અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિનો શબ્દ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિનો શબ્દ

દિલીપ ઝવેરી

એક વાર હું કાગળ ઉપર જંગલ લખું
એટલે એકેએક પાન, ઝાડ, જનાવર, કીડા, કાદવ, માટી, ટેકરીઓ
ઝરણાં, નદી, તળાવ
જ્યાં સુધી ફરી શાહીમાં બોળી
કલમથી બીજો અક્ષર ન પાડું
ત્યાં સુધી છે ત્યાંનાં ત્યાં જ રહે
મતલબ કે
ન હોય તો ન જ હોય
અને હોય તો મારે વશ

પછી હું આગ લખું તો બળી જાય.
અને પૂર લખું તો ડૂબી જાય.

કાનખજૂરો લખીને કોશેટામાં બાંધું નહીં તો પતંગિયું ઊડે નહીં
પાંદડાં પછી ફરકવું લખું નહીં તો પવન વરતાય નહીં
સાગસીસમની ટોચે સમડીબાજને બેસાડું નહીં તો આકાશ દેખાય નહીં
ગુફામાં લીટા તાણતો માણસ.
તાપણાની વાડ વટાવી જાય નહીં
રાની પશુની ચરબીમાં અંગારે ખદબદતું માંસ ચાવતો
સડતાં ફળોનો આસવ ચૂસ્યા કરે
એની આસપાસ ખિલકોલીઓ ખિલખિલાટ હસતી રહે
પગને અળસિયાં ગલગલિયાં કરતાં રહે
એનાં જટિયાંમાં જૂ સળવળતી રહે
ભેળી રાખેલી બેત્રણ બાઈયુંની બગલની બાસ એને બરક્યા કરે

જ્યાં લગી હેલિકૉપ્ટર લખી
દૂરબીન પકડાવી તમને ફેરવું નહીં
ત્યાં સુધી મેં કાગળ પર લખેલું જંગલ
જંગલ જ રહે.
સમર્પણ, નવેમ્બર