અભિમન્યુ આખ્યાન/કડવું ૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૭
[અહિલોચને દ્વારકાની વાટ લીધી. સર્વજ્ઞ કૃષ્ણે જાણી લીધું કે આ તરફ આવતો અહિલોચન યુદ્ધમાં નહિ જિતાય, પ્રપંચથી મરાશે. અહિલોચનનો ઉત્સાહ, એનું પ્રસ્થાન, ગતિ વગેરેનું વર્ણન કાવ્યત્વનો સ્પર્શ પામ્યું છે. કૃષ્ણને પણ અહિલોચનનો પ્રભાવ કબૂલતાં કહેવું પડે છે ‘કપટ વિના, જીત્યાની આશા ફોક રે.’]


રાગ ગોડી લહેકણી
અહીલોચન ઊઠીને ચાલ્યો, ન રહ્યો ઝાલ્યો હાથે;
સજ્યાં ટોપ, કવચ ને બખ્તર, પેટી લીધી માથે.          ૧

સર્પ સર્વે વારી રાખે : ‘વણખૂટ્યે મરે શાને?’
આવ્યો કાળ બાળકને લેવા, કહ્યું કોનું નવ માને.          ૨

આંસુ ભરતી આંખડી રાતી, માતા મારગ પડતી;
અહિલોચન ઊઠીને ચાલ્યો જનુની મૂકી રડતી.          ૩

ભેદી ભોમને બહાર નીસર્યો, ચાલ્યો પશ્ચિમ દિશ,
દ્વારામતીની વાટ પૂછતો, વસે છે જ્યાં જગદીશ.          ૪

ઊજમ સહિત ઊઠીને ચાલ્યો ગ્રહેવા શ્રીગોપાળ;
કુંવરે કેશવ નહિ જાણ્યા, જે કાળ તણા છે કાળ.          ૫

હીંડતા પગને પ્રહારે કરીને ધરા ધ્રમ ધ્રમ થાયે;
ટીંબા, ટેકરા, ગિરિ ને તરુવર ઠેસે ઊડ્યાં જાયે.          ૬

કુમારગ સુમારગ કીધા, વાઘે છાંડ્યાં વંન;
પૂર્વ દિશાથી પશ્ચિમ જાણે ગાજી આવ્યો ઘંન          ૭

રાતા ડોળા અગ્નિગોળા, ભ્રકુટિ તાણ્યું કોદંડ;
તાડ પ્રમાણે કાયા જેની, દેખૈતો પરચંડ.          ૮

શકે પ્રૌઢ પારધી પંજર લઈને ચાલ્યો ગ્રહેવા કીર;
અંતર માંહે દ્વારામતીથી જાણ્યું શ્રી જદુવીર :          ૯

‘અહિલોચન આવે છે બળિયો તે જુદ્ધે નહિ જિતાય;
પેટીમાં પેસે એ પાપી એવો કરું ઉપાય.          ૧૦

જુગતે મારું પ્રપંચ કરીને, એ ખીજ્યો નવ મરે;
કોપ્યો હોય તો વ્યોમ-વસુધા બંને એકઠાં કરે.          ૧૧

વલણ
કરે એકઠાં વ્યોમ-વસુધા, ઉજાડે ત્રણ લોક રે;’
કહે કૃષ્ણજી : ‘કપટ વિના જીત્યાની આશા ફોક રે.’          ૧૨