અન્વેષણા/૬. પાતિમોક્ખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પાતિમોક્ખ



ભારતમાં આર્ય ધર્મની ત્રણ મુખ્ય પરંપરાઓ છે : બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ. બ્રાહ્મણ પરંપરાના મૂલ ગ્રન્થો વેદ અને તત્સંબદ્ધ સાહિત્ય છે, અને પછીના કાળમાં સૈકાઓ સુધી એ પરંપરાનો દાર્શનિક વિકાસ થયો છે એમાં વેદને સર્વથા પ્રમાણભૂત માનવામાં આવેલ છે; અને તેથી અભ્યાસની સગવડની દૃષ્ટિએ વેદને પ્રમાણભૂત માનનાર અને નહિ માનનાર, એવા એ વિભાગો ભારતીય દર્શનોના કરી શકાય એમ છે, બ્રાહ્મણ પરંપરાનું સાહિત્ય મુખ્યત્વે બ્રાહ્મણેાએ ખિલવેલી અને પછીથી એશિયા અને ઈન્ડોનેશિયામાં દિગ્વિજયી બનેલી સંસ્કારભાષા સંસ્કૃતમાં રચાયેલું છે. એ સંસ્કારભાષા પછી સર્વ કાળને માટે, ભારતીય ભાષાઓ માટે એક મુખ્ય પોષક બળ બનેલી છે. જૈન અને બૌદ્ધ પરંપરા એ અમુક અંશે સુધારક સંપ્રદાયો હતા. લોકસંપર્ક દ્વારા બહુજનસમાજમાં જીવનનાં મૂળભૂત સત્યોનો પ્રચાર એ તેમનો એક ઉદ્દેશ હતો, અને તેથી એ બન્ને પરંપરાનું સાહિત્ય વિદ્વન્માન્ય સસ્કૃત ભાષામાં નહિ, પરન્તુ તે કાળે સામાન્ય મનુષ્યો જે સમજી શકતા હતા એવી લોકભાષાઓમાં છે. જૈન અને બૌદ્ધ એ બન્ને પરંપરાઓમાં આ લોકભાષાઓ માટેના એક વિશિષ્ટ આગ્રહ હતો, અને ભગવાન બુદ્ધે તો પોતાના ઉપદેશોનું સંસ્કૃતમાં ભાષાન્તર કરવા ઇચ્છતા એક વિદ્વાન શિષ્યને તેમ કરતાં અટકાવ્યો હતો તથા બુદ્ધના ઉપદેશો સૌ કોઈ સ્વભાષામાં જ સમજે એ જરૂરી છે એવા નૈસર્ગિક આદર્શ ઉપર ભાર મૂકયો હતો. જૈન પરંપરાનું પ્રાચીનતમ મૂલ સાહિત્ય એના આગમગ્રન્થોમાં છે. એ બધા ગ્રન્થો આર્ષ પ્રાકૃતમાં છે, જેને સામાન્ય રીતે ‘અર્ધમાગધી’તરીકે ઓળખવામાં આવે છે. આ આગમસાહિત્યના ‘દૃષ્ટિવાદ’ જેવા અમુક વિભાગો તો ઘણા સૈકા પહેલાં લુપ્ત થઈ ગયા છે. સામાન્ય રીતે માનવામાં આવે છે તેમ, મહાવીર સ્વામી જૈન ધર્મના સ્થાપક નથી, પરંતુ તેમની પહેલાં અનેક તીર્થંકરો થઈ ગયા છે. ઓછામાં ઓછું, મહાવીર પહેલાંના બે તીર્થંકરો, પાર્શ્વનાથ અરે નેમિનાથની ઐતિહાસિકતા સિદ્ધ થયેલી છે. આથી વિદ્યમાન આગમ-સાહિત્યમાંનું કેટલુંક તથા લુપ્ત થઈ ગયેલા સાહિત્યનો