અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી
કાજળકાળા આભ મહીંથી
ગોવિન્દ સ્વામી
કાજળકાળા આભમહીંથી
તારલા વાટે તેજ ચૂવે છે.
રજનીકેરાં શ્યામલ ચીરને
તારલા કેરું તેજ ધૂવે છે.
વલ્લરીનાં વૃન્દ આજ વસન્તે
જોબનના શણગાર સજે છે;
સૌરભની પિચકારી ભરી ભરી
ફૂલડાં રંગે હોળી રમે છે!
આજ જામી મધરાત; અટારીએ
એકલું એકલું હૈયું રડે છે;
અંતરના કોઈ સાથી વિહોણું
અંતર આજ ચોધાર રડે છે!
મદભર્યાં મુજ જોબનગીતો
ઝીલવા આજે કોઈ નથી રે;
ફાગણના મધુ–ફૂલ હિંચોળે
ઝૂલવા સાથે કોઈ નથી રે!