કથાવિચાર/એકાકી શિક્ષિત નારીની વેદનાભરી કથા

Revision as of 02:53, 4 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯
એકાકી શિક્ષિત નારીની વેદનાભરી કથા

[‘ઊર્ધ્વમૂલ’ : ભગવતીકુમારશર્મા]

ભગવતીકુમારની નવલકથાક્ષેત્રની પ્રવૃત્તિમાં તેમની છેલ્લી કૃતિ ‘ઊર્ધ્વમૂલ’ ખરેખર એક નોંધપાત્ર ઉન્મેષ છે. ત્રણ મોટા ખંડોમાં અને ૬૩૦ જેટલાં પૃષ્ઠોમાં વિસ્તરતી આ કથા તેમનું મહત્ત્વાકાંક્ષી સર્જન છે. નવલકથા સ્વરૂપને ઠીક ઠીક ગંભીરપણે ખેડવાનો તેમણે એમાં પ્રયત્ન કર્યો છે, એમ એના પ્રથમ વાચને જ પ્રતીત થાય છે. શિક્ષિત અને રસિક વૃત્તિવાળી પણ પોતાના વિષય સંયોગો વચ્ચે એકાકી અને નિઃસંગ રહી ગયેલી, અને એ કારણે પ્રૌઢ વયે તીવ્ર એકલતામાં રૂંધામણ અનુભવતી, કથાનાયિકા ક્ષમાની વેદનાકથા અહીં કેન્દ્રમાં છે. કથાની રજૂઆત જ ક્ષમા પોતે પોતાના ભૂતકાળની વીતકકથાઓ કહે, એ રીતે થઈ છે. એના જીવનમાં જુદે જુદે તબક્કે હૃદયના ગૂંચવાડાઓવાળી નાજુક કટોકટીની ક્ષણોમાંથી તે પસાર થઈ છે. એ બધી ઘટનાઓની સિલસિલાબંધ કડીઓ પણ તેની સ્મરણકથામાં રજૂ થઈ જાય છે. અલગ અલગ તબક્કાઓમાં જે વિશિષ્ટ સંયોગોમાંથી તે ગુજરી છે, તેમાં કથાતત્ત્વેય પડ્યું જ છે. પણ એ કથાના પ્રસંગો વિશેષે તો, ક્ષમાનું ભાવજગત ખુલ્લું કરવા યોજાયા છે. જે રીતે ક્ષમા પોતાના કુટુંબજીવનની સ્મૃતિઓને આલેખે છે, અને જે રીતે પોતાના જીવનમાર્ગમાં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વવાળા પુરુષમિત્રોના સંબંધોની કથા કહે છે, તેમાં એ કમનસીબ નારીની ગૂઢ વ્યથા જ છતી થઈ જાય છે. અલબત્ત, શિક્ષિત અને સભ્ય સમાજનાં જે પાત્રો અહીં સ્થાન પામ્યાં છે તે દ્વારા ભગવતીકુમાર આધુનિક માનવપરિસ્થિતિમાં રહેલી કરુણ વિષમતાના – વિશેષતઃ આધુનિક માનવીના નિર્મૂલન (રૂટલેસનેસ)ના પ્રશ્નને ઉઠાવ આપવા ચાહે છે, અને વ્યક્તિગત સમસ્યાને તત્ત્વિક ભૂમિકાએ ઊંચકવા મથે છે. જો કે પોતે તાકેલા ઉચ્ચ લક્ષ્યને આંબવામાં આ પ્રયત્ન ઊણો પડ્યો છે, તોપણ એકંદરે કૃતિ ઠીક ઠીક પ્રભાવક નીવડી આવી છે. પોતાની આંતરિક શક્તિઓને લેખે લગાડવાનો તેમનો આ ઉપક્રમ, એથી, આવકાર્ય બની રહે છે. નવલકથાક્ષેત્રમાં ભગવતીકુમાર આમ તો આત્યંતિક પ્રયોગવૃત્તિથી અળગા રહ્યા છે, અને છતાં, કથાવૃત્તાંતોમાં કંઈક અવનવી રીતે સંવિધાન કરવાનો અને વળી આધુનિક રીતિના કથાસાહિત્યમાં વ્યાપક બની ચૂકેલી કલ્પનનિષ્ઠ કથનશૈલી વિકસાવવાનો તેમનો આગવો ઉપક્રમ રહ્યો છે. ‘ઊર્ધ્વમૂલ’માં ખરેખર તો તેમણે અગાઉ પોતાની ‘સમયદ્વીપ’ અને ‘ભીના સમયવનમાં’ જેવી નવલકથાઓમાં કથાસંવિધાનની જે યુક્તિ યોજી હતી, અને જે કથનશૈલી નિપજાવી હતી, તેનું જ વધુ અસરકારક રીતે અનુસરણ કર્યું છે. મુખ્ય પાત્ર (કે પાત્રો)ની જીવનકથાની સાવ નિકટના વર્તમાનથી આરંભાતી ઘટનાઓ, અને દૂર ભૂતકાળથી આરંભી એ વર્તમાન સુધીની ઘટનાઓ – એમ બે દૂરનાં સમયબિંદુઓથી લઈ, બંને ખંડના ટુકડાઓને એકબીજાની પડખે ક્રમશઃ ગોઠવતા જઈ, વસ્તુ રજૂ કરવાની પદ્ધતિ તેમને પ્રિય બની જણાય છે. ‘ઊર્ધ્વમૂલ’માં એ જ રચનારીતિનો વિનિયોગ થયો