અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/રમ્ય આ એકાન્ત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રમ્ય આ એકાન્ત

ચંદ્રકાન્ત શેઠ

રમ્ય આ એકાન્ત છે,

સ્નેહ કેવો શાન્ત છે!

ચાંદનીની સોડમાં,

આજ દરિયો શાન્ત છે!

મેઘ ઘેરાયો છતાં,

વીજ કેવી શાન્ત છે!

મૌન મોજે ઊછળે,

શબ્દના સઢ શાન્ત છે!

ઘૂમટાની આડશે,
એ
ક દીવો શાન્ત છે!

પાંદડે ખળભળ ઘણી,

મૂળ ઊંડે શાન્ત છે!

એ અહીં આવી પૂગ્યાં

એટલે ઘર શાન્ત છે!

હું હવે મારો નથી,

કેટલું મન શાન્ત છે!



આસ્વાદ: રમ્યતાની પ્રશાન્ત અનુભૂતિ – વિનોદ જોશી

એકાન્ત અને એકલવાયાપણા વચ્ચે બહુ મોટો તફાવત છે. એકાન્ત તો ઇચ્છનીય પરિસ્થિતિ હોય છે. એકલવાયા હોવું એ પીડાનો વિષય છે. એકલવાયો માણસ સહવાસની ઝંખનામાં રિબાતો હોય છે. એકાન્તને સેવનારો ભીડ વચ્ચે પણ પોતાનું એકાન્ત શોધી લેતો હોય છે. એકાન્તની સ્થિતિએ પ્રશાન્તિને પ્રગટાવનારી સ્થિતિ છે. આંખો બંધ કરીએ અને આખુંયે વિશ્વ ઓઝલમાં સરી જાય પછી અંદરની યાત્રા શરૂ થાય. નિજનો સંગ સેવતું અસ્તિત્વ પછી પરમ શાંતિમાં લપેટાઈ જાય અને રમ્ય એકાન્તનો અનુભવ થવા લાગે. પ્રેમથી વિશેષ રમ્ય કશું હોતું નથી. પ્રેમ પણ પરમ શાંત એવા અનુભવ રૂપે અસ્તિત્વમાં સ્થિર થઈ જાય. રમ્યતાની આ પ્રશાંત અનુભૂતિથી ચડિયાતું બીજું શું હોઈ શકે? કવિએ શાંતિનું સ્તોત્ર રચવા માટે કશું લાંબું ભાષ્ય કરવું પડે તેવું અહીં થયું નથી. બહુ ઓછા શબ્દોમાં અને અત્યંત ટૂંકી પંક્તિઓમાં એમણે શાન્તતાના સર્ગો રચ્યા છે. એકાન્તની રમ્યતામાં સ્નેહનો પ્રશાંત અભિષેક દેખાડી આપતા કવિ અહીં એકએકથી ચડિયાતાં શાંતિરૂપો સર્જે છે. તે દરેક આમ તો બહુ લાઘવથી વ્યક્ત થયાં છે. પણ તેમાં ઊંડાણ અને ઊંચાઈ બન્ને છે. કવિ અહીં સામસામી બે પરિસ્થિતિઓ રચે છે. બન્ને વચ્ચે મોટાભાગે કોઈ ને કોઈ વિરોધ છે. પણ સરવાળે તેમાંથી કશુંક વિધાયક સાંપડે છે અને તે છે શાંત એવું અનુભવબિંદુ. કવિ આપણી જેમ જ જાણે છે કે ચાંદનીના વૈભવ તળે દરિયો કદી ચૂપ હોઈ શકે નહીં. આકાશના ઊંડાણે છેક દૂર દૂરની દરિયા પર નજર માંડતો ચંદ્ર વિપુલ જળરાશિને જે રીતે ખળભળાવી મૂકે છે તે શાશ્વત સત્ય હોવા છતાં કવિ અહીં દરિયા માટે ‘શાંત’ એવું વિશેષણ પ્રયોજે