અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંત ડાંગોદરા ‘સંગીત’/ટહુકા અરે!
ટહુકા અરે!
જયંત ડાંગોદરા ‘સંગીત’
આભથી ખરતું પીંછું જોઈ સતત લાગ્યા કરે,
કોઈ હળવા હાથથી જાણે ઉદાસી ચીતરે!
રાત અંગેઅંગ વીંધાઈ ગઈ તો શું થયું?
ઘાવ ઝળહળતા મળ્યા છે ભેટમાં તો આખરે.
હું દટાઈને ફરીથી ઊર્ધ્વગામી થાઉં છું,
હુંય તારી જેમ બસ આવ્યા કરું સમયાંતરે.
આંખ ને બ્રહ્માંડ વચ્ચે ભેદ ભૂંસાઈ ગયો,
જોઉં છું તો જાત જાગીને ઉભય વચ્ચે તરે!
મૌન બળબળતું રહ્યું વૈશાખના તડકા સમું,
ને હજી કોકિલ કરે એકાંતમાં ટહુકા અરે!
કવિલોક, સપ્ટે.-ઑક્ટો.