શબ્દલોક/આજની ગુજરાતી કવિતાનું સંવેદન
[ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૭૭ના ફેબ્રુઆરીમાં સુરતમાં યોજાયેલા પરિસંવાદમાં રજૂ કરેલો નિબંધ.]
મારા વક્તવ્યને અનુલક્ષીને આરંભમાં જ હું એમ સ્પષ્ટતા કરી લેવા ચાહું છું કે આપણી આજની કવિતા વિશે સર્વગ્રાહી વિચારણા કરવાનું અહીં શક્ય બન્યું નથી. આજે આપણી કવિતાના ક્ષેત્રમાં જાણીતા ઓછા જાણીતા જે બધા કવિઓ અર્પણ કરી રહ્યા છે તે સર્વની કાવ્યપ્રવૃત્તિ વિશે અલગ અલગ વાત કરવાને અહીં દેખીતી રીતે જ અવકાશ નથી. એટલે આજની કવિતામાં વ્યક્ત થતાં સંવેદનો વિશે સામાન્યપણે વિચાર કરી તેમાં પ્રગટ થતાં મુખ્ય મુખ્ય વલણો તારવવાનો આપણો પ્રયત્ન હશે. એ સાથે આજની કવિતાનો આગવો સ્વર કે તેનો રણકો ઓળખવાનોય આપણે પ્રયત્ન કરીશું. પણ આ વિષયમાં આગળ જઈએ તે પહેલાં ‘સંવેદન’ સંજ્ઞાથી આપણા મનમાં શું અભિપ્રેત છે તેનો થોડો નિર્દેશ કરી લઈએ. કેમ કે, આપણા વિવેચનની પાયાની અનેક સંજ્ઞાઓની જેમ એ સંજ્ઞા પણ ઘણી સંદિગ્ધ રહી ગયેલી છે. સામાન્ય રીતે ‘લાગણી’, ‘ભાવ’, ‘અનુભૂતિ’ કે એવા જ કંઈ અર્થમાં આપણે એ સંજ્ઞાને પ્રયોજતા હોઈએ છીએ. પણ કવિતાનું સંવેદન ખરેખર શી વસ્તુ છે? કવિનો બાહ્ય જગત વિશેનો એ પ્રતિભાવ માત્ર છે કે તેના ચિત્તનો એ સ્વયંભૂ ઉદ્ગાર છે કે પછી તેના બાહ્ય જગત જોડેના સંનિકર્ષમાંથી જાગતી એ કોઈ સંકુલ લાગણી છે? અને આ સંદર્ભમાં સંવેદન, તે કોનું? સર્જકના કે ભાવકના, કોના સંવેદનને આપણે ચર્ચા માટે પ્રમાણભૂત ગણીશું? જોકે, કવિતાનું સંવેદન એટલે વળી, ન સર્જકનું ન ભાવકનું પણ કૃતિમાં જ મૂર્ત થયેલું સંવેદન, એમ આપણે કહેવા પ્રેરાઈએ. પણ તો તો વળી વ્યક્તિનિરપેક્ષ સંવેદન સંભવી શકે કે કેમ એવા એક તાત્ત્વિક પ્રશ્ન આગળ આપણે આવી ઊભીએ છીએ. પણ અહીં એ તાત્ત્વિક વિવાદમાં ઊતરવું નથી. માત્ર સંવેદનના સ્વરૂપ વિશે આપણા મનમાં જે એક ખ્યાલ છે તેનો નિર્દેશ કરીને આગળ ચાલીશું. તો, કવિતાનું સંવેદન છે તેના ભાષાકીય સંદર્ભથી વ્યંજિત અને વ્યાકૃત થતું સંવિત્તિનું વિશિષ્ટ રૂપ. કવિને સર્જનની ક્ષણોમાં ભાષાના માધ્યમ સાથે કામ પાડતાં પાડતાં સમસ્ત રચનાપ્રક્રિયાને અંતે એ પ્રાપ્ત થયું હોય છે. શબ્દ, અર્થ, લય, કલ્પન, પ્રતીક, પુરાણ-કથા આદિ ઘટકોના રચનાત્મક સંવિધાનમાંથી એ પ્રગટ થઈ જાય છે. એનો અર્થ એ થયો કે ભાષાનાં વિભિન્ન તત્ત્વોનું સંયોજન, વિવિધ સ્તરે અર્થની તરેહો, પદ વાક્ય કે વાક્યખંડના અન્વયો અને કાકુઓ, લયના વિવિધ વિવર્તો, અન્વયમાં નિહિત રહેલા આંતરિક તણાવો – એ બધુંય કૃતિના સંવેદનમાં વિશિષ્ટતા આણે છે. ભાષામાં કવિ જે કંઈ નોંધે છે તે કેવળ બાહ્ય જગતનો પ્રતિભાવ માત્ર હોતો નથી, તેમ તેની સ્વયંભૂ ઊર્મિનો આકસ્મિક ઉદ્ગાર પણ તે હોતો નથી. રચનાની પ્રક્રિયા સભાનપણે અમુક ચોક્કસ પ્રયોજનને અનુવર્તીને ચાલતી હોય છે, અને ભાષાકીય તત્ત્વો પણ રચનાની પ્રક્રિયામાં વિધાયક બળ બનીને પ્રવેશે છે. એનો અર્થ એમ થયો કે સર્જનની ક્ષણોમાં સર્જકની સંવિત્તિ પોતાનાથી ઇતર એવી વસ્તુ સાથે ક્રિયા પ્રતિક્રિયા દ્વારા આકારાતી રહે છે. બાહ્ય વિશ્વના પદાર્થો સૂર્ય વૃક્ષ સાગર પંખી વગેરે કૃતિમાં પ્રવેશે છે ત્યારે બાહ્ય જગતના એ પદાર્થોને તટસ્થ નિષ્ક્રિયભાવે જોવાનો એ પ્રસંગ નથી, સર્જકની સંવિત્તિમાં તે કશુંક રૂપાંતર આણે છે. સર્જનમાં પ્રવૃત્ત થયેલા કવિનો ‘હું’ કોઈ સામાજિક વ્યક્તિ નથી. જ્ઞાત અને અજ્ઞાતના સંધિસ્થાનેથી અંતર અને બહારનું અખિલાઈમાં ગ્રહણ કરવા મથતી એ વિલક્ષણ કોટિની સંવિત્તિ છે. લૌકિક સ્તરના સંવેદન (sensation) કે વસ્તુગ્રહણ (perception) કરતાં એ વધુ ગહન ચૈતસિક ઘટના સંભવે છે. અને એની ગતિને ઓળખવા શબ્દસંદર્ભ સિવાય આપણી પાસે બીજું કોઈ સાધન રહેતું નથી. એટલે જ આપણે જ્યારે કવિતાનાં સંવેદનો વિશે વાત કરવા ધારી છે ત્યારે સહેજે આપણી દૃષ્ટિ આપણા કવિઓના ભાષાસંદર્ભો પર વિશેષ ઠરશે.