છે. કથાનાયિકા ક્ષમા એક શિક્ષિત અને વિદગ્ધ રસવૃત્તિવાળી સ્ત્રી છે. તીવ્ર સંવેદનપટુતા તેના વ્યક્તિત્વની લાક્ષણિકતા છે. અત્યારે, પ્રૌઢ વયે એકાકી અને શૂન્યતાભરી જિંદગીના જાણે કે ડેડ ઍન્ડ પર તે આવી ઊભી છે ત્યારે, માત્ર સ્થગિત થયેલી પોતાની વર્તમાન ક્ષણોને જ નહીં, પોતાની સમગ્ર ભૂતકાલીન જિંદગીને તે તીવ્રતાથી સંવેદી રહે છે. પોતાના ચિત્તમાં અને પોતાની બહાર આસપાસના જગતમાં જે પરિવેશ વ્યાપી રહ્યો છે તેને અત્યંત સૂક્ષ્મતાથી તે તાગી રહે છે. તેનામાં સહજભાવે તેની સર્જકવૃત્તિ સતત સક્રિય બનેલી છે; એટલે, વારંવાર પોતાનાં ભાવસંવેદનો તે મૂર્ત કલ્પનો રૂપે પ્રત્યક્ષ કરી લે છે. પોતાના પપ્પા, મમ્મી (માયાદેવી) અને સાગર અંકલ એ ત્રણ વચ્ચેના ગૂંચવાયેલા લાગણીસંબંધોની અને પછી તરુણ વયે બાદલ, ડૉ. કુણાલ અને પ્રા. નિહાર જેવા વિભિન્ન વ્યક્તિત્વ ધરાવતા પુરુષો જોડેના પોતાના ખીલતા-ખરતા સંબંધોની કથા તે પૂરી આત્મીયતાથી કહે છે. જુદે જુદે તબક્કે અત્યંત નાજુક અને નિર્ણાયક પરિસ્થિતિઓમાંથી તે પસાર થઈ છે, અને તેની તીવ્રતમ ક્ષણો તેના ચિત્તમાં સજીવ સ્મૃતિરૂપે સંચિત થઈ છે. ભગવતીકુમારની રંગદર્શી સર્જકતાએ ક્ષમાના ભાવજગતમાં આ રીતે ઘણી સંકુલતા નિપજાવી છે. એટલે પોતાની સ્મરણકથાના ટુકડાઓની વચ્ચે ક્ષમાની વર્તમાન ક્ષણોની એકલતા અને શૂન્યતાની લાગણીઓ ઘૂંટાતી રહે છે. આ કૃતિમાં ક્ષમાનું સંવેદનવિશ્વ સ્વયં એક મોટો રસસ્ત્રોત છે એ એક હકીકત છે. પણ અહીં એમ પણ નોંધવું જોઈએ કે ક્ષમાની વર્તમાન જિંદગીના ભાવસંદર્ભો ફરીફરીને છેક છેવટ સુધી કૃતિમાં ઘૂંટાતા રહ્યા છે તેમાં પ્રસ્તાર પણ ઘણો થયો છે. આવા સંદર્ભો શક્ય તેટલા વ્યંજનાગર્ભ અને લાઘવપૂર્ણ આલેખાયા હોત, બલકે ગર્ભિત ભાવપ્રવાહ રૂપે તેનું સૂચન થયું હોત, તો આ કૃતિ વધુ સઘન અને સૌષ્ઠવપૂર્ણ બની આવત, અને એની પ્રભાવકતામાં વધારો જ થાત. આ સંદર્ભે બીજી એક વાત તરફ પણ ઇશારો કરવાનો રહે છે, અને તે એ કે પોતાનાં સંવેદનોમાં વિહરતી ક્ષમા પોતાના કોઈ ને કોઈ પ્રિય કવિની કૃતિ યાદ કરે છે. અલબત્ત, તેના ભાવપરિવેશમાં એવી કૃતિ કેટલીક વાર ઓતપ્રોત થઈ જતીય લાગશે, પણ આ જાતના અનેક કાવ્યખંડોની યોજના, પછીથી એના લેખક ભગવતીકુમારના સીધા ઇન્વોલ્વમેન્ટની ચાડી ખાય છે. અને એ જ રીતે ક્ષમાની સંવેદનકથામાં કલ્પનો-પ્રતીકોની યોજના કેટલાક સંદર્ભે દૂરાકૃષ્ટ અને સભાન પ્રયત્નપૂર્વકની લાગે છે. પણ એની વિગતે વાત પછીથી. નવલકથાના પ્રથમ ખંડ ‘અશ્વ’ (પૃ. ૧-૨૭૪)માં કુટુંબજીવનની વિષમતાઓ વચ્ચે વીતેલા ક્ષમાના બાળપણની, તેમજ તેના તારુણ્યના આરંભે બાદલ જેવા તરુણ પ્રત્યેની તેની મુગ્ધ ભીરુ પ્રીતિની અત્યંત ઋજુકોમળ કથા રજૂ થઈ છે. ઘેરા કરુણનું અનુસંધાન એમાં થયું છે. ક્ષમા પાછળથી જોઈ શકી છે કે પોતાના પપ્પા અને મમ્મી (માયાદેવી)ના સંબંધો વિચ્છિન્ન થઈ ગયા હતા. વળી તેને એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે મમ્મી અને સાગર અંકલ વચ્ચે પ્રીતિના રેશમી તંતુઓ બંધાઈ ચૂક્યા હતા. મમ્મી પપ્પાને સમજપૂર્વક નિભાવી