અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કોરા કાગળ ઉપર
કોરા કાગળ ઉપર
દિલીપ ઝવેરી
કોરા કાગળ ઉપર
લાલ શાહીથી લખવાથી વસંત નથી આવતી
કે લીલી શાહીથી વરસાદ
ફાગણ લખવાથી ગુલાલી ગંધ નથી આવતી
કે અષાઢ લખવાથી હરિયાળી
ભૂરી શાહી સમુદ્રથી આકાશ લગી
કે કાળી શાહી અમાસ સુધી
નથી પહોંચતી
લોલક લખતાંક વશીકરણનાં સપનાં નથી છવાઈ જતાં
સાચ લખવાથી કાગળ કાચ નથી બનતો
લખેલું છેક્યા પછીય કશું ઢંકાતું નથી
ટપકું કરીને અટકી જવાથી મનમાં સંતાડી રાખેલું છતું નથી થતું
જેમ પાંખડી લખવાથી બાગ નથી ઊગતો
એમ જ કવિતા નામનો શબ્દ લખવાથી
કવિતા નથી થતી.
‘સાહચર્ય વાર્ષિકીઃ ૨૦૧૬’