*
આપણે સૌ જાણીએ છીએ કે સ્વાતંત્ર્યોત્તર સમયમાં અદ્યતનવાદી વિચારવલણોની પ્રેરણા અને પ્રભાવ હેઠળ આપણા સાહિત્યમાં કેટલુંક મૂળભૂત પરિવર્તન આરંભાયું, નવાં પરિબળોની ઉત્કટ અસરો સૌ પ્રથમ કવિતામાં વરતાઈ. તરુણ કવિઓએ એ સમયે રૂઢ કાવ્ય પ્રકારો અને શૈલીઓથી વિમુખ થઈ નવા નવા આકારો અને નવી નવી શૈલીઓ સિદ્ધ કરવાનું વલણ કેળવ્યું. એ આખો તબક્કો જ પ્રયોગશીલતાનો હતો. કવિતાની કળા અને સર્જકતા વિશે ત્યારે નવા નવા ખ્યાલો પ્રકાશમાં આવ્યે જતા હતા. તો, આધુનિક યુગના માનવી વિશે નિરાશાવાદી વિચારવલણો પણ પ્રસરતાં જતાં હતાં. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના યુગમાં માનવી કેવી ત્રિશંકુ દશા (precarious condition)માં મુકાઈ ગયો છે, તેના પ્રગતિ સભ્યતા કલ્યાણ વગેરે ખ્યાલો કેવા તો ભ્રામક પુરવાર થયા છે, તે વિશેની અતિ કરુણ તીવ્ર સભાનતા નવી પેઢીના સાહિત્યકારોમાં વ્યાપી રહી હતી. આથી સ્થાપિત સમાજ સંસ્કૃતિ અને કહેવાતાં શાશ્વત મૂલ્યો સામે તરુણોએ વિદ્રોહ કર્યો. સમુદાયથી અલગ થઈને આત્મસંજ્ઞા માટેનો પ્રયત્ન તેમણે આરંભ્યો. આવી પરિસ્થિતિમાં આપણી કવિતાનું સંવેદન અને સ્વર મૂળથી બદલાવા લાગ્યાં. વ્યક્તિજીવનની એકલતા, વિફલતા, વિચ્છિન્નતા કે નિસ્સારતાનો ભાવ તેમાં પ્રગટ થવા લાગ્યો, તરુણ કવિ હવે અંતર્મુખ બન્યો. બહારના જગતને પ્રમાણવાનું તેને દુષ્કર લાગ્યું એટલે જ કદાચ તે અંતરના જગતને ઓળખવા મથ્યો. પરિચિત વ્યવહારજગતના સંબંધો અને ખ્યાલોથી પર થઈ નગ્ન વાસ્તવિકતાનો સામનો કરવાનો એ પ્રયત્ન હતો. વિચાર અને વાદનાં કૃતક આવરણોને છિન્નભિન્ન કરી દઈ અંતઃકેન્દ્રની કૂટ વાસ્તવિકતા તરફ વળવાનો એ અભિગમ હતો. ભાષાના અન્વયોની બહાર, પદાર્થ પદાર્થ વચ્ચેના અવકાશમાં જે કંઈ કૂટ આદ્ય પ્રકૃતિરૂપ, Irrational Being રૂપ પડ્યું છે તેને તાગવાને તરુણ કવિઓએ મથામણ આદરી. દેખીતું છે કે ગાંધીયુગના કવિઓથી આ તદ્દન નિરાળો અભિગમ હતો. ગાંધીયુગના કવિઓ સામે જે જગત વિસ્તર્યું હતું તેમાં ગાંધીજી જેવી લોકોત્તર વિભૂતિ હતી. વિશ્વના તંત્રમાં એ વિભૂતિએ ચોક્કસ અર્થ અને પ્રયોજન જોયાં હતાં. માનવજાતિના વિકાસમાં તેને અખૂટ શ્રદ્ધા હતી. એ યુગના કવિઓમાં જે ભાવનાઓ અને ભાવસંવેદનાઓ પાંગર્યાં તેની શ્રદ્ધાભૂમિ નક્કર હતી. સ્વાતંત્ર્યોત્તર સમયની કવિતામાં આવી શ્રદ્ધાભૂમિ જ નષ્ટ થઈ ગયેલી દેખાય છે. પચાસ પંચાવન પછી આપણે ત્યાં જે જે પ્રકારની કવિતાઓ લખાઈ તેમાં અછાંદસ પ્રકારની રચનાઓ વિશેષ ધ્યાનપાત્ર બને છે. (‘અછાંદસ’ સંજ્ઞા હવે કેવળ વર્ણનાત્મક સંજ્ઞા રહી નથી; મૂલ્યનિર્દેશની ક્ષમતા એને પ્રાપ્ત થઈ છે. અછાંદસ એટલે છંદના તંત્ર વિનાની એવો અર્થ હવે પર્યાપ્ત થશે નહિ. આ સંજ્ઞાથી હવે અદ્યતનતાનાં વલણો જેમાં ઉત્કટતાથી પ્રગટ થતાં રહ્યાં છે તે વિલક્ષણ કાવ્યરીતિ એમ અર્થ લેવો વધુ યોગ્ય છે.) તરુણ કવિઓનો વિદ્રોહી મિજાજ આ રીતિમાં બળવાન બનીને પ્રગટ થયો. તેની સૌથી મોટી વ્યગ્રતા એ હતી કે આજનો માનવી ચહેરાવિહોણો બની ગયો છે. અપાર સાધનોના ખડકલા વચ્ચે પોતાપણું પ્રકટ કરવા જેવી ક્ષણ તેને મળી નથી. આખી માનવપરિસ્થિતિમાં જ કશુંક ચેતનાને રૂંધી રહ્યું છે. નરી વંધ્યતા નિષ્ક્રિયતા અર્થશૂન્યતાનો આ પ્રસાર છે. આ જાતનો ભાવ ગુલામમોહમ્મદ શેખની ‘માણસો’ નામની કૃતિમાં કેવા સંદર્ભો રચે છે તે જોવા જેવું છે :
“એમને મોઢાં નથી.
છે તેમને અંદર છે.
એમને પગ છે, હાથ છે, છાતી છે, આંગળાં છે.
પણ એ એમનાં પોતાનાં જ છે કે બીજા કોઈનાં
એની એમને જાણ નથી.
તેથી કોઈ વાર તેઓ સાથીદારનો પગ બાળકની છાતી
અને ઘરડાં માથાં પહેરી ઊભા હોય એવું લાગે છે.
એમનાં પાઇપ જેવાં શરીરોમાં લોહી બચ્યું હશે
તો એનો રંગ સફેદ હશે.
એમનાં હાડકાં બાફેલા કરચલાઓના પંજાઓ જેવાં કૂણાં લાગે છે.
પગ આરસના કાદવમાં ખૂંચેલા છે.
માથાં ક્રૉસની જેમ આડું જોઈ શકતાં નથી.
કોઈક ત્યાં પર્વતની જેમ ઊભેલો
પાતળા, પંગુ અનુજને તુચ્છકારે છે.
કોઈ વસ્ત્રદેહી, કોઈ શરીર વગરના માથાવાળો
કોઈ ઊડતા દેવદૂતનો સંદેશ ઠંડે કલેજે સાંભળે છે.
કોઈ કસાઈખાને લટકતા લોચા જેવો ટપકે છે.
ક્યાંક તેઓ ટોળે વળીને
પોતાનામાં કોઈને કુતૂહલથી નીરખે છે.
તો ક્યાંક મરેલા આકાશનું ખોળિયું પહેરી
દૂધના ઝાડ જેવા નિશ્ચેષ્ટ ઊભા છે.
અને ક્યાંક
વધેરાયલાં અંગોના ઉકરડામાં
કબર પરના થોરની જેમ થીજી ગયા છે.”