લેવા ચાહતી હતી, છતાં હૃદયના પવિત્ર એકાંતમાં સાગર અંકલ પ્રત્યેની લાગણીનું તે ભારે જતન કરી રહી હતી. વળી ક્ષમા પોતે તરુણ વયની થઈ તે પૂર્વે જ, પોતાના સાચા પિતા કોણ? – પપ્પા કે સાગર અંકલ? – એવા એક ભીષણ કારમા પ્રશ્ને તેના હૃદયને ભરડો લીધો હતો. એ વેળા પપ્પા પોતાની જોડે તેમજ મમ્મીની જોડે અત્યંત કઠોર બનીને વરતી રહ્યા હતા. તેનું રહસ્ય તેને હવે ઝાંખું ઝાંખુંય છે. ભગવતીકુમારે ક્ષમાના જીવનની જે કરુણતા ઉપસાવવા ચાહી છે તેની ભૂમિકા અહીં પડેલી છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ક્ષમાનું પાત્ર ઘણું ધ્યાનપાત્ર બની રહે છે છિન્નવિચ્છિન્ન દાંપત્યનાં ખંડિયરોમાં ઊછરેલી ક્ષમાના મન પર જાણે કે ટ્રૉમેટિક અસર રહી ગઈ છે. પિતાની અદમ્ય કામવૃત્તિ અને મમ્મી માયાદેવીનો સાગર અંકલ જોડેનો એકાંતનો સહચાર – આ બધીય ઘટનાઓ બાલિકા ક્ષમાના ચિત્તમાં કશીક ગ્રંથિઓ સરજે છે – એવી ગ્રંથિઓ જેમાં જાતીય વાસનાની અવરુદ્ધ ઇચ્છાની વિકૃતિ હોય, જાતીય સંબંધ માટે એકીસાથે કામના, ભય અને તિરસ્કારનો ભાવ હોય, અને પોતાના સાચા પિતા કોણ – એ પ્રશ્ન તેને માનવઅસ્તિત્વની નિર્મૂલનની વેદના રૂપે સાકાર થાય છે. ક્ષમાની આવી સંકુલ અને સંદિગ્ધતાઓથી ભરી મનોભૂમિકાનું નિર્માણ અને નિર્વહણ આ નવલકથાની એક નક્કર ભૂમિકા છે, અને આ કૃતિમાં એ એક ઘણો પ્રભાવક અંશ છે. પછીથી ક્ષમાના જીવનમાં બાદલ, ડૉ. કુણાલ અને પ્રા. નિહાર એમ ત્રણ પુરુષો જોડે ક્રમશઃ સંપર્ક રચાય છે, અને જુદે જુદે તબક્કે એ ત્રણની જોડે જુદી જુદી ભૂમિકાએ સંબંધો પાંગરે છે – અને ખરે છે – તેમાં મૂળની એ મનોભૂમિકા જોડે નક્કર અનુસંધાન રહ્યું જ છે, અને એ અનુસંધાન જાળવીને જ એ ત્રણેના સંબંધોમાં તેના ચિત્તનો ઉઘાડ થવા પામે છે. ક્ષમાના આંતરચિત્તના ઉઘાડની સૂક્ષ્મતમ રેખાઓ ભગવતીકુમારે સરસ રીતે પકડી છે, પ્રશસ્ય કહી શકાય તે રીતે તેનો નિભાવ કર્યો છે. પ્રથમ ખંડમાં ‘અશ્વ’નું પ્રતીક ઘણી અસરકારક રીતે કામમાં લેવાયું છે. પપ્પાના જીવનમાં અશ્વ અત્યંત નિકટ સ્થાન લે છે, તે સૂચક છે. તેમના સ્નેહ અને રોષ બંનેનું તે પાત્ર બને છે. મમ્મીની વિમુખતાથી કે ઠંડી ઉદાસીનતાથી ધૂંધવાઈ ઊઠતા પપ્પા અશ્વને નિર્દયપણે ફટકારે છે, અને છતાંય તબેલામાં તેના સાંનિધ્યમાં જ ઘણોખરો સમય ગાળે છે. આ રીતે તેના ચિત્તમાં પ્રજવલિત થતી જાતીય અતૃપ્તિનો રોષ અને તરફડાટ તે અશ્વ તરફ વાળતા રહ્યા છે. છેવટે અશ્વના ગુહ્ય ભાગ ચીરી નાખવા જેવું પાશવી કૃત્ય તે આચરી બેસે છે, અને કરુણ મૃત્યુને નોતરે છે. આ ઘટનામાં તેની અવરુદ્ધ અને વિકૃત વાસનાનો પ્રચંડ વિસ્ફોટ જોઈ શકાય. આ રીતે કુટુંબજીવનમાં જે બધી કારમી ઘટનાઓ બનતી રહી તેની ક્ષમા સાક્ષી માત્ર જ રહી નથી, તેના ચિત્તના ગહનતમ સ્તરે તેના વ્રણો પડ્યા જ છે. તેનું વ્યક્તિત્વ એ રીતે ક્યાંક મૂળમાં જ કુંઠિત થઈ જવા પામ્યું છે. ક્ષમાના પાત્રનિર્માણમાં, અલબત્ત, નિર્મૂલનની સમસ્યાએ પણ વિશેષ ઘાટ આપ્યો છે. તારુણ્યના પ્રથમ પ્રહરે ક્ષમા સમક્ષ બાદલ જેવો સોહામણો કુમાર મુગ્ધ નિર્વ્યાજ પ્રેમનું