અન્વેષણા/૩૯. वइकार ‘સંગીતકાર’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


बइकार ‘સંગીતકાર’*[1]



बइकार શબ્દ મધ્યકાળમાં, ગુજરાતમાં રચાયેલા સંસ્કૃત ગ્રંથોમાં તથા જૂના ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાયેલો છે. સંસ્કૃતમાં ઐતિહાસિક અને અર્ધઐતિહાસિક કથાનકો આપતો ‘પ્રબન્ધ- ચિંતામણિ’ ગ્રન્થ મેરુતુંગાચાર્યે વઢવાણમાં સં. ૧૩૬૧માં રચ્યો છે. એમાંના ‘બઇકાર સોલાક–પ્રબન્ધ’નું ગુજરાતી ભાષાન્તર નીચે પ્રમાણે છે : “હવે સોલાક નામે ગન્ધર્વે–ગવૈયાએ અવસરમાં અર્થાત્ સંગીત–સમારંભમાં પોતાની ગીતકલાથી પ્રસન્ન થયેલા રાજા (કુમારપાલ) પાસેથી પ્રીતિદાન તરીકે ૧૧૬ દ્રમ્મ મેળવ્યા હતા. એમાંથી તેણે મિષ્ટાન્ન ભોજન કર્યું તથા બાળકોને (મીઠાઈ વહેંચી)ખુશી કર્યાં, તેથી કોપાયમાન થયેલા (લોભી) રાજાએ તેને નિર્વાસિત કર્યો. પછી તે (ગવૈયો) વિદેશમાં ગયો; ત્યાંના (કોઈ) રાજાને પોતાની અતુલ ગીતકલાથી પ્રસન્ન કરીને, એની પાસેથી પ્રીતિદાન તરીકે બે હાથી મેળવ્યા, અને તે (પાટણ) લઈ આવી ચૌલુક્ય રાજાને ભેટ ધર્યાં, એટલે રાજાએ પાછું એનું સંમાન કર્યું. પછી કોઈ વાર એક વિદેશી ગન્ધર્વ ‘હું લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો !’ એમ મોટેથી બુમરાણ કરતો આવ્યો. એને રાજાએ પૂછ્યું, ‘કોનાથી લૂંટાઈ ગયો ?’ એટલે તેણે ખુલાસો કર્યો, ‘મારી અતુલ ગીતકલાથી (આકર્ષાઈ) એક હરણ પાસે આવીને ઊભું. એના ગળામાં મેં કૌતુકથી સોનાની માળા નાખી, પણ એ તો ચમકીને નાસી ગયું, એનાથી હું લૂંટાયો છું.' પછી રાજાએ સોલાક નામના પોતાના ગન્ધર્વરાજને આજ્ઞા કરી. તેણે અટવીમાં ફરતાં પોતાના ઉત્કૃષ્ટ ગીતની આકર્ષણવિદ્યાથી ગળે સોનાની માળાવાળા હરણને નગરમાં લાવીને તે રાજાને બતાવ્યું. પછી એ ગન્ધર્વના કલાકૌશલથી ચમત્કૃત માનસવાળા પ્રભુ શ્રી હેમાચાર્યે તેને પૂછ્યું કે ‘ગીતક્લાની અવધિ-હદ શી?’ તેણે ઉત્તર આપ્યો કે સૂકા લાકડાને પણ ફણગા ફૂટે એ ગીતકલાની અવધિ.’ હેમાચાર્યે એને આજ્ઞા આપી, ‘તો પછી કૌતુક બતાવો.’ સોલાકે આબુ પર્વત ઉપરથી વિરહક નામે વૃક્ષ લઈ આવી, તેની સૂકી ડાળના ટુકડાને રાજમહેલના આંગણામાં કુંવારી માટીના ક્યારામાં રોપી, પોતાની નવીન ગીતકલાથી એને જલદી ફણગા ફૂટેલા બતાવી, રાજાસહિત ભટ્ટારક શ્રી હેમચન્દ્રસૂરિને સંતોષ આપ્યો. આ પ્રમાણે બઇકાર સોલાક પ્રબન્ધ પૂરો થયો.” (इति बइकारसोलाकप्रबन्ध: ।)૧ [2]

‘પ્રબન્ધચિન્તામણિ’ની કેટલીક હસ્તપ્રતોમાં આ સ્થળે बइकार ને બદલે वइकार એવું સહજ પાઠાન્તર છે, પણ કોઈ પ્રતમાં अच्छइकार પાઠ છે, જેનો અર્થ શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીએ (‘પ્રબન્ધચિન્તામણિ’નું ગુજરાતી ભાષાન્તર, પૃ. ૧૭૧) ‘આશ્ચર્યકારક’ એવો કર્યો છે. અચ્છઇકાર-અછેકાર – સારું કરનાર – સરસ કૌતુક બતાવનાર એવો પણ તેનો અર્થ થઈ શકે. પરંતુ ખરેખર તો बइकार શબ્દના સાચા અર્થથી અનભિજ્ઞ કોઈ લિપિકારે તેને સ્થાને अच्छइकार શબ્દ મૂકી દીધો હશે એમ મારું માનવું છે.