શેખની આ રચનામાં મૂર્ત થતા સંવેદનને પામવા માટે તેમની વિલક્ષણ સભ્યરીતિને નિકટતાથી જોવી જોઈએ. જોકે આની પાછળ રોબર્ટ હાન્સેનનાં ચિત્રોની પ્રેરણા રહી છે, પણ આપણે માટે એ અહીં અપ્રસ્તુત બાબત છે, કેમ કે, શબ્દની કૃતિરૂપે સ્વતંત્રપણે તે ઊભી છે, ઊભી રહી શકે છે. આ રચના અંગે સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં આ કૃતિમાં અંકિત થયેલાં માનવીઓને એના રુધિરમાંસનો પરિચિત ઘાટ મળ્યો નથી. કેવળ ખાલી આકારોરૂપે અહીં તે આલેખાયાં છે. પ્રત્યેક વાક્યગત સંદર્ભમાં આગવી કલ્પનસેર (imagery) રચાતી આવે છે. અને માનવપરિસ્થિતિ વિશે વ્યંગપૂર્ણ સંકેત તેમાં મળે છે. અહીં આ રચનાનો પરિવેશ જ સરરિયલ સૃષ્ટિનો છે. માનવઆકારો જાણે કે આદિમ સમયહીનતાના પ્રસારમાં ખૂંપી ગયા હોય તેવા સ્થગિત અને નિષ્ક્રિય અનુભવાય છે. ચહેરા પર કશાંય ચિહ્ન વિનાના, પોતાના ખરા સ્વરૂપ વિશેય અણજાણ, કેન્દ્રવિહીન આકાર ઓઢીને ચાલનારાં આ માનવીઓમાં કેવી શૂન્યતા પ્રસરી રહી છે! ‘એમને મોઢાં નથી’, ‘છે તેમને અંદર છે’, ચહેરા વિનાના માનવઆકારનું આ વર્ણન આપણને સ્તબ્ધ કરી દે છે, એ પછી ‘પાઇપ જેવાં શરીરો’નું કલ્પન પણ એવું જ સંક્ષોભક છે. લોહીનો રંગ સફેદ હશે, એવો સંકેત પણ એટલો જ વ્યંગભર્યો છે. આ માનવીઓને જે હાડકાં છે તે ‘બાફેલા કરચલાઓના પંજા જેવાં કૂણાં છે’ એ કલ્પનમાં જુગુપ્સા મૂર્ત થયેલી છે. માનવ-આકારમાં કશેય વજ્ર સમી શક્તિનો સંચય નથી. એમાં કશીક કૂણાશ છે, પણ પ્રાણશક્તિ વિનાની છે. આ માનવઆકારો ખરું જોતાં કોઈ ‘ક્રિયા’ જ કરતા નથી. ક્યારેક કોઈ કોઈને તુચ્છકારે છે, કોઈ કોઈને નીરખે છે, કોઈ કોઈને સાંભળે છે, પણ જડ અને સ્થગિત થઈ ગયેલી પરિસ્થિતિમાં એથી વિશેષ કશો જ સંચાર થતો નથી. સૌ કોઈ સમયહીનતાના શૂન્યાવકાશમાં જડવત્ ખૂંપી ગયેલા છે. એટલે જ તો, કોઈક ‘માથે આકાશનું ખોળિયું ધરીને ઊભેલા દૂધના ઝાડ’ જેવું લાગે છે, તો બીજું વળી ‘વધેરાયેલાં અંગોના ઉકરડામાં કબર પરના થોરની જેમ થીજી’ ગયેલું દેખાય છે. એક એક માનવઆકાર પોતાનાથી જે ઇતર છે તેમાં ભળી ગયો હોય તેવો લાગે છે. આખીય પરિસ્થિતિમાં એ રીતે વક્રતાનો અનુભવ થાય છે. અ-માનવીય એવા આકારમાં ઊભેલાં નિશ્ચિહ્ન માનવીઓનું આ વિશ્વ આદિમ આબોહવામાં ઊભું છે. અને એ આબોહવા નિર્માણ કરવામાં જ એના કવિનું કૌશલ રહ્યું છે. સ્વાતંત્ર્યોત્તર સમયની આપણી કવિતામાં અસ્તિત્વને પામવાની મથામણ તરત ધ્યાનમાં આવશે. આ જે અસ્તિત્વ આપણને મળ્યું છે તેને કોઈ પરમ પ્રયોજન નથી, કોઈ પરમ અર્થ નથી. કેવળ અહીં હોવાપણું એ અકસ્માત માત્ર છે. અસ્તિત્વની ક્ષણો આથી સમયશીશીના રેતકણો સમી શૂન્યવત્ પસાર થતી રહે છે. માનવીને એમ લાગ્યા કરે ખરું કે પોતાની બહાર પોતાનાથી ઇતર એવી કોઈ સત્તા નથી, સીમિત અસ્તિત્વની બહાર શૂન્યતાનો જે પ્રસાર માત્ર છે. પણ એ શૂન્યતા – જે નથી તે – નો અનુભવ આપણા કવિને સ્પર્શી ગયો છે. લાભશંકરની આ કૃતિ જુઓ :
‘છટકતું જાય છે
આ હાથમાંથી
જે નથી તે.
ભયભીત ધૂસરતા રહી થરકી
નથી જે
તે ભયોત્કંપો થકી એમાં જ નીચે આસપાસે
શ્વાસ-શ્વાસે
જે નથી તે થરથરે.
ન ફરફરે છે
જરીક અમથું
ઘાસ
તડકામાં.
ચાંચ ખોલી, ડોક હલવી
કૂદતું પંખી સૂરજ પર પગ મૂકી,
ઊંઘની ડાળ હલાવી
પાંપણો ફરકાવતી આંખો.
કશે પંખી નથી.
ઊડતું નથી
ઈંડું નથી.
પડતું નથી
કંઈ કશું કેવળ નથી. ના ચૂપ વિસ્તારો વિશે
ટપકા સમું જે સળવળે છે
તે જ તું છે.
કંઈ કશું કેવળ નથી, ના ચૂપ વિસ્તારો વિશે
ટપકા સમી મુઠ્ઠી
ફક્ત મુઠ્ઠી
ધડ વગરની પગ વગરની મન વગરની
સતત ખૂલે
અને બિડાય
અમથી.’
લાભશંકરની આ રચનામાં આંતરવિરોધની જે ગૂંથણી છે તે ધ્યાનપાત્ર છે. ‘જે નથી તે’ વિશેની અનુભૂતિ અહીં કેવાં પરિમાણો સાધે છે તે જોવાને વિવિધ કલ્પનોની એમાંની યોજના લક્ષમાં લેવાની રહે છે. ‘જે નથી તે થરથરે’ની સામે તડકામાંનું ઘાસ ‘ન ફરફરે છે’નો વિરોધ રહસ્યમય છે. પંખીનું હોવાપણું અને ન-હોવાપણું પણ તરત જ ધ્યાનમાં આવશે. ‘ધડ વગરની પગ વગરની મન વગરની’ ‘ફક્ત મુઠ્ઠી’નું પ્રતીક અહીં સમસ્ત સંવેદનને મૂર્ત કરે છે. ‘સતત ખૂલે અને બિડાય અમથી’ એ ઘટનામાં જ અસ્તિત્વની અર્થહીનતાનું ભયાનક રૂપમાં પ્રત્યક્ષીકરણ થયું છે. અસ્તિત્વની આ અર્થશૂન્યતા કે નિસ્સારતામાં વિચ્છિન્નતા એકલતા અને દિશાશૂન્યતાનો ભાવ પણ ઘૂંટાય છે. પોતાના અસ્તિત્વની બહાર જો કોઈ ઇતર સત્તા નથી, તો પછી પોતાની અંદર એવા કોઈ અણદીઠ સત્તા સંભવે ખરી? એટલે આજનો તરુણ કવિ પોતાના હોવા-પણાના ભાનને જ ગહરાઈએથી તાગવા મથે છે. કેવળ વિચારો અને ભાવનાઓની સૃષ્ટિ તેને સાવ ઉપરછલ્લી, આભાસી આવરણ સમી લાગે છે. અસ્તિત્વના કેન્દ્રમાં જે કોઈ કૂટ વસ્તુ મળી આવે તો તેના પર તે ઊભો રહેવા માગે છે. અને આ કેન્દ્ર તરફની તેની ખોજ અજ્ઞાતના, આદિમતાના, અણજાણ પ્રાંતમાં લઈ જાય છે. આવી આત્મખોજ ક્યારેક કવિને આત્મવિડંબના કરવા પ્રેરે છે, તો ક્યારેક આત્મપીડનને માર્ગે લઈ જાય છે. પોતાની અંદર જે આદિમ બળ રહ્યું છે તેને ઓળખવાની તે મથામણ કરી રહે છે આત્મવિસર્જનની એ ક્ષણ ક્વચિત્ અનાદિ આવેગ અને આવેશ પ્રગટ કરે છે. શેખની કૃતિમાંનો આ સંદર્ભ જુઓ :
‘આ વેરાન ઘાસનાં હળો પર
મારા દેહનાં ખેતર ફેરવું
તો કદાચ ચામડીમાં ચાસ ફૂટે.