નિવેદન કરવા આવે છે ત્યારે, હૃદયના ઊંડાણમાં એ કુમારના સ્નેહને ઝંખતી છતાં તે આત્મવંચના કરી બેસે છે. સાવકી માતાના પ્રપંચનો જ આશ્રય લઈ તે બાદલને જાકારો દે છે : ‘મારી પરવશતા આથી વધારે ઘેરી બને છે, બાદલ, એ તમે સમજી શકશો. આ સ્ત્રીની કશીક રમતના પ્યાદા બનીને તમારો સ્વીકાર કરું તો આપણી બંનેની પરસ્પર માટેની લાગણીનું અપમાન થાય. હું ક્યારેય તમને પામી શકીશ એવી તો મેં આશા રાખી જ ન હતી. આ રીતે પામવાની હું કલ્પના પણ ન કરી શકું.’ (પૃ. ૨૩૦) તેના ચિત્તના અજ્ઞાતસ્તરે તેને જ કશુંક રૂંધી રહ્યું હતું તેની તે ઓળખ કરી શકી નથી. એટલે જ આત્મવંચનામાં સરી પડીને તેણે સમાધાન કેળવવાનો મિથ્યા પ્રયત્ન કરી જોયો. પણ બાદલ તેના અંતરમાં એક અપાર્થિવ મોહક સ્વપ્નપુરુષ શો છુપાયેલો રહ્યો. એ ઝંખનાપુરુષ જીવનનો ઠીક ઠીક માર્ગ કાપ્યા પછીયે પતંગિયાની હળવાશથી તેની દૃષ્ટિમાં ઊતરી પડતો હતો. પણ અભાનપણે જ ક્ષમા પહેલી બાજી હારી ચૂકી હતી! બીજા કથાખંડ ‘સર્પ’ (પૃ. ૨૭૭-૪૫૪)માં તરુણ વયે જ નિરાધાર અને એકાકી બનેલી ક્ષમા, ગૂંચવાતા હૃદયજીવનના બીજા એક નાજુક તબક્કામાંથી જે રીતે ગુજરે છે તેની કથા રજૂ થઈ છે. પપ્પા અને મમ્મી બંને અવસાન પામ્યાં છે. સાગર અંકલ અને બાદલ પણ દૂર દૂરના દેશમાં ચાલી ગયા છે. શરીરમનની ગંભીર બીમારી તે ભોગવી રહી છે. આ તબક્કે (અગાઉ પોતાની મમ્મીની સારવાર કરનાર) ડૉ. કુણાલનો તેને ફરીથી સંપર્ક થાય છે. ક્ષમાની માનસિક બીમારીનો તેને થોડો ખ્યાલ આવી જાય છે, એટલે અત્યંત સભાનતાપૂર્વક તે તેની ચિકિત્સા શરૂ કરે છે. ક્ષમાને પોતાના નર્સિંગ હોમમાં અંગત મદદનીશ તરીકે તે રાખે છે. અને એ રીતે ક્ષમા સહજ રીતે જ ડૉ. કુણાલની નિકટ આવી જાય છે. પણ તેને તરત જ સ્પષ્ટ થઈ જાય છે કે કુણાલના દાંપત્યજીવનમાં નરી શૂન્યતાનો પ્રસાર છે. પત્ની નિયતિને વર્ષો પછીય સંતાન નથી એ વાતથી પતિપત્ની બંને વ્યથિત છે, એટલું જ નહીં બંનેના સંબંધો થીજી ગયા છે એમ તેને સ્પષ્ટ થઈ જાય છે. આવી નાજુક પરિસ્થિતિમાં સંકોચ અનુભવતી છતાં બંનેના સંબંધો ફરીથી પાંગરી રહે એવી કશીક ભાવનાથી પ્રેરાઈને ક્ષમા થોડી સક્રિય પણ બને છે, અને એની અત્યંત નિખાલસ અને ઉદાર વૃત્તિ જોઈને જ કદાચ નિયતિ તેને આવકારે પણ છે, પોતાના હૃદયમાં સ્થાન પણ આપે છે, અને છેવટે તો, ક્ષમા ડૉ. કુણાલની જીવનસંગિની બને એવી પોતાની ઇચ્છાય વ્યક્ત કરે છે. પણ આ કથાખંડમાં ક્ષમા અને નિયતિ જે રીતે ડૉ. કુણાલના જીવનમાં સ્થાન લે છે તે લક્ષમાં લેતાં, ભગવતીકુમારનો ભાવનાવાદ અહીં કામ કરી ગયો છે એમ જ કહેવું જોઈએ. અંદરથી કુંઠાઓમાં ઘેરાયેલી ક્ષમા અને સંતાનવિહોણી નિયતિ – એ બંને પાત્રો વચ્ચેના સંબંધો ઘણા જટિલ અને કૂટ સંભવે છે. જ્યારે ભગવતીકુમારે અહીં એ સંબંધોનું જાણે કે સરલીકરણ કર્યું છે અને એટલે અંશે આ વૃત્તાંત થોડો શિથિલ લાગે છે. પણ ક્ષમા અને ડૉ. કુણાલના સંબંધોની અત્યંત નાજુક કટોકટીભરી એવી એક પરિસ્થિતિ એ પછી નિર્માણ થાય છે, જ્યાં એ બંનેના આંતરમનની વૃત્તિઓ એકદમ છતી થઈ જાય છે. ડૉ. કુણાલ તે દિવસે ક્ષમાને