શબ્દલોક/સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ

Revision as of 03:13, 11 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાહિત્યકૃતિમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ

સાહિત્યવિવેચનના સૌ અભ્યાસીઓ એ વાત સારી રીતે જાણે છે કે, સાહિત્યમાં આકૃતિ વિ. અંતસ્તત્ત્વનો વિવાદ મૂળ પાશ્ચાત્ય વિવેચનમાં જન્મ્યો, અને ત્યાં એ સારી રીતે વિકસ્યો પણ ખરો. સાહિત્યની કૃતિ માટે સર્જક પોતાની વસ્તુસામગ્રી ક્યાંથી લે છે અને સર્જનપ્રક્રિયા દ્વારા તેને તે કેવું રૂપ આપે છે – એ જાતના પ્રશ્નો ત્યાંની વિવેચનાએ અનેક વાર પૂછ્યા દેખાય છે. ખાસ કરીને સર્જકતાને લગતો આધુનિક વિચાર ત્યાં રજૂ થયો તે પછી આ પ્રશ્ન ત્યાં વધુ ઊંડાણથી ચર્ચાયો દેખાય છે. કૃતિ માટે નિર્માણ પૂર્વેની કાચી ઉપાદાનસામગ્રી અને રચનાપ્રક્રિયાને અંતે મળેલું સાહિત્યિક રૂપ એમ બે સાવ અલગ વસ્તુઓ વિશે વિચારવાનું પાશ્ચાત્ય વિવેચનામાં પહેલેથી વલણ રહ્યું દેખાય છે. આથી ભિન્ન, સંસ્કૃત મીમાંસામાં કાવ્યકૃતિની રમણીયતા રહસ્ય સ્પષ્ટ કરવાના જે પ્રયત્નો થયા તેને પરિણામે અલંકાર, રીતિ, ધ્વનિ, રસ, વક્રોક્તિ આદિ સિદ્ધાંતો જન્મ્યા. પણ સંસ્કૃત મીમાંસાએ સાહિત્યકૃતિમાં પ્રવેશતી કાચી ઉપાદાનસામગ્રી અને તેના રૂપાંતરની પ્રક્રિયામાં કદાચ એટલો મોટો રસ દાખવ્યો નથી. ગમે તે હો, આકૃતિ વિ. અંતસ્તત્ત્વનો આખો વિવાદ આપણે ત્યાં છેક અત્યારે નવીન પાશ્ચાત્ય વિચારણા સાથે આવ્યો. પણ અહીં એક વાત એ લક્ષમાં રાખવાની છે કે ત્યાંની વિવેચના અને કળા-મીમાંસામાં ‘ફૉર્મ’ (આકૃતિ) એ અતિ મહત્ત્વની બીજભૂત સંજ્ઞા રહી છે, ત્યાંના વિદ્વાનો અને વિવેચકોએ તેની ફરીફરીને વ્યાખ્યા કરવાના પ્રયત્નો કર્યા છે. ત્યાંનાં તત્ત્વજ્ઞાન અને ચિંતનમાં પણ એ એટલી જ પાયાની સંજ્ઞા રહી છે. એટલે એ સજ્ઞા અત્યંત ખેડાઈને આજે અત્યંત અર્થસમૃદ્ધ બની ચૂકી છે. એટલે આકૃતિ વિ. અંતસ્તત્ત્વનાં સંબંધ અને સ્થાન વચ્ચે ચર્ચા કરતાં પહેલાં ‘સાહિત્યની આકૃતિ’ની સંજ્ઞાને જ બને તેટલી સ્પષ્ટ કરી લેવી જોઈએ.

‘આકૃતિ’(form)ને વિશિષ્ટ સાહિત્યકૃતિના સ્વરૂપના સંદર્ભમાં આગવો અર્થસંકેત પ્રાપ્ત થાય છે. ઘણીયે વાર આપણે વિશિષ્ટ કૃતિની વિશિષ્ટ આકૃતિની વાત કરીએ છીએ ત્યારે કૃતિની રચનાનો વિશેષ પકડવાનો આપણો પ્રયત્ન હોય છે. સોફોક્લીસની નાટ્યકૃતિ ‘ઈડિપસ’, કાલિદાસની કૃતિ ‘અભિજ્ઞાનશાકુંતલ’, શેઇક્‌સપિયરની ‘હૅમ્લેટ’, રવીન્દ્રનાથની ‘ચિત્રાંગદા’, હર્મન હેસની ‘સિદ્ધાર્થ’, કામૂની ‘આઉટસાઈડર’, બ. ક. ઠાકોરની ‘આરોહણ’, ઉમાશંકરની ‘મંથરા’, કે સુરેશ જોષીની ‘છિન્નપત્ર’ – કોઈ પણ કૃતિની આકૃતિનો પ્રશ્ન લો, એ દરેકને એની આગવી આગવી આકૃતિ છે જ. આપણે, અલબત્ત, અહીં એ કૃતિઓના વિશિષ્ટ સાહિત્યરૂપનો નહિ, પણ માત્ર એક વિશિષ્ટ કૃતિ લેખે જ તેનો વિચાર કરીએ છીએ. પણ આપણે જ્યારે એમ કહેતા હોઈએ કે આ દરેક કૃતિને તેની વિશિષ્ટ આકૃતિ છે, ત્યારે આપણા મનમાં ખરેખર શા શા વિચારો પડ્યા હોય છે? કદાચ આ બાબતમાં આપણે પૂરેપૂરા સ્પષ્ટ ન પણ હોઈએ. જોકે વિશિષ્ટ કૃતિને ઓળખવાના પ્રયત્નમાં એની મૂર્તતા, સમગ્ર વ્યંજકતા, અને અભિવ્યક્તિતા – એ બધાં પાસાંઓ આપણા મનમાં સ્પષ્ટ રૂપે હોય પણ, અથવા ન પણ હોય. કૃતિની આકૃતિના આ જાતના વિશ્લેષણમાં આપણી આ અસ્પષ્ટતા પાછળથી આપણને મૂંઝવેય ખરી. એવે પ્રસંગે ‘આકૃતિ’થી સાહિત્યકૃતિના ગદ્ય કે પદ્યબંધનો આકાર, તેમાંનો વર્ણ્યવૃત્તાંત કે તેમાંની ભાવવસ્તુનું સંકલન, તેમાં રચનાની યુક્તિ-પ્રયુક્તિઓ, તેની શૈલીનાં રૂપો કે અભિવ્યક્તિની લઢણો આવાં બધાં પાસાંઓ તો આપણા મનમાં ઓછેવત્તે અંશે હોય. પણ વિશિષ્ટ કૃતિના ‘ફૉર્મ’ના ખ્યાલમાં ઘણીયે વાર એનાં રચનાગત તત્ત્વો સાથે કશુંક વિશેષ પણ એમાં આવી જતું હોય છે. કદાચ ભાવજગતનો વિશેષ, સર્જકનો વૃત્તિવિશેષ, કૃતિમાં રહેલા વ્યંગકટાક્ષનો તંતુ કે વર્ણ્યવસ્તુ પરત્વેનો સર્જકનો અભિગમ પણ એમાં સૂચિત હોઈ શકે. ટૂંકમાં, વિશિષ્ટ કૃતિની આકૃતિમાં મૂર્તતાને સમજવાના પ્રયત્નમાં, તેનાં રચનાગત પાસાંના ખ્યાલ સાથે કશુંક વિશેષ સમાઈ જતું હોય છે.