આ હીરાના ઝગઝગાટવાળી રાત પર
શેતાનના ફળદ્રુપ ભેજાના લોખંડથી મઢેલા હથોડા ઠોકું
તો એની નીચે ભરાઈ રહેલા ઈશ્વરોને
કરોળિયા થઈ નીકળવું પડે.
ટાઢાબોળ ત્રાંબા જેવી પૃથ્વી પર
સૃષ્ટિના પ્રથમ મન્ત્રની લીટી તાણું
અને ગુફાના અન્ધકારમાં દટાઈ ગયેલા સમયની કરચલીઓને
મરેલા સૂર્યોની ટાઢક ચાંપું
તો ફરી વાર
મારાં વન્યપશુ ઊંઘમાં છંછેડાય
અને –’
આ રચનામાં અસ્તિત્વને પ્રમાણવાનો એક આવેગભર્યો પ્રયત્ન દેખાય છે. ચિત્તના સભાન બૌદ્ધિક સ્તરનાં, વિચારસૃષ્ટિનાં, સત્યોનો ઇન્કાર કરી પોતાની આદિમ પ્રાણશક્તિના ઉદ્રેક જોડે અનુસંધાન કેળવવાનો આ આવેગ છે. ‘ચામડીમાં ચાસ ફૂટે’ એ માટેનો આ આક્રોશ છે. કશુંક જે અહીં વંધ્ય સ્થિતિમાં પડ્યું છે તેમાં બીજ વવાય તે માટે નવી પરિસ્થિતિ રચવાની દિશામાં આ મથામણ છે. શેખની આ રચનામાં કલ્પનોનો વિલક્ષણ સંદર્ભ તરત ધ્યાનમાં આવશે. ‘ઝગઝગાટવાળી રાત’ પર ‘શેતાનના ફળદ્રુપ ભેજાના લોખંડથી મઢેલા હથોડા’ ઠોકતાં તેની નીચે ભરાઈ રહેલા ઈશ્વરોને ‘કરોળિયા થઈ નીકળવું પડે – એ જાતની કલ્પનામાં આ આખી સૃષ્ટિ વિશેના બધાય તર્કોની ભ્રાંતિ નષ્ટ કરવાની વાત છે. આપણો આજનો કવિ ફરી ફરીને અસ્તિત્વના આદિમ સ્રોત તરફ વળતો રહ્યો છે. જે ક્ષણે પ્રાણશક્તિનું પ્રથમ સંચલન થયું હશે, તે ક્ષણને વીંધવાની તેને અભિલાષા છે. તેના ચિત્તમાં આથી સૃષ્ટિના ઉદયકાળનું વાતાવરણ તરી રહ્યું છે. પ્રાચીન પુરાણકથાઓના સંદર્ભો તેની આ શોધમાં આગવી ભૂમિકા રચી આપે છે. સિતાંશુની કૃતિ ‘મનુ, યમ અને જળ : એક સરરિયલ પુરાણકથા’નો આવો એક વિલક્ષણ સંદર્ભ જુઓ :
‘નીરનાં ઊંડાણોમાં મત્સ્ય આંધળાં ઈંડાં મૂકવા.
જેમની આંખોમાં અંધારાં ધીરે જળે ઓગળે ભળે તળિયાં ઊંડાં સરે.
બુઝાયેલાં
સપાટિયાં
મૂંગાં
ચત્તાં જળ
દેહ ચાંપીને સુઘટ્ટ સૂતા છાંયઝૂંડીઆ છાયાતરુથી
ઝંખે ઝંખે ફળ
અકળ આ છાંય-પાંદડું એક
છાયા જગનો છેડો છોડે
જળમય તરુનો ગતિલય તોડે
આઘે ઊંચે એક પીળીયું જીર્ણ પાંદડું છૂટું અમથું લડબડ
પડતું, આ એ બાજુ દોડે...’
આપણી સૃષ્ટિનાં પંચ મહાભૂતોમાં જળ સ્વયં એક આદ્ય-શક્તિ છે. એની વિવર્તલીલા પણ એટલી જ અદ્ભુત અને અકળ છે. સિતાંશુની રચનામાં આ જળનું વિશિષ્ટ દર્શન ધ્યાનપાત્ર છે. ‘આંધળાં મત્સ્ય’ની એ વિહારભૂમિ જાણે કે આદિમ સૃષ્ટિના જળ-રાશિનો સંકેત કરી રહે છે. ‘અંધારાં’ એમાં ધીરે ધીરે ‘જળે ઓગળે ભળે’ એમ સિતાંશુ કહે છે. અહીં ત્રણ ક્રિયાઓ દ્વારા આદિમ સૃષ્ટિના પ્રથમ સંચલનની રહસ્યપૂર્ણ ઘટનાનું સૂચન થયું છે. ‘બુઝાયેલાં સપાટિયાં મૂગાં ચત્તાં જળ’ એ પ્રકારના વર્ણનમાં પ્રાણ ઝંખતા સત્ત્વનો સંકેત છે. ‘છાયાતરુ’નું કલ્પન આ આખા ચિત્રમાં રહસ્યમય અંશ બની રહે છે. ‘છાયાતરુ’નું’ ‘જળમય તરુ’માં રૂપાંતર પણ એટલું’ જ રહસ્યમય છે. ‘જીર્ણ પાંદડું’નું તૂટવું અને લડબડ પડવું, એ ક્રિયા પણ સૂચક છે. શબ્દોની ‘ક્રીડા’ કરતાં આ કવિ આમ ચિત્તના અજ્ઞાત સ્તરનાં આદિમ તત્ત્વોને પ્રકાશિત કરે છે. જળ-ફળ, છોડે-દોડે-તોડે જેવા પ્રયોગો એક વિશેષ રચના પ્રયુક્તિ તરીકે પ્રયોજાયેલા છે. આ અસ્તિત્વના અનુભવમાં પ્રપંચોનોય પાર નથી. વાસ્તવિકતા (reality) અને આભાસ (illusion) વચ્ચે કોઈ છેવટની ભેદરેખા દોરવાનું આથી લગભગ અશક્ય બની જાય છે. આપણે જેને વાસ્તવિકતા માનીને ચાલીએ છીએ તે ઘણીયે વાર આભાસ પુરવાર થતો હોય છે. અને જે કંઈ આભાસ છે તેને વાસ્તવિકતા તરીકે ઓળખીએ છીએ. અનુભવમાં આવતા વિશ્વનું આવું પટંતર સિતાંશુની ‘દા.ત. મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ’ કૃતિના નીચેના સંદર્ભમાં સરસ રીતે જોઈ શકાશે :
‘આંગણામાં ચડાવેલા દ્રાક્ષના વેલાઓનો મંડપ
આ સૂરજના પ્રકાશમાં ઝગે છે લીલો, તરબોળ મીઠો, સાચો.
તે એટેટલો લીલો, તરબોળ, મીઠો, એટેટલો સાચો કે
ઘરમાં ભીંતે લટકાવેલા ચિત્રનું ચીતરાયેલું પંખી
એને જુએ. ચિત્રમાં રુએ. તીણું ગાય.
ચિત્ર છોડીને ધસવા જાય.
