અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/મને ગમે છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મને ગમે છે

અમૃત `ઘાયલ'

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલા પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ :ખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડ્હાપણ મને ગમે છે.

આવી ગયાં છો, આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.



આસ્વાદ: ગમે છે વિશે – મનસુખલાલ ઝવેરી

મને ગમે છે મારી માશૂકનાં કાજળભર્યાં નયનોનાં કામણ, કાજળભર્યાં કામણગારાં નયનો. ‘શા માટે ગમે છે?’ એમ પૂછો છો? પૂછવાનું શું હોય તેમાં? મને એ ગમે છે એ જ શું પૂરતું કારણ નથી, કે મારે બીજાં કોઈ કારણો આપવાનાં હોય? અને શા માટે આપવાનાં હોય?

મને ગમે છે માશૂકની લજ્જાભારે ઢળી ઢળી જતી પાંપણ કેવો મનોહર છે એ લજ્જાનો ભાર, માશૂકની ખૂબસુરતીએ પોષતો ને વધારતો!

મને ગમે છે જીવનની તેમ જ મરણની પણ ક્ષણેક્ષણ, એ જીવન તેમ જ મરણ, જે બેય વસ્યાં છે મારી પ્રિયતમાનાં નયનોમાં. એ નયનોમાં શક્તિ વસી છે મને જિવાડ્યાની તેમ જ મારવાની. એ નયનોમાં ઝેર ભર્યું હોય જીવનને મુરઝાવી નાખનારું તોપણ મન થતું નથી એનાથી ઘડીયે આઘાં ખસવાનું.

મને ગમે છે મારો પ્રેમ ક્યારેક ને ક્યારેક પણ સફળ થયા વિના રહેવાનો નથી એ હૈયાધારણ. મને ખબર છે કે પ્રેમ સળ થવો સોહ્યલો નથી દુનિયામાં, ને માશૂકે વિવિધ ઇંગિતો દ્વારા આપેલી કે મેં પોતે માશૂકનાં વિવિધ ઇંગિતોનો મને પોતાને રુચે તેવો અર્થ કરીને મેળવેલી હૈયાધારણ ખોટી પણ ઠરે કદાચ, તોપણ ખોટી તો ખોટી પણ હૈયાધારણ રાખીને સુખ નહિ તો સુખનાં સ્વપ્નોમાં રાચવાનું મને ગમે છે. સૂકી ભઠ્ઠ અને બાળતી અને ગૂંગળાવતી રેતી કરતાં ઝાંઝવાનાં તો ઝાંઝવાનાં પણ નીર શાં ખોટાં? ઘડીક આંખો તો ઠારે?

મને ગમે છે મારું દિલ, જે મારું મટી જવાથી, કોઈ અનોખા પ્રકારનું સૌન્દર્ય ધારણ કરી રહ્યું છે. એ મારી સાચી કે દિલના દર્પણના ટુકડેટુકડા થઈ ગયા છે. પણ એ પણ એટલું જ સાચું છે કે દર્પણ આખું હતું ત્યારે તેમાં દેખાતી હતી એક જ માશૂક. દર્પણના ટુકડા થતાં, ટુકડે ટુકડામાં બિરાજતી દેખાય ચે મારી માશૂક.

મને ગમે છે મારી સ્મૃતિ, જે માલણની માફક છાબ પર છાબ ભરીભરીને લાવે છે માત્ર ફૂલો જ, ને જે પ્રેમળ એવી છે કે મારી પાસેથી આઘી જ ખસતી નથી ઘડીએ. સ્મૃતિમાં એવું રસાયણ વસ્યું છે કે અભદ્ર અને કષ્ટકર અનુભવોને ય એ ભદ્ર અને સુખદાયક બનાવી દે છે. એટલે માશૂકની સ્મૃતિઓ મારા હૃદયમાં પળેપળ જાગે છે તે બદી જ હોય છે તે નિતાંતસુન્દર ને સુખકર.

