અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગણપતલાલ ભાવસાર/ ‘દશરથનો અંતકાળ’માંથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘દશરથનો અંતકાળ’માંથી

ગણપતલાલ ભાવસાર

‘અંધારું બ્હાર, ને અંધારું અંતરે, અંધારું જીવન કાજ,
કૌશલ્યા, પ્રિયા! જાગતી હોય તો પેટાવ દીપકવાટ.’

‘એમ નથી નાથ! એ તો હતું અમ ક્ષીણ તારાઓનું તેજ,
અંધારું આવ્યું છે સૂરજ લાવવા,’ કહી પેટાવી દિવેટ.

‘ના, ના પ્રિયા, નથી એમ નથી, આવ આંહીં, બેસ મારી પાસ,
ચિંતાથી ધબકે હૈયું આ, ઉપર રાખ તું કોમળ હાથ.

ઓતરાદી પેલી બારી ઉઘાડ, છો આવતો આજ પવન.’
બારી ઉઘાડીને પાસે બેઠી નારી, નરનાં સ્થિર લોચન.

ધીરે ધીરે નભે વાદળ વીખરે, તારલા નીસરે બ્હાર,
છૂટતાં શીતળ લ્હેર સમીરની, નારી સમારતી વાળ.

ઊંઘમાંથી જાગી પિક જગાડતી બહુધા દ્વય તીર,
નારીનાં ફૂલ-શાં નેનથી ટપકે ઝાકળબિન્દુ લગીર.

‘સુણ પ્રિયા, જેમ કાંપતું જો પેલા દીપનું આખુંય અંગ,
અંતરનું તેમ કાંપે કપોત, જ્યાં સંભારું હું એ પ્રસંગ.’

દીવાને ઓલવી નાખ પ્રિયા, અરે! કોઈને દોષ દેવાય?
શિક્ષા ભયંકર કૃત્યની કારમી વણસહી ક્યમ જાય?’

ફૂંકથી નાચતા દીપને ઓલવી, શુષ્ક હોઠે રેડી નીર
સૂતેલ નરના; નારી આવી બેઠી ઓશીકે, ધીરે લગીર

ખોળે લીધું એનું શિર ને લલાટે ફેરવવા માંડ્યો હાથ,
તારાના તેજમાં આંખડી પ્રોઈને નરે શરૂ કરી વાત:

`તે સમેય સખી આવી જ રજની, દારુણ તે દી નિદાઘ,
દક્ષિણ વહ્નિથી કિંશુકે કિંશુકે લાગી હતી તે દી આગ.

શિરીષ આભલાની નીલિમા ધરી ફૂટી ફૂટી મલકાય,
માધવીકુંજમાં માધવીને એની ફોરમ ના સહેવાય.

તે દી હતી પ્રિયા માધવી પુષ્પ સમી તુંય, પિતાનું વન,
ફોરમે ભરતી; હું યુવરાજ; ને નિર્મળ તે દી ગગન.

તે રજનીમાં હતા આ જ તારલા મુક્ત આકાશને ઉર;
બાલિકા શી તે દી હતી આ સરજૂ, ન્હોતાં આ યૌવનપૂર.

તે દિન—જે દિનની કરું વાત હું—હતો જરીક ગરમ,
મેં ધાર્યું કે લાવ સરજૂતટનું આપણું મૃગયા-વન

જોઈ આવું જરી; મૃગલાં કેરો મળશે કોઈ શિકાર,
કરીશ તો, નહિ તો બેસી સુણીશ અંતરના ધબકાર

સરજૂ કેરા; એમ વિચારીને તીર ધનુષની સાથ,
પગપાળો સરજૂતીર પહોંચ્યો, વા મહીં વીંઝતો હાથ.

ગભીર સરજુ નીરમાં અરધો ડૂબતો રક્ત તપન
દેખાય, અંધારે ઝાંખાં પડી જતાં આમલી પીંપળી વન.