રંગરેખનું જકડે જગત એને રૂંવેરૂંવે, રૂંવુંરૂંવું રંગરેખનું બન્યું,
રુએ પંખી તરસ્યું. જુએ પાછી દ્રાક્ષ. ફંગ ફંગ ફંગોળાય
છેવટ તીણે છેડે પાંખ તણાતી, પીઠ હવામાં હલબલતી
આંખો ઇચ્છા, ચિત્ર છોડીને ફંગોળાતું હવે હવામાં, તત્પર
તત્પર, ચિત્ર છોડીને દ્રાક્ષ વીંટતા
નભમાં લગભગ –
પગ!
એના પગ.
ચિત્ર પાસેની અળગી દુનિયામાં ધસેલી એની
કાયાને છેક છેડે હજીયે સપાટી ન છોડી ચૂકેલા
પગ ચીતરાયેલા ન મટી શક્યા, તે ન જ. સજીવ
થઈ હલબલતા પંખીના
ચીતરાયલા ન મટી શકતા પગ
પર ચાલું છું હું આ શહેરમાં...”
અહીં ‘પંખી’નું પ્રતીક પ્રસ્તુત સંદર્ભમાં પ્રસરી ગયેલું છે. ‘ચિત્ર’ના ‘પંખી’ને સૂર્યપ્રકાશમાં ઝગી રહેલા ‘લીલા તરબોળ’ ‘દ્રાક્ષ મંડપ’ની લાલસા જાગી છે, પણ પોતાના ચિત્રરૂપ અસ્તિત્વની સપાટીની બહાર તે ઊડી શકતું નથી. તેના ‘ચીતરાયેલા પગ’ છેવટ સુધી એ ચિત્રકૃતિની વાસ્તવિકતામાં જડાયેલા રહી જાય છે. માનવઅસ્તિત્વની આ એક કઠોર સીમિતતા છે. પણ અહીં સંવેદનનો વિલક્ષણ સંદર્ભ ધ્યાનપાત્ર છે. ચિત્રનું ‘પંખી’ અહીં કેવળ આભાસી ચિત્ર માત્ર નથી : પોતાની રંગરેખાની સપાટીને અતિક્રમી જતું એ સત્ત્વ પણ છે. ચિત્રરૂપે જે આભાસ રચતું હતું તે સત્ત્વ વાસ્તવિક લાગતા જગતના ‘આંગણામાં’ પહોંચવા મથે છે! અને છતાં, એના ‘ચીતરાયેલા પગ’ જે બંધન રચે છે તે જ તેને કઠોર વાસ્તવિકતારૂપ લાગે છે! પણ ‘અટપટા ભોગ’ શા અસ્તિત્વની અન્-અર્થકતા કે અર્થ-શૂન્યતાનો સ્વર આત્યંતિક અને ઉત્કટતમ બને તે પહેલાં આપણી કવિતામાં એક રોમૅન્ટિક અભિનિવેશ કામ કરતો થઈ ગયો. અસ્તિત્વના મૂળમાં જે કંઈ રહ્યું છે તેને પામવાની બળવાન ઝંખના આપણા અનેક તરુણ કવિઓએ વ્યક્ત કરી તે સાથે પોતાનું આ અસ્તિત્વ સીમિત અને એકાકી હોય એ વિચાર તેને અસહ્ય બની રહ્યો હોય કે કશાક અણદીઠની ઝાંખી થઈ હોય, ગમે તે હો, એકલતા અને વિચ્છિન્નતાની ક્ષણોમાંથી જ કશાક અણદીઠ માટેની ઉત્કટ ઝંખના તેનામાં જાગૃત થઈ પડી, અને પછી તો આદિમ સ્રોતથી અળગા થઈ ગયાનો વિરહ અને વિષાદ એમાં ભળવા લાગ્યો. જ્યારે આજનો કવિ આધુનિક નગર સંસ્કૃતિ વચ્ચે આતપ, થાક અને ઊબકની લાગણી પ્રકટ કરે, અથવા અરણ્યના જીવનમાં પોતાના જીવનનો લયસંવાદ નિહાળી સમાધાન અનુભવી રહે, ત્યારે પણ આ આદિમ વિશ્વ પ્રતિની તેની આસક્તિ જોઈ શકાશે. અંતરની અજ્ઞાત સૃષ્ટિની ખોજ પણ આવી આદિમ સત્તા તરફની સંભવે, પણ આ આદિમ સત્તાની ખોજમાં તરુણ કવિઓનો અભિગમ ઓછોવત્તો ભિન્ન રહ્યો છે. એમાં કેટલાક કવિઓ આદિમ સત્તાને આસક્તિથી નિહાળે છે એટલે એક અસામાન્ય રોમૅન્ટિક અભિનિવેશ તેમના અભિગમમાં છતો થઈ જાય છે. અને સહજ જ એમાં સ્વપ્નિલતાનો પરિવેશ રચાવા પામે છે. સુરેશ જોષીની કૃતિ ‘ના, હજી હું બહુ દૂર ગયો નથી’માંનો એક લાક્ષણિક સંદર્ભ જોઈશું :
‘હજી તારી ઢીંગલીઓને અંગેથી તેં નથી ઉતારી લીધા
મારાં સ્વપ્નોનાં ચીંથરાંના રંગીન વાઘા,
હજી મારા નામના અક્ષરો વેરાયેલા પડ્યા છે.
તેં જતનથી રચેલા ફૂલના ગુચ્છોમાં
હજી તારા બે બાહુના ખણ્ડિત વર્તુળને
સાંધે છે મારી દૃષ્ટિરેખા :
હજી તારા સુવર્ણવલયમાં અનેક સૂર્યશિશુઓ સાથે,
હુંય ખેલું છું સૂર્યશિશુ થઈને;
તારા અંધકારની અબનૂસ કાયા પર
સોનેરી છૂંદણાં ત્રોફું છું આગિયો થઈને.
તારી આંખોનાં કાળા ભમ્મર જળમાં
તરું છું ફૉસ્ફરસની શિખા થઈને.
તારા ઉચ્છ્વાસે ઉચ્છ્વાસે ઓગળતો જાઉં છું
કપૂર થઈને
તોય હજી હું બહુ દૂર નથી ગયો.’
અને આવો જ રોમૅન્ટિક ભાવોદ્રેક રાવજીની ‘અસંખ્ય રાત્રિઓને અંતે’માં પ્રગટ થયો છે; પણ રાવજીની કલ્પનસેર નિરાળી છે, તેના શબ્દ લય અને અવાજનું પરિણામ નિરાળું છે :
‘શિયાળની લાળીમાં સરકે સીમ,
રાત્રિઓ પીપળની ડાળી પર થથરે,
લબડે શુષ્ક ચંદ્રનું પાંદ
અરે મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું
ફરફરતું...?
વંટોળ થઈને ચરણ ચડ્યા ચકરાવે,
પથના લીરા ચકરતકર કંઈ ચડતા એની સાથે
ક્યાં છે ભમ્મરિયાળા કેશ તમારા?
દોડું – શોધું...
ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય
ક્યાંક ક્યાં હડફેટાયો
બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખો
પ્હાડ દબાયો
વીંછણના અંકોડા જેવાં બિલ્ડિંગોથી
હરચક ભરચક શહેર દબાયાં,
જૂવા જેવું ગામ નદીને તટ ચોંટેલું, એ ચગદાયું.
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે.
મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે!
ક્યાં છે સ્પર્શ – ફણાળો
હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો
કેવડિયો ક્યાં છે?
લાખ કરોડો વર્ષોથી
ચ્હેરો પથ્થરના ઘૂંઘટની પાછળ છૂપવી બેઠાં.
માનવતી, ઓ ક્યાં છો?
ક્યાં છો?
નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો.’