વિવેચનના ઇતિહાસમાં ‘ફૉર્મ’ (આકૃતિ) સંજ્ઞાને વિશિષ્ટ સાહિત્ય-સ્વરૂપો (literary genres)ના અર્થમાંયે વારંવાર પ્રયોજવામાં આવી દેખાય છે. નાટક, મહાકાવ્ય, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય, નવલકથા, નવલિકા એવાં વિશિષ્ટ સાહિત્યસ્વરૂપોની ચર્ચાવિચારણા કરતાં એને માટે ‘ફૉર્મ’ની સંજ્ઞા તેમાં સ્વીકારાતી રહેલી છે. અને એક રીતે એમાં કશું આશ્ચર્ય પામવા જેવું પણ નથી. આ બધાં વિશિષ્ટ સ્વરૂપોનો ખ્યાલ જે-તે સ્વરૂપમાં ખેડાતી રહેલી સાહિત્ય રચનાઓની રૂઢ આકૃતિ પર જ આધારિત છે. નાટક, મહાકાવ્ય કે નવલકથા, કોઈ પણ સ્વરૂપ લો. એ દરેકના ઉદ્‌ભવ વિકાસનો અલગ ઇતિહાસ છે, અને એ દરેકના વિકાસગાળા દરમ્યાન વર્ણ્યવસ્તુનું વિશિષ્ટ સ્વરૂપ, તેનું વિશિષ્ટ વસ્તુસંકલન, તેના રચનાગત વિશિષ્ટ તત્ત્વો, તેનાં વિશિષ્ટ શૈલીગત રૂપો અને અભિવ્યક્તિની વિશિષ્ટ રીતિઓ – એ બધાં પાસાંઓ પરત્વે કેટલાંક સર્વસામાન્ય લક્ષણો બંધાઈ જતાં જોવા મળે છે. જોકે મહાન સાહિત્યકાર આવા કોઈ પણ સ્વરૂપની મર્યાદામાં બંધાઈ રહેતો નથી, તે તેના રૂઢ માળખાને તોડીને નવું માળખું રચી આપે, કે તેની અંદર રહીને નવી ચેતના પ્રગટાવે. પણ આ રીતે, જ્યાં સુધી કેટલાંક મૂળભૂત લક્ષણો સાથે એનું માળખું ઓળખી શકાય ત્યાં સુધી, એ વિશિષ્ટ સ્વરૂપને ઓળખવામાં ઝાઝી મુશ્કેલી પડતી નથી. અહીં આપણને જે મુદ્દો અભિપ્રેત છે તે તો એ કે, વિશિષ્ટ સ્વરૂપની વિભાવના પણ જે-તે સ્વરૂપમાં ખેડાયેલી સાહિત્યકૃતિઓ વિશેના રૂઢ આકૃતિના ખ્યાલને રજૂ કરે છે. વિશિષ્ટ કૃતિની વિશિષ્ટ આકૃતિ કરતાં અહીં સર્વસામાન્ય રચનાતંત્રને શોધવાનો જ પ્રયત્ન હોય છે. પણ વિશિષ્ટ કૃતિઓ અને વિશિષ્ટ સાહિત્યસ્વરૂપોથીયે પર થઈને, વધુ વ્યાપક ભૂમિકાએથી, સાહિત્યમાત્રની આકૃતિનો વિચાર પણ થઈ શકે. હકીકતમાં, સાહિત્યકૃતિમાં આકૃતિ વિ. અંતસ્તત્ત્વને લગતો આખો વિવાદ આ ભૂમિકાએથી રજૂ થયો છે. દેખીતી રીતે જ, આ વિવાદ સાહિત્યની કોઈ અમૂર્ત કોટિની આકૃતિની વિભાવના પર આધારિત છે. એમાં વર્ણ્યવસ્તુ કે ભાવ જેવી અંતઃસામગ્રીના વૈશિષ્ટ્યનો ખાસ વિચાર થતો નથી; બલકે, વર્ણ્યવસ્તુ અને આકૃતિ પરસ્પરને સમાવતાં ન હોય (mutually exclusive) એવા કોઈ ભાગો લેખે તેનો વિચાર કરવાનું વલણ રહેલું છે. અહીં હવે વિશિષ્ટ કૃતિ કે વિશિષ્ટ સ્વરૂપનાં વિશિષ્ટ લક્ષણો લગભગ ગળાઈ જાય છે. આકૃતિનો માત્ર અમૂર્ત ખ્યાલ શેષ રહી જાય છે.

આકૃતિની વિચારણામાં આપણે ત્યાં અત્યારે એક સર્વથા નવું જ દૃષ્ટિબિંદુ મૂકવામાં આવ્યું છે. આપણા અગ્રણી વિવેચક સુરેશ જોષીએ આ વિશે વ્યાખ્યાવિચારણા કરતાં એવો મુદ્દો રજૂ કર્યો કે, સાહિત્યમાં આકૃતિ તે બાહ્ય કલેવર નથી, કે કૃતિનાં જુદાં જુદાં ઘટકતત્ત્વોની બાહ્ય જડ ઉપસ્થિતિ માત્ર પણ નથી. એ તો સર્વ ઘટકતત્ત્વોને એક સૂત્રે બાંધનારી રચના પ્રક્રિયાની મૂળભૂત શક્તિ સ્વયં છે; એટલે કે કૃતિમાં રહેલો એ actualizing principle છે અને રસનિષ્પત્તિની પ્રક્રિયા સ્વયં છે. તાત્ત્વિક દૃષ્ટિએ આ ભૂમિકા વિચારણીય છે. પણ અહીં એટલું જ નોંધીશું કે, આકૃતિનો આ ખ્યાલ ઉપરના ખ્યાલોથી જુદો છે. આગળના ખ્યાલોમાં ભાવકથી કંઈક નિરપેક્ષ રીતે કૃતિનાં બંધારણનાં તત્ત્વો અને તેનાં લક્ષણો પર વિશેષ ભાર હતો, અહીં ભાવકની ચેતનાના ગતિશીલ વ્યાપારનું આત્મલક્ષી પાસું પણ એમાં સમાવી લેવાનો પ્રયત્ન છે. આકૃતિ એ બાહ્ય ઘટકતત્ત્વોની સ્થૂળ ઉપસ્થિતિ રૂપ નહિ, પણ જે ચેતના દ્વારા એ સર્વ તત્ત્વો સંયોજાતાં આવે છે તે ચેતનાની પ્રવૃત્તિ રૂપે અહીં તેને સમજાવવામાં આવી છે.

