અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/કવિની નોંધ

Revision as of 11:58, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિની નોંધ|યૉસેફ મેકવાન}} <poem> શિશુની આંખ બની કાલે હું, સૂર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કવિની નોંધ

યૉસેફ મેકવાન

શિશુની આંખ બની
કાલે હું, સૂર્યને ફુગ્ગો કહી હસીશ
—તો નવાઈ ન પામશો
કેમ કે તમે મને જાણો છો.
કાલે કદાચ—
હું ટહુકો બની સરકીશ ખેતર પરથી
તમે મને ઓળખી જ લેવાના — એ હું જાણું છું.
કાલે—
તમારી સંભાવના અને શક્યતાનાં વસ્ત્રો ઉપર
જોઈને મારી અગમ્ય આકૃતિઓ
તમને દગો નહીં દે તમારી આંખ
અને પ્રગટશે મારી યાદનું ફૂલ તમારામાં.
યાતનાઓનાં ઝાંખરાંમાં
ભરાઈ ગયેલા તમારા અશ્રુબિંદુમાં
ઝિલાઈ જશે કોઈનું હરિયાળું સ્મિત.
અને લહેરાઈ ઊઠશો થઈ લીલા કંચન
ત્યારે ઝીલી લેશો મારી આકાશી ઝાંય—
(કાનમાં કહું?)
મારા મૃત્યુ સાથે
મારા નામને દફનાવી તો જોજો!