સુરેશ જોષી અને રાવજીની કૃતિઓમાંથી સ્વીકારેલા આ બે સંદર્ભો એમાંના વિશિષ્ટ રોમૅન્ટિક અભિનિવેશને કારણે ધ્યાનપાત્ર છે. અસ્તિત્વની અન્-અર્થકતામાંથી જન્મતો વિષાદ કે વિરતિભાવ અહીં એટલો અભિપ્રેત નથી. આદિમ સત્તા પરત્વેનો આસક્તિભાવ અહીં પ્રગટ થઈ જાય છે. એ અણદીઠને પ્રેયોમૂર્તિરૂપે કલ્પી લેતા કવિની રતિના વિશિષ્ટ સંબંધની ભૂમિકા એમાં પડેલી છે. અને મહત્ત્વની વાત એ છે કે પંચાવનની આસપાસમાં આપણે ત્યાં અદ્યતનવાદી વિચારવલણો ઉત્કટતાથી ઝીલવામાં આવ્યાં ત્યારે આરંભમાં કેટલોક સમય અસ્તિત્વની અનર્થકતા, વિચ્છિન્નતા કે વિફલતાના ભાન સાથે વિરતિનો ભાવ ઘૂંટાતો હતો, પણ પછીથી આ પ્રકારનાં રોમૅન્ટિક વલણો બળવાન બનતાં ગયાં ત્યારે વિરતિને બદલે આસક્તિનો ભાવ ઘૂંટાતો ગયો. પ્રિયકાન્ત મણિયાર, યશવંત ત્રિવેદી, રઘુવીર, હરીન્દ્ર, રમેશ પારેખ, અનિલ જોષી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ વગેરે કવિઓમાં આવો રોમૅન્ટિક ઉદ્રેક તરત જ ધ્યાન ખેંચે છે. પ્રિયકાન્ત અને યશવંતમાં રતિભાવનું વિલક્ષણ અનુસંધાન છે તો રમેશ અનિલ વગેરેમાં તળપદા લોકજીવનનો પરિવેશ વરતાઈ આવે છે. વીતેલા યુગની રોમાંચક સ્મૃતિઓ અને સ્વપ્નિલતા આ કવિઓની રચનાઓમાં વિશેષ રંગરાગ ધારણ કરે છે. પણ રોમૅન્ટિક વૃત્તિવલણોથી ખેંચાતો આપણો આજનો કવિ નગરજીવનની કઠોર વાસ્તવિકતાથી કંઈક વિમુખ બની જતો દેખાય છે. જોકે આગળના તબક્કામાં નિરંજન ભગત, નલિન રાવળ અને હસમુખ પાઠકે નગરજીવનનાં અનેક સુંદર કાવ્યો આપ્યાં હતાં, અને પછીના તબક્કામાં મણિલાલ, લાભશંકર, પ્રબોધ પરીખ, રાજેન્દ્ર શુક્લ, ચંદ્રકાન્ત શેઠ, પ્રિયકાન્ત, યશવંત, સુરેશ દલાલ, વિપિન પરીખ, જગદીશ જોષી જેવા કવિઓએ આ પ્રકારની અનેક રચનાઓ આપી, પણ ઉત્તમ કોટિની રચનાઓ એમાં ઓછી જ છે. એનું કારણ પણ સમજી શકાય તેમ છે. આજની માનવપરિસ્થિતિ – તેમાંય નગરજીવનની પરિસ્થિતિ ઘણી રીતે સંકુલ સંદિગ્ધ અને અરાજક સ્વરૂપની બની ચૂકી છે. આજના શિક્ષિત માનવીના ચિત્તમાં ઘણા ઊંડા સંશયો અને કૂટ પ્રશ્નો જાગી પડ્યા છે. અંતરમાં એક પ્રકારની આધ્યાત્મિક જ્વરની તે પીડા ભોગવી રહ્યો છે. પાર વિનાની વિસંગતિઓ (absurdities)નો સાક્ષાત્કાર તે કરી રહ્યો છે. આવી બહુપાર્શ્વી વાસ્તવિકતાનું કેવળ સપાટી પરનું, એકાદ પાસાનું નિરીક્ષણ કવિતાની profoundness સિદ્ધ કરી શકે નહિ. એ માટે તો, રિલ્કે કહે છે તેમ, માનવસંયોગોમાં નિહિત રહેલી મૂળભૂત વક્રતાઓનું, અસ્તિત્વના ગહનતમ સ્તરેથી પ્રત્યક્ષીકરણ કરવું જોઈએ. સપાટી પરના વિરોધાભાસો કે વક્રતાઓ વિશે ચબરાકીભર્યાં અવલોકનો કરીએ તેટલા માત્રથી કાવ્ય જન્મતું નથી. અને હકીકતમાં આવી કઠોર વિષમ વાસ્તવિકતાના સમર્થ નિરૂપણ માટે કવિએ ભાષાના ઓજારને સમુચિત રીતે ઘડવાનું રહે છે. પ્રખર સંવેદનને બૌદ્ધિકતાની એક અનન્ય કક્ષાએથી રજૂ કરવાની આ વાત છે. અસ્તિત્વમાં રહેલી વિષમતા અને વિસંગતિઓને કવિતાના સ્તર પર પહોંચાડવા માટે કવિએ ભાષાનું અનન્ય સંયોજન કરવું પડે. એમાં કાવ્યાત્મક ક્ષમતા સિદ્ધ કરવાને અમુક વિશિષ્ટ અન્વય સિદ્ધ કરવાનો રહે, તો સાથે બોલચાલની ભાષાના લય અને કાકુઓને પણ આમેજ કરી લેવાના રહે. કૃતિના શબ્દસંદર્ભમાં એ રીતે વિવિધ કોટિના આંતરિક તણાવો અને અર્થગત ચુસ્તતા જાળવવી પડે. દેખીતી રીતે જ આ પ્રકારની રચના કવિને માટે મોટો પડકાર બની રહે છે : અને જ્યાં એ પડકાર ન ઝિલાય ત્યાં કવિનો શબ્દ કાં તો વાચાળ બનીને અસર ગુમાવી બેસે કે પછી કવિની ઉક્તિ કેવળ ચબરાકીભરી યુક્તિમાં જ સરી પડે. અને આપણી નગરજીવનને વિષય કરતી અનેક રચનાઓ આ રીતે નિષ્ફળ ગયેલી દેખાય છે. તેમ છતાં આ પ્રકારનો અભિગમ લઈને આવતી કેટલીક કૃતિઓ ખરેખર ધ્યાનપાત્ર છે : ‘સ્વવાચકની શોધમાં’ એ રાજેન્દ્ર શુક્લની કૃતિનો પ્રથમ ખંડ જુઓ :
‘પાનના ગલ્લાની પૅટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં,
સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે,
સાંજે વાયુ ભરેલા ફુગ્ગા અપાવેલા
શિશુઓને આંગળીએ વળગાડી
આવતાંજતાં રવિવારીય લોકો વચ્ચે,
ઓછું વપરાતા બસ સ્ટેન્ડના
ઘોર નિર્જન બાંકડા પર,
મ્યુનિસિપાલિટીના ગુલમ્હોર વૃક્ષની
એક ડાળ નીચે,
પદ્માસને ધ્યાનસ્થ એવા મને
બોધિજ્ઞાન થવાની ક્ષણે જ
અચાનક
એક સૌમ્ય છીંક
આકાશમાંથી નીચે ઊતરી આવી,
અને હે શ્રમણભિક્ષુઓ
વાત એટલેથી જ અટકી ગઈ છે...
વાત એટલેથી જ અટકી ગઈ છે...
વાત એટલેથી જ અટકી ગઈ છે...’
