અભિમન્યુ આખ્યાન/કડવું ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૮
[અહિલોચનને કપટથી જીતવા કૃષ્ણ શુક્રાચાર્યનું રૂપ ધારણ કરી માર્ગમાં એને મળ્યા. એમના વૃદ્ધત્વનું આલેખન પ્રેમાનંદના વર્ણનકૌશલનો એક સારો નમૂનો છે વૃદ્ધનું આ સ્વાભાવોક્તિ ચિત્ર, પ્રેમાનંદના ‘સુદામાચરિત’માં કૃષ્ણને મળવા દ્વારામતી જઈ રહેલા સુદામાના ચિત્ર સ્મરણ કરાવે છે.]


રાગ ગોડી ટૂંકડી
સંજય કહે : ‘સાંભળિયે રાય! દેવકીનંદનનો મહિમાય;
મારવા દાનવ કેરો ભૂપ ભગવાને ધરિયું ભાર્ગવરૂપ.          ૧

શત્રુ હણવાનું સાર્યું કાર્ય, શ્રીકૃષ્ણજી થયા શુક્રાચાર્ય;
વૃદ્ધ વપુ, કર ગ્રહી લાકડી, આવે ઠેસ ને પડે આખડી.          ૨

મસ્તક બાંધ્યું ફાટ્યું ચીંથરું, જળજળાં નેત્ર, જુએ અરુંપરું;
થર થર દેહ ધુ્રજે જદુરાય, કાયામાં પ્રગટ્યો કંપવાય.          ૩

મુખ-નાસિકા મોહનનાં ચુએ, કપાળે કર દેઈને જુએ;
પેટે વળી છે કરચલી, દીનબંધુ જાણે પેપલી          ૪

ઉધરસ ને બહુ ચડે રે શ્વાસ, એવું રૂપ ધર્યું અવિનાશ.
નીસરી ખૂંધ, કટિ બેવડ વળી, પગે વાયુ ને માથે પળી;          ૫

ખોડંગાતો ચાલેકાનુઓ, વાંકોઘૂંટણ ને પગે જાનુઓ,
રસના વળગે, આવે શૂળ, પહેર્યું મૃગચર્મ, ઓઢ્યું વનકૂળ.          ૬

એવે રૂપે પરમેશ્વર પળ્યા, અહિલોચનને સામા મળ્યા;
નેત્ર ઉપર દેઈ આડો હાથ, દાનવને પૂછે જદુનાથ :          ૭

‘મસ્તક ભાર ઊંચળ્યો કોણ પાપ? પેટી માંહે છે ઘો કે સાપ?
સજ્યું કવચ, બાંધ્યાં હથિયાર, દીસો રાજપુત્ર, કાં ઊંચલ્યો ભાર?          ૮

શું ભર્યું માણેકમોતી ઝવેર? કોને આપવા ચાલ્યો ઘેર?
રખે તું જાતો દ્વારિકા ભણી, કૃષ્ણિયો લેશે પેટી તુજ તણી.          ૯

તે પાપીને હૃદયે દયા નથી, મારગુને મારે સર્વથી;
જેમ તેમ સ્વારથ પોતાનો કરે, પરપ્રાણ કોડી માટે હરે.          ૧૦

જેણે મામા-માસીના લીધા પ્રાણ, અયદાનવ માર્યો સુજાણ,
તેને દેવા નથી કો શીખ, મુને માગતો કીધો ભીખ.          ૧૧

વલણ
મુને ભીખ મગાવી કેશવે, માર્યો અયદાનવ રાય રે,’
એવું કહીને રોયા હરિ : ‘જજમાન સાલે રુદિયા માહ્ય રે.’ ૧૨