‘પુરાતનપ્રબન્ધસંગ્રહ'માં વાઘેલા રાજા વીસલદેવ વિષેના પ્રબન્ધોમાંના એકનું ગુજરાતી ભાષાન્તર નીચે પ્રમાણે છેઃ વીસલદેવ સંગીતથી અનભિજ્ઞ હતો, છતાં સંગીતજ્ઞ હોવાનો ડોળ કરતો હતો, એ વિષેનો આ રમૂજી ટુચકો છેઃ ‘શ્રી વીસલદેવ આગળ અવસર થાય ત્યારે રોગથી અનભિજ્ઞ એવા તે રાજા માટે રાણી નાગલદેવીએ (કેટલાક) રાગના સંકેતો કરી રાખ્યા હતા. શ્રીરાગ માટે શરીર, વસંતરાગ માટે પુષ્પ, ભૈરવરાગ માટે ભેરિનો અવાજ, પંચમ માટે પાંચ આંગળીઓ, મેઘરાગ માટે આકાશ, નટ્ટનારાયણ માટે ચક્ર, કાનડા માટે કાન, ધનાશી માટે ધાન્ય, નાટસારિ માટે પાસો, સોરઠી રાગ માટે પશ્ચિમ દિશા, ગૂર્જરી રાગ માટે સિંહાસન, દેવશાખા (દેશાખ) રાગ માટે દ્વારશાખા—બારસાખ બતાવવી, એ પ્રમાણે સંકેતો રાખ્યા હતા. એકવાર કોઈ ગવૈયો આવ્યો. (एकदा कोડपि बइकार: समागत:) અને તે દેવશાખા-દેશાખ (રાગ ગાવા) વડે રાજાની સેવા કરવા લાગ્યો. રાજા તે રાગ જાણતો ન હતો. રાણી એને વારંવાર દ્વારશાખા બતાવવા લાગી. એટલે ગવૈયાએ કહ્યું (एवं बइकारेणोक्तम्), ‘રાણીજી! આપ બારશાખ ચીરી નાખશો તોપણ રાજા આ સમજી શકશે નહિ.’ તેણે આમ કહ્યું એટલે રાજા હસવા લાગ્યો. [3] આ બતાવે છે કે ‘પ્રબન્ધચિન્તામણિ’માં ઉપર્યુક્ત સ્થાને अच्छइकार નહિ, પણ बइकार પાઠ સમુચિત છે. જૂના ગુજરાતી સાહિત્યમાં આ શબ્દનો પ્રયોગ ‘વર્ણકસમુચ્ચય’માં રાજલોક-પૌરલોકના વર્ણનમાં, ત્રણ સ્થાને મારા જોવામાં આવ્યો છેઃ (૧)...... વારવિલાસની મહલ્લક મહલ્લિકા ઉપાધ્યાય ગાયન બઇકાર આલવણિકાર વીણકાર વંશકાર ઉતિકાર માનતાલકાર અડાઉજિય પખાઉજિય પાટલિહિક પ્રમુખ રાજલૌક પૌરલોક ઇતિ. [4] (૨)......રાજદ્વારિક લેખક કથક વાતગર કવિ કાઠીયા મસૂરિયા દીવટિયા ઉપાધ્યાય બઇકાર કરડિકાર આલવિણિકાર વીણાકાર વંસકાર આઉજ્જી પખાઉજી પાશ્ચાત્ય પક્ષે તાર્કિક જ્યોતિષી વૈદ્ય મહાવૈદ્ય અશ્વવૈદ્ય ગજવૈદ્ય માંત્રિકાદિ પંડિત મહાપંડિત ઇતિ રાજવર્ણનં. [5] (૩)......વારવિલાસિની મહલ્લકલ્લિકા ઉપાધ્યાય ગાયન બઇકાર આલવિણિકાર, વીણિકાર વંશકાર ઉતિકાર માનતાલકાર અડાઉજિય પખાઉજિય પાટહિકપ્રમુખ રાજલોક પૌરલોક ચક્રવાલિ.[6] દેખીતી રીતે એક જ વર્ણકનાં, વિવિધ પઠનપરંપરા અનુસાર થયેલાં આ રૂપાન્તરો છે. રાજદરબારો સાથે જોડાયેલા વિવિધ કલાવંતોની એમાં યાદી છે. એમાંના बइकार શબ્દનો અર્થ ઉપરના બે પ્રબન્ધ ગ્રથોમાંના ઉલ્લેખોથી સ્પષ્ટતર બને છે. પરંતુ बइकारની શાસ્ત્રીય વ્યાખ્યા નૃત્ય અને સંગીતને લગતા એક સંસ્કૃત ગ્રન્થમાં મળે છે. આ ગ્રન્થ તે વાચનાચાર્ય સુધાકલશનો ‘સંગીતોપનિષત્ સારોદ્ધાર.’ ગયે વર્ષે, ૧૯૬૧માં જ એ ગ્રન્થ પ્રગટ થયો છે.[7] ‘પ્રબન્ધકોશ’, ‘ન્યાયકંદલીપંજિકા', ' ‘વિનોદકથાસંગ્રહ’ આદિ વિવિધ વિષયની રચનાઓ વડે પ્રસિદ્ધ, જૈન આચાર્ય રાજશેખરસૂરિના આ સુધાકલશ શિષ્ય હતા. તેમણે ‘સંગીતોપનિષત્’ નામે ગ્રંથ સં. ૧૩૮૦માં રચ્યો હતો અને ‘સંગીતોપનિષત્ સારોદ્ધાર’ એ નામે તેનો સંક્ષેપ સં. ૧૪૦૬માં તૈયાર કર્યો હતો. મૂળ ગ્રન્થ અત્યારે કયાંય જાણવામાં નથી; એનો આ સંક્ષેપ જ મળે છે. એ ગ્રંથના લગભગ અંતે (પૃ. ૧૪૨ ) સંગીત-નૃત્યાવસર પરત્વે સભાપતિ, સભ્ય અને સભાનાં લક્ષણ વર્ણવ્યા પછી કર્તા નીચે પ્રમાણે बइकारનું લક્ષણ આપે છે—