સાથે લઈ દૂર એક પહાડી ગામના આરોગ્ય કૅમ્પમાં સેવા આપવા નીકળ્યો ત્યારે કારની મુસાફરીમાં ડૉ. કુણાલ અણધારી રીતે જ ક્ષમા સમક્ષ પોતાનો ભૂતકાળ ખુલ્લો કરે છે. ડૉ. કુણાલને પણ પોતાના સાચા પિતા કોણ તે વિશે ખબર નહોતી, અને પોતાની જેમ જ તેઓ પણ નિર્મૂલન (રૂટલેસનેસ)ની વ્યથા ભોગવી રહ્યા છે એમ ક્ષમાને સમજાયું. બલકે તેમની એ વેદનાભરી કથા ક્ષમાના હૃદયને દ્રાવી મૂકે છે. પોતાના અંતરમાં અજ્ઞાતપણે જ કદાચ ડૉ. કુણાલના અંતરને ભરી દેવાની ઇચ્છા તે સેવતી રહી. એ જ રાત્રે, વળી, અણધારી રીતે જ, ડૉક્ટર તેને પહાડી ગેસ્ટહાઉસમાં લઈ ગયા ત્યારે પણ, તેનું અજ્ઞાત મન જાણે કે સંમતિ આપતું જ રહ્યું. ગેસ્ટહાઉસના એ એકાંત કમરામાં ડૉક્ટરને સમર્પિત થવાની – દેહ મન અને પ્રાણથી સાયુજ્ય સાધવાની – કામના તેના ચિત્તમાં અંકુરિત થાય છે, અને સંયમભરી અનેક ક્ષણો પછી પરોઢે તે ડૉક્ટરના આશ્લેષમાં ગૂંથાય છે અને પછી જ્યાં દેહ અર્પણ કરવાની ક્ષણો – તેની આજ સુધીની જાતીય ઇચ્છાને વ્યક્ત થવાની ક્ષણો – નિકટ આવે છે, ત્યાં – ‘તું ક્ષમા – તું મારા સંતાનની માતા બનીશ?’ એવા ડૉક્ટરના આર્જવભર્યા પ્રશ્નથી કોણ જાણે કેમ, તે છળી પડે છે. ક્ષમાના દેહને કશુંક પોતાની અંદરથી જ શિથિલ કરી દે છે. ડૉક્ટરના દેહથી તે અળગી થાય છે. કુણાલ પોતાની એક અધૂરી કામનાની સિદ્ધિ અર્થે જ પોતાનો ઉપયોગ કરે એ જાતનો ખ્યાલ તેને સ્વીકાર્ય નહોતો! પોતાનાં દેહ મન અને પ્રાણ સમેત સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર તે ઝંખી રહી હતી. સંપૂર્ણ આત્મસમર્પણ કરીને તે પોતાના જીવનની કૃતકૃત્યતા અનુભવવા ઇચ્છી રહી હતી. અને એટલે જ તે ખંચકાઈ ગઈ હતી એમ આપણને સમજાય છે. જો કે, પોતાનું સંતાન પણ પોતાની જેમ જ નિર્મૂલનની સમસ્યા લઈને અવતરે તે પોતાને ગમે નહીં એ મતલબનો તેણે પાછળથી જે ખુલાસો આપવા પ્રયત્ન કર્યો છે, તે એટલો પ્રતીતિકર લાગતો નથી. ડૉ. કુણાલ અને નિયતિ પછીથી અમેરિકા જાય છે, અને ક્ષમા ફરીથી એકાકી બને છે. આ કથાખંડમાં ભગવતીકુમારે જાતીય ઇચ્છાના પ્રતીક તરીકે ‘સર્પ’નો અનેક પ્રસંગે ફરી ફરીને વિનિયોગ કરવા ધાર્યો છે, પણ એનો અતિરેક જ ખૂંચે છે. આયાસપૂર્વકની ગોઠવણી એમાં વારંવાર ચાડી ખાય છે. ત્રીજો કથાખંડ, ‘અશ્વત્થ’ (પૃ. ૪૫૭-૯૩૦) શીર્ષકથી રજૂ થયો છે. કંઈક મોટી વયની ક્ષમાની કથા એમાં આલેખાઈ છે. તીવ્ર એકલતામાં રૂંધામણ અનુભવતી ક્ષમા હવે ઉચ્ચ અધ્યયનમાં મન પરોવવા મથી રહી છે. આ તબક્કે અત્યંત સૌમ્ય શાલીન અને મેધાવી અધ્યાપક નિહારના પરિચયમાં તે આવે છે. આવો એક પ્રતિભાશાળી પુરુષ અંદરથી ભારે એકલવાયાપણું અનુભવી રહ્યો છે એ જાણ્યા પછી ક્ષમા અંતરથી નિહારને માટે દ્રવી ઊઠે છે. વાસ્તવમાં નિહારને પોતાનેય નિર્મૂલનની કારમી યાતના પીડી રહી છે – પોતાનો જન્મ દ્વારકાધીશના મંદિરની પગથાર પર થયાનું તે જાણે છે, પણ પોતાનાં સાચાં માતાપિતાની તેને કલ્પના સુદ્ધાં નથી – એટલે પોતાના અસ્તિત્વની વેદનાને તે તાત્ત્વિક ભૂમિકાએથી સમજવા સતત પ્રયત્નો કરતો રહ્યો છે. વળી યામિની જેવી કુમારિકાનો