કેટલોક ભાગ મહાવીર પૂર્વેનો હોવાનો પૂરો સંભવ છે. બૌદ્ધ ધર્મ કાળાન્તરે ભારતની બહાર ચાલ્યો ગયો, પણ જૈન ધર્મ આજ સુધી, એના લગભગ મૂળ આચારોમાં ભારતમાં રહ્યો છે. સમસ્ત ભારતની માન્ય સાહિત્યભાષા તરીકે સ્વીકારાયેલી સંસ્કૃતનું મહત્ત્વ જૈન સંપ્રદાયે પણ પાછળથી સ્વીકાર્યું હોવા છતાં મૂલ ધાર્મિક ગ્રન્થોની પ્રાકૃત ભાષાને કારણે પ્રાકૃતનું માનાસ્પદ સ્થાન એમાં રહ્યું છે તથા જૈન વિદ્વાનોએ લોકભાષાઓમાં કરેલી રચનાઓ ઉપર પણ પ્રાકૃતની અસર હંમેશાં રહેલી છે. રાજર્ષિ ગૌતમ બુદ્ધે આશરે અઢી હજાર વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. એમનો વિહારપ્રદેશ મુખ્યત્વે મગધનો પ્રદેશ હતો અને તેમણે એ પ્રદેશની લોકભાષામાં ઉપદેશ આપ્યો હોય એમ જણાય છે. પણ આજે બૌદ્ધ ધર્મનું પ્રાચીનતમ મૂલ સાહિત્ય જે ભાષામાં સચવાયું છે તે પાલિ તરીકે ઓળખાય છે, અને એનું સ્વરૂપ જોતાં અત્યારના ઉત્તર પ્રદેશની તે પ્રાચીન લોકભાષા હોઈ શકે એમ વિદ્વાનોનું માનવું છે, મગધની ભાષામાં અપાયેલા યુદ્ધના ઉપદેશોનો પાછળથી પાલિમાં અનુવાદ થયો હશે. સીલોનની પરંપરામાં પાલિને ‘માગધિક ભાષા’ અથવા ‘મગધાનિરુત્તિ’ કહેવામાં આવે છે. સીલોન અને બર્મામાં પણ તેને માગધી કહે છે. મોગ્ગલાનના પાલિ વ્યાકરણમાં પણ એને માગધી કહી છે, તેથી આ અનુમાનને ટેકો મળે છે. બૌદ્ધોના વિવિધ સંપ્રદાયભેદોને કારણે સંસ્કૃતમાં તથા ‘ગાથા સંસ્કૃત’ નામે ઓળખાતી, લોકભાષાના પ્રયોગોથી તરબોળ, એક પ્રકારની મિશ્ર સંસ્કૃતમાં પુષ્કળ બૌદ્ધ સાહિત્ય વિકસ્યું છે. તિબેટ વગેરે પરદેશોની ભાષામાં રચાયેલા કે અનૂદિત થયેલા સાહિત્યની અહીં આપણે વાત કરતા નથી. પણ પ્રાચીનતા, મહત્ત્વ તેમ જ સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ સમસ્ત બૌદ્ધ સાહિત્યમાં પાલિ મૂલ ગ્રન્થોનું સ્થાન ઘણું ઊંચું છે. પાલિ મૂલ ગ્રન્થોના વિષયવ્યવસ્થાની દૃષ્ટિએ ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે, તથા એ ‘ત્રિપિટક’ કહેવાય છે. ‘પિટક’ એટલે ટોપલી–રત્નકરંડક. બૌદ્ધ સાહિત્યનો પ્રસિદ્ધ વિદ્વાન રહાઈસ ડેવીડ્ઝ એનો ‘પરંપરા’ એવો અર્થ આપે છે, કેમકે માટી ખોદતાં જેમ ટોપલી