છે. પણ તે સકારણ છે. એક તો ‘ચાંદનીની સોડમાં’ એમ કવિએ કહ્યું છે. જો કેવળ ચંદ્રની દૃષ્ટિ હોત તો દરિયો શાંત ન હોત. પણ અહીં તો ચાંદની પોતાના પ્રભાવતળે દરિયાને સોડમાં લઈ લેતી હોવાની રોમૅન્ટિક અભિવ્યક્તિ છે. દરિયાનાં મોજાંની છટપટાહટને હવે ચાંદનીની સોડમાં ગયા પછી કશો ઉન્માદ રહેતો નથી. રહે છે કેવળ શાંતિ. દરિયાનું શાંત બનવું ચાંદનીની સોડમાં જ સંભવે તેવો સાવ સામા છેડાનો વ્યંગાર્થ અહીં સ્ફુટ થાય છે. એક મજાની વાત તો અહીં પ્રયોજાયેલ ‘આજ’ શબ્દમાં છે. દરિયો કંઈ રોજ રોજ શાંત હોતો નથી. એ તો કેવળ ‘આજ’ શાંત છે. એનું કારણ કેવળ ચાંદનીની સોડ છે એ સમજવું ક્યાં અઘરું છે? સ્પષ્ટ છે કે રોજ ચાંદનીની સોડ હોતી નથી. રોજ રોજ ક્ષીણ થતી ચાંદનીનો સંકેત કેવો સૂક્ષ્મતાથી અહીં થયો છે! એવી જ બીજી વાત ઘેરાયેલા મેઘ વિશે છે. જ્યાં સુધી વીજળી ચમકારા લેતી હોય ત્યાં સુધી મેઘ પ્રમાણિત થતો નથી. પણ અહીં તો કવિ વીજળી જેવી વીજળીને પણ શાંત કહે છે. તેનું કારણ શું છે? વીજળીને હવે પ્રતીતિ છે કે આ મેઘ અહીંથી ત્યાં ખસી જનાર મેઘ નથી. તેનામાં હવે તકલાદીપણું નથી. એ ઘેરાઈને સુઘટ્ટ બની ગયો છે અને એટલે હવે વીજળીને ભરોસો બેસી ગયો છે કે એ વરસશે. શ્રદ્ધા જ શાંતિનું સાચું કારણ છે. માત્ર મેઘનું ઘેરાવું એટલી વાત જ વીજળીને શાંત બનાવી દે છે. આખુંયે સાદૃશ્ય મનુષ્યસ્વભાવને બહુ લાક્ષણિક ઢબે અહીં ઉપસાવે છે. શબ્દ સંભળાય છે. મૌન નીરવ હોય છે. પણ અહીં કવિ વિરોધ રચતાં કહે છે કે મૌન મોજાંએ ચડીને ઊછળે છે અને શબ્દ શાંત છે. શબ્દ તો આજકાલની ઉપલબ્ધિ છે. મૌન જે કહી શકે છે તે ભાષાથી ક્યારેય કહેવાયું ખરું? મૌનની ભાષા તો સર્વોપરી ભાષા છે. મૌનના સમુદ્રમાં શબ્દ તો એક નાનકડી હોડીમાત્ર છે. કાલિદાસે ‘રઘુવંશમ્’ના પ્રારંભે એકરાર કરતાં લખ્યું છે કે આ તો કાગળની હોડીમાં દરિયો તરવાનો પ્રયાસ છે. અહીં આપણા કવિ પણ ભાષાને ચૂપ થઈ ગયેલી જુએ છે, કારણ કે એમને મૌનમાં જે અભિવ્યક્ત થઈ રહ્યું છે તેથી અદકેરું અભિવ્યક્તિનું બીજું કોઈ સ્વરૂપ લાગતું નથી. મૌન જેવા અમૂર્ત ભાવને ઊછળવાનો સંદર્ભ આપી કવિએ તેને ગતિશીલ બનાવી દીધું છે. શાંતિથી વાત સ્થાપવા માટે ગતિની વાત અહીં ખપમાં લીધી છે, તે સમજવા જેવું છે. હવે કવિ ઘૂમટાની આડશે રહેલા શાંત દીવાની વાત કરે છે. શાંત દીવો એટલે પ્રગટાવેલો ન હોય. દીવો કે જ્યોત સ્થિર હોય તેવો દીવો તે વિમાસણ થાય તેવું છે. પણ ઘૂમટાની આડશે હોવા છતાં તેના હોવાની પ્રતીતિ થાય છે તેનો અર્થ એ કે દીવો પ્રગટાવેલો હોવો જોઈએ. ઘૂમટાની આડશે ચહેરો હોય તેવું વગર કહ્યે જ સમજાઈ જાય. એ પણ સમજાઈ જાય કે એ કોઈ દાવાની શગ જેવી કાન્તિ ધરાવતો નમણો ચહેરો હોવો જોઈએ. કવિએ ‘આડશ’ની આણ આપીને એ ચહેરાના પ્રભાવને જાણે સંયત કરી લીધો છે. એક નજર પમ પડે તો ખળભળાટ મચી જાય તેવી એ દીપ્તિમંતતાને કવિએ શાંતતામાં પ્રસરાવી દીધી છે. પાંદડાં ભાગ્યે જ સ્થિર થઈ શકે છે. પાંદડાંનું ફરફરવું તો બરાબર પણ પાંદડાંઓ વચ્ચે માળા બાંધીને રહેનારાના ખળભળાટને પણ આપમે નજરઅંદાજ ન કરી શકીએ. આખું વૃક્ષ સચેતન દીસે છે. પણ એ જેના આશ્રયે વિકસ્યું છે તે મૂળ તો જાણે બેપરવાીની મુદ્રાથી નિજમાં નિમગ્ન, પ્રશાંત એવા ઊંડાણે જઈને ઠર્યાં છે. બહુ ખળભળતું દેખાતું કંઈ પણ તેના ઊંડાણમાં આટલું જ શાંત હોઈ શકે. પાંદડાં દેખાય છે. મૂળ દેખાતાં નથી. જે અગોચર છે તેને કોઈની સમીક્ષાનો ભય નથી. જે પ્રગટે છે તેનું કોઈ ને કોઈ વ્યાકરણ હોય છે. મૂળની શાંતિને પ્રમાણવા માટે વૃક્ષને વીંધવું પડે. મૂળને પાંદડું કદી નિર્બળ નથી બનાવી શકતું. કોઈના આગમન સાથે ઘરમાં હલચલ થવી જોઈએ તેને બદલે કવિ અહીં કહે છે : ‘એ અહીં આવી પૂગ્યાં, એટલે ઘર શાંત છે.’ સમજી જ શકાશે કે આ ‘એ’ કોઈ ખાસ વ્યક્તિ છે. જેનાં આગમન પૂર્વે અધીરાઈ અને અકળામણ હતાં. પણ એની આવતાની સાથે જ જાણે ઘર શાંત થઈ ગયું! કોઈના આવવાની સાથે જ કવિનો પોતાની જાત સાથેનો નાતો તૂટી જાય છે. આવનાર સાથે જોડાઈ જાય છે. પોતે પોતાના ન રહેતાં હવે જાણે હળવા ફૂલ બની જવાયું. સમર્પણ જ શાંતિનું કારણ બની ગયું, જાતમાંથી જાતને વેગળી કરી જાતને નિર્લેપ બનાવી દેવી તે પ્રકારની તટસ્થતા ધારણ કરતા કવિ બીજે છેડે કેવું ગાઢ તાદાત્મ્ય સાધે છે તે અહીં સહજ રીતે જ સમજાય છે. ખાલી થઈને સભર થવાનું ઉપનિષદસત્ય અહીં આવી ટચૂકડી પંક્તિઓ સાકર કરી આપે છે. આ રચના ઉતાવળે વાંચી જવા માટે નથી. ઠરીઠામ થઈને ચર્વણા કરવાથી એકેએક પંક્તિયુગ્મ તેની અવનવી સૌંદર્યકળાઓને આપણી સન્મુખ ઉઘાડશે. (કાવ્યપટ)