આભલાની સામે મૂકી ઉઘાડાં ગોપન અંતરદ્વાર,
ધીરે ધીરે નદીનીર વહી જતાં; દક્ષિણે દૂરનો પ્હાડ

તાલતમાલનું વીંઝે જટાજૂથ, પંખીતણા ટહુકાર
થાતા અચાનક એક પળે; કદી અન્ય અવાજ લગાર

આવતો ના જરી ભંગ કરાવવા તીણાં તમરાનાં ગાન;
સરજૂનીરમાં રાખી નજર હું ચાલતો'તો; કરી દાન

તિમિરથી અકળાતા આકાશને તારાને, સરજૂનીર—
–માંહી લપ્યા રવિદેવ સમસ્ત, ત્યાં સંકોરી શ્વેત શરીર

વનનાં ઝાડઝાંખરાંથી આવ્યો શશિ અચાનક બહાર.
નદીના નીરમાં તેજ દોડ્યું એનું, કોકિલ દે ટહુકાર.

મુખ મહીં જરી પાણી રેડ પ્રિયા, અંધારે ઘેર્યું ગગન,
તે દી હતો મધુ ચંદ્રમા આભમાં, વાયુથી વ્યાકુળ વન.

ધીરે ધીરે મેં કર્યો પ્રવેશ એ નીરવ વનની માંય,
કોઈ અતિથિને કારણ વનડે ઢાળી'તી શીતળ છાંય.

ચંદ્ર વિચિત્ર ત્યાં સાથિયા દોરતો, તમરાં ધરતાં ગાન,
માધવી ફૂલનાં છાબડાં ઠાલવી કરતી ફોરમ દાન.

પાંદડે પાંદડે નાચતાં કિરણ, ફૂલે ફૂલે ઊડે ગંધ,
છાયા-પ્રકાશના સંજોગમાં જાણે વનડું હર્ષથી અંધ,

દોડી આવે કદી સ્હેજ અચાનક ઉતલા સમીર લ્હેર,
ખરખર કરી પાન ખરી પડે નાચતી છાયાની સેર.

શ્રાન્તિ અનુભવી બેઠો ચઢી એક વડલાની ઊંચી ડાળ,
સામી દેખાતી'તી શ્વેત રંગને ભેટતી સરજૂપાળ.

આકાશમાં એકે વાદળી ના જડે, ઝાંખું તારા કેરું તેજ,
એક પછી એક પ્હોર વીતી જતા, લાગતું જાણે `સહેજ'.

આભનો અરધો પંથ પૂરો કરી પશ્ચિમે ઢળતો ચંદ,
વનના છાંયડા પૂરવ દિશમાં ધસતા સૂંઘીને ગંધ

ફૂટતાં ફૂલની. એવામાં સરજુ તીરપે સ્હેજ અવાજ,
`ભડ ભડ' કરી થયો અચાનક, ને મેં શિકારને કાજ

ધનુષની પર તીર ચઢાવી કાનપે તાણી કમાન,
મૃગલું ધારીને બાણ ફગાવ્યું, ને—અને હાય રે! રામ!

ઓ રે પ્રિય! જરા પાણી દેને મુખે, આંખપે ઢાંકી દે હાથ,
ઓ રે પ્રિયા! એ દૃશ્ય ઊભું મારી આંખની કીકીમાં આજ.

નહિ ક્‌હેવાય એ; કહું, અરે કહું; જેને માર્યું’તું મેં તીર
તે નવ મૃગલું, કૂંળી જટા મહીં નાચતો સ્નિગ્ધ સમીર

જેની, – જેવી રીતે વાયુ નાચે કૂંળા શેવતી વૃક્ષને ઉર—
છાતી મહીં મારું તીર ઝીલી જેનાં ઓલવાયાં આંખ નૂર,

એવો હતો કોઈ ઋષિકુમાર એ સરજૂ કેરે તીર.
એકીદોટે ત્યહીં દોડી ગયો અને માટીપેથી લીધું શિર

ખોળા મહીં એનું; મુખમાં રેડ્યું શીતળ સ્વચ્છ સલિલ,
ધીરે રહી એણે આંખડીઓ ખોલી, તૂટક બોલ્યો લગીર :

‘ભાઈ! તેં ભૂલથી કીધું આ, જાણું હું, પાસે પડેલું આ તુંબ
ભરીને દોડ તું જ્યાં ઘન ઝૂકતાં આમલીઓનાં ઝુંડ,

માતપિતા મારાં તૃષિત ત્યાં બેઠાં તૃષા એમની મટાડ;
મુજ શિર આંહીં મૂક માટી પરે; વિનતિ એક, લગાર

વાર કરીશ ના.’ એમ કહી એણે મીંચી દીધી ફૂલઆંખ.
પાસેના વડલે ઘુવડ બોલી ઊડ્યું વીંઝી દ્વય પાંખ.

