજી આવૃત્તિમાં તે થોડું ઉમેરવાના હતા ત્યાં જ એમનું અવસાન થયું. મનસુખભાઈનાં મૂલ્યાંકનો કે અભિપ્રાયો સાથે હંમેશાં સંમત થવું મુશ્કેલ; પણ એ મૂલ્યાંકન અને અભિપ્રાય એમનો પોતાનો હોય છે અને એના પર આવવાની તેમની પ્રક્રિયામાં વાચક પ્રત્યે એક આદરનો ભાવ અનુસ્યૂત હોય છે. કવિતામાં જેમ ખંડકાવ્યોમાં એમની ફાવટ તેમ વિવેચનલેખોમાં સુદીર્ઘ અભ્યાસ, નિબંધોમાં તે અનેક સંદર્ભોમાં વિષય ચર્ચે છે, પ્રસંગોપાત્ત વિશ્લેષણ – સંયોજન કરે છે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય તો તેમને હસ્તાકમલવત્ હોય છે. તેમની જાણકારી ઝીણી અને ચોકસાઈ પણ ખરી. એમનાં વિવેચનને ‘નિર્ભીક’ લેબલ આપણે લગાડી શકીએ પણ તે પોતે એમના આ ગુણથી સભાન નથી એટલે તો એ ‘ગુણ’ રહે છે. મનસુખભાઈ વિવેચક લેખે આખાબોલા છે. ન્હાનાલાલના મહાકાવ્ય વિશે તેમણે કહેલું કે “કુરુક્ષેત્ર કવિની પરિણત પ્રજ્ઞાનો આવિષ્કાર નથી જ; પણ કોઈ ખાસ ગણનાપાત્ર કૃતિ પણ નથી.” અત્યારના સાહિત્યમાં “વિરૂપ અને અભદ્ર, કુત્સિત અને દુર્ભગનું આ વળગણ ઝાઝું નહિ નભે” એવો મત તેમણે ઉચ્ચારેલો. સમગ્રતયા એમનાં આ જાતનાં લખાણો તર્કસંગત, વૈજ્ઞાનિકતાવાળાં અને સાથે સાથે વ્યાપક સમભાવયુક્ત છે. પંડિતયુગના સાક્ષરોની જેમ સાહિત્યક્ષેત્રની નાની નાની નુકતેચીની કરવામાં પણ તેમને રસ હતો. ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં ‘પત્રમ્ પુષ્પમ્’ વિભાગ શરૂ કરેલો, એને જીવંત બનાવવામાં નગીનભાઈનો અને મનસુખભાઈનો પણ ફાળો છે. ક્યાંક હકીકતદોષ દેખાયો, ક્યાંક અર્થઘટનની મુશ્કેલી જણાઈ તો મનસુખભાઈ તરત ચર્ચાપત્ર મોકલવાના. છેલ્લે ‘બુદ્ધિપ્રકાશ’ના જૂન અંકમાં તેમનું ચર્ચાપત્ર વાંચેલું. મનસુખભાઈ અત્યારે લખનારા એમની પેઢીના વિવેચકોમાં એક શક્તિશાળી વિવેચક હતા. એમનું કામ માતબર કહી શકાય એવું છે, એમનાં સંપાદનો અને અનુવાદો વિષે આપણે જાણીએ છીએ, છતાં તેમણે કરેલા શેક્સ્પિયરનાં નાટકોના અનુવાદોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તેમણે મૅકબેથ અને ઑથેલો ગુજરાતીમાં ઉતાર્યાં, ‘કિંગ લિયર’ના અનુવાદનું કામ પણ તેમણે પૂરું કર્યું છે તે ગંગોત્રી ટ્રસ્ટ તરફથી પ્રગટ થશે. શેક્સિપયરનાં આ નાટકોના મનસુખભાઈના અનુવાદોથી સારા અનુવાદો તો હવે થાય ત્યારે. એ કરી શકવાની ક્ષમતા હોવી એ નાનીસૂની વાત નથી. તેમણે સાહિત્ય અકાદમી માટે અંગ્રેજીમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ તૈયાર કરી આપ્યો એની નોંધ પણ લેવી જોઈએ. અંગ્રેજીમાં એ એક સારી હૅન્ડબુક તેમણે આપી. મનુષ્ય મનુષ્ય વચ્ચેના વ્યવહારમાં અને સાહિત્યમાં મનસુખભાઈ પ્રેમાળ હતા. એમની મધુરતા કેવળ ભાષાગત કે કેળવાયેલી નહોતી. તે બોલતા ‘જય જય’ પણ કરતા ‘શેક-હૅન્ડ,’ અને એ કરતી વેળા એમના મુખ પર જે રેખાઓ અંકાતી તે જાણે કે એમનો છલકાતો સ્નેહ પ્રગટ કરતી. મનસુખભાઈને પહેલાં પાનનો ભારે શોખ. ૧૯૬૪માં લખનૌમાં ભરાયેલા પી. ઈ. એન. સંમેલનમાં તેમની સાથે રહેવાનું બનેલું. લખનૌ યુનિવર્સિટીના જે. કે. ઈન્સ્ટીટ્યૂટ હૉલમાં મનસુખભાઈને પાન પૂરાં પાડવાનો જાણે કે મેં કૉન્ટ્રાકટ રાખેલો! અમદાવાદ આવ્યા હોય ને ઘરે ન આવ્યા હોય એવું ભાગ્યે જ બને. આવીને ફોન કરે અને પછી એમના યજમાન પ્રો. મેનનના સ્કૂટર પર બેસીને આવી જાય. મુંબઈ જઈએ ત્યારે પ્રેમપૂર્વક ઘરે આવવાનું નિમંત્રણ આપે. મુંબઈમાં હું ઊતરું વિલેપાર્લેમાં એમના સુરેશ કૉલોનીના નિવાસની નજીક. સવારે જૂહુ કિનારે ફરવા ગયો હોઉં તો ડાબી બાજુની રેતી પર બેટાઈ, ગુલાબદાસ અને મનસુખભાઈ ઘણુંખરું મળી જાય. અલકમલકની વાતો થતી હોય. હવે એ ત્રિપુટી ખંડિત થઈ. મુંબઈમાં હવે મનસુખભાઈને નહિ મળાય એ વિચાર ખિન્ન કરી મૂકે છે. પ્રભુ આ પ્રેમથી ભર્યા ભર્યા સારસ્વતના આત્માને ચિર શાંતિ અર્પો.
૧-૯-૧૯૮૧