ઘણા મજૂરોના હાથમાંથી પસાર થાય છે તેમ આ ગ્રન્થો અનેક પૂર્વસૂરિઓની પરંપરાથી ઊતરી આવ્યા છે. આ ત્રિપિટક અથવા ત્રણ પિટકો તે વિનયપિટક, સુત્તપિટક અને અભિધમ્મપિટક. વિનયપિટકમાં યતિધર્મોનું તથા શ્રમણસંઘની વ્યવસ્થાના નિયમોનું નિરૂપણ છે; સુત્તપિટકમાં ધર્મોપદેશો, વ્યાખ્યાનો, સંવાદો આદિ અનેક પ્રકારની પૂર્વપરંપરાગત સાહિત્યગુણવાળી સામગ્રી છે. અભિધમ્મપિટકમાં કઠિન તાર્કિક શૈલીએ બૌદ્ધ ધર્મના સિદ્ધાન્તો ચર્ચાયા છે. આમ છતાં ત્રિપિટકોમાં જ બૌદ્ધ શ્રુતના આ પ્રમાણે નવ વિભાગ ગણાવવામાં આવ્યા છેઃ (૧) સુત્ત અથવા સૂત્ર એટલે ગદ્યાત્મક ઉપદેશો, (૨) ગેય—ગદ્યપદ્યાત્મક ઉપદેશો, (૩) વેય્યાકરણ અર્થાત્ વ્યાકરણ એટલે ટીકાઓ, (૪) ગાથા, (૫) ઉદાન અથવા અર્થગર્ભ વાક્યો, (૬) ઇતિવૃત્તક અર્થાત્ ઇતિવૃત્તક એટલે કે ‘બુદ્ધ આમ બોલ્યા હતા’ એ શબ્દોથી શરૂ થતા ઉપદેશો, (૭) જાતક અથવા બુદ્ધના પૂર્વજન્મની કથાઓ, (૮) અબ્ભુત ધમ્મ અથવા અદ્ભુત ધર્મ અર્થાત્ ચમત્કારો, અને (૯) વેદલ્લ અથવા પ્રશ્નોત્તરીના રૂપમાં ઉપદેશો. આ બધા વિભાગોના ઉલ્લેખ ત્રિપિટકમાં જ છે એ બતાવે છે કે બૌદ્ધ શ્રુત એના અત્યારના સ્વરૂપમાં સંકલિત થયું ત્યારે એના આ બધાયે પ્રકારો અસ્તિત્વમાં હતા. સાંચી અને ભારતના બૌદ્ધ સ્તૂપોમાંના કેટલાક શિલાલેખોમાં બૌદ્ધ સાધુઓને ‘ભાણક’ અથવા ધાર્મિક પ્રસંગો કહેનાર, ‘સુત્તંતિક’ અથવા સૂત્રોનું વિવેચન કરનાર, ‘પંચનેકાયિક’ અથવા પાંચ નિકાયો જાણનાર, ‘પેટકિન્’ અથવા પિટકોનું જ્ઞાન ધરાવનાર, તથા ‘ધમ્મકથિક’ અથવા ધર્મનું કથન કરનાર – એવાં વિશેષણ આપેલાં છે, જે બતાવે છે કે ઈસવી સન પૂર્વે બીજી સદીમાં પણ બૌદ્ધ સુત્તનો એક સંગ્રહ હતો, જે પિટક નામથી ઓળખાતો હતો અને પાંચ નિકાયોમાં વહેંચાયેલો હતો. પાલિ પિટકની વિશ્વસનીયતાનો એક મોટો પુરાવો એ છે કે ઈસવી સન પૂર્વે પહેલી સદીમાં લેખારૂઢ થયા છતાં તેમાં અશોક જેવા મહાન બૌદ્ધ રાજાનો ઉલ્લેખ નથી તથા સીલોનમાં લિપિબદ્ધ થયા છતાં સીલોનનોયે એમાં નિર્દેશ નથી. પૂર્વકાલીન શ્રુતપરંપરાને એણે વફાદારીપૂર્વક જાળવી રાખી છે એમ આ વસ્તુઓ બતાવે છે. પાલિ શ્રુતનાં ત્રિપિટકમાં બૌદ્ધો વિનયપિટકને