અર્વાચીન કવિતા/શેઠ વલ્લભદાસ પોપટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શેઠ વલ્લભદાસ પોપટ

માહેશ્વરવિરહ (૧૮૮૦), સુબોધચિંતામણી (૧૮૮૨), દૃષ્ટાંતચિંતામણી કાવ્ય (૧૮૮૪). શેઠ વલ્લભદાસ પોપટને આ ગાળાનો એક સ્વતંત્ર વિચારનો ઉત્સાહી તથા જોશીલો કવિ કહી શકાય; જોકે એનું ચિંતન બહુ નક્કર નથી. એના ‘સુબોધચિંતામણી’ની નવલરામે સારી પ્રશંસા કરેલી.* [1] એ ઉપરથી તેને ખૂબ ઉત્સાહ મળેલો. એનું પ્રથમ કાવ્ય ‘માહેશ્વરવિરહ’ પોતાના ગુરુ તથા તે વખતના એક જાણીતા વિદ્વાન શંકરલાલ માહેશ્વરના મૃત્યુને અંગેનું છે. આ નાનકડા કાવ્યમાં કવિના શબ્દોમાં ‘શિખાઉ અવસ્થામાં અઘરા સંસ્કૃત શબ્દો’ આવી ગયેલા છે. તો પણ વિરહનો ભાવ કવિતાના તે વખતના સર્વસ્વીકૃત ઝડઝમકના ઠઠેરા છતાં કળામય બન્યો છે :

છણ છણ છણ બાળે છાપ છાતી છપાણી,
ગુરુ ગુરુ ગુરુ બોલું નેત્રમાં પૂર્ણ પાણી.
...સ્વપ્ન વિષે પણ સાંભરે આપ શરીર આકાર,
ઘાટ ઘડાયે પટ વિષે કલ્પિત ક્રોડ પ્રકાર,
જેનો વરણ્યો ન આવે પાર
જાઉં કેમ પીડોદધિ પાર?

લેખકની સૌથી વધુ શક્તિ ‘સુબોધચિંતામણી’માં દેખાય છે. નવલરામની ગરબીઓની તેના ઉપર ઘણી છાપ છે. કેટલીક ગરબીઓનો ભાવાર્થ તદ્દન નવલરામનો છે. ઉપરાંત નર્મદની સુધારાની ધગશ પણ તેનામાં છે. એ સાથે તેનામાં મુગ્ધતા અને પાંડિત્યપ્રિયતા પણ છે. અમુક ઠેકાણે તેનાં કાવ્યો ખૂબ કડક પણ બને છે, ક્યાંક ગ્રામીણ પણ બને છે. કવિ પોતાનાં કાવ્યોને ‘ચાબખા’ તરીકે ઓળખાવે છે. પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર જ કવિએ મૂકેલી પંક્તિઓમાં તેની બધી લાક્ષણિકતા જણાઈ આવે છે :

‘કલ્યાણકર્તા કવિનો તમાચો, રાચો મુખે ખાઈ સદૈવ સાચો.’

લેખકે દરેક સામાજિક કુરિવાજને કટાક્ષનો વિષય બનાવ્યો છે. આ પુસ્તક આપણા કુરિવાજોનું જાણે એક સંપૂર્ણ આલ્બમ બન્યું છે. આખા સંગ્રહમાં બે કે ચાર જાતના ઢાળમાં જ બધી રચનાઓ છે. એ રીતે પુસ્તક એકવિધ પણ બની ગયું છે. કવિ ઘણી સચોટ ઉપમાઓ તથા જોશીલી વાણી દ્વારા પોતાનું કથન રજૂ કરે છે :

વયનાં ઘેરઘેર કજોડાં છે, દંપતિ નહિ પણ એ ઓડાં છે,
એ મધ વણ ખાલી પોડાં છે.
...કાચી કેરી ઘોળી નાખી, ચહેરો નાખ્યો ચોળી,
નૂર તેજ સુકવી નાખ્યું વળગાડી વહુને ખોળી રે.

તેની ગરબીઓના ઉપાડ ખૂબ મજાના આવી જાય છે. સુધારક તરીકે તે દલપત કરતાં નર્મદની રીત વધારે અપનાવે છે :

પાણી રેડ્યે પથ્થર નહિ પીગળે રે, મળ્યાં કર્મે કઠણ કાળમીંઢ,
કૈંક મીઠું મીઠું બોલી મુઆ રે, જાણે કોણ કરે કુસંપ;
પણ નાવ્યાં ફળો મનમાનતાં રે, વળી નાવ્યો જાહેરમાં જંપ,
ગઢ ધીંગો વિદરવો વે’મનો રે, તોપ વિના તૂટે ન કદાચ.

તેનો ‘જોસ્સો’ નર્મદ કરતાં યે વિશેષ કળારૂપ લે છે :

ઊભાં થાય રૂવાડાં એવો વાય જુઓ, વાવડો;
હાથ ચલાવો હે શૂરવીરો જીતસમય ઢૂકડો.

વળી,

ઊઠો વીર બળવંતા બંકા રે, નગારે ઘા દઈ દ્યો ડંકા.

કવિનું છેલ્લું પુસ્તક ‘દૃષ્ટાંતચિંતામણી કાવ્ય’ છે. એમાં લેખકની ખાસ પ્રગતિ દેખાતી નથી. લેખકનું ઇતિહાસ વગેરેનું વાચન ઠીક ઠીક લાગે છે. પોતાની કવિતા વિશે તે બહુ સભાન રહ્યો છે : ‘મારા સુધારાના વિચારો ગમે તેવા ગાંડા હોય, અથવા મારી કલમ તોછડી, ઉદ્ધત કે અસત્ય હોય, પણ એ બધા પુરાવા કાવ્ય સામે નથી, કાવ્યની રસિકતા સામે એ ફરિયાદ નથી.’ અને આ લેખમાં તોછડાઈ, ઉદ્ધતપણું છતાં તેના કાવ્યની રસિકતા વિશે શંકા રહે તેમ નથી.


  1. * ‘આ કાવ્યની કવિતાને એવે બલવાન હાથે-એવો ઊંચો-સરસ ઇનસાફ મળ્યો હતો કે ત્યારથી સુબોધચિંતામણી શું છે તે છૂપું રહ્યું નથી.’ – લેખક પોતે.