વાસ્તવમાં, આધુનિક પાશ્ચાત્ય વિવેચન અને કળાવિચારણામાં ‘આકૃતિ’ની સંજ્ઞા એક અતિ સંકુલ અને અર્થબહુલ સંજ્ઞા બની ચૂકી છે. ત્યાં મૂળભૂત રીતે કળાતત્ત્વના સ્વરૂપ વિશે ઘણાં મત-મતાંતરો રહ્યાં છે. એટલે આકૃતિ વિશેની વ્યાખ્યાઓમાં પણ, એવાં મતમતાંતરોને કારણે સહજ જ દૃષ્ટિભેદ આવવાનો, અને એ કારણે ત્યાંના વિશાળ વિવેચનસાહિત્યમાં પણ આકૃતિ વિશે એટલી સુરેખ અને સ્પષ્ટ વ્યાખ્યાઓ કદાચ પ્રમાણમાં ઓછી જ મળવાની. આપણી વિવેચનામાં પણ આકૃતિની વિભાવના વિશે ઊંડી તાત્ત્વિક ચર્ચા ઘણી ઓછી જ થઈ છે. એ અંગે આપણે ત્યાં જો કંઈક વિચિત્ર બન્યું હોય તો તે એ છે કે, આકૃતિની કોઈ ચોક્કસ અર્થક્ષમ વ્યાખ્યા કર્યા વિના જ આકૃતિ વિ. અંતસ્તત્ત્વને લગતો ઘણોખરો વિવાદ ચાલતો રહ્યો છે. નવી વિવેચનાના સમર્થકોએ જ્યારે એમ કહ્યું કે, સાહિત્યમાં વિષયવસ્તુનું નહિ, તેની આકૃતિનું જ ખરું મહત્ત્વ છે, ત્યારે એ નવી વિચારસરણિના પ્રત્યાઘાત રૂપે જ કંઈક આ વિવાદ થયો, પણ આ વિષયમાં જોઈએ એવી તાત્ત્વિક માંડણી થઈ શકી નહિ. અંગ્રેજી વિવેચનની બીજભૂત એવી ‘ફૉર્મ’ સંજ્ઞાના પર્યાયો લેખે આપણા વિદ્વાનોએ ‘આકાર’ ‘ઘાટ’ ‘આકૃતિ’ ‘રૂપ’ શબ્દોના પ્રયોગો કર્યા, પણ કમનસીબે એમાં ‘ફૉર્મ’ સંજ્ઞાના પાયાના બધા સૂચિતાર્થો રજૂ થઈ શક્યા નહિ. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ નોંધ્યું છે તેમ, ‘આકાર’ ‘આકૃતિ’ વગેરે સંજ્ઞાઓ પહેલેથી જ એક બાજુ ઢળેલી રહી છે. એ કારણે સાહિત્યના એક પાયાના પ્રશ્ન વિશે આપણે ત્યાં જાણે કે આરંભથી જ ગેરસમજ થઈ. સાહિત્યમાં આકાર કે આકૃતિ એ કોઈક અંદરની ‘વસ્તુ’નું બાહ્ય કલેવર માત્ર હોય એવો ખ્યાલ આપણા વિવેચનમાં પ્રવર્તતો રહ્યો. સાહિત્યકાર કૃતિ માટે જે માનવવૃત્તાંત, ભાવ કે વિચારની સામગ્રી સ્વીકારે તે કૃતિનું ‘અંતરસ્તત્ત્વ’ છે, અને તેને જે ‘ઘાટ’ કે ‘આકાર’ આપે છે તે તો તેનું માત્ર બાહ્ય આવરણ છે એવો ખ્યાલ એમાં સૂચિત રહ્યો હતો. બીજી રીતે કહીએ તો, સાહિત્યકૃતિનું ‘અંતસ્તત્ત્વ’ જ તેના રસ અને સૌંદર્યની દૃષ્ટિએ પ્રાથમિક મહત્ત્વ ધરાવે છે, જ્યારે ‘આકાર’ તો તેને પાછળથી મળેલો ઓપ કે સંસ્કાર માત્ર છે. એ રીતે એ ઐચ્છિક અલંકરણની આગંતુક પ્રવૃત્તિમાત્ર છે. એટલે ‘અંતસ્તત્ત્વ’ની તુલનામાં તેનું એવું કોઈ ખાસ મૂલ્ય પણ નહિ. અલબત્ત, સાહિત્યની કૃતિ સર્વાંગસુંદર બને એ માટે એના વર્ણ્યવિષયની અભિવ્યક્તિ પણ સુંદર હોય, તેના મુખ્ય-ગૌણ વૃત્તાંતોનું સમુચિત સંકલન હોય, અને આખીયે કૃતિને કશુંક સૌષ્ઠવપૂર્ણ અને સમપ્રમાણ રૂપ મળ્યું હોય એ જરૂરી છે; પણ આ પ્રકારના રૂપનિર્માણથી મૂળની વસ્તુનું હાર્દ બદલાઈ જતું નથી, તેને માત્ર એક વ્યવસ્થા મળે છે, કે તેનું રહસ્ય પ્રકાશિત કરવાને સુયોજિત કેન્દ્ર રચાય છે. એટલે કે, કૃતિના રહસ્ય જોડે આકૃતિને એવો કોઈ ઊંડેરો સંબંધ જ નથી. આ જાતના ખ્યાલને લીધે આપણે ત્યાં આકૃતિની અવગણના કરવાનું વલણ આજ સુધી જારી રહ્યું.