સૌથી પહેલું મૂકે છે. જોકે પ્રાચીનતાની બાબતમાં સુત્તપિટક એ કરતાં જૂનું હોઈ શકે. વિનયપિટકનો વિષય, હમણાં કહ્યું તેમ, બૌદ્ધ શ્રમણસંઘની શાસનવ્યવસ્થા છે. પોતાની જીવનચર્યામાં સાધુસાધ્વીઓથી જે ક્ષતિઓ અથવા સ્ખલનાઓ થઈ જાય એના વિભાગો પાડીને એ માટે જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું એમાં વિધાન છે. એ રીતે જૈન આગમસાહિત્યમાંનાં છેદસૂત્રો સાથે વિનયપિટકનું અનેકવિધ સામ્ય છે; અને તત્કાલીન સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિના અભ્યાસ માટે વિનયપિટક તથા છેદસૂત્રો અનેક રીતે ઉપયોગી છે. વિનયપિટકના બે વિભાગો છે : પાતિમોક્ખ અને ખંધક. આ બન્નેના પાછા બબ્બે વિભાગો છે. પાતિમોક્ખ અભિક્ખુ-પાતિમોક્ખ અને ભિક્ખૂણી–પાતિમોક્ખ એમ બે વિભાગમાં વહેંચાયેલું છે; ખંધકના મહાવગ્ગ અને ચુલ્લવગ્ગ એમ બે ભાગ પડે છે. વિનયપિટકમાં સૌથી મહત્ત્વનો ભાગ પાતિમોક્ખ છે. સંઘની શાસનવ્યવસ્થા પરત્વે સ્ખલનાઓની એક લાંબી યાદી એમાં આપેલી છે, તથા તે તે સ્ખલના માટે પ્રાયશ્ચિત્ત જણાવેલું છે. આથી પાતિમોક્ખનું સંસ્કૃત રૂપ પ્રતિમોક્ષ અથવા પ્રાતિમોક્ષ આપવામાં આવે છે તે યોગ્ય છે, કેમકે દોષમાંથી મુક્તિનો અર્થ એમાં રહેલો છે. ‘પ્રતિ’નું ‘પ્રાતિ’ થવામાં પ્રારંભિક સ્વર દીર્ઘ થાય છે એવા દાખલા પાલિ ભાષામાં અન્યત્ર પણ છે. ધમ્મપદ, જાતક, સુત્તનિપાત, થેરગાથા, થેરીગાથા, આદિ ત્રિપિટક-અંતર્ગત કેટલીક સુપ્રસિદ્ઘ રચનાઓની જેમ પાતિમોક્ખ એ કોઈ કલાકૃતિ નથી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાદા, એકધારા; ક્વચિત્ કંટાળાજનક લાગે એવા પાલિ ગદ્યમાં રચાયેલી આ કૃતિનો એક માત્ર ઉદ્દેશ સંઘનું સંગઠન છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી એમના શિષ્ય આનંદે કહ્યું હતું કે- ‘બુદ્ધે કોઈને પોતાનો ગણધર નીમ્યો નથી, પરન્તુ શિક્ષાપદ અને પાતિમોક્ખનો ઉપદેશ તેમણે આપ્યો છે અને તે દ્વારા સંઘનું રક્ષણ થશે’ સારા ભિક્ષુને ‘પાતિમોક્ખ-સંવર-સંવુતો’ અથવા પાતિમોક્ખ વડે રક્ષિત, એ રીતે વર્ણવેલો છે. સર્વ બૌદ્ધ મૂલ ગ્રન્થોના જૂનામાં જૂના અંશમાં પાતિમોક્ખનું સ્થાન છે એમાં શંકા