પ્રાચીન બૌદ્ધકથાનો સંદર્ભ અહીં આધુનિક માનવીય પરિસ્થિતિના નિરૂપણમાં એક મર્માળો વ્યંગ રચી દે છે. ‘પૅટ્રોમેક્સનો ઝાંખો ઉજાસ’, ‘સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે’, ‘ઘોર નિર્જન બાંકડા પર’ અને ‘સૌમ્ય છીંક’ જેવા પ્રયોગો ઊંડો મર્મવ્યંગ પ્રકટ કરે છે. ‘વાત એટલેથી જ અટકી ગઈ છે...’ એ પંક્તિના ત્રણ આવર્તનમાં પણ એવો જ વ્યંગભર્યો સંસ્કાર જાગી પડે છે. ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ ‘ધમ્મં શરણં ગચ્છામિ’ ‘સંઘં શરણં ગચ્છામિ’ જેવી પ્રસિદ્ધ ઉક્તિઓની સામે અહીં ‘વાત એટલેથી જ અટકી ગઈ છે’નો વ્યંગભર્યો અર્થસંસ્કાર ભાવકના અંતરમાં સીધો સ્પર્શી જાય છે. પંચાવનની આસપાસમાં અદ્યતનવાદી વિચારવલણોના સંસ્કાર ઝીલી આપણી નવી કવિતા એનું કલેવર બદલવા લાગી ત્યારે અછાંદસ રીતિ એક મોટા રાજમાર્ગ શી બની રહી. છેલ્લા બે-અઢી દાયકામાં આ રીતિમાં જે રચનાઓ લખાઈ તેમાં તરુણ કવિઓની પ્રયોગશીલ વૃત્તિઓ પણ બળવાનપણે કામ કરતી હતી. આ સમયગાળાની કવિતાનો વધુ સચ્ચાઈભર્યો સ્વર એ રીતે અછાંદસમાં જ પ્રગટ થયો. અને કવિસંવિત્નાં અવનવાં રૂપો એમાં સાકાર થયાં. તરુણ કવિને કાવ્યસર્જન માટે ધક્કો આપનાર કોઈ પણ નિમિત્ત હો, તેના સક્રિય સંવિત્માં અજ્ઞાત સ્તરનાં વિવિધ સંવેદનો, સાહચર્યો ઉદ્બુદ્ધ થઈ ઊઠે છે અને કવિતાના રસાયનમાં ભળી જાય છે. આથી આજની અછાંદસ રચનાઓમાં આ કે તે ભાવ વ્યક્ત થયો છે એવું કોઈ નામ પાડીને તેની વાત થઈ શકે નહિ, આજના કવિનો પ્રયત્ન જ વિરોધી લાગતી સંવેદનાઓને જોડી આપવાનો છે. સૂર્ય, વૃક્ષ, સાગર, પંખી, પહાડ, ઘર, રણ, દ્વીપ, કાચિંડો, ઊધઈ, કણસલું, પતંગિયું... એવું કોઈ પ્રતીક તે યોજે છે ત્યારે પણ પોતાનું ભાવસંવેદન અમુક અર્થસંદર્ભમાં સીમિત બનીને અવરોધાય તે તેને સ્વીકાર્ય નથી. અંતરના અજ્ઞાત વિશ્વના અંતઃકેન્દ્રમાંથી તે ફરીથી પ્રગટવાને મથી રહ્યો હોય છે. આકાશ જેવી બૃહત્તાની તેને ખેવના હોય છે. આવા અભિગમથી ચાલનારા આજના કવિઓએ અસ્તિત્વની સીમિતતા અને એકલતાના સંવેદનમાં સ્વપ્નિલતા અને રંગરાગી વલણો પ્રગટ કર્યાં, તો આધુનિક માનવજીવનની કરુણ વક્રતા અને વિરોધાભાસ પ્રગટ કરવાની મથામણો પણ કરી. એમાં કેટલાક વિલક્ષણ સ્વરો નિરાળા તરી આવે છે. લઘરા કવિને અને જે શબ્દો જોડે કવિને પનારું પડ્યું છે તે શબ્દોને વિશે વ્યંગ ઉપહાસમાં રચાયેલી લાભશંકરની કૃતિઓ તરત જ ધ્યાનમાં આવે છે રોમૅન્ટિક કલ્પનાના ઉદ્રેકમાં પ્રાચીન પૌરાણિક સંદર્ભો વચ્ચેય આજના માનવીની વિશિષ્ટ ભાષા યશવંતની કવિતામાં એક જુદા જ પ્રકારની વ્યંગભરી શૈલી રચી આપે છે. અમેરિકાના પ્રવાસમાં લખાયેલી પ્રિયકાન્તની કેટલીક નવી શૈલીની રચનાઓનો રંગરાગ જુદો જ છે. ‘અસ્તિ’માં ગ્રંથસ્થ થયેલી સુરેશ દલાલની રચનાઓનો કાકુ નિરાળો છે. ચંદ્રકાન્ત શેઠ ‘ઊઘડતી દીવાલો’ની કૃતિઓમાં એક નવી જ દિશા ખુલ્લી કરી આપે છે. જોકે આવા કેટલાક વિશિષ્ટ ઉન્મેષો છતાં સમગ્રપણે આપણી આજની કવિતા એટલી સંતોષપ્રદ નથી. એમાં આગલા દાયકાના ભાવ અને ભાષાપ્રયોગોના પડઘાઓ જ વધુ સંભળાય છે. પંચાવનથી સીત્તેરના સમયગાળામાં અદ્યતનવાદી વિચારવલણો ઉત્કટતાથી પ્રગટ થયાં ત્યારે અછાંદસ રીતિનું વિશેષ ખેડાણ થયું અને એ સમયની આપણી કવિતાની વધુ સ્પષ્ટ મુદ્રા પણ એ પ્રકારની રચનાઓમાં જ ઊપસી આવી. પણ પાછળથી કલમ ઉપાડનારા બીજા કેટલાક કવિઓ ગીત અને ગઝલ તરફ વધુ ઢળ્યા. બલકે ગાઢ આસક્તિથી એ પ્રકારોનું ખેડાણ તેઓ કરતા રહ્યા. આજના આપણા કાવ્યસાહિત્યમાં આ બે પ્રકારો વિશેષ ધ્યાન ખેંચી રહ્યા છે. અને એ સ્વાભાવિક પણ છે! રાજેન્દ્ર, નિરંજન, પ્રહ્લાદ, પ્રિયકાન્ત, બાલમુકુંદ અને મકરંદ જેવા કવિઓએ ખેડેલા ગીતમાં આ સમયે કશોક સૂક્ષ્મ પલટો આવી રહ્યો હતો. મણિલાલ, રાવજી, રમેશ પારેખ, અનિલ જોષી, માધવ રામાનુજ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, ચિનુ મોદી જેવા કવિઓએ ગીતના પરંપરાગત રૂપમાં તેમ તેના સ્વરમાં નવો જ મરોડ આણ્યો. રમેશ અનિલ વગેરે કવિઓએ તો વળી સેરઠી લોકજીવનના પરિવેશમાં પોતાનાં ગીતોને ઉછેર્યાં અને સંસ્કાર્યાં. સોરઠી ગીતોના લય, તેના તળપદા પ્રયોગો, લોકપ્રસિદ્ધ રૂપકો પ્રતીકો કે દંતકથાઓ આદિનો નવા જ સંદર્ભમાં વિનિયોગ કરવાના તેમણે પ્રયત્નો કર્યા. અછાંદસમાં અભિવ્યક્તિ અને રૂપરચનાની જે વિવિધ પ્રયુક્તિઓ પ્રયોજાતી હતી તેવી પ્રયુક્તિઓ આ પ્રકારમાંયે તેમણે ખપમાં લીધી. એમાં પણ કલ્પનો અને પ્રતીકોનું સંવિધાન, સંવેદનનું ઇંદ્રિયપ્રત્યક્ષ અને ઇંદ્રિયાનુભવનો વ્યત્યય, મૂર્ત પદાર્થોનું અમૂર્તીકરણ (abstraction) અને અમૂર્ત તત્ત્વોનું મૂર્તીકરણ – એમ વિવિધ પ્રક્રિયાઓ દ્વારા આ તરુણ કવિઓએ ગીતના સંવેદનને વધુ સૂક્ષ્મ અને તીક્ષ્ણ બનાવ્યું. બલકે, અનુભવમાં આવતી વાસ્તવિકતાનાં અનેક કઠોર કર્કશ, રુક્ષ અને બરડ તત્ત્વોને આત્મસાત્ કરીને સંવેદનને વધુ સ્પર્શક્ષમ અને નક્કર બનાવવાના પ્રયત્નોય કર્યા. જોકે એક કાવ્યપ્રકાર લેખે ગીતને એનું આગવું સૌંદર્યશાસ્ત્ર (Aesthetics) છે; અને એમાં જ એની રૂપરચનાની સીમાઓ બંધાયેલી છે. એ તો સ્પષ્ટ છે કે માનવહૃદયના સરળ કોમળ અને મધુર ભાવો ગીતને વધુ અનુકૂળ છે. અંતરનું ઊંડું ગુંજન હોય, ઊંડો આંતરસંવાદ હોય, ભાવની રુચિરતા અને લાવણ્યનો સંયોગ હોય, એવા સંવિત્માં ગીત જન્મે છે અને પાંગરે છે. પણ આજનો કવિ અને ગીતરચનામાં તાજગીભર્યા ભાવોનો પ્રવેશ ઝંખે છે, અને તે માટે ભાવજગતની ક્ષિતિજો તે ચાહીને વિસ્તારવા મથી રહ્યો છે :
‘આભને નહિ હોય રે આભની માયા
નહિ તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહિ રે’ય રે એની સોનલવરણી છાયા!’