‘तेषां कलावतां मध्ये मुख्यो वाङ्मयकारकः । शास्त्रज्ञश्च प्रयोगज्ञः सम्यक् गीतकरो मतः । इति बइकारलक्षणम् ॥ અર્થાત્ વાચનાચાર્ય સુધાકલશના મતપ્રમાણે बइकार એ બધા કલાવંતોમાં મુખ્ય, વાડ્મયકારક—પોતાના વિષયમાં સાહિત્યરચના કરનાર, શાસ્ત્રજ્ઞ અને પ્રયોગજ્ઞ તથા સારી રીતે ગાન કરનાર હોય છે. આ પછી તુરત गन्धर्वનું લક્ષણ આપ્યું છે— गन्धर्वो बहुगीतज्ञेा माधुर्यात् श्रुतिसौख्यकृत् । यद्गीतेन जनः सर्वो रज्यते स तु रञ्जकः ॥ इति गन्धर्व रञ्जकलक्षणम् ॥ અર્થાત્ પુષ્કળ ગીત જાણકાર અને (ગાન) માધુર્યથી શ્રવણને સુખ આપનાર ગન્ધર્વ છે; જેના ગીતથી બધા લોકો રંજિત થાય છે એવા તે રંજક છે. ‘પ્રબન્ધચિન્તામણિ’કારે बइकार અને गन्धर्व એ બંને શબ્દો લગભગ એક અર્થમાં વાપર્યા હોવા છતાં ‘સંગીતોપનિષત્ સારોદ્ધાર'ના કર્તાએ બેનું જુદું જુદું શાસ્ત્રીય લક્ષણ બાંધ્યું છે. પોતાના વિષયને શાસ્ત્રકાર, શાસ્ત્રજ્ઞ અને પ્રયોગજ્ઞ તેમ જ ઉત્તમ ગાન કરનાર તે બઇકાર, અને કર્ણમધુર સર્વલોકરરંજક ગાન કરનાર તે ગન્ધર્વ. એટલે કે બઇકાર એ પોતાના વિષયનો આચાર્ય છે. જ્યારે ગન્ધર્વ તે સુન્દર પ્રયોગકાર છે. ‘વર્ણક-સમુચ્ચય’ માંથી ઉપર આપેલાં ત્રણ અવતરણો પૈકી પહેલા અને ત્રીજા અવતરણમાં ‘ગાયન’ ( ગવૈયો) અને ‘બઇકાર'નો પૃથક્ નિર્દેશ છે તે આ રીતે સાભિપ્રાય છે એમ હું સમજું છું. ‘ગાયન’ શબ્દ સંસ્કૃત તત્સમ છે. સુધાકલશની પરિભાષા ધ્યાનમાં રાખી કહીએ તો, ‘ગાયન’ એટલે ગન્ધર્વ,’ જ્યારે ‘બઇકાર’ એટલે ગીતવિદ્યાનો આચાર્ય. સાધુસુન્દરગણિકૃત ‘ઉક્તિરત્નાકર' – અંતર્ગત શબ્દકોશ(પૃ. ૬૭)માં छयकारु= गेयकारु, એવો અર્થ આપ્યો છે. સ્પષ્ટ રીતે જ, छयकारु એ बयकारु છે, અને જૂની લિપિમાં ब અને छ વચ્ચેના સામ્યને કારણે થયેલી લિપિકારની ભ્રાન્તિને પરિણામે એ અર્થરહિત શબ્દ થયો છે. बइकार શબ્દ સંસ્કૃત કોશોમાં નથી અને ગુજરાતી કોશોમાં પણ તે નોંધાયો નથી, પરન્તુ પ્રાચીન ગુર્જર દેશની લોકભાષામાં તે પ્રચલિત હતો એ દેખીતું છે. અર્વાચીન ગુજરાતીમાં આ શબ્દ વ્યાપક પ્રચારમાં નથી, પણ બોલીવિશેષમાં કંઈક અર્થાન્તરે જોવામાં આવે છે. વાચિક તોફાન કરીને રાગડા કાઢતા કે કોઈના ચાળા પાડતા બાળકને ‘કેમ બેકાર થયો છે?' ‘બહુ બેકાર થયા છે!’ એમ કહી ધમકાવતા વૃદ્ધજનોને મહેસાણા જિલ્લાનાં, ખાસ કરીને એના ઉત્તર ભાગનાં ગામડાંઓમાં, મેં અનેક વાર સાંભળ્યા છે. ગુજરાતના બીજા ભાગોમાં પણ આવો પ્રયોગ થતો હોય એ સંભવિત છે. ફારસી ‘બેકાર’ (નવરો, નકામો) તો આ ન હોય; સન્દર્ભમાં પણ એ બંધ ન બેસે. ઉપર્યુક્ત बइकार શબ્દના અર્થની અવનતિ થઈને પ્રસ્તુત પ્રયોગોમાંનો ‘બેકાર’ શબ્દ આવ્યો હોય એમ બને. સંગીત અને નૃત્યનો વ્યાસંગ ભદ્ર સમાજમાંથી બહિષ્કૃત બન્યો અને હલકાઈની નિશાનીરૂપ ગણાયો એવા સમયમાં ‘સંગીતાચાર્ય'નો અર્થ વ્યક્ત કરતો बइकार શબ્દ અવનતિ પામે અને રાગડા કાઢતાં કે ચાળા પાડતાં તોફાની બાળકોને ‘બેકાર' કહેવામાં આવે એ સમજાય એવું છે. बइकारમાંનો -कार કર્તૃવાચક સંસ્કૃત પ્રત્યય છે, પણ बइનું નિર્વચન મુશ્કેલ છે. સંગીતાદિનો વાચક એ કોઈ દેશ્ય શબ્દ હશે, જેનું મૂલ અત્યારે આપણને અજ્ઞાત છે.