નથી. પૂર્ણિમા અને અમાવસ્યા એ બે પર્વદિવસોને પવિત્ર દિવસો ગણવાની પ્રાચીન ભારતીય પ્રથા સાથે પાતિમોક્ખનો સંબંધ જોડી શકાય એમ છે. મહાવગ્ગમાં બૌદ્ધએ જ નોંધ્યું છે તે પ્રમાણે, બૌદ્ધ સિવાય બીજા કેટલાક સંપ્રદાયના સાધુઓ દરેક પખવાડિયાના મધ્યમાં તથા અંતમાં એકત્ર થતા અને તે સમયે પોતાનો જે નવો ઉપદેશ કે વ્યાખ્યાન હોય તે લોકો સમક્ષ રજૂ કરતા. આમ અમુક નિશ્ચિત સમયે એકત્ર થવાનું બૌદ્ધોએ પણ ચાલુ રાખ્યું, પરન્તુ તેઓ મહિનામાં બે વાર મળવા લાગ્યા – લોકો સમક્ષ ઉપદેશ માટે નહિ, પણ પોતાની સ્ખલનાઓનું પ્રાયશ્ચિત્ત કરવા માટે. આ પ્રકારની સમિતિઓના ઉપયોગ માટે પાતિમોક્ખની રચના થઈ. ભિક્ષુણીઓના ઉપયોગ માટે જુદું ભિકૂખુણી-પાતિમોક્ખ રચાયું. આ પ્રમાણે મહિનામાં બે વાર આ કૃતિનો પાઠ થતો અને આ વિધિને ઉપોસથ વિધિ કહેતા. પાતિમોક્ખ એ બૌદ્ધ શ્રમણસંઘનું ઠીક ઠીક વિકસેલું સ્વરૂપ રજૂ કરે છે, અને ખંધકમાંની હકીકતો તો એ કરતાંયે આગળનો વિકાસ દર્શાવે છે. યતિઓની જીવનચર્યામાં મુકાયેલી કેટલીક મોટી છૂટછાટો ખાસ ધ્યાન ખેંચે છે. ચુસ્ત યતિજીવન અનુસાર તો ભિક્ષુએ કેવળ ભિક્ષાચર્યાથી જ નિર્વાહ કરવાનો હોય, પણ અહીં તે ભેાજન માટે નિમંત્રણ સ્વીકારી શકે છે; એનો પહેરવેશ ખરેખર તો ચીવર એટલે લોકોએ ફેંકી દીધેલાં ચીંથરાં બનેલો હોય, પરન્તુ તે સુતરાઉ અને રેશમી વસ્ત્રો પણ પહેરી શકે છે. એણે ઝાડ નીચે રહેવાનું હોય, પરન્તુ ઝૂપડાં અને ઘરમાં પણ તે સુખપૂર્વક રહી શકે છે. માખણ, તેલ અને ઘી તે લઈ શકે છે. ખાસ એને જ માટે પકડવામાં આવી ન હોય એવી માછલી પણ તે ખાઈ શકે છે. આ બધું બતાવે છે કે વિનયપિટકની છેવટની સંકલના થઈ ત્યાર પહેલાં બૌદ્ધ શ્રમણસંઘના વિકાસનો લાંબો કાળ વીતી ગયેલો હોવો જોઈએ, અને તેમાંના નિયમો એક સાથે રચાયા નહિ હોય, પણ ઉપસ્થિત થતા સંયોગોને અનુલક્ષીને ધીરે ધીરે ઊભા થયા હશે. આમાંના અમુક નિયમો તો બુદ્ધ પૂર્વેના બીજા કેટલાક શ્રમણસંપ્રદાયોમાં હતા તેના તે જ છે. આમ છતાં ધાર્મિક ગ્રન્થોમાં સામાન્ય રીતે બને છે તેમ, વિનયપિટકમાંના નિયમોના કર્તૃત્વનું આરોપણ બુદ્ધ ઉપર કરવામાં આવ્યુ છે; અમુક વસ્તુ બુદ્ધે કયા કયા પ્રસંગે કહી