(મણિલાલ દેસાઈ)
‘ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર લઈને
રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર
પીળાં પીળાં રાઈ તણાં ફૂલ થઈને.’
(મણિલાલ દેસાઈ)
‘ઊંટની આંખે ખરતી રેતી કે રણ બની ગયું રે લોલ
આંખડી ચોગમ ફરતી રે’તી કે ઘર રણ બની ગયું રે લોલ.’
(મણિલાલ દેસાઈ)
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વે’લ શંગારો વીરા, રણને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...’
(રાવજી પટેલ)
‘અમે બરફનાં પંખી રે ભાઈ
ટહુકે ટહુકે પીગળ્યાં’
(અનિલ જોષી)
‘ધીમે ધીમે ઢાળ ઊતરતાં ટેકરીઓની સામે
તમને ફૂલ દીધાનું યાદ.’
(રમેશ પારેખ)
લોકસંસ્કૃતિનાં પ્રતીકો લઈ આવતી રચનાઓ વળી આપણી આજની ગીતપ્રવૃત્તિમાં નવા રંગરાગ આણે છે :
‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં
ને નાગલા ઓછા પડ્યાં રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં
ને આભલાં ઓછાં પડ્યા રે લોલ”
(રમેશ પારેખ)
‘પથ્થરના ઘોડા પર બેઠા અસવાર અમે
આભને રે કેમ લિયે આંબી?’
(મનોજ ખંડેરિયા)
‘એક વાર નીંગળ્યું’તું ફળફળતું લોહી
હવે નીંગળતા સિંદૂરના રેલા
અમે પાદરમાં ઝટકા ખરેલા.’
(માધવ રામાનુજ)
‘પંખીના માળે બાંધ્યું આયખું
ખરતા તરણે સંબંધ
સગપણ ઊગ્યા ભેળું આથમે
રવડે પડછાયા અંધ
માળે મળેલાં પંખી આપણે.’
(માધવ રામાનુજ)
‘સોનલ, તમે હાથમતીનું વહેણ ને અમે ઢળતા બુરજ,’
(રમેશ પારેખ)
આ બધાં ગીતોની ભાષાનું પોત ઝીણવટથી અવલોકતાં સમજાશે કે સંવેદનાની અનેક સૂક્ષ્મ છટાઓ એમાં સિદ્ધ થતી આવી છે. અછાંદસ રચનાઓમાં અસ્તિત્વની એકલતા વિરહ કે ઝંખનાના જે ભાવો રજૂ થયા તે અહીં ગીતોમાંય વ્યક્ત થયા છે, પણ અહીં તેનો પરિવેશ વધુ રંગદર્શી બન્યો છે. જોકે ગીતની રૂપરચનાને એની કેટલીક પ્રણાલિકાઓ રૂઢ થઈ ગઈ છે. ગીતને ગીત તરીકેનું આગવું રૂપ જાળવવાને ધ્રુવપંક્તિ અને આંતરના ચોક્કસ સંવિધાનની અપેક્ષા રહે છે. એમાંથી એના ચુસ્ત રચનાત્મક તંત્રનો લેપ કરવાનું શક્ય નથી. અને એ કારણે ગીતની અમુક ચોક્કસ લયની ચોક્કસ આવર્તન માગતી પંક્તિઓ પણ સંવેદનની અભિવ્યક્તિમાં મોટો અંતરાય રચે એમ બને. જોકે સમર્થ ગીતકવિ એ અંતરાયને ઓળંગી જતો હોય છે. પણ જ્યાં આવો અંતરાય ભેદવાનું બનતું નથી, ત્યાં ગીતનો લય ખંચકાય છે, તેનું સંગીત તૂટે છે, તેનો પરિવેશ નષ્ટ થાય છે. આમ છતાં કલ્પનો અને પ્રતીકોના વિનિયોગથી તેના સંવેદનમાં તાજગી અને રુચિરતા આવ્યાં છે. ગીતની જેમ ગઝલમાંયે એના બાહ્ય આકારનું તેમ અંતરના સ્વરનું પરિવર્તન તરત ધ્યાન ખેંચે છે. દાયકાઓ સુધી ગઝલ પ્રેમ, મસ્તી અને સૂફીવાદના લોકોત્તર વિશ્વમાં વિહરતી હતી. એમાંય ભાવ અને ભાષાનું રૂઢ તંત્ર બંધાઈ જવા આવ્યું હતું. તરુણ કવિઓએ એમાં સૂક્ષ્મ સંવેદનાઓનું તાજગીભર્યું નિરૂપણ કરી નવી જ આબોહવા નિર્માણ કરી. આજે ગીત અને ગઝલના સ્વરમાં ઘણી રીતે સામ્ય ઊભું થયું છે :
‘પીળા સમયના ઘોડલા સંતાય સૂર્યમાં
પૈડાંઓ રથનાં છુટ્ટાં પડી જાય સૂર્યમાં.’
(આદિલ મન્સૂરી)
‘ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું
વિહગ પાંખથી જે ખરી જાય પીંછું’
(મનોજ ખંડેરિયા)
‘પથ્થરો ક્યાં કદી તૂટતા હોય છે?
ઘાસ જેમ જ બધે ફૂટતા હોય છે.’
(ચિનુ મોદી)
‘આયનામાંથી કશોયે અર્થ નીકળતો નથી
ને પ્રતિબિંબે પૂછેલો પ્રશ્ન પણ ટળતો નથી.’
(રમેશ પારેખ)
આપણી આજની કવિતામાં પંચાવનની આસપાસ મુકત થયેલાં અદ્યતનતાનાં તત્ત્વો અમુક અંશે આત્મસાત્ થયાં છે. પણ એ સાથે અજ્ઞાતની શોધ માટેનું સાહસ ઘટ્યું છે. કશીક ઝંખના કશીક સ્વપ્નિલતા તરુણ કવિની દૃષ્ટિમાં તર્યા કરે છે. કલ્પનો અને પ્રતીકોના સંસ્કાર તેના ચિત્તમાં તાજા જ અંકાયેલા પડ્યા છે. પણ એ સર્વ તેની કવિતામાં અપૂર્વ રીતે પ્રયોજાય એની મોટી અપેક્ષા રહે છે. અંતે કવિસંવિત્ની ગતિશીલતાનું જ તો મૂલ્ય છે.