ધ્રૂજતે હાથે એ તુંબડું ઝાલી, ભરીને નિર્મળ નીર,
અરધો અંધ હું શોધતો ચાલ્યો, છોડીને મૃત શરીર

મુનિકુમારનું; માતપિતા એનાં, અંધ ને પાછાં અપંગ
કાવડનાં દ્વય છાબડાંમાં જેમતેમ સમાવીને અંગ,

પુત્રપીઠે ચઢી પળતાં’તાં હિમે ગાળવા નશ્વર દેહ,
તૃષાથી વ્યાકુળ થઈને શોધવા મોકલેલો નીર ‘સ્નેહ—

અંકર કેરાને,’ જેણે તાણી સોડ સરજૂને સૂને તીર.
પુત્રનો ઘાતક ધ્રૂજતે પગલે પળતો આપવા નીર.


કચડાયાં પગ મારાની નીચે સૂકેલ વનનાં પાન,
શબ્દ એ સુણીને આતુર પિતાએ પાથર્યા સુણવા કાન

પરિચિત સ્વર, હું ધીરે ચાલીને ઊભો રહ્યો થોડે દૂર,
વૃદ્ધ બોલ્યો : ‘બેટા દૂર હતું પાણી? કહેતો’તો ને પાસે પુર

આવ્યું અયોધ્યાનું; સરજૂનું નીર કાંચનથી વધુ સ્વચ્છ
લાગી કાં આટલી વાર બધી?’ મૂઢ જેમ સુણી રહ્યો પ્રશ્ન.

જીભ બની મારી બોબડી ને થઈ આંખડી આંસુથી અંધ,
માટીની ઉપર બેસી પડ્યો, લાગ્યા તૂટવા નસના બંધ.

તુંબડું હાથથી છૂટી પડ્યું. દડ્યો ધોધવો દક્ષિણ દિશ,
‘બેટા શ્રવણ! તું બોલતો કાં નથી? શું તારું દુઃખતું શીશ?’

લાવ, દબાવું તો! પાણી પડી ગયું તેથી રડેછ શું કામ?’
તોયે ન બોલી શક્યો કે હું ‘માતા, ક્યાંથી હોય મારી હામ?

પુત્ર તારાનો હું ઘાતક છું. — તારા કોકિલને દીધું ઝેર!
ફૂલ તારાની મેં પીંખી પાંખડીઓ — કેમ લઈશ તું વેર?’

વેર લીધું, પ્રિયા! વેર લીધું! પ્રિયા કારમી એ હતી રાત,
આંસુએ ડુમાતા કંઠથી દ્વયને મેં કહી આકરી વાત.

સુણતાંવેંત જ, તોફાન આવતાં સૂકલ ઝાડવું કોક
ધબ્બ દઈને ધરતી ઉપરે તૂટી પડે તેમ શોક —

— તોફાનથી ઢળી ધરણી ઉપર મૃતપુત્રા વૃદ્ધ માત.
અને… અને… અને… હવે શું ક્‌હેવી પ્રિયા બાકી રહી વાત?

રડતા પિતાએ કહ્યું કે, ‘ભૂલથી દોષિત હે નરરાજ!
આંખના એક રતનને ફોડીને તેં અમને કર્યાં અંધ,

હું તને શું કહું? ઈશ્વર કરશે સમયે ન્યાયપ્રબંધ.’
અને… અને… બાકી શું રહ્યું, પ્રિયા! દિન મારો થયો શેષ,

તે દિન મેં જ્યમ માતપિતા અને પુત્રને માર્યાં’તાં લેશ
દયા ધરી નહિ અંતરે તેમ હું પળીશ આજ પ્રભાત;

તું રડતી નહિ પ્રિયા! જોને તારા ડૂબ્યા, પૂરી થઈ રાત.’
(કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો, સંપા. ધીરુ પરીખ, ૧૯૯૧, પૃ. ૫૩-૫૯)