એના રીતસર વૃત્તાન્તો આપવામાં આવ્યા છે. પાતિમોક્ખમાંની નિરૂપણપદ્ધતિ તથા નિયમોનો ખ્યાલ આવે એ દૃષ્ટિએ એમાંનું એક નાનું ઉદ્ધરણ અહીં જોઈએ. જે અપરાધો કરવાથી ભિક્ષુ ભિક્ષુપણામાંથી હંમેશને માટે દૂર થઈ જાય છે એને પારાજિક કહે છે. એ સંબંધમાં પાતિમોક્ખમાં કહ્યું છે: ‘જે ભિક્ષુ કોઈ અદત્ત વસ્તુને ગ્રામ અથવા અરણ્યમાંથી ગ્રહણ કરે, જેથી માલિકે આપ્યા વિના લઈ લેવાથી, રાજા કોઈ વ્યક્તિ ચોર, મૂર્ખ અને મૂઢ કહીને બાંધે, મારે અથવા દેશનિકાલ કરે, તો એ ભિક્ષુ ‘પારાજિક’ થાય છે–અથાત્ ભિક્ષુઓની સાથે રહેવાને અયોગ્ય બને છે. ‘જે ભિક્ષુ જાણીબૂઝીને મનુષ્યને જાનથી મારે અથવા (આત્મહત્યાને માટે) શસ્ત્ર ખોળી લાવે અથવા મરવાની તાકીદ કરે અથવા મરવાને માટે પ્રેરિત કરે કે- ‘અરે પુરુષ ! તારે આ પાપી દુર્જીવનથી શું ? તારે માટે જીવવા કરતાં મરવું સારું છે.’ એવા પ્રકારના ચિત્તવિચારથી, એવા પ્રકારના ચિત્તસંકલ્પથી અનેક પ્રકારે મરવાની જે તાકીદ કરે અથવા મરવાને માટે પ્રેરિત કરે એ ભિક્ષુ પારાજિક થાય છે-અર્થાત્ ભિક્ષુઓની સાથે રહેવાને અયોગ્ય બને છે. ‘જે ભિક્ષુ અવિદ્યમાન દિવ્યશક્તિ પોતાનામાં વર્તમાન હોવાનું કહે છે- ‘હું આવું જાણું છું, આવું જોઉં છું.’ પછી બીજા કોઈ સમયે પૂછવાથી અથવા પૂછ્યા વિના, વદનીયતાથી અથવા આશ્રમ છોડી જવાની ઇચ્છાથી કહે છે- “આયુષ્માન! નહિ જાણવા છતાં મેં ‘જાણું છું’ એમ કહ્યું, નહિ દેખવા છતાં ‘દેખું છું’ એમ કહ્યું, મેં જુઠું કહ્યું” તો એ પારાજિક થાય છે—અથાત્ ભિક્ષુઓની સાથે રહેવાને અયોગ્ય બને છે. ‘આયુષ્માનો! આ પારાજિક દોષ કહ્યા. એમાંનો ગમે તે દોષ કરવાથી ભિક્ષુ ભિક્ષુઓની સાથે વાસ કરી શકતો નથી. ભિક્ષુ થયા પહેલાં એની સ્થિતિ હતી તે જ પ્રમાણે પછી પારાજિક થઈને તે સાથે વસવા યોગ્ય રહેતો નથી. ‘(ઉપોસથ વિધિ માટે એકત્ર થયેલા મંડળને કહેવામાં આવે છે:) આયુષ્માનોને હું પૂછું છું: શું તમે લોકો આથી શુદ્ધ છો? બીજી વાર પણ પૂછું છું : શું શુદ્ધ છો ? ત્રીજી વાર પણ પૂછું છું : શું શુદ્ધ છો ? આયુષ્માનો શુદ્ધ છો, માટે ચૂપ બેઠા છો એવી હું ધારણા કરું છું.’

[‘સંદેશ’, દીપોત્સવી અંક, સં. ૨૦૧૧]