અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/શિકારીને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શિકારીને

કલાપી

રહેવા દે! રહેવા દે આ સંહાર યુવાન તું;
ઘટે ના ક્રૂરતા આવી; વિશ્વ આશ્રમ સંતનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ,
ઘટા ના ક્રૂર દૃષ્ટિ ત્યાંઃ વિશ્વ સૌંદર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના ના કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પમાવાને તો છાનો તું સુણ ગીતને
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે;
સૌંદર્યો પામતાં પ્હેલાં સૌંદર્ય બનવું પડે.

સૌંદર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને એ એનો ઉપભોગ છે.

રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું;
બધે છે આર્દ્રતા છાઈ તેમાં કૈં ભળવું ભલું.




કાવ્યપઠન • વિનોદ જોશી


આસ્વાદ: હું જાણું વિશે — જગદીશ જોષી

જે પંક્તિઓ લગભગ કહેવતની કક્ષાએ પહોંચીને લોકજીભે ચડી હોય (પંક્તિ ૯થી ૧૨) તે વિશે લખવું? પણ ઘણી વાર આ પંક્તિઓનું સત્ય અને એ સત્ય દ્વારા પ્રકટતું સૌંદર્ય અવતરણચિહ્નોેની વચ્ચે ભીંસાઈ જતું હોય છે — સમજણ વિનાના અતિ ઉપયોગને કારણે. utilisation દૃષ્ટિકોણથી સૌંદર્યનો ઉપભોગ કરી લેવો અને એના પોષણ દ્વારા સૌંદર્યનો ઉપભોગ કરવો એ બંને વચ્ચે રહેલી સૂક્ષ્મ ભેદરેખા અહીં કવિ કલાપી દોરી આપે છે.

પણ કવિના મનોમંથનને પામવા, એમના મંથનકાળનો સાક્ષાત્કાર કરવા માટે થોડી આડવાત કરીને પણ એકાદ નજર તારીખો ભણી નાખી લેશું? ૧૮૯૧માં કવિ લખે છે: ‘ઘટે ના ક્રૂરતા આવી…’ તેઓ ૧૮૯૬માં લખે છે: ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’ એ જ સાલમાં એક બીજું કાવ્ય પ્રારંભાય છે, આ રીતે: ‘તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો.’ અને ‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’ તેઓ ધરપત આપે છે: ‘ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં…’ આ કલાપી ભવિષ્યમાં આવું લખવાના હતા તેના બીજ રૂપે ૧૮૯૧માં — પાંચ વર્ષ પહેલાં — આ કાવ્યમાં સૌંદર્યને પામવાનો કીમિયો આપે છે.

દેહની અને દેહીની ઉઘાડી ચર્ચા કર્યા વગર સીધું જ કહી દે છે કે તીર મારવાથી પક્ષીનો દેહ મળશે, પક્ષી નહીં; સ્થૂળ મળશે, સૂક્ષ્મ નહીં. પંખી શું છે, ક્યાં છે. ક્યાં રહે છે? એને આપણા બાહુપાશમાં–સકંજામાં–કેમ લેશું? એને ખૂંચવી નથી લેવાનું, પામવાનું છે. પક્ષીનો પ્રભુ, એનું પ્રભુત્વ એના ગીતમાં છે. એ જો પામવું હોય તો ‘છાના’ રહીને એ ગીત સાંભળવાં પડે છે. વર્ડ્ઝવર્થની પંક્તિ: ‘Stop here, or gently pass.’ યાદ નથી આવતી?

‘અહિંસા’ શબ્દને ગાંધીજીએ પ્રચલિત કર્યો, પણ કાવ્યમાં તો કલાપી નામ વિના કદાચ પોતાને જ કહેતા હોય એમ કહે છે કે આ સૃષ્ટિ સંહાર માટે નથી. સમગ્ર વિશ્વની કલ્પના ‘સંતના આશ્રમ’ જેવી કરવી, કણ્વ ઋષિના અભયારણ્ય જેવી કરવી, એ તો લાગણીથી છલોછલ છલકાતા કલાપીને જ સૂઝે. સૌંદર્ય પાસે જવાની, સૌંદર્ય પામવાની, ખુદ સૌંદર્યત્વ પામવાની પહેલી શરત એ કે તમારે પોતે નાજુક થવું પડે. આપણે ઘણી વાર સૂક્ષ્મ હિંસા આચરતા હોઈએ છીએ. વિશ્વની શ્રી ઉપર આપણી દૃષ્ટિ–કુદૃષ્ટિથી કેટલીયે વાર ઉઝરડા પડ્યા હશે. ઉમાશંકર ‘વિશ્વશાંતિ’નો પ્રારંભ આ રીતે કરે છે:

વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી
પશુ છે પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!

એક મિત્રે હમણાં વાત કહી. ગાંધીજીના એક અંતેવાસીએ કહેલું, ‘પહેલાં મારે માટે માત્ર બે જ હતા; ઈશ્વર અને બાપુ. હવે તો બંને એક જ થઈ ગયા છે…’ વિશ્વમાં જ્યાં સર્વત્ર આર્દ્રતા છવાઈ હોય ત્યાં ક્રૂર કે કઠોર થવાનો કોઈ અર્થ ખરો? આર્દ્રતામાં આર્દ્ર થઈને, એકરૂપ થઈને, ભળવું એમાં જ ભલું છે — આપણું ને જગતનું. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે…’ આવી પંક્તિ લખનાર કલાપી જ ભવિષ્યમાં લખી શકે —

જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.

(‘એકાંતની સભા'માંથી)