સ્નેહ તેને મળ્યો ન મળ્યો અને તે પણ તેને છોડી ગઈ! એટલે નિહારની એકલતા વધુ તીવ્ર બની ચૂકી હતી, તેના અંતરનો વિષાદ વધુ સઘન બન્યો હતો. અને એટલે જ તે વ્યવહારજગતના પ્રશ્નોથી અળગો થઈ વ્યાપકપણે માનવઅસ્તિત્વના કૂટ પ્રશ્નોમાં ખોવાયેલો રહેતો હતો. જોકે નિહારના આંતર મંથનની ક્ષમાને તરત ઓળખ થતી નથી. એ ઓળખ તો દ્વારિકાની યાત્રાએ બંને નીકળે છે ત્યારે જ શરૂ થાય છે. પણ નિહારમાં કશીક ઊર્ધ્વ માટેની પ્રબળ ઝંખના કામ કરી રહી છે. એ વાતની તો તેને તરત જ પ્રતીતિ થઈ જાય છે, અને એ ઝંખનાના સ્તરે જ તે નિહારની નિકટ પહોંચવા મથે છે. ગામના તળાવની પાળ પરના અશ્વત્થ પર બંનેની દૃષ્ટિ એકસાથે ઠરે છે. ક્ષમા નિહારની નિકટ જવા ચાહે છે ત્યાં, અલબત્ત, નિહાર પોતાના અસ્તિત્વની ક્ષણભંગુરતાનું સૂચન કરી દે છે. ‘ફાનસના ફૂટેલા ગોળાને ક્યાં સુધી સાચવી શકાય?’ એવા પ્રશ્નરૂપે તે ક્ષમાને રોકવા મથે છે. પણ દ્વારિકાના પ્રવાસની ક્ષણોમાં નિહારના અંતરમાં નિરંતર ઊઠ્યા કરતી અસ્તિત્વપરક વેદનાનો સધન સંસ્પર્શ તે અનુભવે છે. નિહાર સમક્ષ પૂર્ણ આત્મસમર્પણ કરવાની ઇચ્છા તેના ચિત્તમાં સળવળી ઊઠે છે. પણ પોતાના (નિહારના) શરીર પર કુષ્ઠરોગનાં ઘારાં છે એ વાતની ક્ષમાને જાણ થતાં જ તે પણ પોતાને યામિનીની જેમ જ તરછોડી જવાની છે એવી સમજથી, કે પછી પ્રજ્ઞાબોધના ક્ષેત્રમાં પોતે જે રીતે ગતિ કરવા ઝંખી રહ્યો છે તે રીતે ક્ષમા તૈયાર નહીં થાય એવા કોઈક ખ્યાલથી, નિહાર ક્ષમાથી અળગો રહેવા મથે છે. દ્વારિકામાં તે પરોઢે ક્ષમા નિહારને પૂરેપૂરી સમર્પિત થવા વ્યાકુળ બની ઊઠી ત્યારે જ યોગાનુયોગે પાસેના મંદિરમાં ઘંટારવ થયો. અને નિહાર તત્ક્ષણ જ કશીક ચોટ ખાઈ ક્ષમાથી અળગો થઈ જાય છે. જીવનને આ તબક્કે ક્ષમા આ મેધાવી પુરુષમાં લીન થવા અતિ ઉત્કંઠિત બની છે, પણ એ માટે હજી મૂહુર્ત આવ્યું નહોતું! અને એ આવ્યું સોમનાથના ધામમાં... ત્યાં એક દિવસ વહેલી પરોઢે બંને જણ સાગરસ્નાનમાં ઉલ્લાસથી નિકટ આવ્યાં, અને કદાચ ઓચિંતી રીતે જ, બંને દેહસુખમાં લીન બન્યાં. ક્ષમા માટે પોતાના જીવનની એ ધન્યતમ ક્ષણો બની ગઈ. તે કેટલીક ક્ષણો તો નિઃસીમ આનંદમાં ડૂબી ગઈ. દેહ મન અને પ્રાણથી તે પોતાનું સમગ્ર અસ્તિત્વ પોતાના ઝંખનાના પુરુષને ધરી શકી હતી... પણ નિહારના દેહ પરનાં કુષ્ઠ રોગનાં ધારાં પણ આ પ્રસંગે જ છતાં થઈ ગયાં. આ ઘટના પછી નિહાર ક્ષમાને અતિથિગૃહમાં જ છોડીને હંમેશ માટે ચાલી નીકળે છે. અને ત્યાં જ જન્મી પડે છે ક્ષમાની વર્તમાન એકલતા અને શૂન્યતાની ક્ષણો! ત્રીજી ખંડની ક્ષમાનિહારની આખીય સંવેદનકથા ‘અશ્વત્થ’ના પ્રતીકને કેન્દ્રમાં રાખીને વિસ્તરે છે. બેટ દ્વારિકાના અશ્વત્થ વૃક્ષને ઉદ્દેશીને નિહારે ક્ષમાને કહેલું : ‘ક્યાં છે ઊર્ધ્વમૂલ? અને અધઃશાખાઓ? અહીં તો તેનાથી વિપરીત જ છે.’ પછી મંદિર તરફ વળીને કહ્યું હતું : ‘કૃષ્ણનું આ મંદિર. કૃષ્ણને અશ્વત્થ અતિ પ્રિય. પણ કૃષ્ણની કલ્પનાનો અશ્વત્થ ક્યાં?’ અને નિઃશ્વાસ નાખીને કહ્યું હતું : ‘અને હુંય કૃષ્ણની ભૂમિમાં ઊછર્યો છું. મારો અશ્વત્થ!’ નિહાર આવા ‘અશ્વત્થ’ની ખોજમાં જીવી રહ્યો છે. અને, એટલે જ, ભગવાન શ્રીકૃષ્ણે અંતે જ્યાં પોતાનો દેહ છોડ્યો હતો ત્યાંનું અશ્વત્થ વૃક્ષ પણ આ યાત્રિકો માટે વિરલ ધામ બની રહે છે. નિહારના આંતર વ્યક્તિત્વમાં, આ રીતે, કશુંક ઉદાત્ત પણ અકળ તત્ત્વ પડેલું છે. જે એને અનોખી મહત્તા અર્પે છે. દ્વારિકા અને સોમનાથના પ્રવાસમાં તેનું આંતરિક સત્ત્વ જાણે કે ઊઘડી રહ્યું છે. કશીક સાત્ત્વિક ઊર્ધ્વમુખી ઝંખનાથી પ્રેરાયેલાં ક્ષમા અને નિહારનું, બંનેનું, પરસ્પરથી ભિન્ન ભૂમિકાનું, સતત પરસ્પરમાં અતિક્રમી જતું, અને અવનવાં આંદોલનો જગાડતું ભાવવિશ્વ, આ કથાખંડમાં અસાધારણ પ્રભાવકતા આણે છે. ભગવતીકુમારની સર્જકપ્રતિભા અહીં સુખદ આશ્ચર્ય જગાડતી નવી ઊંચાઈ સિદ્ધ કરે છે. કથાસંવિધાનની કેટલીક ઊણપો છતાં સમગ્ર કૃતિ આ ખંડને લીધે એક જુદી જ ભૂમિકાએ પહોંચે છે. પોતાના જીવનમાં, આ રીતે, કેટલીક નાજુક પણ કમનસીબ પરિસ્થિતિઓમાંથી ગુજરી ચૂકેલી ક્ષમા વર્તમાનની ક્ષણે શહેરના એક વૈભવશાળી ફ્લેટમાં એકાકી જિંદગીનો બોજ વેંઢારી રહી છે – કથાનું આ આરંભબિંદુ અને અંત પણ છે – ત્યારે આસપાસના જગતથી અને પોતાના મૂળ સ્વરૂપથીય જાણે કે અળગી થઈ ચૂકી છે. આર્કિટેક્ટ ગૌતમ થોડે થોડે દિવસે તેની મુલાકાત લે છે, પણ તેની સાથે હવે સંબંધતંતુ પાંગરી શકે એવું રહ્યું નથી. બંને જણ અસ્તિત્વપરક વિચારણાઓ છોડીને કદાચ, આત્મવંચનાનું આવરણ ઊભું કરી લેવા મથે છે. પણ આ જાતની ચર્ચાવિચારણા વધુ તો આગંતુક લાગ્યા કરે છે. ગૌતમના અંગત જીવનનો વૃત્તાંત પણ એટલો ઉપકારક જણાતો નથી. ક્ષમાની મનોભૂમિકાના તબક્કાઓ નોંધવા જેવા છે. તરુણ વયે બાદલની નિર્વ્યાજ લાગણીનો પ્રતિભાવ તે પાડી શકી નહોતી. પોતાના દેહ મન અને પ્રાણથી તે પ્રિયજનને સમર્પિત થવા ચાહે છે એવો કોઈ ખ્યાલ હજી તેની સંપ્રજ્ઞ સપાટી પર કદાચ જન્મ્યો નહોતો. ડૉ. કૃણાલ સમક્ષ પોતે સમગ્રતયા નિવેદન કરવા ઝંખી રહી હતી ત્યારે ડૉક્ટરે માત્ર તેના દેહની જ માગણી કરી. નિહાર સમક્ષ એ અનુભવ છલનારૂપ નીવડ્યો. આમ તેના અંતરમનની ઝંખના વણપૂરી જ રહી. માનવીની આ જ તો નિયતિ હશે એવું કરુણ ભાન તેના અંતરને છેવટે કોરી રહ્યું. પૂર્ણ પુરુષ એવા કૃષ્ણને જીવનને અંતે ‘ઊર્ધ્વમૂલ અશ્વત્થ’નો આશ્રય મળ્યો હતો. નિહાર અને ક્ષમા બંને પોતાની નિર્મૂલનની દશાને અતિક્રમી જવા ચાહતાં હતાં. પણ, ના એકલતા અને વિફલતા જ કદાચ માનવનિયતિ હશે! આ રીતે, અસ્તિત્વની કરુણ વિષમતા આ કથામાં વ્યંજિત થઈ ઊઠે છે. એ રીતે ભાવકને આ કૃતિમાં કશુંક પ્રફાઉન્ડ અને સબ્લાઈમ તત્ત્વ ઊંડે ઊંડે સ્પર્શી જાય છે. ભગવતી કુમારની કથનશૈલીમાં પ્રવાહી ધારાનો આવેગ છે. ક્ષમાનું આંતરવિશ્વ એક પછી એક સંદર્ભ લઈ કલ્પનશ્રેણીઓમાં ઊઘડતું જાય છે. મમ્મી પપ્પા સાગર અંકલ બાદલ ડૉ. કુણાલ નિહાર અને ગૌતમ જેવાં સ્વચ્છ સુરેખ પાત્રો પણ સહજ રીતે કંડારાઈ આવ્યાં છે. એમાંના દરેકની નિજી મનોભૂમિકાનું સરસ જતન થયું છે. પણ પપ્પાનું અને નિહારનું પાત્ર કદાચ સૌથી પ્રભાવક રહ્યાં છે. કૃતિમાં આમ તો ત્રણચાર અલગ રેખાંકિત થઈ શકે તેવા વૃત્તાંતો ગૂંથાય છે, પણ એ સર્વ ક્ષમાના ઘૂંટાતા ભાવસંવેદનમાં ઓતપ્રોત થઈ જાય છે તેથી સમગ્રતયા કૃતિની એકતા જળવાઈ રહે છે. જો કે ડૉ. કુણાલ અને નિયતિના તેમ જ આર્કિટેક્ટ ગૌતમના દાંપત્યવૃત્તાંતોને વધુ ટ્રિમ કરવાની જરૂરત હતી. ભગવતી કુમારની કથનશૈલી અલંકારો અને કલ્પનોનાં સુભગ ચિત્રોથી મંડિત છે : (૧) ‘બીડેલી આંખો સમક્ષ એક છબી ઊપસી આવે છે. મારી છબી. અડધી પડી ગયેલી દીવાલ પર ટીંગાડેલી તસવીર જેવી.’ (પૃ. ૫) (૨) ‘ફાધર ચાલ્યા ગયા. જાણે એક ઊજળો પડછાયો સરી ગયો.’ (પૃ. ૮૩) (૩) ‘મારી આસપાસ અસંખ્ય પગો આવજા કરી રહ્યા હતા.’ (પૃ. ૮૪) (૪) ‘એનો ચહેરો આરતીના દીવાના ઉજાસથી ઝળાંહળાં થઈ રહ્યો હતો.’ (પૃ. ૮૪) (૫) ‘દરિયાનાં ગાંડાંતૂર પાણીમાં કાગળની હોડીઓ તરતી દેખાય ન દેખાય ત્યાં પલળીને લોચો થઈને ડૂબી જાય છે.’ (પૃ. ૧૬૩) (૬) ‘વૃક્ષોનાં થડની કતારમાંથી આકાશ કોતરણીવાળી જાળી જેવું લાગે છે.’ (પૃ. ૨૧૭) (૭) ‘લીપેલાં પાકાં ઝૂંપડાં જેવાં ઘરો દીવાસળીનાં હવાઈ ગયેલાં ખોખા સરખાં લાગતાં હતાં.’ (પૃ. ૪૬૩) (૮) ‘દીવાલ પરની ઘડિયાળની ટકટક વૃક્ષની ડાળ સાથે એકધારી ચાંચ ઘસતા લક્કડખોદ જેવી અનુભવાતી હતી.’ (પૃ. ૪૭૫) (૯) ‘ઉનાળામાં જ્યારે ધૂળની ડમરીઓ ચઢતી હશે ત્યારે આ ઊંટ અને એમની ઉપરના માણસો ધૂળના હરતાફરતાં આકારો જેવા બની જતા હશે.’ (પૃ. ૫૨૨) (૧૦) ‘માણસોનાં શરીર પણ પથ્થરમાંથી કંડારેલાં હોય એવાં... ચહેરા પર, પાષાણમાં તિરાડ હોય તેવી રેખાઓ...’ (પૃ. ૫૨૫) – આવાં હૃદ્ય ચિત્રો-કલ્પનોથી ભગતીકુમારની કથનશૈલી સમૃદ્ધ બની આવી છે. ક્ષમાનાં ભાવસંવેદનો એથી વધુ સંકુલ અને મૂર્ત રૂપે સાકાર થયાં છે, બલકે એના ભાવજગતની પશ્ચાદ્‌ભૂમિકામાં પડેલાં દૃશ્યો વધુ તાદૃશ બન્યાં છે. જો કે કેટલાક સંદર્ભો, ખાસ કરીને પૃ. ૧૬૪, પૃ. ૩૨૧ અને ૩૪૭ પરથી શરૂ થતાં સંવેદનખંડોની કલ્પનશ્રેણીઓમાં ઘણું આયાસપૂર્વકનું, દૂરાકૃષ્ટ અને અપ્રસ્તુત દાખલ થઈ ગયું છે. એટલે અનેક ગૌણ કથાનકોને સાંકળવા ચાહતી, અને કલપનશ્રેણીની પ્રચુરતામાં સરી જતી, આ નવલકથાને વધુ કડકપણે એડિટ કરીને, અને બીજભૂત કથાવસ્તુને વધુ ફોકસમાં રાખીને યોજી હોત તો આ કૃતિ હજીયે ઘણી વધારે પ્રભાવક બની હોત એમ ફરીથી નોંધવાનું રહે છે. અને છતાં, જેવી છે તેવી આ કથા પણ આપણા ચિત્તને ગહન સ્તરે સ્પર્શી જાય છે. ખાસ કરીને ત્રીજા ‘અશ્વત્થ’ ખંડનું અપાર્થિવ વાતાવરણ આપણા અંતરને ભરી દે છે. ક્ષમા અને નિહાર બન્ને સોમનાથનાં તીર્થોમાં વિચરે છે, તેમાં કશુંક એવું અનન્ય છે, જે આપણને પ્રાકૃત અને લૌકિક અનુભવોના સ્તરથી ઊંચે લઈ જવા મથે છે. ક્ષમા અને નિહારની કરુણ કથાને અહીં આધ્યાત્મિકતાનો સંજીવની સ્પર્શ મળ્યો છે. દ્વારિકાધીશનું એ જગપ્રસિદ્ધ મંદિર, એ મંદિરની આરતીની જળહળતી જ્યોતમાં લીપાતાં ક્ષમા-નિહારનાં મુખારવિંદ, સોમનાથના સાગરકાંઠા પર સંધ્યાની કાલિમા વચ્ચે ઝળુંબી રહેલું એ ઘેઘૂર અશ્વત્થ વૃક્ષ, અને દેહોત્સર્ગ કરતા એ શ્રીકૃષ્ણ... એવાં એવાં દૃશ્યો, કૃતિ પૂરી થયા પછીયે, જાણે કે સદાયને માટે આપણી દૃષ્ટિમાં તગતગ્યાં કરે છે!