[‘બુદ્ધિપ્રકાશ', ઓક્ટોબર, ૧૯૬૨]


  1. *ગુજરાત સશેાધક પરિષદના ચોથા અધિવેશનમાં (અમદાવાદ, ઓકટોબર ૧૯૬૨) રજૂ થયેલો નિબંધ.
  2. ૧ ‘પ્રબન્ધચિંતામણિ' (સિંધી ગ્રન્થમાલા, ગ્રન્થ ૧), પૃ. ૮૦
  3. ૨. ‘પુરાતનપ્રબન્ધસંગ્રહ' (સિંધી ગ્રન્થમાલા, ગ્રન્થ ૨), પૃ. ૭૯.
  4. ૩. ‘વર્ણક–સમુચ્ચય', ભાગ ૧ (પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા, ગ્રન્થ ૪), પૃ. ૧૩, પંક્તિ. ૨૧-૨૩.
  5. ૪. 'વર્ણક–સમુચ્ચય', ભાગ ૧ (પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા, ગ્રન્થ ૪), પૃ. ૧૪, પં, ૭-૧૧
  6. ૫. એ જ, પૃ. ૪૯, પં. ૧૫-૧૮
  7. ૬. ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલસિરીઝ, ગ્રન્થ ૧૩૩ (સંપાદક ડૉ. ઉમાકાન્ત શાહ )