પરંતુ, આધુનિક વિવેચનમાં આકૃતિનિર્માણ એક વિશેષ મૂલ્યવાળી પ્રવૃત્તિ લેખે પ્રતિષ્ઠિત થઈ છે. નવી કળામીમાંસાની એક પાયાની સ્થાપના એ રહી છે કે, કળાનું મૂલ્ય પ્રાપ્ત કરતી દરેક કૃતિ એક અખંડ, અવિભાજ્ય અને એકકોષી પદાર્થ છે. એમાં સર્જકના મૂળના ભાવ, વિચાર કે સ્પંદનને અલગ વસ્તુ રૂપે તારવી બતાવી શકાય જ નહિ. સર્જનની ક્ષણે કળાકાર – કે સાહિત્યકાર – જે ભાવ, વિચાર કે પ્રેરણાથી આરંભ કરે છે, તે મૂળ ‘વસ્તુ’ તો સર્જનની પ્રક્રિયા દરમ્યાન સતત રૂપાંતર પામતી રહે છે. આ સર્જનની પ્રક્રિયામાં માધ્યમ પણ વિધાયક ભાગ ભજવે છે. ક્ષણેક્ષણે સર્જકની સામે તે અંતઃક્ષમતા તાગી જોવાને જાણે કે ઈશારા કરે છે, અને એ રીતે સર્જક સામે તે પડકાર કરીને ઊભું રહે છે. માધ્યમની સૌંદર્યલક્ષી ક્ષમતા તાગી જોવાને સર્જક સભાન હોય તો આવા પડકારને તે ઝીલી લે છે. એ રીતે માધ્યમમાં રહીને અને તેની બહાર જઈને એમ એક સાથે બે સ્તરેથી તે કાર્ય કરે છે, અને તેના અંતરની સૂક્ષ્મતર ‘વસ્તુ’ને મૂર્તતા મળે છે. વસ્તુગત સહસંબંધ (objective correlative)ની પ્રાપ્તિ થતાં સર્જકના મૂળના ભાવ, વિચાર કે સ્પંદમાં નવું જ રહસ્ય સિદ્ધ થતું આવે છે. સાહિત્યના સર્જકની જો વિશેષ વાત કરીએ તો, સાહિત્યકળાનો સભાન સ્રષ્ટા ભાષાની અંતઃક્ષમતા તાગીને મૂળના ભાવ કે અર્થને નવું પરિમાણ અર્પતો હોય છે. કલ્પનો, પ્રતીકો અને દેવકથાઓના વિનિયોગ દ્વારા મૂળના ભાવની વ્યંજના વિસ્તરતી રહે છે. અને સમસ્ત રચનાપ્રક્રિયાને અંતે મૂળ ભાવ કે ભાવનામાં એટલા નવા સંસ્કાર બેઠા હોય છે કે, તેનું અંતરંગ પણ બદલાઈ ચૂક્યું હોય છે. એમાં આરંભની ક્ષણની કાચી ધાતુરૂપ સામગ્રી રૂપાંતર પામીને નવો જ અર્થ પ્રાપ્ત કરી ચૂકી હોય છે. માધ્યમ જોડે કામ કરતાં કરતાં સર્જકના અંતરની સૂક્ષ્મ અવ્યક્ત વસ્તુ જે રીતે માધ્યમમાં મૂર્ત થાય છે તેમાં હવે કશુંક પણ મૂળ ‘વસ્તુ’ના રૂપમાં અલગ તારવી શકાતું નથી. અર્થાત્‌, જે કંઈ મૂર્ત કૃતિ રૂપે રચાય છે તેથી પૂર્વકાલીન વસ્તુનો અલગ વિચાર કરવાનું હવે લગભગ અશક્ય બની જાય છે. માર્ક શોરર જેને achieved content કહે છે તેવી, એ ‘સંસિદ્ધ વસ્તુ’ આપણને માત્ર આકૃતિ રૂપે જ મળે છે. બીજી રીતે કહીએ તો, ‘વિષયવસ્તુ’ અને એનું ‘ફૉર્મ એવાં તો એકરૂપ અને એકાકાર થઈ ગયાં હોય છે કે, એમાં અંદરની અને બહારની એવી કોઈ ભિન્નતા જ સંભવતી નથી. સર્જનની પ્રક્રિયા દ્વારા, અને એને પરિણામે, મૂળની સામગ્રીમાં એટલા આમૂલ સંસ્કારો બેઠા હોય છે કે, હવે સાહિત્યકૃતિનો ખરો ભાવ કે ભાવાર્થ સિદ્ધ થયેલી સમસ્ત (આ)કૃતિ રૂપે જ પામી શકાય. આ દૃષ્ટિએ સાહિત્યમાં ‘અંતસ્તત્ત્વ’ (content) અને ‘આકૃતિ’ (form)નો અખંડ, અવિભાજ્ય અને અખિલાઈવાળી કૃતિના અલગ કરી શકાય તેવા ભાગો (components) રૂપે વિચાર જ થઈ શકે નહિ. આકૃતિનો, બહુબહુ તો, કૃતિના એક વિશેષ પરિમાણ કે પાસા લેખે જ વિચાર કરી શકાય. પણ એય કંઈ સરળ વાત નથી.