મને ગમે છે તમારાં ઝુલ્ફાં, શા માટે શરમાઈને તમે રાખ્યાં છે તેને બંધનમાં? એને મૂકી દો છૂટાં, ને વિખેરાઈ જવા દો. એ વિખેરાશે તો તેના સૌન્દર્યથી હું અસ્વસ્થ થઈ જઈશ ને મારું જીવન વેરણછેરણ થઈ જશે એમ ને? ભલે થાય. પણ તમારા સૌન્દર્યને પહોંચવા દો પરાકાષ્ઠાએ, કશો પણ સંકોચ કે શરમ રાખ્યા વિના.

મને ગમે છે આ જિંદગીનાં વળગણ, ભલે એમાં રસ ન હોય, આનન્દ ન હોય, હળવાશ કે મુક્તિ ન હોય! પણ એની સાથે જડાયાં છો તમે, અને તેથી જ મારા સમ, એ ગમે છે મને. ન ગમતાં હોત તો હું એને આજ લગી વેંઢારતો રહેત ખરો?

મને ગમે છે મારું દિલ અને મારી દુનિયા, બેય, દિલ તૂટી ગયું છે અને દુનિયા બેચેન બનાવી મૂકે છે તોપણ એ દિલ અને એ દુનિયા જ મને જિવાડે છે, હરઘડી કલ્પનામાં તમારા અલૌકિક સૌન્દર્યની, તમારા સ્નેહની ને તમારા સહચારની. એટલે એ દિલ અને દુનિયા હવે હું પાછાં આપી દઉં એ વાત સ્વપ્નેય કરશો મા.

મને ગમે છે હસવું, હસ્યાં જ કરવું ને દુઃખમાં પણ બસ ખડખડાટ હસ્યે રાખવું. દુનિયા ભલે એને દીવાનાપણું ગણે, મારે મન એ ડહાપણ છે. સાચો ડાહ્યો એ જે દુઃખને હસી કાઢે.

મને ગમે છે ખાંપણ, મૃત્યુ, આ ખોળિયા-જિંદગીના-જેટલું જ. જિંદગીમાં માત્ર જીવનને જ નહિ, પણ મૃત્યુને પણ હું ભેટ્યો છું કેટલીયે વાર. નિરાશા, બેવફાઈ, બેરહમને લીધે મેં ઘણી વાર મોતની વેદના વેઠી છે જીવતોજીવત ને પરવારી જતું અનુભવ્યું છે જીવનને, પણ એનાથી પણ હું ટેવાઈ ગયો છું હવે, ને એ પણ મારી જિંદગીનો ભાગ જ બની ગયાં છે. અને તેથી એ પણ મને ગમે છે, ખુદ જિન્દગીનાં જેટલાં જ.

મને ગમે છે મારાં ઊર્મિકાવ્યો. તમને એ ગમે તોયે ભલે ને ન ગમે તોયે ભલે! તમે એને સ્વીકારો તો તમારી મરજી, નહિ તો મને મુબારક હો મારાં એ કાવ્ય! એ કાવ્યો શબ્દનાં નથી બન્યાં, મારા હૃદયનાં અશ્રુઓનાં બન્યાં છે એ અશ્રુઓએ ભરી દીધું છે હેલે ચડેલું કોઈ રમ્ય સરોવર!

આખા કાવ્યને માશૂકને સંબોધન તરીકે પણ લઈ શકાય. કડીઓ ૪, ૫, ૬, ૭, ૧૨, ૧૩ સુંદર છે. પણ પંક્તિ આઠમીમાંનો શબ્દ ‘રણ’ ઠીક નથી લાગતો. ‘જળ’ હોત તો? પંક્તિ ઓગણીસમીનો અર્થ બેસાડતાં પણ કંઈક તકલીફ પડે છે. માશૂકે તો નાયકને દિલ આપ્યું નથી, એટલે એ તેને પાછું આપી દેવાની વાત ન હોય. અને નાયકના દિલની વાત હોય તો એ એનું રહ્યું જ છે ક્યાં કે એ, મન થાય તો, તેને કોઈને આપી શકે, પાછું લઈ શકે કે પાછું આપવું હોય તો આપી શકે?

(‘આપણો કવિતા-વૈભવ’)