અન્ય લલિત કળાઓને મુકાબલે સાહિત્યની આકૃતિના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો સંભવે છે. સાહિત્યનું માધ્યમ ભાષા છે, અને ભાષાના સ્વરૂપની વિલક્ષણતાને કારણે વળી સાહિત્યમાં અંતસ્તત્ત્વ અને આકૃતિ વચ્ચે ભેદરેખા આંકવાનું અત્યંત મુશ્કેલ બની જાય છે. ચિત્રની આકૃતિનો પ્રશ્ન લો. ચિત્રનો સર્જક કૅન્વાસના ફલક પર રંગરેખા અને આકાર(shapes)નાં વિવિધ સંયોજન રૂપે જે રચના કરે છે, તે ભૌતિક કૃતિ રૂપે માધ્યમમાં અંકિત થઈ ચૂકી હોય છે. એમાં ચિત્રની આકૃતિનો એના વર્ણ્યવિષયથી કંઈક અલગ રૂપમાં વિચાર થઈ શકે. ચિત્રના સર્જકે માત્ર અમૂર્ત આકારોનું જ સંયોજન કર્યું હોય તો, ત્યાં એ આકારોના વિશિષ્ટ સંયોજન રૂપે તેની આકૃતિને પકડી શકાય; અને જ્યાં સામગ્રી લેખે માનવજીવનનો કોઈ પ્રસંગ લેવામાં આવ્યો હોય કે માનવહૃદયના વિશિષ્ટ ભાવનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું હોય કે પ્રકૃતિમાંના પદાર્થો આલેખવામાં આવ્યા હોય – એ દરેક પ્રસંગે રંગરેખા અને આકારોનાં સંયોજનો રૂપે ભૌતિક માધ્યમમાં રજૂ થયેલી આકૃતિનો પ્રમાણમાં સ્પષ્ટ ખ્યાલ તમે બાંધી શકો, આવા ચિત્રના સૌંદર્યાનુભવની ક્ષણે ભાવકના ચિત્તમાં જે બોધની પ્રક્રિયા ચાલે છે, તેમાં બાહ્ય આકૃતિ જોડે બિંબપ્રતિબિંબભાવે પ્રત્યક્ષ સંબંધ રચાઈ રહે છે. આમ ચિત્રમાં વર્ણવાયેલા માનવપ્રસંગથી કંઈક નિર-પેક્ષ રીતે એની આકૃતિનો વિચાર કરવાનું બની શકે. આકૃતિવાદી વિવેચકોએ તો ચિત્રનાં રચનાગત મૂલ્યો(plastic values)ના ઉત્કર્ષ માટે વર્ણ્યવૃત્તાંતને ગૌણ ગણવાનું કહ્યું હતું, અને શુદ્ધ આકૃતિના નિર્માણની દૃષ્ટિએ વર્ણ્યવિષય સ્વયં અપ્રસ્તુત જ છે એવો વિચાર પણ તેમણે રજૂ કર્યો હતો, તે સૂચક છે. ચિત્રની જેમ શિલ્પની કળામાંયે આકૃતિ એના ભૌતિક માધ્યમમાં કંડારાયેલી હોય છે, એમાં માધ્યમ રૂપે સ્વીકારેલા બ્રૉન્ઝ કે પથ્થરને મળેલો બાહ્ય આકાર, તેની ઘનતા, તેનું પોત, તેના વળાંકો અને પોલાણરૂપ અવકાશો વગેરે સર્વ પાસાંઓને લક્ષમાં લઈને તેની આકૃતિનું પણ ગ્રહણ થઈ શકે, અને આ કળામાંયે આકૃતિની એની વર્ણ્યવસ્તુથી કંઈક અલગ રૂપે વિચારણા કરી શકાય. સંગીતની કૃતિમાં વળી નિશ્ચિત સ્થાને આવેલા સૂરોના ચોક્કસ સંબંધોને લીધે તેનાં વિશિષ્ટ સંયોજનો અને આરોહ-અવરોહ રૂપે આકૃતિનો વિચાર થઈ શકે. જોકે સૂર એ શ્રુતિગોચર ક્ષણજીવી તત્ત્વ છે. અવાજનો જન્મ થાય કે તરત જ તે વિરમી જાય છે. એટલે સૂરોનાં અનંતવિધ સંયોજનો અને પરસ્પરના સંબંધોની સંકુલતાને સાથે લેવાનું લગભગ અશક્ય બની જાય છે. પણ એમાં કેટલીક ચોક્કસ તરાહો, ગતિ, લય, વિરામ આદિ તત્ત્વોને પકડીને એની આકૃતિનો વિચાર થઈ શકે. અને મહત્ત્વની વાત એ છે કે, સંગીતમાં પરિચિત જગતના પદાર્થોનું પ્રતિનિધાન (representation) કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. સંગીતમાં, ખરેખર તો, ‘અંતસ્તત્ત્વ’ (content) જેવું કંઈ હોતું જ નથી; અથવા, એમાં જે કંઈ ‘અંતસ્તત્ત્વ’ રૂપ છે, તે તેની આકૃતિ (form) જોડે કેવળ અભેદ અવસ્થાને પામે છે. શુદ્ધ કળાનો એક મહાન આદર્શ એ રીતે સંગીતમાં મૂર્ત થયો છે. સંગીતકૃતિ એક સ્વતંત્ર સ્વાયત્ત આત્મનિર્ભર જગત છે; ‘વિચાર’ કે ‘અર્થ’ના માધ્યમ વિના એ ભાવસૃષ્ટિ રચે છે. પણ, સાહિત્યમાં, આ રીતે, વર્ણ્યવસ્તુથી સર્વથા નિરપેક્ષ રીતે આકૃતિનો વિચાર થઈ શકે નહિ. સાહિત્ય એ શબ્દની કળા છે, અને શબ્દને એનો રૂઢ અર્થસંકેત હોય છે. અલબત્ત, સમર્થ સર્જક શબ્દના રૂઢ અર્થને અવરોધીને કે નકારીને તેમાં વિશેષ સૂચનશક્તિ મૂકી દેતો હોય છે. તે પોતાની સંવેદનાને વ્યક્ત કરવા મથે છે ત્યારે શબ્દની અંતઃક્ષમતાને તે તાગી જુએ છે. આથી સાહિત્યની કૃતિમાં એકીસાથે અનેક સ્તરે ભાવ અને અર્થની વ્યંજના વિસ્તરી રહે છે. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે, શબ્દ અને અર્થ બંને સૂક્ષ્મ તત્ત્વો છે. શબ્દો તો ઉચ્ચારતાં વેંત જ ગતિ કરીને પોતાથી બાહ્ય એવા પદાર્થ (કે અર્થ)નો નિર્દેશ કરીને વિરમી જાય છે. તે સાથે જ તે ભાવકના ચિત્તમાં અંદરની સૃષ્ટિને પણ જગાડી જાય છે. સાહિત્યમાં આપણને ભાવ અને અર્થોની જે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે એવી તો સંકુલ અને સૂક્ષ્મતમ હોય છે કે, તેમાં ‘અંતસ્તત્ત્વ’ અને ‘આકૃતિ’ જેવાં બે અલગ પાસાંનો વિચાર કરવાનું સરળ નથી. ચિત્ર કે શિલ્પને ભૌતિક માધ્યમમાં અંકિત થયેલી જે આકૃતિ મળી હોય છે તેવી કોઈ દૃશ્યાત્મક આકૃતિનો અહીં પ્રશ્ન જ નથી. જોકે આધુનિક કવિતામાં કેટલીક વાર મુદ્રણના ચિત્ર રૂપે વિશેષ આકારો રચવામાં આવ્યા હોય એમ જોવા મળશે; પણ એ આકારોને સાહિત્યની ખરેખરી આકૃતિ કહી શકાય નહિ. એ જ રીતે, નર્યા અવાજના સ્તરેથી પણ સાહિત્યની શ્રુતિગોચર આકૃતિનો વિચાર કરી શકાય નહિ. જોકે પદ્યબંધ કે ગદ્યમાં વિશિષ્ટ વર્ણસંઘટના, પ્રાસ, યમક, લય આદિ તત્ત્વોમાંથી અવાજની અમુક ચોક્કસ તરાહો ઊપસતી જોઈ શકાય અને સંકુલ આકૃતિની અંતર્ગત આકૃતિના અંશ રૂપે તેને જરૂર જોઈ શકાય; પણ સાહિત્યની આકૃતિને માત્ર શબ્દની ભૂમિકાએથી ઓળખવાનું પૂરતું નથી. ક્યાંક અર્થસંદર્ભના સ્તરેથી જ એનો વિચાર કરવાનો રહે. પણ આ વિશે પણ જુદા જુદા વિવેચકો કોઈ એક ચોક્કસ સ્તરેથી વિચાર કરતા નથી. એટલે એમાં સહજ રીતે જ સંદિગ્ધતા રહી જાય છે.

સાહિત્યના સર્જન વિશેની આધુનિકોની સ્થાપના આપણે સ્વીકારીએ એ સાથે જ કૃતિની આકૃતિ અને રચના પ્રક્રિયાનું એકદમ મહત્ત્વ વધી જાય છે. સાહિત્યની ‘આકૃતિ’ એ હવે કોઈ આકસ્મિક નીપજ નથી, કૃતિના અંતરંગ જોડે તેને સજીવ સંબંધ સ્થપાયો છે. સર્જનની સમસ્ત પ્રક્રિયાની પરિણતિ રૂપે જ આપણને આકૃતિ પ્રાપ્ત થાય છે. એટલે કૃતિમાં ઉદ્‌ભાસિત થતા રહસ્યને પામવા માટે, ધારી લીધેલી વર્ણ્યવસ્તુનો નહિ, પણ તેની સમસ્ત આકૃતિનો જ વિચાર કરવો ઘટે. આકૃતિની અંતર્ગત, હવે, માત્ર વૃત્તાંતોનું સંકલન કે ગૌણપ્રધાન પ્રસંગોની ગૂંથણીનો જ પ્રશ્ન સમાતો નથી. એથી સૂક્ષ્મ સ્તરે ઊતરીને વિવિધ ભાવસંદર્ભોનું અંતઃસૂત્ર, શૈલીનાં રૂપો, રચનાની પ્રયુક્તિઓ (devices), ટેક્‌નિક, અભિવ્યક્તિની લઢણો અને લય આદિ સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વોનો ખ્યાલ કરવાનો રહે છે. વળી ટેક્‌નિકના ભાગ રૂપે લેખકના પરિપ્રેક્ષ્ય(perspective)નોય વિચાર કરવાનો રહે. સર્જક પોતાની વર્ણ્યવસ્તુને કેવી રીતે જુએ છે, તેની જોડે કેવા તણાવમાં તે મુકાય છે, પરિસ્થિતિના અવલોકનમાં તિર્યકતા કે વક્રતાનું તત્ત્વ ક્યાં પ્રવેશે છે, કઈ રગમાં તે બોલે છે – એવી બાબતોનો વિચાર પણ જરૂરી છે; તો, ભાષાના માધ્યમનો તે કેવો તાગ લે છે, અર્થ ને ભાવની વ્યંજના વિસ્તારવાને અને કૃતિની સમૃદ્ધિ વધારવાને કલ્પનો, પ્રતીકો આદિનો વિનિયોગ તે શી રીતે સાધે છે, અને કૃતિના અર્થની વ્યંજકતા વિકસાવવાને તેના વ્યાપમાં કેવાં કેવાં વિરોધી તત્ત્વોનું રસાયન તે કરી લે છે, એવી બધી બાબતોનો પણ આકૃતિની અંદર જ ખ્યાલ કરવાનો રહે. આ રીતે જોઈએ તો, આકૃતિ દ્વારા સમગ્ર અભિવ્યક્તિ અને રચનાગત તત્ત્વોનું મૂલ્ય ઓળખવાનો એ એક અભિગમ બની રહે છે. આકૃતિનો આ ખ્યાલ ઘણો વ્યાપક અને સર્વગ્રાહી છે. પણ એ કારણે જ તેની ચોક્કસ અને સુરેખ વ્યાખ્યા બાંધવાનું શક્ય બનતું નથી.

સાહિત્યમાં ‘આકૃતિ’ વિશે નિશ્ચિત વ્યાખ્યા બાંધવાની બાબતમાં, આમ, બધી બાજુએથી તાત્ત્વિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે જ છે, છતાં, સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્વાનોનો એક વર્ગ જે પરંપરા જોડે બંધાયેલો છે, તે ‘આકૃતિ’ સામે ‘અંતસ્તત્ત્વને મૂકીને ‘અંતસ્તત્ત્વ’નો વિશેષ મહિમા કરતો રહ્યો છે; જ્યારે આધુનિકોનો એક વર્ગ ‘અંતસ્તત્ત્વ’નો અલગ તત્ત્વ રૂપે અસ્વીકાર કરીને માત્ર ‘આકૃતિ’નો જ મહિમા કરે છે. અને અહીંથી ‘અંતસ્તત્ત્વ’ વિ. ‘આકૃતિ’ના વિવાદમાં એક નવી ભૂમિકા ઊભી થાય છે. વિદ્વાનોનો જે વર્ગ ‘અંતસ્તત્ત્વ’નો અલગ સ્વીકાર કરીને ચાલે છે તેઓ કંઈક એમ માનતા જણાય છે કે, સાહિત્યમાં ‘અંતસ્તત્ત્વ’ કૃતિની ઉચ્ચાવચતામાં નિર્ણાયક તત્ત્વ બને જ છે. આપણે ત્યાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર આદિ વિદ્વાનોએ એવી ભૂમિકા સ્વીકારેલી છે. એ પૈકી ઉમાશંકરે સાહિત્યમાં આકૃતિનો મહિમા સ્વીકાર્યો છે અને સર્જકતાના આધુનિક ખ્યાલમાંથી મહત્ત્વનો અંશ તેમણે પુરસ્કાર્યો છે, તોપણ કૃતિમાં પ્રવેશતું ‘દર્શન’ તેનાં પરિમાણો બદલી શકે છે, એમ તેઓ કહે છે. તેમની મુખ્ય દલીલ એ રહી છે કે, સાહિત્યનું માધ્યમ શબ્દ છે, શબ્દની જોડે અનિવાર્યતયા અર્થ સંકળાયેલો રહ્યો છે, અને અર્થસંદર્ભની સાથોસાથ જ સાહિત્યકારનાં ભાવ અને ભાવના કૃતિમાં પ્રવેશતાં જ હોય છે. આ ભૂમિકાએથી ઉમાશંકરે એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે, રચનાકળાની દૃષ્ટિએ સફળ ગણાયેલી બે કૃતિઓ પૈકી જેમાં ભાવ અને ભાવનાની સમૃદ્ધિ વિશેષ હોય છે તે કૃતિ બીજી કરતાં વધુ પ્રભાવશાળી નીવડવા સંભવ છે. આ સંદર્ભમાં પ્રસિદ્ધ પાશ્ચાત્ય સર્જક-વિવેચક એલિયટે રજૂ કરેલું દૃષ્ટિબિંદુ પણ નોંધપાત્ર છે. તેમણે એમ કહેલું કે, સાહિત્યની કોઈ કૃતિ ખરેખર સાહિત્યકૃતિ બની છે કે નહિ તેનો નિર્ણય સાહિત્યકળાનાં ધોરણોથી થઈ શકે, પણ એ સાહિત્યકૃતિ મહાન બની છે કે નહિ તેનો નિર્ણય તો જીવનના સંદર્ભમાં જ થઈ શકે. અર્થાત્‌ સાહિત્ય-કૃતિની મુલવણીમાં તેમાં રજૂ થયેલાં ભાવ અને ભાવનાની સંકુલતા અને સમૃદ્ધિનો વિચાર પણ આવશ્યક બની જાય છે. આથી ભિન્ન દૃષ્ટિબિંદુ આકૃતિવાદી વિવેચકોનું છે. આપણે ત્યાં સુરેશ જોષીની વિચારણા એ રીતે ધ્યાનપાત્ર છે. તેમણે એમ કહ્યું કે, પ્રત્યેક સાહિત્યકૃતિને તેનું પોતીકું અને અપૂર્વ એવું રહસ્ય હોય છે. એટલે ભિન્નભિન્ન રહસ્ય ધરાવતી સાહિત્યકૃતિઓની તુલના કરવાનો પ્રયત્ન જ બરોબર નથી. વળી સાહિત્યની જુદી જુદી કૃતિઓમાં ઉચ્ચાવચતાનો વિચાર કરવાનું પણ ઇષ્ટ નથી. દરેક કૃતિ રસાસ્વાદની દૃષ્ટિએ સમાન મહત્ત્વવાળી સંભવે છે. કૃતિમાં કોઈ ઉદાત્ત વિચાર કે ભાવના કે દર્શન રજૂ થયું હોય, એ કારણે જ તે મહાન બની જાય એવું પણ નથી. ખરું મહત્ત્વ તો કવિકર્મનું છે. કૃતિમાં રચનાકળાની કેટલી સૂક્ષ્મતા આવી શકી છે, સર્જકે ભાષાના માધ્યમનો કેવો તાગ લીધો છે, ગૂઢ-અતિગૂઢ સંવેદનને અભિવ્યક્તિ આપવામાં તે કેટલો સફળ રહ્યો છે વગેરે બાબતો જ વિવેચક માટે તો મહત્ત્વની છે. સુરેશ જોષી એમ પણ કહે છે કે, સાચો કવિ તો એકાદ પંક્તિમાં જ આપણી અનુભૂતિનાં પરિમાણો વિસ્તારી દે એમ બને. સાહિત્યમાં ‘અંતસ્તત્ત્વ’ અને ‘આકૃતિ’ના તાત્ત્વિક પ્રશ્નો આમ એક બાજુ સર્જકતાના ખ્યાલ જોડે સંકળાયેલા છે, તો બીજી બાજુ આસ્વાદ-અવબોધના તાત્ત્વિક પ્રશ્નો પણ એમાં જોડાઈ જાય છે. આકૃતિવાદી વિવેચકો સાહિત્યની ‘અંતસ્તત્ત્વ’રૂપ કાચી સામગ્રીનો તો અલગ વિચાર કરતા નથી. તેઓ સ્પષ્ટ માને છે કે સર્જનની પ્રક્રિયા દરમ્યાન એ સામગ્રીનું રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. કૃતિમાં સર્જનપ્રક્રિયાને પરિણામે જે કંઈ નવું રહસ્ય ઉદ્‌ભાસિત થઈ ઊઠે છે, તેનું જ તો ખરું મહત્ત્વ છે. એ રહસ્ય પામવા માટે આકૃતિનો એટલે કે રચનાપ્રક્રિયાનો જ ઝીણવટભર્યો વિચાર કરવો પડે. એ રીતે સાહિત્યકૃતિનો ખરો ‘અર્થ’ સમગ્ર કૃતિ છે : તેમાંથી તારવેલો મૂઠીભર વિચાર કે ભાવના તે તેનો ‘અર્થ’ નથી. વાસ્તવમાં, સર્જનની પ્રક્રિયા દરમ્યાન જ વિચાર કે ભાવનાનું કૃતિમાં એવું રસાયન થઈ ચૂક્યું હોય છે કે, કૃતિના આસ્વાદમાં તેનો અલગ બોધ શક્ય જ નથી. અને એ કારણે કૃતિના મૂલ્યાંકનમાં વિચાર કે ભાવનાની ઉદાત્તતા કે મહાનતાને કોઈ રીતે ઉચ્ચાવચતાનું ધોરણ ગણી શકાય નહિ. આ રીતે ‘અંતસ્તત્ત્વ’ વિ. ‘આકૃતિ’નો વિવાદ કૃતિવિવેચનના સ્વરૂપ અને પ્રયોજનને પણ સીધો સ્પર્શે છે. છતાં એ વિશે કોઈ છેવટનો ઉત્તર રજૂ કરવાનું ઘણું મુશ્કેલ છે.

૧૦

હવે, જેઓ સાહિત્યમાં ‘અંતસ્તત્ત્વ’નો અલગ સ્વીકાર કરતા નથી, તેઓ પણ કૃતિની પ્રભાવકતા વિશે જુદો જુદો અનુભવ ધરાવતા હોય છે. કૃતિની સૂક્ષ્મતા, સંકુલતા કે વ્યંજનાની સમૃદ્ધિનો તેઓ સ્વીકાર કરતા હોય છે. વળી કૃતિના રહસ્યનો તાગ મેળવવાના પ્રયત્નમાં તેમને ક્યારેક એમ પણ લાગે કે રચનાપ્રક્રિયા, અભિવ્યક્તિ, શૈલીગત રૂપો અને ભાષાકર્મના અવલોકનમાત્રથી કૃતિના અંતરતમ સુધી બધું બરોબર સ્પષ્ટ થઈ જતું નથી : સમગ્ર કૃતિની વ્યંજના રૂપે ઉદ્‌ભાસિત થતા રમણીય અંશને માત્ર ભાષાના અન્વયો, શૈલીગત રૂપો કે સંવિધાનના સ્તરેથી બરોબર સમજાવી શકાતો નથી. કૃતિમાં જે કંઈ ચમત્કૃતિજનક છે તેનું ઊગમબિંદુ જાણે કે રચનાપ્રક્રિયાના પરિમાણની બહાર રહી જતું લાગે છે. એટલે, રચનાપ્રક્રિયા કે આકૃતિની આટલી ઓળખ કદાચ કૃતિના હાર્દને પૂર્ણ પ્રકાશિત કરવામાં પર્યાપ્ત બનતી નથી. અને, કંઈક રસપ્રદ બાબત તો એ છે કે, સાહિત્યમાં આકૃતિ જ પ્રાણભૂત તત્ત્વ છે એમ કહી જેઓ રચનાપ્રક્રિયાનો વિચાર આરંભે છે, તેઓ પણ જાણ્યેઅજાણ્યે કૃતિના ભાવજગતની સૂક્ષ્મતા, સંકુલતા અને ગહનતાનો સ્વીકાર કરે છે; અને એવી કૃતિ માટે પોતાની રુચિ પણ પ્રગટ કરે છે. ક્યારેક આધુનિક માનવપરિસ્થિતિ કે અસ્તિત્વવિષયક સંવેદનાને વળી આધુનિક યુગબોધના સંદર્ભમાં તેઓ પુરસ્કારે પણ છે. કદાચ એવી સંવેદનાને સ્પષ્ટ રૂપમાં તેઓ મૂલવવા ચાહતા નથી, તોપણ, એવી સંવેદનસૃષ્ટિ માટે તેમનો પક્ષપાત પ્રગટ થઈ જાય છે. પ્રશ્ન, અલબત્ત, સાહિત્યરુચિનો પણ છે. પણ એ ખરું કે આકૃતિવાદી વિવેચના રચનાપ્રક્રિયાના પરિમાણની બહાર જાય છે, ત્યારે તે વધુ સમૃદ્ધ અને ફલવતી લાગે છે. પણ ‘અંતસ્તત્ત્વ’ની ભૂમિકાએથી જ જેઓ વિવેચનપ્રવૃત્તિ આરંભે છે તેમની સામે પણ જોખમ ઓછું નથી. તેઓ સાહિત્યકૃતિના સૌંદર્યની વિચારણાના ભાગ રૂપે આકૃતિ કે રચનાસંવિધાનનો ઓછોવત્તો વિચાર કરવા પ્રેરાય તોપણ, કૃતિમાંના ભાવ, ભાવના કે દર્શન પર જ તેમનું વિશેષ ધ્યાન ઠર્યું હોય છે. એ સાથે જ, સાહિત્યમાં રજૂ થયેલો માનવવૃત્તાંત કે માનવપ્રશ્ન વિશ્વજીવનના સંદર્ભમાં કેટલો મહત્ત્વનો બને છે તે પણ તેમની દૃષ્ટિના વર્તૃળમાં આવે છે. પણ આ વિવેચનાત્મક અભિગમ સામે સૌથી મોટું ભયસ્થાન એ છે કે, કૃતિમાં – અને કૃતિ રૂપે જ રજૂ થયેલા પ્રશ્નને યથાર્થ રૂપે પામવાને બદલે એની આસપાસના સમાજના એના જેવા કોઈ બાહ્ય પ્રશ્નોની જ ચર્ચા એમાં થવા લાગે. કેટલીક વાર કૃતિના રચનાત્મક સંવિધાનની સૂક્ષ્મતાને અવગણીને માત્ર એમાંના ‘જીવનદર્શન’નો જ વિચાર કરવામાં આવે છે, પણ એથી તો, સર્જનપ્રવૃત્તિનો સમૂળગો જ છેદ ઊડી જતો હોય છે. વિવેચનની મૂળભૂત અનિવાર્યતા તો સમસ્ત કૃતિની રચના પ્રક્રિયામાંથી વ્યંજિત થતા રહસ્યની પ્રતીતિ કરવાની હોય છે. સાહિત્યમાં ‘અંતસ્તત્ત્વ’નું ‘આકૃતિ’ દ્વારા ‘નિગરણ’ થાય છે, એ હકીકત સ્વીકારીએ તો એમ ફલિત થાય કે ‘અંતસ્તત્ત્વ’ને ‘આકૃતિ’થી સ્વતંત્ર રીતે કોઈ મહત્ત્વ નથી. પણ, તેથી ‘આકૃતિ’ કંઈ ‘અંતસ્તત્ત્વ’થી પર એવી વસ્તુ પણ નથી. ‘અંતસ્તત્ત્વ’ના જ વિશિષ્ટ પરિમાણ અને વિશિષ્ટ સંવિધાન રૂપે આકૃતિ સંભવે છે. અને એ કારણે આકૃતિની પ્રભાવક્તામાં માત્રાભેદ હોઈ શકે. હવે આ બિંદુએથી આ આખાયે પ્રશ્નની ફેરતપાસ થવી જોઈએ. આધુનિક વિવેચનના સામે અહીં એક મોટો પડકાર ઊભો થયો છે. એનો કોઈ અંતિમ સમાધાનકારી ઉત્તર ભલે ન મળો, એ માટેની શોધનું જ કંઈ ઓછું મહત્ત્વ નથી.

સંદર્ભસૂચિ

૧. ‘કાવ્યમાં શબ્દ’, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ‘આકૃતિ કે રૂપ’ એ લેખ.
૨. ‘કવિની સાધના’, ઉમાશંકર જોશી, ‘કવિની સાધના’ એ લેખ.
૩. ‘કવિની શ્રદ્ધા’, ઉમાશંકર જોશી, ‘કવિની શ્રદ્ધા’ એ લેખ.
૪. ‘કાવ્યચર્ચા’, સુરેશ જોષી, ‘આપણું કાવ્યવિવેચન’ ‘થોડી કાવ્યચર્ચા વિષે’ ‘દક્ષિણદૃષ્ટિ વિવેચન’ વગેરે લેખો.
૫. ‘કથોપકથન’, સુરેશ જોષી, ‘નવલકથા વિષે’ એ લેખ.
૬. ‘શ્રૃણ્વન્તુ’, સુરેશ જોષી, ‘વિવેચનનો અંત?’ એ લેખ.
૭. ‘ભાવયિત્રી’, ડૉ. જયંત પાઠક, ‘કાવ્યવિચાર’ એ લેખ.
૮. ‘આધુનિક કવિતા’, નિરંજન ભગત, પૃ. ૪૧.
૯. ‘રૂપસૃષ્ટિમાં’, ગુલાબદાસ બ્રોકર, ‘સર્જનાત્મક સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ’ એ લેખ.
૧૦. Oxford Lectures on Poetry, A. C. Bradley, ‘Poetry for Poetry’s Sake’.